સ્વામી દિવ્યાનન્દ
માનવ સભ્યતાના ઉદયકાળથી જ
જેમ જેમ માનવી વિવિધ સમુહોમાં રહેવા લાગ્યો તેમ તેમ તેને કુટુંબથી લઈને કોઈ પણ
પ્રકારનાં નાનાંથી માડીને મોટી કક્ષાનાં કાર્યસ્થળ પર ટકી રહેવા, એકબીજાનો સહકાર મેળવવા તેમ જ જીવનનાં વિવિધ
પાસાંઓમાં પ્રગતિ માટે ભાવનાત્મક હુંફની સમજ વિકસતી રહી છે. દરેક પ્રકારનાં
કાર્યસ્થળ પર એક સાથે રહેતી વ્યક્તિઓ જન્મજાત પ્રકૃતિ, સ્વભાવ,
વર્તણૂક, દૃષ્ટિકોણથી લઈને વિચાર પ્રક્રિયા
સુદ્ધાં સુધી સાવ અલગ અલગ જ હોય છે. દરેક સંસ્થાની કાર્યશૈલી તેમાં રહેલી વ્યક્તિઓ
વચ્ચેના આપસી સંબંધો અને તેમના વચ્ચે સતત થતાં રહેતાં વ્યક્ત, કે અવ્યક્ત, આદાનપ્રદાનથી પ્રભાવિત થતી હોય છે. દરેક
વ્યક્તિ અલગ અલગ જ હોય એટલે તેમની વચ્ચેનાં કોઈ પણ આદાનપ્રદાનની ગતિશીલતા પણ,
સ્વાભાવિકપણે, ખુબ સંકુલ અને અણધારી હોય છે.
હિંદુ પરંપરા માનવીને
સાત્ત્વિક, રાજસિક અને તામસિક એમ
ત્રણ પ્રકારમાં વહેંચે છે. સાત્ત્વિક વ્યક્તિ પ્રમાણિક, ન્યાયપ્રિય,
સત્યાચરણ તેમ જ પરગજુ હોય છે. સફળતા તેમને છકવી નથી દેતી અને
નિષ્ફળતા તેમને નિરાશ નથી કરી શકતી. રાજસિક વ્યક્તિ બહુ કર્મનિષ્ઠ, મહત્ત્વાકાંક્ષી, જોમદાર અને સાધન સંપન્ન જીવન વ્યતિત
કરનારી હોય છે. તામસિક પ્રકારની વ્યક્તિઓ આળસુ, અવાસ્તવિક
માન્યતાઓ ધરાવતી, નીતિવાન ધોરણો ભલે ન પળાય પણ કરવું તો ધાર્યું
એમ માનનારી, ઝઘડાખોર હોય છે. વાસ્તવિક વ્યવહારમાં
કોઈ વ્યક્તિ પૂર્ણપણે કોઈ એક જ પ્રકારના ગુણ ધરાવતી નથી હોતી,
પણ જુદા જુદા ગુણોનાં સમ્મિશ્રણ ધરાવતી હોય છે. કાર્યસ્થળ પર આપસી
સંબંધો અને વ્યવહારો કેવા રહેશે તે આ પ્રકારના મિશ્ર ગુણો ધરાવતી વિભિન્ન વ્યક્તિઓ
વચ્ચે કેવી એકબીજામાં કેવી પ્રક્રિયા થશે તેના પર આધાર રાખે છે.
જો કાર્યસ્થળ પરના આપસી
માનવ સંબંધોમાં વધારે પડતો તણાવ, વીતરાગ,
વિસંવાદિતા રહે તો કાર્યસ્થળમાં તંદુરસ્ત વાતાવરણ નથી રહી શકતું.
ઉપરી અધિકારીઓમાં રાજસિક કે તામસિક ગુણોનું પ્રમાણ વધારે હોય તો તેમની નીચે કામ
કરનાર લોકો માટે કામ એક વેઠ બની જાય છે. જો નીચેના લોકો વધારે રાજસિક કે તામસિક
હોય તો કાર્યસ્થળમાં સહયોગ અને સંવાદની ઉણપથી લઈને ગેરશિસ્તપૂર્ણ વર્તન જોવા મળે.
તેને પરિણામે આવાં કાર્યસ્થળોએ વાતાવરણ હંમેશાં તંગ કે કંકાસમય રહે છે.
હિંદુ આધ્યાત્મિક પરંપરા
તો વ્યક્તિને નીચલી પાયરના ગુણોમાંથી ઉપલી પાયરીના ગુણો તરફ જવાનો માર્ગ બતાવે છે.
પરંતુ આ બધા માર્ગ મોટા ભાગે વ્યક્તિગત વધારે હોય છે. તેમ છતાં, પણ સંસારમાં બહુ જ ઓછાં લોકો પોતના
જીવનકાળમાં ઉપલી પાયરીના ગુણો સુધી પહોંચી શકે છે. કાર્યસ્થળનું વાતાવરણ તો એ
કાર્યસ્થળ પરનાં લોકોના ગુણોના સામુહિક અને ગતિશીલ વાણી
વિચાર અને વર્તનનાં આદાન પ્રદાનની નિપજ હોય છે. એટલે ત્યાં લાંબા ગાળે ટકી શકે
એવું ઉપલી પાયરીની કક્ષાનું પરિવર્તન લાવવું બહુ મુશ્કેલ જ લાગે. આ પરિસ્થિતિમાં
ઉપરથી લઈને નીચે સુધીની વ્યક્તિએ કાર્યસ્થળનાં વાતાવરણમાં જે (અને જો) પરિવર્તન
લાવવું હોય તો તે (અને તો) એ પરિવર્તનની શરૂઆત પોતાથી જ કરવી રહી.
આ સંદર્ભમાં, વેસ્ટમિનિસ્ટર ઍબીની ક્રિપ્ટ (દેવળનું શબ
દફન માટેનું ભોંયરૂં)ની અંદર એક એંગ્લિક્ન બિશપની સમાધિ પર લખાયેલ લખાણ ખાસ સમજવા
જેવું અને કાયમ માટે મનમાં ઉતારી રાખવા જેવું છેઃ
હું જ્યારે નાનો અને
મુક્ત પંખી હતો, મારી કલ્પનાઓની કોઈ
સીમાઓ નહોતી, ત્યારે મેં સ્વપ્ન સેવ્યું હતું કે હું દુનિયા
બદલી નાખીશ. હું જેમ મોટો અને સમજુ થતો ગયો તેમ મને સમજાતું ગયું કે દુનિયા તો
બદલી શકે તેમ નથી. એટલે મેં મારી નજર થોડીઘણી ટુંકાવી નાખી. હવે હું મારાં કુટુંબ,
અને મારાં નજદીકનાંને બદલી લેવામાં પણ ખુશ હતો. પણ તે પણ બદલતાં
નહોતાં.
આજે જ્યારે હું મારી
મરણપથારીએ છું ત્યારે મને અચાનક જ ભાન થાય છે કે જરૂર તો મારે મને બદલવાની હતી, તો હું મારાં કુટુંબને બદલી શક્યો હોત.
તેમની પ્રેરણા અને પ્રોત્સાહનથી મારા સમાજ કે દેશને પણ બદલી શક્યો હોત. અને કોને
ખબર, કદાચ દુનિયા પણ બદલી શક્યો હોત.
પોતાની જન્મજાત પ્રકૃતિને
બદલવી એ કંઈ સહેલી બાબત તો નથી જ. એ કામ તપસ્યા માગી લે છે. એકાંતમાં ધ્યાન
ધરવું એ જ માત્ર તપસ્યાનો એક માર્ગ નથી. સામાન્ય માણસને સમજાય એ ભાષામાં તપસ્યા એ સ્વશિસ્તનો અવિચલિત મનથી કરાતો અમલ છે.
આરોગ્યપ્રદ ખોરાક ખાવો, ખુબ
નિયમિત દિનચર્યા પાળવી, ધ્યેય સિદ્ધિ સિવાયની બાબતો તરફ મન ન ચળવાનું દેવું જેવી અનેક પ્રક્રિયાઓનું ચુસ્ત પાલન
કરવા જેટલું સ્વનિયંત્રણ કેળવવાનું છે. મોહ, ક્રોધ, લોભ, દંભ, ઈર્ષા, અહંકાર, જૂઠ, ખરાબ ટેવોની લત,
બીજાઓની ટીકા કર્યા કરવી જેવા દુર્ગુણોનો સદંતર ત્યાગ કરવાની દાનત
અને તેનો સન્નિષ્ઠ અમલ કરવાથી વ્યક્તિના સ્વભાવ અને વર્તનમાં ધરમૂળથી ફરક આવે છે.
ગૃહસ્થને માટે ભગવાન
રામકૃષ્ણ પરમહંસે શ્રી
રામકૃષ્ણ ઉપદેશ[1]
/ The Gospel of Ramkrishna[2]માં જે સુચનો કર્યાં છે તે અહીં પણ પ્રસ્તુત છે.
¾ કોઈ પણ વાતે સાચું બોલવું. (ભગવાન
શ્રી રામકૃષ્ણ સાચું બોલવાને કળિયુગનો પશ્ચાતાપ કહે છે.)
¾ સત્ અસત્ વિચાર - શું સાચું અને શું
ખોટું તે વિચારવું. કોઈ પણ વિચારમાં ખોટાંનો ઘોંઘાટ તેમનાં સાચને ઢાંકી દેતો હોય
છે.
¾ તન અને મનથી ઈશ્વરને સેવા અને
પ્રાર્થનામાં સમર્પિત થઈ જવું. સારાં લોકોની સંગત, સારૂં વાંચન પણ ઇશ્વર સેવાનો એક માર્ગ છે.
¾ નાનામાં નાનાં જંતુથી લઈને ગમે એટલી
અપ્રિય લાગતી વ્યક્તિની નીંદા ન કરવી.
¾ કોઇ પણ ઈશ્વરની કોઈ પણ આસ્થા વડે ખોજ
કરો, અંતિમ ધ્યેય તો આત્મજ્ઞાન પ્રાપ્ત
કરવાનું જ છે.
¾ જીવ
શિવ છે. શિવ જ્ઞાને જીવ સેવા - દરેક
માનવી ઈશ્વરનું જ સ્વરૂપ છે.
સ્વામી વિવેકાનન્દ 'શિવ જ્ઞાને જીવ સેવા'ને
નવા અર્થમાં રજૂ કરતાં કહે છે કે અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સંસારનો ત્યાગ
કરીને તપ કરવાને બદલે વેદાંતને પોતાના ઘરમાં જ
પ્રસ્થાપિત કરો.
મા શારદાદેવી કહે છે કે,
¾ બીજામાં દોષ કદી પણ ન શોધો, પોતાના દોષને ઓળખો.
¾ સારા અને પ્રમાણિક બનવાની કોશીશ કરો.
બાકી બધું આપોઆપ મળી જશે.
કાર્યસ્થળનાં દિવ્યકરણ
માટે આ આધ્યાત્મિક ચર્ચાને હવે આપણે રોજબરોજના વ્યવહારોમાં સમજીશું.
વરિષ્ઠ સંચાલન મંડળ તેમનાં
વિચાર, વાણી અને વર્તન વડે
સંસ્થાના મૂલ્યો, સંસ્થાનાં દીર્ઘદર્શન અને કાર્ય સંસ્કૃતિને
પ્રભાવિત કરે છે. એટલે કાર્યસ્થળમાંના આપસી સંબંધોનાં દિવ્યકરણની શરૂઆત વરિષ્ઠ
સંચાલન મંડળથી શરૂ થઈને મધ્ય સંચાલન સમુહ ભણી અને તે પછી છેક નીચે સુધી પ્રસરવી
જોઈએ.
¾ વરિષ્ઠ સંચાલન મંડળ પ્રમાણિક, સત્યાચરણ, માયાળુ અને
કર્મચારીઓની કાળજી લેનારૂં હોવું જોઈએ.
¾ કાર્યરત કાર્યસ્થળમાંના સંબંધોનું
દિવ્યકરણ કરવા માટે ત્યાં કામ કરતાં લોકોની સહજ ક્ષમતાની અને લોકોના એકબીજાં સાથે વણાયેલા આપસી
સંબંધોની કિંમત સમજવી જોઈશે.
દરેક સ્તરનાં સંચાલક
મંડળે આ માટે આટલું તો ખાસ ધ્યાન રાખવું જોઈએ -
- (નાનામાં નાની વ્યક્તિ માટે પણ) કદર અને સન્માન
- સંસ્થામાં
સકારાત્મક વાતાવરણને પ્રોત્સાહન આપવું.
- સહકાર
અને સંઘભાવનામય વિચાર અને માહિતી આદાનપ્રદાન
- કર્મચારીઓનો
કર્મચારી તરીકે તેમ જ વ્યક્તિ તરીકે વિકાસ
- કામ
અને જીવન વચ્ચે સુગ્રથિત સંતુલન
- કર્મચારીઓના
કલ્યાણ અને શ્રેય માટેની યોજનાઓ
- સંવાદ અને આદાનપ્રદાનમાં પારદર્શિતા
દરેક કર્મચારીને એવી શ્રધ્ધા હોવી જોઈએ કે સશક્ત માનવ સંબંધો કાર્યસ્થળ પર એકરાગ લાવવામાં, કાર્યસ્થળ પરનાં ચારિત્ર્યબળનાં ઘડતરમાં અને સંસ્થાની લાંબા ગાળાની સફળતા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તે સાથે એ પણ ન ભુલાવું જોઈએ કે કાર્યસ્થળ પરના આપસી સંબંધોનું દિવ્યકરણ એ સતત ચાલતી રહેવી જોઈએ એવી પ્રક્રિયા છે. એ માટે પ્રતિબદ્ધતા અને વિશ્વાસપાત્રતાની સાથે સાથે કાર્યસ્થળ પરના સંબંધો સકારાત્મક ઉર્જાથી ધબકતા રહે તેવી, મન વચન અને કર્મથી, અપેક્ષા હોવી જરૂરી છે.
- પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Swami Divyanandaના મૂળ અંગ્રેજી લેખ Divinizing Human Relationships in Workplace નો સંકલિત અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો