સ્વામી ઈષધ્યાનન્દ[1]
આપણે સ્ટેડિયમમાં રમાતી ક્રિકેટ કે ફુટબૉલ કે ટેનિસ જેવી
મેચોની મજા માણી છે. તે જ રીતે આપણે લગ્નોમાં જાનમાં મહાલવાની મજા પણ લુંટી છે. આ
બધા એવા પ્રસંગો છે જ્યાં તમે જાણીતાં કે અજાણ લોકોના સમુહોમાં રહો છો. બહુ
ભીડભાડની સાથે કોઈ કેટલીક અસગવડો પણ ભોગવી હશે. પરંતુ એવી બધી તકલીફો અને શોરગુલ
વચ્ચે સમુહમાં અનુભવાતી ઉત્તેજના અને ઉત્સાહ વર્ણનાતીત હોય છે.
સામુહિક એકતા
જેમ જેમ એ પ્રસંગ આગળ વધતો જાય છે તેમ તેમ આપણને આપણી
વ્યક્તિગત તકલીફો ભુલાવા લાગે છે. જાણે ત્યાં એકઠાં થયેલાં લોકોની સામુહિક
ઉર્જાનાં વાતાવરણનો પ્રભાવ વ્યક્તિગત બધી અગવડોની સામે આપણને ઢાલની જેમ રક્ષા કરી
રહ્યો હોય !
અલગ અલગ લોકોની ભીડમાં એક અદ્ભુત એકતા લહેર ફરી વળે છે.
ત્યાં હાજર દરેક વ્યક્તિનું પોતાનું અલગ વ્યક્તિત્વ સામુહિક ઓળખમાં ભળી ગયેલું
અનુભવાતું હતું. થોડા સમય પહેલાં અલગ અલગ રહેલી વ્યક્તિઓ એ પ્રસંગ પુરતી એક બીજાં
સાથે મજબુત જોડાણથી જોડાઈ જાય છે. દરેકની પોતપોતાની ઓળખ એ પ્રસંગ પુરતી એકરાગ
એકત્વમાં પરિણમી રહેતી અનુભવાય છે.
શાશ્વત ઐક્યનું કલ્પના
વિશ્વ
કલ્પના કરો કે ઐક્યની જે ભાવના અમુક સામ્હિક પ્રસંગો પુરતી
જ અનુભવાતી હતી એ હંમેશાં અનુભવાતી રહે. પોતાના જ રસનાં લોકો સાથે કે સમુહમાં આનંદ
માનતાં આસપાસનાં લોકો સાથે જે ઐક્યની અનુભૂતિ થઈ તેવી અનુભૂતિ બધાં સાથે અનુભવાય
તો! આપણી અનેક પ્રાચીન પરંપરાઓ આપણને જે શીખવાડે છે તેનું હાર્દ પણ આ જ છે. એ એવી
સ્થિતિ છે જેમાં આપણે આપણી જાત પુરતાં મર્યાદિત રહેવાને બદલે સર્વ માનવતાને આ
ભાવમાં આવરી લઈએ છીએ. આધ્યાત્મિક ઐક્યની આ ભાવના કોઈ પોકળ આદર્શ નથી; આજે
આપણે જે કેટલીય સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છીએ તેનો એ બહુ જ સરળ વ્યવહારિક ઉપાય
છે.
સર્વાત્મ ભાવ : સર્વમાં સ્વ
ઉપનિષદમાં સર્વાત્મ ભાવને બહુ સ્પષ્ટપણે સમજાવાયેલ છે.
સર્વાત્મ એટલે સર્વમાં સ્વ અને ભાવ એટલે અનુભૂતિ, કે મનોદૃષ્ટિ. આમ
સર્વાત્મ ભાવ એ એવી અનુભુતિ કે સમજ છે કે આપણે શું છીએ તેનું હાર્દ (સ્વ) દરેકમાં
છે. આપણે બીજાંથી અલગ નથી, પરંતુ દરેક સજીવ કે નિર્જિવ સાથે
મૂળભૂત રીતે સંકળાયેલાં છીએ. અદ્વૈત વેદાન્ત અનુસાર, આ
મનોદૃષ્ટિ માનવ જીવનનું અંતિમ ધ્યેય છે.
સર્વાત્મ ભાવ એ માત્ર દાર્શનિક વિચાર નથી પણ એક જીવંત અનુભવ
છે. જ્યારે આપણે બધામાં એક બની રહીએ છીએ ત્યારે આપણા સ્વને અતિક્રમી જઈએ છીએ. આપણે
હવે આપણા અહં, આપણા ભય કે આપણી ઈચ્છાઓથી સીમિત નથી રહેતાં. તેને બદલે આપણે
વિસ્તૃત, પ્રસન્નચિત્ત અને સર્વવ્યાપી બની રહીએ છીએ. આ સ્વના
નકારની નહીં પણ સ્વના વિસ્તરણની સ્થિતિ છે. આપણે આપણી આગવી ઓળખ ખોઈ નથી નાખતાં,
પણ આપણું વ્યક્તિત બહુ વ્યાપક બનીને સમગ્ર માનવતાને આવરી લે છે.
અલગતાની ભ્રમણાઃ મોહ
ઇશોપનિષદ માત્ર બે જ શ્લોકમાં આ આખો વિચાર રજૂ કરી દે છેઃ
यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति।
सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ॥ ६ ॥
સમજુ વ્યક્તિ બધી વસ્તુઓમાં સ્વનેજૂએ છે અને સ્વને બધે જ
જૂએ છે. માટે તેને કોઈને માટે અણગમો નથી થતો.
यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूद् विजानतः।
तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः ॥ ७ ॥
દરેક બાબતનું રહસ્ય સમજી શકતા આર્ષદૃષ્ટા માટે બધીવસ્તુ સ્વ
બની જાય છે, ત્યારે ઐક્યના એ દૃષ્ટાને કેવી ભ્રમણા અને કેવો શોક?
આમ આ શ્લોકો વડે આપણને સમજાય છે કે આપણી બધી સમસ્યાઓ અને
બધી ભ્રમણાઓનું મૂળ આપણી જાતને બીજાથી અલગ જોવામાં રહેલું છે. આ ભ્રમણાને કારણે
આપણે સીમિત બની જઈને આપણાં તન અને મન પૂરતાં મર્યાદિત બની રહીએ છીએ.પરંતુ ખરી
હકીકત તો એ છે કે આપણે માત્ર તન અને મન જ નથી પણ દરેક જીવમાં વ્યાપી રહેલ આત્મા
છીએ. આ વાત જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે આપણે સર્વાત્મ ભાવ અનુભવીએ છીએ, અને
બધી ભ્રમણાઓ અને શોક દૂર થાય છે.
ભક્તિની ભૂમિકા
ભાવાત્મક ઐક્ય પામવા માટે એક માર્ગ ભક્તિનો પણ છે. પ્રભુની
ભક્તિ આપણને ઈશ્વરની નજ્દીક લઈ આવવામાં મદદરૂપ બને છે, તેથી
ઇશ્વરનાં બીજાં બધાં સર્જન પ્રત્યે આપણને પ્રેમની લાગણી રહે છે. માટેજ સર્વાત્મ
ભાવ કેળવવા માટે ભક્તિ યોગ એક બહુ જ અસરકારક માર્ગ ગણાય છે.
જે વ્યક્તિ ભક્તિને માર્ગે અનુસરવા છતાં બીજાંઓ પ્રત્યે
રાગદ્વેષ અનુભવતી હોય તેણે ભક્તિનું મૂળભૂત હાર્દ જ સમજ્યું નથી. ભક્તિ તો સર્વે
પ્રત્યે અનુકંપા અને દૈવત્વ સાથે એકત્વની ભાવનાનું મૂળ છે. સાચી ભક્તિમાં કોઈ
પ્રકારની ઇર્ષ્યા કે દ્વેષને સ્થાન નથી. ભક્તિમય મન દરેક જીવના આપસી સંબંધને ઓળખે
છે અને બીનશરતી પ્રેમ, કરૂણા અને સ્વીકારનો પ્રસાર કરે છે.
સર્વાત્મ ભાવનો રોજબરોજનાં
જીવન પર પ્રભાવ
સર્વાત્મ ભાવ એ માત્ર આધ્યાત્મિક આદર્શ નથીઃ તેનો આપણાં
રોજબરોજનાં જીવનમાં પણ ઘણો પ્રભાવ છે. આપણે બીજાંને પ્રતિદ્વંદી તરીકે જોવાને બદલે
એક જ સફરનાં હમસફર તરીકે જૉઇએ છીએ. આ દૃષ્ટિકોણ આપણા વ્યક્તિગત તેમજ સમાજ સાથેના
સામુહિક સંબંધોમાં વધારે સદ્ભાવ લાવે છે. મનોવૈજ્ઞાનિક સંશોધનો અને અભ્યાસો બતાવે
છે કે જે લોકો બીજાં જોડે સુમેળભર્યાસંબંધો રાખે છે તેમના
જીવનમાં આનંદ રહે છે, તેઓ વધારે તંદુરસ્ત રહે છે અને એકલાં
પડી રહેતાં લોકો કરતાં વધારે અનુકૂલનશીલ રહી શકે છે. આવા સંબંધો ખુબ આનંદમય કુટુંબ,
એકબીજાને મદદરૂપ સમાજ કે ગહન આધ્યાત્મિક
અભ્યાસ જેવાં વિવિધ રૂપે જોવા મળે છે. સર્વાત્મ ભાવનાં હાર્દમાં તો એક જ ભાવ છે કે
આપણે અલગ અલગ વ્યક્તિત્વો નથૉ પણ એકબીજાં સાથે મજબુતપણે જોડાએલાં સહસ્તિત્વો છીએ.
એકત્વનું જીવન
આપણે જ્યારે 'હું'ની ભાવનાને
અતિક્રમીને 'આપણે'ની ભાવના પામીએ છીએ
ત્યારે અપાર આનંદ અને શાન્તિ પામીએ છીએ. હવે પછી આપણે બીજા સાથે હરિફાઈ કરવાની કે
એવી હરિફાઈ સામે આપણું રક્ષણ કરવાની કે બહારથી કોઈ પ્રમાણપત્ર મેળવવાની પાછળ
દોડતાં નથી. આપણને હવે સંતોષ અનુભવાય છે કે આપણે આપણે એકલાં નથી પણ અનંતનો જે એક
અવિભાજ્ય હિસ્સો છીએ. આ સમજ એ માનવ જીવનનું અંતિમ લક્ષ્ય છે. તેને કારણે આપણા
જીવનને અર્થ અને ઉદ્દેશ્ય મળે છે, જે આપણને સાચા આનંદ અને
પરિપૂર્ણતાની પરમ અનુભૂતિ કરાવે છે.
- પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Swami Ishadhyanananda ના મૂળ અંગ્રેજી લેખ Sarvatma Bhava: Elevating Human Relationships to Spiritual Oneness નો સંકલિત અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો