બુધવાર, 26 ફેબ્રુઆરી, 2025

વૈવિધ્યને ભોગે સમાનતા? - દેવદત્ત પટ્ટનાઈક

 

મારો મિત્ર ઘણીવાર એક ઉર્દૂ શેર ટાંકે છે:

ईश्क़की चोट तो पडी है हर दिल पर एक समान

झर्फके फर्कसे आवाज़ बदल जाती है 

તેનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ પ્રેમથી પ્રભાવિત થાય છે, પરંતુ વ્યક્તિ કઈ સામગ્રીથી બનેલી છે તેના આધારે તેની પ્રતિક્રિયા અલગ અલગ હોય છે.

સમાનતા એ છે કે દરેક વ્યક્તિ પ્રેમનો પ્રતિભાવ આપે છે. વૈવિધ્ય એ છે કે પ્રતિભાવ સમાન નથી હોતો. જો કે, લોકપ્રિય ચર્ચામાં, મોટા ભાગે, આપણે સમાનતા માટેની માંગણીઓ અને વૈવિધ્યના સ્વીકાર વચ્ચે વિશાળ અંતર જોઈએ છીએ.

સમાનતાને ઘણીવાર એકરૂપતા સાથે ગુંચવી દેવાતી હોય છે. દરેક વ્યક્તિએ સમાન સ્તરનું દુઃખ અને સહાનુભૂતિ અનુભવવી જોઈએ અને મુદ્દાઓ પર સમાન રીતે વિચારવું જોઈએ. આ ચર્ચાઓ આપણને આપણી સમજણ સુધારવા કરતાં ઘાંટાઘાટ કરીને ચર્ચામાં જીતવા તરફ વધારે દોરે છે. જ્યારે કોઈ ચર્ચાઓ ન હોય, કોઈ વાત સાંભળવી ન હોય, ત્યારે મોરચાઓ અને હડતાલો હાવી બની જાય છે. ઘણી વાર તો તેનાથી પણ ખરાબ પરિણામરૂપ હિંસક કૃત્યો થાય છે જે સામેવાળાને એકસમાન દૃષ્ટિકોણને તાબે થવા માટે ડરાવીને પણ દરેકને સમાન બનાવે છે.

બૌદ્ધિક વિવિધતાનો વિચાર રાજકીય રીતે સાચો છે. જોકે, રોજિંદા જીવનમાં તેનું પાલન કરવું ખૂબ જ મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે, અન્ય ધર્મ કે LGBTQ જેવી બાબત પર અલગ વિચારસરણી હોવાને કારણે કોઈ આવીને અનેક નિર્દોષ લોકોને ફૂંકી મારે છે. આપણે શા માટે એવું માની લઈએ છીએ કે સભ્ય નાગરિક સમાજનો દરેક સભ્ય બરાબર એક સરખી પ્રતિક્રિયા આપશે? જ્યારે અન્ય લોકો આપણી જેમ પ્રતિક્રિયા આપતા નથી ત્યારે આપણે શા માટે તેમનાથી નારાજ થઈએ છીએ?

કેટલાક લોકો નિર્દોષ લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરશે; બીજાં કેટલાંક લોકો આ ઘટનાને કોઈ ધાર્મિક યુદ્ધના કૃત્ય તરીકે લાયક ઠેરવે છે. કેટલાક લોકોને લાગે છે કે તે ધાર્મિક શિક્ષણને કારણે થયું હતું; કેટલાક લોકોને લાગે છે કે તે પોતાના રફ થતી નફરતને કારણે પેદા થયેલ સમલૈંગિકતાનો ભય ને કારણે હતું.  કેટલાક લોકોને લાગે છે કે તે એક ન્યાયી માણસનું કૃત્ય હતું; કેટલાક લોકોને લાગે છે કે તે પાગલ માણસનું કૃત્ય હતું. કેટલાક તેનો દોષ ઇસ્લામ પર ઢોળે આપે છે; કેટલાક તેને અમેરિકામાં બંદૂકોની સરળ સુલભતાને દોષિત માને છે. સામાજિક વાતાવરણમાં ગરમીનો પારો ઊંચો જતો જાય છે, કેમકે કોઈપણ વ્યક્તિ 'યથોચિત' રીતે નથી વિચારી રહી.

દલીલ યોગ્ય છે એટલે આપણે દલીલને વળગી રહીએ છીએ એવું નથી, કેમકે તે આપણી આત્મસન્માનની ભાવનાને માન્યતા આપે છે. હિન્દુ અને બૌદ્ધ ફિલસૂફીમાં આને 'આસક્તિ' કહેવામાં આવે છે. આને કૂતરૂ જેમ હાડકાને વળગી રહે છે તેમ કોઈ વિચારને વળગી રહેવું એવું કહી શકાય. જોકે તે સચોટ રૂપક નથી, કારણ કે આપણા હાડકાને વળગી રહેવા કરતાં આપણે માનવીઓ ઇચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ એક જ હાડકાને વળગી રહે. જીવનનો અર્થ એનકવિધ અવાજો સાંભળવાનો અને તેમાંથી પસંદગીઓ કરવાનો છે. કોઈ પણ પસંદગી ક્યારેય દરેકને ખુશ ન કરી શકે. દરેક પસંદગીનું કોઈને કોઈ પરિણામ તો આવતું જ હોય છે. એ અને પરિણામો આપણી પસંદ મુજબનાં ન પણ હોય. ભારતીય ફિલસૂફી આ માર્ગ પર ચાલે છે અને નિયમો અને અધિકારોના ઉપદેશોથી દૂર રહે છે.આ કારણે ભારતીય ફિલસૂફી વૈવિધ્ય તરફ વધુ અને સમાનતા તરફ ઓછો ઝુકાવ રાખે છે.

ધાર્મિક સંપ્રદાયો તેમના અનુયીઓના ટોળાને એકરૂપ બનાવવા માટે સખત મહેનત કરે છે. તેથી, આ સંબંધને ભરવાડ અને ઘેટાં જેવા શબ્દોના પ્રયોગની ઉપમા અપાય છે. ભરવાડોને પાછાં બકરાં કે વરુ પસંદ નથી. પરંતુ બકરા અને વરુ વિનાની દુનિયા શક્ય નથી. તેથી, ભરવાડ અને ઘેટાંએ સાવચેત રહેવું પડે છે, વાડ બનાવવી પડવી છે. બંદૂકો પણ રાખવી જોઈએ? કેટલાક અમેરિકનો એવું માને છે. પરંતુ કેટલાક ભરવાડો તો પછી ઘેટાંને જ મારવા બેસી જાય છે. તો પછી શું? ભરવાડો પર પ્રતિબંધ મૂકવો, બંદૂકો પર પ્રતિબંધ મૂકવો, ઘેટાં-દ્વેષીઓ અને ઘેટાંવૃતિનો દુરુપયોગ કરનારાઓ પર પ્રતિબંધ મૂકવો. જ્યાં દરેક સમાન હોય એવું ઘેટાંઓનું સ્વર્ગ કેમ કરીને બને?

ઘેટાંનો પાલક ઘેટાં ઉપરનાં ઉન તરફ ધ્યાન કેન્દ્રિત કરતી વખતે એ ભૂલી જાય છે કે બધા ઘેટાં સમાન નથી હોતાં. તેમની વચ્ચે પણ પદાનુક્ર્મ હોય છે: જબરાં ઘેટાઓ સામાન્ય અને નબળાં ઘેટાં પર આધિપત્યની માંગ કરશે. શું કર્મઠ ભરવાડ એવી કુદરતી વૃત્તિ શોધવાની કોશિશ કરશે જે 'સમસ્યારૂપ' છે કે પછી પાળતુ પ્રાણી જેવું પરિસ્થિતિ (કે આદેશો)ને અનુકૂલન, વધારે શિક્ષણ, કે વધુ (કડક) કાયદાઓની માગણી કરશે? મૂળ સમસ્યા સમજ્યા વિના પરિવર્તનની, અને નિયંત્રણની, ઝંખના ઘણીવાર આપણને ક્રૂર માતાપિતા બનાવે છે.

  • મિડ - ડે માં ૧૯  જૂન૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Equality & loss of diversity નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો