બુધવાર, 23 ઑક્ટોબર, 2024

નરેન્દ્ર મોદી ભારતના વડા પધાન બન્યા એ કર્મની બાબત છે, તેનો શું અર્થ કરવો જોઈએ ? - દેવદત્ત પટ્ટનાઈક

લોકપ્રિય જુવાળને પરિણામે નરેન્દ્ર મોદીનાં વડા પધાન બનવામાં કર્મના સિદ્ધાંતનો ફાળો છે? આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે પહેલાં કર્મ એટલે શું એ સમજવું જોઈશે.

તો કર્મ શું છે? અને એમ પણ લેખનાં શીર્ષકથી દોરવાયા વગર એ બાબત પણ સ્પષ્ટ કરી લઈએ કે આ લેખનો મુળ આશય પણ કર્મને સમજવાનો જ છે.

કર્મ શું છે?

એક નિશ્ચિતતા પર આધારિત અને બીજી અનિશ્ચિતતા પર આધારિત એમ બે રીતે કર્મને સમજવું જોઈએ. નિશ્ચિતતા પર આધારિત કર્મ સમજી શકાય તેવું છે અને તેથી વધારે પ્રચલિત છે. સીધી ભાષામાં તેને 'જેવાં સાથે તેવાં' કર્મ કહી શકાય. અનિશ્ચિતતા પર આધારિત કર્મ સમજવું મુશ્કેલ છે એટલે ઓછું પ્રચલિત છે. સીધી ભાષામાં તેને 'કેવાં સાથે તેવાં' કર્મ કહી શકાય.

જ્યારે યુરોપ અને અમેરિકામાં યોગ શિક્ષકો સારા કર્મ અને ખરાબ કર્મ વિશે વાત કરે છે, ત્યારે તેઓ 'જેવાં સાથે તેવાં' કર્મનો ઉલ્લેખ કરે છે, જે વાસ્તવમાં બાઈબલના વાક્ય - "... માણસ જે કંઈ વાવે છે, તે જ લણશે" (ગલેશન , 6:7, કિંગ જેમ્સ સંસ્કરણ) પર આધારિત છે.

પૃથ્વી પર દુઃખ એ દુષ્કર્મોનું પરિણામ છે, જેને સામાન્ય રીતે પાપ કહેવામાં આવે છે. હિંદુ અને બૌદ્ધ અને જૈન પરંપરાઓ પણ જે 'જેવું વાવશો તેવું લણશો' કહેવાયું છે તેમાં થોડો તફાવત છે. તેમાં પાપનો કોઈ વિરૂદ્ધાર્થ નથી. પાપની વિરુદ્ધનું કર્મ એટલે ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવું. ભારતીય પૌરાણિક કથાઓ એવાં પુણ્યની વાત કરે છે, જે સારાં નસીબમાં પરિણમે.

પરંતુ કર્મ વિશેની ગહન  સમજ આ લોકપ્રિય સમજને પડકારે છે અને નિશ્ચિતતાને અનિશ્ચિતતામાં બદલે છે. ગીતાનું વાક્ય આપણને કહે છે કે, "તમારું નિયંત્રણ ફક્ત ક્રિયાઓ પર જ છે, તેના ફળ પર નહીં" (ભગવદ ગીતા, 2:47). એટલે કે જેમ નિયંત્રણ છું તેમ નિશ્ચિતતા પણ ઓછી, પરિણામની ખાતરી મળે એવો કોઈ માર્ગ નથી.

કર્મ અને આત્મસંતોષ.

કેવાં સાથે તેવાં કર્મો નિયતિવાદ અથવા નિશ્ચયવાદ તરીકે ઉતારી પાડવાની વૃત્તિ છે. ઘણા વિદ્વાનો આને ભારતીય આત્મસંતુષ્ટતાનું કારણ કહે છે. પણ એ સમજ બરાબર નથી.. નિશ્ચયવાદની વિભાવના એવી ગ્રીક પૌરાણિક કથાઓમાંથી આવે છે જેમાં ઓરેકલ્સ ભવિષ્યવાણી દ્વારા જણાવે છે કે, નિયતિનાં દેહસ્વરૂપ ત્રણ બહેનો, ક્લૉથો, લચેસિસ અને અત્રોપોસ, (ગ્રીકમાં) મોઈરાઈ[1] - (અંગ્રેજીમાં) ફેટ્સ - પાસે નાયક માટે ભવિષ્યમાં શું લખાયું છે.

હિંદુ પરંપરામાં જ્યોતિષી આગાહી કરે છે કે શું થવાનું છે, શું નક્કી થઈ ચુક્યું છે અને ગ્રહો શું કહે છે.તે સાથે તે એવાં ચોક્કસ પરિણામને બદલવા માટે એક ઉપાય કે રસ્તો પણ બતાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ ઘટનાઓને કંઇ પણ છે નામ અપાય પણ તે આત્મસંતોષ માની લેવા માટેનું કારણ જરૂર છે. જો કે તે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયનું કાર્ય નીતિશાસ્ત્ર નથી.

જે બાબત ભારતીયોને આત્મસંતુષ્ટ બનાવે છે તે એ છે કે આપણી ક્રિયાઓનાં ફળ પર આપણું કોઈ નિયંત્રણ નથી એવાં સાંસ્કૃતિક ઘડતરને કારણે થતી સ્વીકૃતિ છે. પરિણામે લોકો બીજ, કોઈપણ પણ પ્રકારનાં બીજ, વાવવા બાબતે હતોત્સાહ રહે છે. આ ઉદાસીનતાને આપણે ભારતીય સહિષ્ણુતા તરીકે માર્કેટિંગ કરીએ છીએ. જેવા સાથે તેવાં આપણને કામ કરવા  પ્રેરિત કરે છે કારણ કે આપણે ફળની ઈચ્છા રાખીએ છીએ. તો પછી કેવા સાથે તેવાં કર્મો આપણી ફરજ અને જવાબદારીની ભાવનાને સતેજ કરીને કામ કરવા પ્રેરિત કરે છે.

વૈદિક ગ્રંથોમાં વર્ણવેલ કર્મ ભગવાન દ્વારા નહીં, પરંતુ આપણી પોતાની ક્રિયાઓ દ્વારા, ભૂતકાળથી નક્કી કરવામાં આવે છે, જે વિશે આપણને કોઈ જાણ નથી, કારણકે અહીં એવા ભૂતકાળની વાત છે આપણે આ જન્મમાં જોયેલ પણ નથી. આ રીતે આપણે અનુભવીએ છીએ તે દરેક ઘટના માટે, આપણે જે સંજોગોનો સામનો કરીએ છીએ, દરેક સદ્‍નસીબ અથવા કમનસીબ પરિસ્થિતિ માટે આપણે જવાબદાર છીએ. આનો અર્થ એ છે કે આપણે તેના માટે કોઈને દોષી ઠેરવી શકીએ નહીં. એ સંજોગોમાં ત્યારે સક્રિયતા કે ભલામણ માટે કોઈ અવકાશ જ નથી રહેતો. આમાં ક્રાંતિની તો કોઈ વાત જ નથી. વાત છે માત્ર, ભગવદ્‍ ગીતામાં જેને  નિષ્કામ કર્મ કહ્યું છે તે અપેક્ષા વિનાના કાર્યની. 

સાપેક્ષ સત્યો.

તો જ્યારે આપણે કહીએ છીએ કે મોદી કર્મના કારણે ભારતના વડાપ્રધાન બન્યા, ત્યારે આપણે ખરેખર શું કહેવા માગીએ છીએ? શું તેનો અર્થ એવો થાય છે કે મોદીએ એવી ક્રિયાઓ (બીજ વાવ્યાં) કરી જેના પરિણામે તેમની ચૂંટણીમાં જીત (ફળ) મળી? અથવા તેનો અર્થ એ છે કે તેમની જીત તેમના પોતાના કાર્યો (બીજ) તેમજ કરોડો લોકોના સકારાત્મક પ્રતિભાવ (માટી, પાણી, સૂર્યપ્રકાશ) નું પરિણામ છે, જેના પર મોદીનો કોઈ સીધો અંકુશ નથી? શું આ લાખો લોકો મોદી કરિશ્મા કે મોદીનાં વચનોને સ્વીકારી રહ્યા હતા કે પછી તેઓ કૉંગ્રેસના વારસાને ફગાવી રહ્યા હતા?

શું આપણે કહી શકીએ કે મોદી ભારતીય જનતા પાર્ટીના સત્તામાં ઉદયનું ફળ છે, જે પાછું લઘુમતી તુષ્ટિકરણની કોંગ્રેસની નીતિથી મોહભંગનું ફળ છે, એ મુજબનું કાર્ય - કારણ છે? પરિણામ શું નક્કી કરે છે? આગામી ચૂંટણીઓમાં આવાં જ પરિણામની ખાતરી કોઈ કેવી રીતે આપી શકે? શું આપણે પ્રશાંત કિશોર જેવા ચતુર વ્યૂહરચનાકારો સાથે રાખીએ તો ફળને નિયંત્રિત કરી શકીએ? શું આપણે મુકદ્દર કા સિકંદર, કે આપણા પોતાના ભાગ્યના માલિક બની શકીએ છીએ?

આપણે સત્ય માટે અવિરત દલીલ કરતાં રહી શકીએ?જોકે બધી દલીલોને અંતે આપણા પોતાનાં એવાં સાપેક્ષ સત્યો પાસે આવીને અટકી જશું જે આપણી પોતાની અસલામતી અને આપણી સ્વ પ્રત્યેની ભાવનામાં વણાઈ રહેલાં છે. જો આપણે માનીએ છીએ કે માણસો પોતાનું ભાગ્ય બદલી શકે છે, તો આપણે કર્મની લોકપ્રિય સમજ સાથે એકસૂત્ર થઈશું. જો આપણે માનીએ છીએ કે મનુષ્યો તેમના ભાગ્યને નિયંત્રિત કરી શકતા નથી પરંતુ માત્ર તેના પર પ્રતિક્રિયા આપી શકે છે, તો આપ્ણે ઓછા લોકપ્રિય કર્મ સાથે એકસૂત્ર થઈશું, અને પછી સાંત્વના માટે ગુરુ અથવા ભગવાન તરફ વળીશું.

કર્મ વિ. ધર્મ.

તો શું આપણે કર્મોને પ્રોત્સાહિત કરવાં જોઈએ? કે આપણા શ્રમનાં સંભવિત ફળને? કે પછી બીજમાં આપણી શ્રદ્ધાને? જ્યારે મોદી વિવિધ રાજ્યોની ચૂંટણીઓમાં ભાષણો આપતા ફરે છે, ત્યારે તેમને શું પ્રેરિત કરે છે: ચૂંટણીમાં વિજય કે તેમની પાર્ટી પ્રત્યેની જવાબદારી? શું આ ચિત્રપટલ પર ભારતીયોનું કલ્યાણ ક્યાંય આવે છે? શું કરવું એ યોગ્ય બાબત છે? ધર્મ એટલે શું?

લોકો ઘણી વાર એવું માની લે છે કે પુણ્યને અનુસરતા સારા કર્મ એ ધર્મ સમાન છે. આ માન્યતા યોગ્ય નથી. કૃષ્ણ કુરુક્ષેત્રમાં ધર્મની સ્થાપના માટે સખત મહેનત કરે છે; પણ તે ગાંધારી દ્વારા શ્રાપ પણ પામે છે.  કૃષ્ણ જે કરવાનું કહે છે તે બધું જ અર્જુન કરે છે, તેમ છતાં તેના બધા પુત્રોને તો તે ગુમાવે જ છે.

કર્મના નિયમો કુદરતની લય, ઋતુચક્ર, મુજબ વ્યવહાર કરે છે. એ વ્યવહારને વ્યક્તિગત ક્રિયાઓ અને અનુભૂતિ સાથે કોઈ નિસબત નથી. ધર્મને વ્યક્તિગત પસંદગીઓ અને સામાજિક માંગણીઓ સાથે વધુ સંબંધ છે. ધર્મ એ "જે સારું ફળ આપે એવું સારું બીજ" નથી. ધર્મ એ એવી ક્રિયાઓ છે જે આપણા માનવ સ્વભાવ અને આપણા માનવીય સંદર્ભ સાથે સૌથી વધુ સંલગ્ન હોય છે; જેનાં ફળો અનિશ્ચિત છે, અને નકારાત્મક પણ હોઈ શકે છે.

કર્મ ઘણીવાર આપણને એવી સ્થિતિમાં મૂકે છે જ્યાં આપણે નૈતિક અને ચારિત્ર્ય સંબંધી દુવિધાઓ - ધ્ર્મ સંકટ - અનુભવીએ છીએ. અર્જુનને સમજણ નથી પડતી કે તેણે એક  યોદ્ધા તરીએ પોતાનો સ્વજનોની હત્યા કરવી જોઈએ, કે જીવનના યુદ્ધના મેદાનમાંથી ભાગી જનાર સંન્યાસી બન્વું જોઈએ. શું સારું છે? કૃષ્ણ તેને તેમનું કામ કરવા, ભૂતકાળની પસંદગીઓની ઉપરાછાપરી બનતી રહેતી શૃંખલાના પ્રભાવને તાબે થવા અને તેનાં સંભવિત ભાવિ પરિણામોના આધારે પોતાનો ન્યાય ન તોળવા કહે છે.

દેવ વિ. અસુર.

તેમ છતાં મોદીએ ભવિષ્યના પરિણામો વિશે વિચારવાની જરૂર છે - ભાજપની જીત, લોકસભા પર સંપૂર્ણ નિયંત્રણ, અમલદારશાહી અને ન્યાયતંત્ર અને મીડિયા પર પણ કાબુ સુનિશ્ચિત કરવા માટે છે કે પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈને બિન-નિવાસી ભારતીય સુધીની દરેકની આકાંક્ષાઓને સંતોષે છે. દરેક વ્યક્તિ કે જેઓ મન કી બાત પર તેમના સંગીતની રાહ જુએ, જવાહરલાલ નેહરુના વારસાને ઢાંકી દે તેવી તેમની પોતાની ઇચ્છા માટે. શું તે ફળને ધ્યાનમાં લીધા વિના કાર્ય કરી શકે છે? શું તેને તેની આસપાસનાં પારિસ્થિતીકી તંત્રની મંજૂરી છે? ભલેને કોઈ બદદુઆ આપે. કે વિજય જે કંઈ ભોગ માગે એવું બધું જે કંઇ કરવાની જરૂર છે તે બધું કરવા તૈયાર તેઓ છે?

બૌદ્ધ, જૈન, હિન્દુ ભારતીય પૌરાણિક કથાઓમાં ઈસ્વર દ્વારા આખરી ન્યાય તોળવાના દિવસ (અરબીમાં, કયામત)નો ખ્યાલ નથી . ભગવાન કોઈ ન્યાયાધીશ નથી. અવૈયક્તિક સ્વભાવ સર્વોચ્ચ છે. કર્મમાં ભગવાનનો સંદેશ આપનાર કોઈ પૈગમ્બર કે મસીહા નથી. ત્યાં માત્ર (નગ્ન તપસ્વી) દિગંબર છે, , જે કર્મને ભૂતકાળના ફળ અને ભવિષ્યના બીજ તરીકે પ્રગટતાં તરંગો તરીકે જુએ છે. કૃષ્ણ કહે છે તેમ માત્ર અસુર જ એવુંં વિચારે આ તરંગોની રચના કરી તેણે કરી છે. અસુર જ માની લેકે જે તે પ્રકૃતિને નિયંત્રિત કરે છે. અસુર એમ પણ ધારી લે છે કે વિશ્વ તેના માટે જ અસ્તિત્વમાં છે, કે તેના માટે જ અસ્તિત્વમાં હોવું જોઈએ.

એક દેવ તો માને છે કે તે એવી દુનિયામાં જ્યાં કાર્યરત પરિબળો તેના નિયંત્રણની બહાર છે. તેને જે ફળ મળે છે તેનો તેણે કૃપાપૂર્વક સ્વીકાર કરવાનો રહે છે. એવું કહેવાય છે કે, જ્યારે બીજ વાવવાની વાત આવે ત્યારે દેવ પાસે હજુ પણ પસંદગી હોય છે. જો તેની વાવણી તેના પોતાના સ્વ (જીવાત્મા) ને સાકાર કરવાની ઈચ્છા દ્વારા નક્કી કરવામાં આવે છે, તો તે ચિંતામાં ફસાઈ જશે, અને દરેક સમયે મૃત્યુના ડરથી ડરશે, કારણ કે તેની આંખ હંમેશા તે ફળ તરફ રહેશે જે તેને માન્યતા આપશે. જો, તેમ છતાં, તેની વાવણી બીજા (પર-આત્મા) ના કલ્યાણ પર આધારિત છે, તો તે પોતાની જાતને બધી ચિંતાઓમાંથી મુક્ત કરશે, અને શાંતિની શોધ કરી શકશે છે, કારણ કે તે સમજે છે કે તે બીજાને, અથવા તો ફળને, નિયંત્રિત કરી શકતો નથી.

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૩ ઓક્ટોબર ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો