સક્ષમ લોકો ટકી રહી શકે છે અને બિનસક્ષમ લોકો મૃત્યુ પામે
છે. જે શક્તિશાળી અથવા બુદ્ધિશાળી હોય છે તેમને ખોરાક મળી રહે છે. બાકીના ભૂખે
મરતા હોય છે. એમાં કોઈ કાયદો,
કોઈ સત્તા અને કોઈ નિયમન નથી ચાલતાં. આને 'મત્સ્ય ન્યાય'
- મોટી માછલી નાની માછલીને ખાય - કહેવામાં આવે છે, જે જંગલના કાયદાના વૈદિક સમકક્ષ છે. આ પ્રકૃતિની પુરાણોમાં
ખુલ્લાવાળે નગ્ન દોડતી જંગલી દેવી,
કાલી તરીકે
કલ્પના કરવામાં આવે છે.
માનવો માનવ વસાહત માટે જંગલને ખેતરો અને ગામડાઓમાં ફેરવવા માટે જંગલને કેળવે છે. અહીં વનસ્પતિ, પ્રાણીઓ કેળવાયેલાં હોય છે અને માનવીઓ સુદ્ધાં નીતિ (નિયમો); રીતિ (પરંપરા); આચારસંહિતા (ફરજો અને અધિકારો) દ્વારા બંધાયેલા. અહીં, નબળા અને બિનસક્ષમ લોકોની સંભાળ રાખવાનો પ્રયાસ છે. આ સંસ્કૃતિ અથવા સભ્યતાનું લક્ષણ છે, જેને લીલી સાડી પહેરેલી, ફૂલોથી વાળ ગુંથેલી અને ઘરની સંભાળ રાખતી, વિનમ્ર દેવી, ગૌરી, તરીકે જોવામાં આવે છે.
રામાયણ રામની કથા કહે છે જે અયોધ્યાથી - માનવ વસાહતથી, ગૌરીના રાજ્યમાંથી - જંગલમાં -કાલીના રાજ્યમાં- સ્થળાંતર કરે છે. મહાભારત પાંડવોની કથા કહે છે જેઓ જંગલમાં જન્મે છે, પછી હસ્તિનાપુર આવે છે, અને પછી શરણાર્થી તરીકે જંગલમાં પાછા ફરે છે, અને પછી ફરી એકવાર ઇન્દ્રપ્રસ્થ બનાવવા માટે પાછા ફરે છે, પછી ફરીથી વનવાસીઓ તરીકે પાછા ફરે છે, અને અંતે, યુદ્ધમાં વિજય મેળવી અને સફળ શાસન વ્યવસ્થા સ્થાપ્યા પછી નિવૃત્ત થઈને જંગલમાં પાછા ફરે છે.
બાળપણમાં, બ્રહ્મચર્યાવસ્થામાં, આપણને સમાજમાં રહેવાની તાલીમ આપવામાં આવે છે. પછી આપણે ગૃહસ્થાશ્રમમાં ગૃહસ્થ
તરીકે સમાજમાં યોગદાન આપીએ છીએ. પછીથી જંગલ - વાનપ્રસ્થ - તરફ પ્રયાણ કરવાની
અપેક્ષા રાખવામાં આવે છે, અને પછી
સંન્યાસી જીવન (સંન્યાસાશ્રમ) આવે છે,
જ્યારે આપણે જંગલની બહારની દુનિયાની શોધ કરીએ છીએ.
બૌદ્ધ સર્વાસ્તિવાદિનનાં ભાષ્ય, અભિધર્મ
મહાવિભાષશાસ્ત્ર અનુસાર, વન 'નિર્વાણ'
શબ્દની ઘણી વ્યુત્પત્તિઓમાંની એક છે. નિર્વાણ બૌદ્ધ શાસ્ત્રો દ્વારા
સુચિત ઓળખનો અંત છે, જે ધમ્મ, બૌદ્ધ
માર્ગનું, લક્ષ્ય પણ છે.
રામ શહેરમાં રહે છે, અને રાવણ પણ. પરંતુ રામ નિયમોનું પાલન કરે છે. રાવણ નિયમોની પરવા કરતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો, રાવણ એક નગરવાસી હોવા છતાં મત્સ્ય ન્યાયનું પાલન કરે છે. તે અધર્મ છે. જો રાવણ પોતાનો માર્ગ મેળવવા માટે બળનો ઉપયોગ કરે છે, તો દુર્યોધન પોતાની ચાલાકીનો ઉપયોગ કરે છે, અને બીજા કરતાં સ્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ અધર્મ છે. ધર્મ એ છે જ્યારે આપણે બીજાના ભલા માટે કાર્ય કરીએ છીએ. તેનો નિયમો સાથે કોઈ સંબંધ નથી. તેથી જ નિયમ તોડનાર કૃષ્ણ પણ ધર્મનું પાલન કરી રહ્યા છે, કારણ કે તે બીજાની સંભાળ રાખે છે.
વનમાં, દરેક વ્યક્તિ સ્વ-બચાવ દ્વારા પ્રેરિત થાય છે. ફક્ત મનુષ્યો પાસે જ બીજાઓને ટકી રહેવા અને સમૃદ્ધ થવા માટે સક્ષમ અને સશક્ત બનાવવાની શક્તિ છે. આમ કરવું એ ધર્મ છે. તેનો નિયમો કે પરંપરા સાથે કોઈ સંબંધ નથી. ધર્મ બીજા પ્રત્યે સંવેદનશીલ રહેવા અને તેમની સંભાળ રાખવા વિશે છે. આપણે જંગલમાં હોઈએ કે શહેરમાં હોઈએ, આટલું તો કરી શકીએ છીએ. તેથી વનમાં રહીને, કૃષ્ણ ગોપિકાઓ સાથે નૃત્ય કરે છે, અને એ સમયે વનમાં જવું ગોપીઓ માટે અસુરક્ષિત અનુભવવા જેવું હોવા છતાં કૃષ્ણ તેમને સલામતીનો અનુભવ કરાવે છે.
વન (કાલી - પ્રાણી વૃત્તિ) અને ખેતર (ગૌરી - માનવ ક્ષમતા)ની કદર કર્યા વિના ધર્મ વિશેની કોઈપણ ચર્ચા અધૂરી રહે છે.
- speakingtree.inમાં ૮ જૂન, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Forest and Field in Dharma Discussionનો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો