શુક્રવાર, 9 મે, 2025

ગુણવત્તા - પોતાપણાનો ભાવ હોય તો ઉત્તરોત્તર વધારે સારૂં કરી શકાય

તન્મય વોરા


તમે જે કંઈ કરો છો તેની બધી જ ગુણવત્તાનો પૂરેપુરો સંબંધ  તમારા કામ પર, તમારી પ્રવૃત્તિઓ અને તમે જે પ્રક્રિયા સાથે જે પદ્ધતિમાં કામ કરો છો તે પ્રક્રિયાના અન્ય ભાગો પર નિર્ભર છે. જ્યારે તમે એવું કામ કરો છો જે ઉપયોગી અને ગુણાત્મક હોવાની સાથે સાથે અન્ય લોકો માટે મૂલ્યવાન હોય, ત્યારે તે તમારા આત્મસન્માનને પોષે છે; તમને વધુ સારી વ્યક્તિ બનાવે છે. ગયા વખત કરતાં સતત વધુ સારું પ્રદર્શન કરીને, તમે તમારાં વ્યક્તિત્વનું સ્તર ઊંચું કરો છો અને વિકાસ કરો છો.

આ એક ચક્રીય પ્રક્રિયા છે, જે ફક્ત વધુ સારી કે શ્રેષ્ઠ કુશળતા ધરાવવાથી નહીં પરંતુ વધુ સારું કરવાના ઇરાદાથી શરૂ થાય છે. આ એ જ ઇરાદો છે જેને આપણે  "માલિકીભાવ" કહીએ છીએ તેને ચલાવે છે. આનો અર્થ એ છે કે, જ્યાં સુધી તમને તમારા કામમાં માલિકી ભાવ ન હોવ, ત્યાં સુધી તમે ક્યારેય છેલ્લી વખત કરતાં વધુ સારી રીતે કામ કરી શકશો નહીં. જ્યારે તમે તે કરો છો, ત્યારે એ  કામ તમારી ઓળખનો એક ભાગ બની જાય છે. તમે તેને વધુ મૂલ્યવાન બનાવો છો. તમે એવી બાબતોમાં સારું કરી બતાવો છો જેને તમે વધુ મૂલ્યવાન ગણો છો. જ્ઞાનની દુનિયામાં, તમારું કામ તમારી હસ્તરેખાની છાપ ધરાવે છે. તે તમારા વિશે એક કથાનક બની જાય છે. જો તમે કોઈપણ સ્તરના અગ્રણી હો તો આ વધુ મહત્વનું છે.

સંસ્થાગત પદક્રમ, નિષ્ફળતાનો ડર, ઉપરી અધિકારીઓ સાથે વિશ્વાસનો અભાવ, ઝીણી નજરે વ્યવસ્થાપન કરવું અને નબળા સંચાલન જેવી બાબતોથી કંટાળીને, આપણે ઘણીવાર આપણા કામને એક કરવા ખાત્ર કરવા લાયક વ્યવહાર તરીકે ગણીએ છીએ. હું આ કરું છું અને મને તેની આ ફળ મળે છે. તમે ફક્ત તે જ કરો છો જે તમારા વ્યવસાય માટે આવશ્યક છે. થોડા મહિનાઓ સુધી આ રીતે કામ કરવાથી તમે ઉદાસીન, નિરુત્સાહી બની જશો. જો તમે મહત્વાકાંક્ષી છો, તો તણાવમાં રહેવા લાગશો. તમારા કામની ગુણવત્તા ઘટી જશે અને તમારો વિકાસ અટકી જશે. કામ કરવાનો અને જીવવાનો આ એક સારો રસ્તો નથી, ખાસ કરીને જ્યારે આ એકમાત્ર જીવન તમારી પાસે (અને આપણા બધા પાસે) હોય!

વધુ સારો વિકલ્પ એ છે કે તમે જ્યાં છો ત્યાંની જવાબદારી ઉપાડી લેવાથી શરૂઆત કરો.. સમસ્યાઓ સ્વીકારો, શક્ય ઉકેલોનું મૂલ્યાંકન કરો અને તમારા માર્ગ પર કામ કરો. આ સરળ ન હોઈ શકે, પરંતુ લાંબા ગાળે, આ બધાં બાહ્ય પરિબળોને કારણે તમારા કામની ગુણવત્તા સાથે સમાધાન કરવું અને તમારા કામકાજમાં પ્રગતિ ન કરવી એ પીડાદાયક તેમજ  ખર્ચાળ નીવડી શકે છે!

સ્ત્રોત સંદર્ભ:: Quality: Ownership and Getting Better

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો