બુધવાર, 2 એપ્રિલ, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : સંબંધોની મોહક સૌન્દર્ય શક્તિ

 

સ્વામી સત્યપ્રિયનન્દ[1]

'સંબંધ' માટે અનેક સમાનાર્થી અને વિરૂદ્ધાર્થી શબ્દપ્રયોગો મળી રહે છે. આજના આધુનિક યુગમાં, અહંના વધતા જતા પ્રભાવને કારણે વિરૂધાર્થી શબ્દો વધારે મળશે. પરિણામે, લોકો પણ એકબીજાથી દૂર થતાં જાય છે. જોકે, વચ્ચે વચ્ચે એવી સુરક્ષિત જયાઓ પણ મળી આવે છે જેમાં પ્રેમ, પોતાની જાતને ભુલાવી દેવી, સહભાગિતા, એકબાજાની કાળજી રાખવી, અને એવી જન્મજાત વલણોમાં સમાનાર્થો પણ છુપાયેલા જોવા મળી રહે છે. 

જન્મથી મૃત્યુ સુધી અનેક પ્રકારના સંબંધો બનતા રહે છે અને મીટતા પણ રહે છે. પરિસ્થિતિના સંદર્ભ મુજબ વ્યક્તિ અલગ અલગ વ્યક્તિઓ સાથે અલગલગ સ્તરના સંબધોને પોતાની કુદરતી પ્રકૃતિ અનુસાર વ્યવહારમાં મુકતી રહે છે. નવા સંબંધો બંધાય, જૂના તૂટે પણ અને ફરીથી જોડાય પણ !

પ્રસ્તુત લેખમાં સંબંધોની આ મોહક સૌન્દર્ય શક્તિની ગહનતાને રામકૃષ્ણ પરમહંસ, શારદાદેવી, સ્વામી વિવેકાનન્દનાં વિપુલ સાહિત્યમાંથી સમજવાનો એક પ્રયાસ પ્રયોજેલ છેઃ

રામકૃષ્ણ પરમહંસની પદ્ધતિ

રામકૃષ્ણ તેમના શિષ્યોને પ્રેમ અને સ્વાતંત્ર્ય આપતા જેથી તેમના શિષ્યો એમની પોતાની રીતે વિકસી શકે. રામકૃષ્ણ એક માત્ર એવી વ્યક્તિ હતા જેમને પ્રેમ શી રીતે કરી શકાય તે ખબર હતી, અને તેઓ એ મુજબ જ પ્રેમ કરતા પણ. અન્ય દુન્યવી લોકો પોતાના સ્વાર્થ ખાતર પ્રેમ કરવાનો માત્ર દંભ જ કરતાં હોય છે. 

રામકૃષ્ણ એવા એક અદ્‍ભૂત ગુરુ હતા જે તેમની આંતરિક શક્તિના પ્રભાવથી કંઈ જ બોલ્યા કે કર્યા વિના કે પોતાના અંગત ઉદાહરણને વચે લાવ્યા સિવાય જ ઘણું બધું શીખવાડી શકતા. તેમની સાથે રહેવા માટે શિષ્યએ વિચારોની શુદ્ધતા, વિનમ્રતા, વાણી વિચાર અને વર્તનમાં સત્યપ્રિયતા અને ત્યાગને પોતાના જીવનમાં આગ્રહપૂર્વક ઉતારવાં પડે. આ મુજબની જીવનશૈલી જેઓએ પચાવી એ શિષ્યો ચાર યોગોનો સમન્વય પામી શક્યા, ધર્મની સાથે એકરાગ કેળવી શક્યા, આપણા પુરાણોનો સાચો અર્થ સમજી શક્યા અને માણસમાં ઈશ્વરને ભજી શકયા.

નરેન્દ્રનાથ - ભાવિ નેતા

એક વાર નરેન્દ્રનાથ અને તેના મિત્રો નાવમાં સફર કરી રહ્યા હતા. નાવનાં હાલકડોલક થવાથી એ મિત્રને નાવમાં જ ઉલટી થઈ આવી. નાવિકો તો અડી પડ્યા કે નાવ સાફ કરી આપો તો જ જવા દઈએ. કિનારે પહોંવ્યા ત્યારે નરેન્દ્રનાથે ત્યાંથી બે અંગ્રેજોને પસાર થતા જોયા. નરેન્દ્રનાથ એ અંગ્રેજો પાસે ગયા અને જાણે તેઓની મદદ લઈ આવ્યા હોય તેમ પોતાના બન્ને હાથો એ અંગ્રેજોના હાથોમાં નાખીને નાવ પાસેથી પસાર થયા. બસ, આટલું જોતાં વેંત નાવિકોએ નરેન્દ્રનાથના મિત્રોને જવા દીધા!

નરેન્દ્રનાથ અને તેમના મિત્રો નિયમિતપણે એક અખાડે જતા.  એક વાર એ લોકો કસરતના ખેલ માટે બે છેડે દોરડાવતી લટકાવેલો આડો દાંડો ઊભો કરી રહ્યા હતા. દાંડો બહુ ભારે હતો એટલે તમાશો જોવા કેટલાય લોકો એકઠાં થઈ ગયાં હતાં. એ ટોળામાં એક અંગ્રેજ નાવિક હતો. નરેન્દ્રનાથે તેની મદદ માગી. થવા કાળ એ અંગ્રેજ પર એ દાંડો પડ્યો અને તેનું માથું ફાટી ગયું. નરેન્દ્રનાથે પોતાની ધોતીનો છેડો ફાડી પેલાના ઘા પર બાંધી દીધો. થોડી વાર પછી અંગ્રેજ ભાનમાં આવ્યો એટલે તેને ઉંચકીને અખાડે લઈ ગયા. એક અઠવાડીઆં સુધી તેની બરાબર સારવાર કરી અને એ સાવ સાજો થઈ ગયો પછી તેને જવા દેવા પહેલાં મિત્રોએ ભેગા મળીને એકઠી કરેલી એક નાની રકમ તેને આપી અને પછી આગળ જવા દીધો. 

રામકૃષ્ણ પરમહંસ અને મા શારદાદેવી

મા શારદાદેવી દિવસ દક્ષિણેશ્વર સંકુલના નહાબત ખાનાના ભોંયતળિયાના ઓરડામા વીતાવતાં. રાત્રે તેઓ પહેલા માળે આવેલ ઓરડામાં રામકૃષ્ણ પરમહંસ પાસે જાય, તેમના પગ ચાંપી ને તેમની સેવા કરે અને પછી રાત્રે એક જ ખાટલામાં બન્ને ઊંઘી જાય. એક દિવસ ભગવાને તેમની પરીક્ષા કરવા પૂછ્યું, તમે મને દુન્યવી બાબતોમાં ખેંચી જવા તો નથી આવતાં ને? શારદાદેવીએ તત્કાળ જવાબ દીધો, 'મારે તમને સંસારમાં શા માટે લઈ જવા જોઈએ? હું તો તમે નક્કી કરેલા માર્ગ પર તમારી મદદ કરવા આવું છું.' દેવી માએ પણ એક વાર ભગવાનને પૂછ્યું, તમે મને કઈ નજરે જૂઓ છો. ભગવને કહ્યું, જે પરમ શક્તિએ મને જન્મ આપ્યો તે જ હવે અહં નહાબતમાં રહે છે અને એ જ મા અત્યારે મારા પગ ચાંપી રહ્યાં છે.

મા શારદાદેવીનો અંતિમ સંદેશ હતો કે આ દુનિયામાં કોઈ પરાયું નથી, બધાંને પોતાનાં કરીને રહો.

સંબંધોની શક્તિનાં મોહક સૌન્દર્યનું એક વધારે ઉદાહરણ જોઈએ.

સ્વામી પ્રેમાનન્દ રામકૃષ્ણ પરમહંસના સાધુઓ, ગૃહસ્થો, ભક્તો, મુલાકાતીઓ અને મહેમાનો જેવા દરેક વર્ગ માટેના અનન્ય પ્રેમની ભાવનાને બરાબર પ્રતિબિંબિત કરતા હતા. એ લોકો પણ સ્વામીજીને મઠના મા જ ગણતા. તેઓ અવસાન પામ્યા તેના બે એક દિવસ પહેલાં તેમણે એક સન્યાસીને બોલાવીને કહ્યું, 'મારૂં એક કામ કરી આપશો? અહીં જે ભક્તો આવે છે તેની સેવા કરી શકશો?'  તેઓ ઘણી વાર એમ પણ કહેતા કે, 'લોકો મન હળવું કરવા જઈ શકે એટલી જગ્યાઓ કેટલી? કેટલાંક બાગમાં જાય, તો બીજાં કેટલાંક મનોરંજનના સ્થળોએ જાય.પણ જે કોઈ અહીં આવે છે તેમાં એવું કંઈક છે એટલે તો એ લોકો બીજે ક્યાંય જવાને બદલે અહીં આવે છે. આપણે તેમનું એ વિશેષ તત્ત્વ પારખી લેવાનું છે.


  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Swami Satyapriyananadaના મૂળ અંગ્રેજી લેખ The Charm of Relationships નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ 



[1] સ્વામી સત્યપ્રિયનન્દ પ્રબુદ્ધ ભારતના તંત્રી રહી ચુક્યા છે. હાલમાં તેઓ રામકૃષ્ણ મઠ, બેલુર મઠમાં રહે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો