બુધવાર, 14 મે, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : હિંદુ દૄષ્ટિકોણમાં એકરાગ અને શાંતિના એકમ તરીકે કુટુંબ

 

સ્વામી આત્મપ્રિયનન્દ[1]

વ્યાપક વ્યાખ્યા પ્રમાણે ધર્મ એ એવો સિદ્ધાંત છે જે કોઈ પણ સજીવ કે નિર્જીવને એકસૂત્રે બાંધી રાખે છે. આજની આધુનિક પરિભાષામાં તે 'સમપોશિતાનો સિદ્ધાંત' છે. ભગવદ્‍ગીતા પરનાં તેમના ભાષ્યમાં શંકરાચાર્ય પ્રવૃત્તિ અને નિવૃત્તિ એમ બે પ્રકારના ધર્મો વર્ણવે છે. તેમની આગવી પ્રસન્ન ગંભીર (મનોરંજક, આહલાદકપણે ઉન્નતકર, મનનીય) શૈલીમાં તેઓ સમજાવતાં કહે છે કે

द्विविधि हि वेदोक्तो धर्मः प्रवृतिलक्षणो निवृतिलक्षणं

जगतः स्थितिकारणं प्राणिनां साक्षादभ्युदयनिः श्रेयसहेतुःयः धर्मः

વેદિક ધર્મમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ એમ બે પ્રકારના ધર્મ કહ્યા છે, જે ધરતી રહીને સર્વ પ્રકારે કલ્યાણ કરે છે ધરતી પરનાં જીવનને અતિક્રમવાથી મુક્તિ અપાવે છે. 

શંકરાચાર્ય તો તેને જ ધર્મ કહે છે જે બ્રહ્માંડને ટકાવે છે જેથી દરેક અભ્યુદય (ઉન્નતિ) અને નિઃશ્રેયસ્ય (મોક્ષ) પામે. 

આ વાત સમજવા માટે આપણા ઋષિઓએ આ ત્રણ મૂળભુત સિદ્ધાંતો આપણને આપ્યા તે સમજવા જોઈશેઃ

૧) વર્ગીકરણનો સિદ્ધાંત;

૨) સામાન્યીકરણનો સિદ્ધાંત

૩) એકીકરણનો સિદ્ધાંત 

આપણા ઋષિઓએ માનવ મહાત્વકાંક્ષાઓને ધર્મ (સાર્વત્રિક કલ્યાણ), અર્થ (સમૃદ્ધિ) અને કામ (ઈચ્છા- વાસનાઓને માણી લેવી) એમ ત્રણ વર્ગમાં વહેંચી નાખે છે.

હિંદુ સંસ્કૃતો માનવ જીવનને ચાર અવસ્થા, આશ્રમ - બ્રહ્મચર્યાશ્રમ (વિદ્યાર્થી જીવન), ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ (નિવૃત જીવન) અને સંન્યાસાશ્રમ - માં વહેંચી નાખે છે. દરેક વ્યક્તિએ આ ચારે ચાર અવસ્થાને અનુરૂપ આદર્શ જીવન વ્યવસ્થા ગોઠવીને જીવન વ્યતિત કરવું જોઈએ.

પ્રસ્તુત લેખ માટે આપણી ચર્ચા ગૃહસ્થાશ્રમ પુરતી મર્યાદિત કરીને એક કુટુંબના વડાનાંનેતૃત્વ હેઠળ એક એકમ તરીકે કુટુંબ સાર્વત્રિક એકરાગ, શાંતિ અને આનંદનું દ્યોતક બની શકે તે જોઈશું.

કુટુંબના વડા તરીકે ગૃહસ્થના આદર્શ

જીવનના બીજા બધા તબક્કા ગૃહસ્થાશ્રમ પર નિર્ભર કરે છે, એ અર્થમાં ગૃહસ્થાશ્રમ સૌથી જૂનો (જ્યેષ્ઠ) અને સૌથી મહત્વનો (શ્રેષ્ઠ) તબક્કો ગણાય છે. તેથી સમાજમાં શાંતિ જાળવી રાખવા માટે સમાજનાં એકમ તરીકે કુટુંબની ભૂમિકા મહત્વની બની રહે છે અને તેની અસરકારકતા ગૃહસ્થનાં નેતૃત્વ પર અધારિત બની રહે છે. સમાજમાં શાંતિ અને એકરાગ બની રહે એ માટે હિંદુ સંસ્કૃતિ ત્યાગ (યજ્ઞ), સેવા અને તપનાં ત્રીદલ ગુણને આવશ્યક ગણે છે. હિંદુ સંસ્કૃતિ 'સ્વ'ને 'વિરાટ વિશ્વ'માં  એકરૂપ થઈ જવાને સમગ્ર વિશ્વના યજ્ઞરૂપી ભોગ ગણે છે. આ વિશ્વવ્યાપી અનુનાદને ઉપનિષદમાં અસ્તિત્વની વૈશ્વિક લય (ઋતમ્ બૃહત્) કહે છે.  

પાંચ (પંચ) મહા યજ્ઞ

વૈશ્વિક જીવનને રોજબરોજનાં જીવનમાં ઉતારવા માટે  પાંચ મહા યજ્ઞ કરવાનું અતિ આવશ્યક ગણવામાં આવ્યું છે.

૧) દેવ યજ્ઞ - દેવોના નામમાં અને દેવો માટે કરાતો યજ્ઞ

૨) પિતૃ યજ્ઞ - પૂર્વજોના નામમાં અને પૂર્વજો માટે કરાતો યજ્ઞ

૩) બ્રહ્મ યજ્ઞ (ઋષિ યજ્ઞ) ઋષિઓ અને ગુરુઓના નામમાં અને તેમના માટે કરાતો યજ્ઞ

૪) નૃ યજ્ઞ (મનુષ્ય યજ્ઞ) - મનુષ્યના નામમાં અને મનુષ્ય માટે કરાતો યજ્ઞ

૫) ભૂત યજ્ઞ - ધરતી પરનાં દરેક સજીવ કે નિર્જીવના નામમાં કે તેમના માટે કરાતો યજ્ઞ

પાંચ (પંચ) ઋણ

વેદિક પરંપરા અનુસાર દરેક વ્યક્તિએ ઉપરોક્ત પાંચ યજ્ઞો દ્વારા આ પાંચ ઋણ સતત ઉતારતાં રહેવું જોઈએ.

૧) દેવો (પ્રકૃતિ) નું ઋણ

૨) માતા પિતા અને પૂર્વજોનું ઋણ - સંસ્કાર, જ્ઞાન અને સમજ આપવા માટેનું

૩) ઋષિઓ અને ગુરૂઓનું ઋણ - ધર્મનિરપેક્ષ તેમજ આધ્યાત્મિક જ્ઞાન આપવા માટેનું

૪) માનવ જાત પ્રત્યેનું ઋણ - વ્યક્તિગત રીતે અને સામુહિક રીતે આપણી સાથે વ્યવહારમાં રહીને આપણા વાણી - વિચાર અને વર્તન પર પ્રભાવ પાડતાં રહેવા માટે

૫) દરેક સજીવ અને નિર્જીવ પ્રત્યેનું ઋણ - એકબીજાં સાથે સંકળાયેલ આ વિશ્વમાં આપણાં અસ્તિત્વને ટકાવી રાખવા માટે 

આજના આધુનિક સમયમાં આ વાત આલ્બર્ટ આઇન્સ્ટાઈન આ રીતે સમજાવે છેઃ હું દરરોજ મારી જાતને સમજાવતો રહું છું કે મારૂં આંતરિક અને બાહ્ય જીવન જીવિત તેમજ મૃત્યુ પામેલ એવાં અનેક મનુષ્યો અને ચીજોને આભારી છે. મને એ બધાં પાસેથી જે કંઈ જેટલી માત્રા મળ્યું છે અને મળતું રહ્યું છે એ બધું (ક્મસેકમ) એટલી માત્રામાં પાછું વાળવું જોઇએ.

સ્વામી વિવેકાનન્દ કહે છે કે આ દુનિયાનાં બધાં દુઃખોનો ઉપાય આપણાં જીવનને વિશ્વકેન્દ્રી, અનંત વૈશ્વિક વાસ્તવિકતાની સાથે સંલગ્ન, બનાવવામાં છે. 

સમાપ્તિમાં આપણે સ્વામી વિવેકાનન્દનું આ બહુખ્યાત કથન યાદ કરીએઃ

[દુઃખોની] આ સમસ્યાનો એક જ ઉપાય માનજાતને શુદ્ધ  કરવાનો છે.  આપણે જોઈએ છીએ તે બધાં અનિષ્ટો અને દુઃખોની જનની અજ્ઞાન છે. માનવજાતને પ્રકાશમાં બધું જોવા દો, તેમને શુદ્ધ અને આધ્યાત્મિક દૃષ્ટિએ મજબુત અને શિક્ષિત થવા દો. તે પછી જ દુનિયાનાં દુઃખોનો અંત થશે, તે પહેલાં નહીં. દેશમાંનાં બધાં ઘરોને આપણે સખાવતનાં આશ્રયસ્થાનોમાં ફેરવી દઈએ તો પણ જ્યાં સુધી માનવીનું ચારિત્ર્ય નહીં બદલે ત્યાં સુધી માણસજાતનાં દુઃખો કેડો નહીં મુકે. 

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Swami Atmapriyanandaના મૂળ અંગ્રેજી લેખ Family as a Unit of Harmony and Peace – Hindu Perspective નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ 



[1] સ્વામી આત્મપ્રિયનન્દ બેલુર મઠ સ્થિત રામકૃષ્ણ મિશન વિવેકાનન્દ એડ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના પ્રો - વાઇસ ચાન્સેલર છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો