બુધવાર, 19 માર્ચ, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : ત્રણ પ્રકારના સંબંધો - સંબંધયાત્રા

 

સ્વામી નિત્યસ્થાનન્દ[1]

આપણે સંબંધોને ત્રણ પ્રકારમાં વહેંચી શકીએ - ભૌતિક, માનવીય અને દૈવી.

ભૌતિક પદાર્થો સાથેના આપણા સંબંધો ભૌતિક સ્તરના હોય છે. આ પ્રકારના સંબંધોમાં, દેખીતી કે પછી છુપી રીતે, બહુ રત રહેવાથી, કે તેમના પર આધારિત રહેવાથી, આપણે પણ એ પદાર્થો જેવાં જ, લાગણીવિહિન અને માનવ સંવેદના વિહિન બની જઈએ છીએ. આપણે કહીએ છીએ કે આજની પ્રત્યયન ટેક્નોલોજિએ વિશ્વને એક નાનું શું ગામ બનાવી દીધું છે. પણ દુરદર્શન (ટીવી), દૂરભાષ (ટેલીફોન), દુર શિક્ષણ (ડીસ્ટન્સ લર્નિંગ) ને કારણે આ યુગ દુર - યુગ  બની ગયો છે. આપણે હંમેશાં ઓનલાઇન રહીએ છીએ પણ પ્રત્ત્યક્ષ સ્તરે દુર દુર થતાં જઈએ છીએ. ઓનલાઈન વિડીયો કૉલ વડે એકબીજાના ચહેરા જોઈને રૂબરૂ મળ્યાનો સંતોષ અનુભવતાં શીખતાં જઈએ છીએ.

માનવીનું માનવી તરીકે રહેવા માટે સંબંધો માનવીય બની રહે તે બહુ જ આવશ્યક છે. આપણા આપસી માનવ સંબંધોની સીધી અસર આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. કેટલાંકને એકાન્તમાં એકલતા ગમે છે, તો કેટલાંકને ભીડભાડમાં એકલવાયું લાગે છે. કોઈક સંદર્ભ, હેતુ, આદર્શ કે જીવનકાર્ય સાથે પોતાને સાંકળી રાખવું અનિવાર્ય છે. જે વ્યક્તિ જીવનમાં બીજાં સાથે સકારાત્મક ભાવનાથી નથી સંકળાઈ શકતી તે પછીથી નકારાત્મક સંબંધોની જાળમાં ગુંચવાઈ રહે છે. ડૉ ડીન ઑર્નિશ કહે છે કે આજની સંસ્કૃતિની સમસ્યા ભૌતિક હૃદયરોગનો રોગચાળો નથી પણ અત્યંત એકલતા, જુદાઈ, ઊંચાં મન અને નિરાશાનાં ચિહ્નો ધરાવતા માનસિક હૃદયરોગનો ફેલાવો છે. માનવ સંબંધો એકબીજા પાસેથી અપેક્ષા રાખ્યા વિનાના પ્રેમના પાયા પર રચાવા જોઈએ. રોસેટો રહસ્ય[2]ની જેમ એક આખા સમાજનાં સારાં સ્વાસ્થ્યનું રહસ્ય એ સમાજનાં સભ્યોના એકબીજા સાથેના ઉષ્માભર્યા સંબંધોમાં રહેલું છે.

જોકે, ખુબ સંવેદનાભર્યા આપસી માનવ સંબંધો એ માનવ જીવનનું અંતિમ લક્ષ્ય નથી. આપણે બધા સંબંધોને અતિક્રમીને નિઃસંબંધ, અબાધિત, અસ્તિત્વની સ્થિતિ પામવાની છે. આ સ્થિતિp પામવા માટે આપણે પરમાત્મા સાથે દૈવી સંબંધ પ્રસ્થાપિત કરવાનો રહે છે. એટલે જ, સ્વામી વિવેકાનન્દ ધર્મની વ્યાખ્યા 'બાહ્ય આત્માનો બાહ્ય પરમાત્મા સાથેનો શાશ્વત સંબંધ' એમ કરે છે.

શુદ્ધ દૈવી સંબંધમાંથી ઉદ્‍ભવતી અનાસક્તિ અવશ્યપણે માનવ સંબંધોને વધારે મજબૂત બનાવે છે. એટલે જ સ્વામી વિવેકાનન્દ કહે છે કે 'તમારામાંના દૈવત્વને પ્રગટ થવા દેશો એટલે તમારી આસપાસનું બધું જ એકરાગ પૂર્ણ બની રહેશે.'

આ આખા સંદર્ભમાં આ ઉદ્ધરણ બહુજ પ્રસ્તુત છેઃ

જેનામાં મન અને મસ્તિષ્કના બધાજ ગુણો પૂર્ણપણે વિકસિત છે અને સુસંતુલિત છે તે ખરેખર ધન્ય છે. જે કોઈ પરિસ્થિતિમાં તે મુકાય છે તેમાં તે પોતાની ભૂમિકા બહુ અસરકારક રીતે ભજવી બતાવે છે. તે ઈશ્વર પ્રત્યે કોઈ પણ કૂડકપટરહિત વિશ્વસનીય આસ્થા અને પ્રેમ ધરાવે છે, અને તેમ છતાં બીજા સાથેના તેના વ્યવહારોમાં કંઈ પણ કહેવાપણું નથી રહેતું. દુન્યવી વયવહારોની સાથે કામ લેતી વખતે તેઓ અભિગમ પુરેપુરો વ્યાવસાયિક હોય છે. જ્ઞાની લોકોની  હાજરીમાં તે મહાજ્ઞાની તરીકે પોતાનો દાવો પ્રસ્થાપિત કરતાં, ચર્ચાઓ પોતાની અદ્‍ભૂત તર્કસભર લાક્ષણિકતાઓ રજુ કરી બતાવે છે. પોતાનાં માતાપિતા માટે તે આજ્ઞાંકિત અને માયાળુ છે; પોતાના સંબંધીઓ અને મિત્રો પ્રત્યે તે પ્રેમાળ અને મિતભાષી છે; પોતાના પડોશી માટે તે સદ્‍ભાવ અને સહાનુભૂતિ ધરાવે છે અને હંમેશાં સદ્‍વ્યવહાર રાખે છે; પોતાની પત્ની માટે પ્રેમનો અક્ષય ખજાનો ધરાવે છે. આવી વ્યક્તિ ખરેખર પૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે. 

    • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Swami Nityasthananadaના મૂળ અંગ્રેજી લેખ Three Relationships – Sambandhayaatra નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ   



[1] સ્વામી નિત્યસ્થાનન્દ રામકૃષ્ણ સંપ્રદાયના કન્નડ સામયિક વિવેક પ્રભાના ભૂતપૂર્વ તંત્રી છે. હાલમાં તેઓ રામકૃષ્ણ મઠ, બેંગ્લુરૂ,ના અધ્યક્ષ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો