તાજેતરમાં, મારી પીઠના નીચેના ભાગમાં સ્લિપ ડિસ્ક તરીકે વધુ જાણીતી હર્નિયેટ ડિસ્કનું નિદાન કરવા માટે મેં સર્વ પ્રથમવાર એમઆરઆઈ (MRI) સ્કેન કરાવ્યું.
![]() |
સાંદર્ભિક નોંધઃ નેટ પરથી સાભાર |
સ્લિપ ડિસ્ક ધ્યાન પર ન લેવા જેવી બાબત તો નથી, પણ સદનસીબે, મારા કિસ્સામાં બહુ ગંભીર પણ નહોતી. મારે ફક્ત મારી પીઠનું ખાસ ધ્યાન રાખવાની, કસરત કરવાની અને તણાવનું સારી રીતે સંચાલન કરવાની જરૂર છે.
MRI, અથવા મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગમાં એક સાંકડી ચુંબકીય નળીમાં જવાનો સમાવેશ થાય છે જેના દ્વારા આંતરિક શરીરની રચનાઓની છબીઓ લેવામાં આવે છે. નળી એક સાંકડી ઠંડી જગ્યા છે અને એકવાર પ્રક્રિયા શરૂ થઈ જાય, પછી તે કાન ફાડી નાખે અને ગમે નહીમ એવા ખૂબ જ ઘોંઘાટીયા અવાજો રૂપે કામ કરે છે. કોઈને તો જાણે યુદ્ધના મેદાનની વચ્ચે હોય તેવું લાગે છે. જે ભયંકર અનુભવ તરીકે શરૂ થયું હતું તે મારા માટે કેટલાક રસપ્રદ પાઠ સાથે સમાપ્ત થયું.
જ્યારે હું સ્કેન માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે હું ખૂબ જ ચિંતિત હતો. જ્યારે હું ઠંડી સાંકડી નળીમાં સરકી ગયો ત્યારે મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. જોકે, મને જોકે બંધૈયાર જગ્યાની ભીતિ (ક્લોસ્ટ્રોફોબિયા) નથી, પણ એટલી સાંકડી જગ્યામાં દાખલ થવું એ થોડું અસ્વસ્થ કરનારું જરૂર હતું. થોડીવાર પછી, પ્રક્રિયા શરૂ થઈ અને અવાજે મારી પહેલેથી જ વધી ગયેલી ચિંતામાં વધારો કર્યો. બાહ્ય અંધાધૂંધીથી બચવા માટે, મેં અંદર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને મારી આંખો બંધ કરવાનું નક્કી કર્યું. મારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી હૃદયના ધબકારા સ્થિર કરવામાં મદદ મળી.
પછી મેં મારા જીવનમાં અત્યાર સુધી થયેલા બધા અદ્ભૂત અનુભવો પર મારું મન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. મારા ભૂતકાળની છબીઓ મારા મનમાં જગ્યા ભરવા લાગી. બાળપણમાં ઝાડની ટોચ પર કેવી રીતે ચડી ગયો હતો, તાજેતરમાં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે, આગલે દિવસે મેં ખાધેલી ચોકલેટ આઈસ્ક્રીમ વિશે, મારા પુત્રના ઘરમાં ખુશીથી દોડવા વિશે, મારા પરિવારની હૂંફ વિશે, અમારી મુસાફરી વિશે, મેં ચુંટેલા સુંદર ફૂલો અને પક્ષીઓ વિશે વગેરે જેવી ઘટનાઓ વિશે વિચારવા લાગ્યો. આ દૄશ્યોની જીવંત છાપે મારી સામે પડેલી ખાલી જગ્યા પર કબજો કરી લીધો. એ બધી છાપ એટલી સૂક્ષ્મ અને ગહન હતી કે હું ખરેખર ખૂબ જ અસ્વસ્થતાભર્યા વાતાવરણમાં હસી શકતો હતો.
હું શું શીખ્યો?
હું શીખ્યો કે બે દુનિયા છે - એક આપણી અંદરની અને બીજી આપણી બહારની. અંદરની દુનિયા આપણા અનુભવો, લાગણીઓ, આશાઓ, આકાંક્ષાઓ, લાગણીઓ અને સપનાઓની અનુભૂતિની બારીકીઓ બનેલી છે.. બહારની દુનિયા સ્થૂળ છે - (મોટેભાગે) ભૌતિક વસ્તુઓથી બનેલી છે. આપણે આપણી અંદર રહેલી દુનિયાના દૃષ્ટિકોણથી આપણી બહારની દુનિયા જોઈએ છીએ. આપણી અંદરની દુનિયા બહારની દુનિયા કરતાં ઘણી વધુ રંગીન, આબેહૂબ અને શક્તિશાળી છે. મુશ્કેલ પસંદગીઓ કે પ્રતિકૂળતાના સમયે, હંમેશા આપણી અંદર રહેલી દુનિયાનો વધુ આદર કરીએ.
હું એ પણ શીખ્યો કે આપણા અનુભવો ભૌતિક વસ્તુઓ કરતાં ઘણા મૂલ્યવાન છે. આપણા જીવનની ગુણવત્તા, આપણી પાસે રહેલી વસ્તુઓ દ્વારા નહીં, પરંતુ, મોટાભાગે, આપણા અનુભવોની ગુણવત્તા દ્વારા નક્કી થાય છે. જ્યારે હું જીવનમાં શ્રેષ્ઠ વસ્તુઓ વિશે વિચારતો હતો, ત્યારે ફક્ત મારા અનુભવો જ આગળ આવ્યા, વસ્તુઓ નહીં. મુખ્ય વાત એ છે કે એવા અનુભવો બનાવવામાં રોકાણ કરવું જોઈએ જે આપણા જીવનને સમૃદ્ધ બનાવે.
કોઈની સાથે વાત કરી શકાય તેમ ન હતું, કે મને વ્યસ્ત રાખવા માટે કોઈ સાધનો ન હતાં, તેથી એ ગીચ જગ્યામાં બંધ થઈ જવાથી મને મારી પોતાની અંદર ડોકિયું કરવાની તક મળી. એકાંત કિંમતી છે કારણ કે તે આપણને આપણા પોતાના સ્વ સાથે રહેવા અને આપણા જીવનમાં સુંદર દરેક વસ્તુની પ્રશંસા કરવાની તક આપે છે.
જ્યારે હું રૂમમાંથી બહાર આવ્યો, ત્યારે હું વિચારી રહ્યો હતો કે જ્યારે આપણે જીવન માટે થોડું જોખમ અનુભવીએ છીએ ત્યારે આપણે તેના વિશે કેટલું શીખીએ છીએ. મારા માટે ખરેખર શું મહત્વનું છે તે વિશે વધુ જાગૃત થઈને હું ડાયગ્નોસ્ટિક સેન્ટરમાંથી બહાર નીકળ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો