બુધવાર, 13 ઑગસ્ટ, 2025

અન્ન સત્ય છેઃ દેવતાઓને શું ભોગ શા માટે ધરાવાય છે - દેવદત્ત પટ્ટનાઈક

આપણી સંસ્કૃતિમાં અન્નને આટલું મહત્વ કેમ આપવામાં આવે છે?

યોગ-શાસ્ત્રમાં, આપણા શરીરને અન્નકોશ કહેવામાં આવે છે, એટલે કે અન્નમાંથી બનેલો દેહ. આપણો દેહ માંસ પછી અન્ય પ્રાણીઓ માટે ખોરાક બને છે.

બધા જીવોને તેમના અન્નકોશ માટે અન્નની જરૂર હોય છે. છોડ તત્વો ખાય છે, જેમાં ખાસ કરીને પાંચ મુખ્ય તત્વો, પંચ મહાભૂત, જેમાં સૂર્યપ્રકાશ અને પાણીનો સમાવેશ થાય છે. છોડ, બદલામાં, એવાં પ્રાણીઓનો ખોરાક બને છે, જે પછી અન્ય પ્રાણીઓ દ્વારા ખવાય છે.

માણસ છોડ અને પ્રાણીઓ બંને ખાય છે. ખોરાક અને ખાવાની ક્રિયા જીવન જાળવી રાખે છે; જીવન જીવનને ખાય છે.

ઉપનિષદો ખોરાકને ખૂબ મહત્વ આપે છે. ખોરાક વિના, વિશ્વ અસ્તિત્વમાં રહી શકતું નથી. આપણે આત્મા, અર્થ, ઉચ્ચ બૌદ્ધિક અને આધ્યાત્મિક બાબતોની ચર્ચા કરી શકીએ છીએ, પરંતુ સૌથી વ્યવહારુ સ્તરે, "અન્ન હી સત્ય હૈ" - ખોરાક જ સત્ય છે.

પુરાણોમાં આપણને અસ્તિત્વના અર્થ વિશે યાદ અપાવવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. જેમ ભાષાને બ્રહ્મન કહેવામાં આવે છે, તેમ અન્નને પણ બ્રહ્મન કહેવામાં આવે છે. ભગવાન ખોરાકમાં રહે છે; જે ખાય છે તે ભગવાન છે, તમે જે ખાઓ છો તે પણ ભગવાન છે. "ભગવાન જીવન છે અને જીવન ખોરાક છે" એ ખ્યાલ મંત્રો અને અન્ય ગ્રંથોમાં સતત પુનરાવર્તિત થાય છે જેથી આપણે ખોરાકનું મહત્વ ભૂલી ન જઈએ.

દેવોને અર્પણ કરવામાં આવતા ભોગ મોટે ભાગે દૂધ અને ફળ હોય છે. શું તેમનો આ પ્રિય ખોરાક છે કે તેની પાછળ કોઈ બીજું કારણ છે?

તમે આને શાબ્દિક સ્વરૂપે કે રૂપકાત્મક સ્વરૂપે લઈ શકો છો. પૃથ્વીને વસુંધરા તરીકે ઓળખવામાં આવે છે, જે વાસુ અથવા છોડને પકડી રાખે છે. તેથી જો પૃથ્વી ગાય છે, તો છોડ તેનું દૂધ છે. વેદોમાં, દૂધને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.  દૂધનુનાં એક ઉત્પાદન,ઘી,ને યજ્ઞ દરમિયાન, દેવતાઓની ભૂખ સમાન, અગ્નિને અર્પણ કરવામાં આવે છે.

પંચામૃતમાં  દૂધનાં પાંચ ઉત્પાદનો છે - કાચું અને બાફેલું દૂધ, ઘી, માખણ અને દહીં. ગોરસ, ગૌમૂત્ર, મધ અને ગોળ  એ બધાંને ભેળવીને દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. પુરાણોમાં, એવું કહેવામાં આવ્યું છે કે વિષ્ણુ ક્ષીર સાગર, દૂધના સમુદ્ર, પર બિરાજમાન છે.

તેથી, પ્રકૃતિ, કુદરત, દૂધના સમુદ્ર તરીકે જોવામાં આવે છે. કુદરત પાસેથી જે કંઈ મળે છે દૂધ જેવું છે - એવી સમાનતા છે. તેથી જ દેવતાઓને હંમેશા દૂધ ચઢાવવામાં આવે છે.

ફળ કાચાં કે પાકેલાં હોઈ શકે છે. બધા ફળોનો સ્વાદ અલગ અલગ હોય છે, અને ફળના પ્રકાર મુજબ દેવતાઓને ચઢાવવામાં આવે છે. દેવીઓને ખાટા અને મસાલેદાર ફળો આપવામાં આવે છે. લક્ષ્મીને આમળા, લીંબુ અને મરચાં ચઢાવવામાં આવે છે. વિષ્ણુને મીઠા ફળો આપવામાં આવે છે. શિવને સૂકા ફળો આપવામાં આવે છે કારણ કે તે ઠંડા વાતાવરણમાં જોવા મળે છે, અથવા તો પછી, કારણકે ઋષિઓ એ ફળોને તેમની સાથે સફર કરતી વખતે લઈ ગયા હતા.

શિવ અને વિષ્ણુના પ્રિય ખોરાક કયા છે?

તેને જોવાની એક રીત એ છે કે શિવ એક એવા વૈરાગી છે, એક એવા  તપસ્વી જે ગૃહસ્થ જીવનથી દૂર રહેવા માગે છે, જ્યારે વિષ્ણુ, રામ અથવા કૃષ્ણના રૂપમાં, ગૃહસ્થ જીવન જીવે છે. તેથી શિવને કાચું, પ્રક્રિયા ન કરેલું દૂધ અને વિષ્ણુ, માખણ અને ઘી જેવા પ્રક્રિયા કરેલાં દૂધના ઉત્પાદનો ચઢાવવામાં આવે છે.

શિવ જે કંઈ ઉપલબ્ધ હોય તેનાથી સંતુષ્ટ છે. પરંતુ વિષ્ણુ ગૃહસ્થ હોવાથી, તેમના પ્રસાદ માટે ખાસ તૈયારીની જરૂર પડે છે; તેમને ઉત્પાદિત ઉત્પાદનોની જરૂર છે. દૂધમાંથી માખણ કાઢવા માટે, તમારે ઘણું કામ કરવું પડશે, નહીં તો ધાર્યું પરિણામ જોવા મળશે નહીં. શ્રમ, શ્રમને ઘણું મહત્વ આપવામાં આવે છે. તેથી, સામાન્ય રીતે, વિષ્ણુને રાંધેલું ભોજન આપવામાં આવે છે.

દિવાળીની આસપાસ અન્નકૂટ ઉત્સવ દરમિયાન, કૃષ્ણને એક પહાડ જેટલો, છપ્પન ભોગ, અથવા છપ્પન વ્યંજનો ચઢાવવામાં આવે છે - કારણ કે ખોરાક ગૃહસ્થ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ભોજન ભગવાનની જીવનશૈલી સાથે મેળ ખાય છે.

શું ફક્ત દેવતાઓ જ ભોગ પસંદ કરે છે; શું દેવીઓને તે ગમતું નથી?

દેવીઓ માટે, પરંપરાગત રીતે, બકરા, ભેંસ, પક્ષીઓનાં રક્ત બલિદાન આપવામાં આવતું હતું. આજકાલ તે પ્રાણીઓની સુરક્ષાને લગતા અધિકારોને કારણે હવે બહુ ચલણમાં નથી. દેવી રક્તવિલાસિની છે, જે રક્તને પ્રેમ કરે છે.

આપણે તેને શાબ્દિક રીતે લઈ શકીએ છીએ, પરંતુ તેનું એક રૂપકાત્મક પાસું પણ છે. ભૂદેવી, પૃથ્વી દેવી,ને એક ગાય માનવામાં આવે છે જેનું દૂધ બધાને પોષે છે. પરંતુ ભૂદેવી પોતાને કેવી રીતે પોષશે? ગૌરીના રૂપમાં, તે દૂધ આપે છે, અને કાલીના રૂપમાં, તે રક્ત પીવે છે - જાણે કે. જીવન ચક્રના વિચાર પર ભાર મૂકવા માટે આ રૂપક સર્જવામાં આવ્યું છે.  જ્યારે પણ તમે કંઈક ખાઓ છો, ત્યારે તમે કંઈક હત્યા કરી છે, કોઈએ ને કોઈએ ત્તો બલિના રૂપે કંઈક બલિદાન આપ્યું છે.

વનસ્પતિજન્ય ખોરાક એવા ખેતરોમાંથી આવે છે જે જંગલોનો, પર્વતો અને નદીઓનો નાશ કરીને, અસંખ્ય પ્રાણીઓને મારી નાખ્યા પછી બનાવવામાં આવ્યા હતા. દેવી હંમેશા તમને યાદ અપાવે છે કે તમારી સભ્યતા, સંસ્કૃતિ બનાવવા માટે, તમે પ્રકૃતિનો નાશ કરો છો. અને તેથી તે રક્ત માંગે છે, નરબલી પણ માગે છે.

ભાગવત પુરાણમાં, ભૂદેવી વિષ્ણુને કહે છે કે લોકો તેને પરેશાન કરી રહ્યા છે અને તેઓ લોકોનું લોહી પીવા માંગે છે. હકીકતમાં, રામાયણ અને મહાભારતમાં યુદ્ધો પાછળનું ગુપ્ત કારણ એ છે કે ભૂદેવી તરસ્યાં થયાં હતાં. અધર્મ, અનૈતિકતા ખૂબ વધી ગઈ હતી, અને માણસે ભૂદેવીનું ભયંકર શોષણ કર્યું છે, અને તેથી હવે દેવી બદલામાં લોહી માંગે છે. તેથી, રામ અને કૃષ્ણના રૂપમાં, વિષ્ણુ યુદ્ધો કરાવે છે. આ એક પ્રકારની નરબલી છે.

મહાભારતમાં એક કથા છે જેમાં અર્જુન અને ભીમ યુદ્ધ દરમિયાન કોણે વધુ પરાક્રમ બતાવ્યું તે અંગે ઝઘડો કરી રહ્યા છે. તેમને કહેવામાં આવે છે કે પર્વતની ટોચ પર એક મસ્તકછે જે તેમને જવાબ આપી શકે છે કારણ કે તેણે ત્યાંથી આખું યુદ્ધ જોયું હતું. કેટલાક કહે છે કે માથાનું નામ બાર્બરિકા હતું, અન્ય કેટલાંક કહે છે તે અરવન છે. શિખરની ટૉચ પડેલાં મસ્તકે કહ્યું, “"હું કોઈ કૌરવ, પાંડવ કે મહાન યોદ્ધાને જાણુતી નથી. મેં ફક્ત ભૂદેવીને કાલીના રૂપમાં જોઈ, જે વિષ્ણુના સુદર્શન ચક્ર દ્વારા બધા યોદ્ધાઓનો નાશ કરતી હતી."

ધનની દેવી લક્ષ્મીને એક બહેન છે, અલક્ષ્મી, જે ઝઘડાઓની દેવી છે - બંને ઘરમાં એકસાથે પ્રવેશ કરી શકે છે. મુંબઈમાં, અલક્ષ્મીને તર્પણ તરીકે ઉંબરા ઉપર લીંબુ અને સાત મરચાં લટકાવવાનો રિવાજ છે, જેથી તે તેનો સ્વાદ માણી શકે અને ઘરની બહાર રહી શકે. ઘરની અંદર, લક્ષ્મીને આમંત્રણ આપવા માટે મીઠાઈનો ભોગ ચઢાવવામાં આવે છે.

શું રામાયણ કે મહાભારતમાં ભોગ વિશે કોઈ ચોક્કસ કથા છે?

અયોધ્યામાં, સીતાના રસોડા તરીકે ઓળખાતું એક સ્થળ છે. સીતા ખૂબ સારાં રસોઈયણ હતાં. દ્રૌપદી તેની ઉદારતા માટે પ્રખ્યાત હતી. કોઈ પણ તેના રસોડામાંથી ભૂખ્યું જતું નહોતું. મહેલમાંથી દેશનિકાલ થયા પછી, જંગલમાં તેમના રોકાણ દરમિયાન, પાંડવો પાસે કંઈ નહોતું. દ્રૌપદીને ખરાબ લાગે છે કે તે તેના દરવાજા પર આવનાર કોઈપણને ખવડાવી શકશે નહીં.

દ્રૌપદીની મશ્કરી કરવા સારૂ દુર્યોધન દુર્વાસા અને કેટલાક અન્ય ઋષિઓને દ્રૌપદી પાસે મોકલે છે. ઋષિઓ દ્રૌપદી પાસે  જમવાનું માગે છે. તેમના માટે ભોજન તિયાર થાય એટલી વારમાં દ્રૌપદી તેમને નદીમાં સ્નાન કરવા માટે વિનંતી કરે છે. ઋષિઓના ગયા પછી, દ્રૌપદી અંદર જાય છે અને નિરાશામાં રડવા લાગે છે.

તે પછી કૃષ્ણ આવે છે. કૃષ્ણ કહે છે કે  હાંડલામાં કંઈક તો હોવું જોઈએ જે તે ઋષિઓને આપી શકે. નિરાશ થઈને, દ્રૌપદી તેને ખાલી વાસણો બતાવે છે, કહે છે કે તેના પતિઓને ખવડાવ્યું હતું અને પછી જે થોડું બચ્યું હતું તે પોતે ખાઈ લીધું હતું. કૃષ્ણ હાંડલામાં ચોંટેલો ચોખાનો એક દાણો ખોળી કાઢે છે અને ખાય છે. કૃષ્ણ તૃપ્ત થાય છે અને પરિણામે, ઋષિઓ પણ તૃપ્ત થાય છે. ઋષિઓને લાગે છે કે જો દ્રૌપદી જે કંઈ પણ આપે છે તે એ લોકો નહીં ખાય તો દ્રૌપદીનો અનાદર થયો ગણાશે, તેથી તેઓ ઉતાવળમાં બહાર નીકળી જાય છે. આ રીતે કૃષ્ણ દ્રૌપદીના ગૌરવનું રક્ષણ કરે છે.

જોકે, કૃષ્ણ દ્રૌપદીને  તેની સમસ્યાના ઉકેલ માટે સૂર્યદેવને પ્રાર્થના કરવાનું કહે છે. દ્રૌપદી પ્રાર્થના કરે છે. સૂર્ય તેને થાળી  આપે છે. તેના પરથી "દ્રૌપદી કી થાળી" શબ્દપ્રયોગ કરવામાં આવે છે. દ્રૌપદી કી થાળી "માતાજી કા ભંડાર" ની વિભાવના જેવું જ છે, જેનો અર્થ છે કે રસોડામાં હંમેશા ખોરાક રહેશે. દરરોજ, દ્રૌપદી ભરપેટ જમી લે ત્યાં સુધી થાળી ભરેલી રહેતી. તે સેંકડો લોકોને ખવડાવતી અને ખાવામાં સૌથી છેલ્લી રહેતી. પરંતુ એકવાર તે ખાધા પછી, બીજા દિવસ સુધી કોઈ ખોરાક રહેતો નહીં.

આ કથાઓમાં, કોઈ પુરુષ રસોઈયા નથી. તે કેવી રીતે શક્ય છે?

મહાભારતમાં આવા સંદર્ભો છે. નળ એક શક્તિશાળી, સુંદર અને શ્રીમંત રાજા છે, જેના લગ્ન સુંદર દમયંતી સાથે થયા હતા, અને તેમનું જીવન સારી રીતે ચાલે છે. પાછળથી, કમનસીબ સંજોગોને કારણે, તેઓ એટલા ગરીબ થઈ જાય છે કે નળને બીજા રાજાનો નોકર બનવું પડે છે, અને એ રાજા માટે રસોઈ બનાવવી પડે છે.

આ કથા કેરળમાં વધુ પ્રખ્યાત છે. મલયાલમ મહાભારત અનુસાર, વિશ્વનો સૌથી મહાન રસોઈયો નળ છે. અત્યારે પણ, જ્યારે તમને કોઈ સારો પુરુષ રસોઈયો મળે છે, ત્યારે તેની તુલના નળ સાથે કરવામાં આવે છે.

મેં સાંભળ્યું છે કે લોકો દેવતાઓને પાન ચઢાવે છે. એવું શા માટે?

પાન અને સોપારી, એક ભારતીય પરંપરા છે. ભોજનના અંતે, તમે પાન - સોપારી ખાઓ છો. સોપારી દર્શાવે છે કે તમારા જીવનમાં બધું સારું છે, અને તમે સમૃદ્ધ અને સંતુષ્ટ છો. તે સુખી ગૃહસ્થ જીવનનો એક સંકેત છે. આ ફક્ત પરિણીત દેવતાઓને જ અર્પણ કરવામાં આવે છે, શિવને ક્યારેય નથી ધરાવાતું.

કેટલીક મૂર્તિઓમાં, લક્ષ્મી વિષ્ણુને પાન અર્પણ કરે છે. તે આરામ, આનંદ અને વૈભવ, સફળતા અને સુખનું પ્રતીક છે. આપણે આ બધું આપણા જીવનમાં ઇચ્છીએ છીએ.

શ્રીફળ શું છે?

શ્રી લક્ષ્મી છે, ફળ ફળ છે. શ્રીફળ એક એવું ફળ છે જે તમને આખું વર્ષ, સરળતાથી ઉપલબ્ધ હોય છે. તે પોતાની મેળે ઉત્પન્ન થાય છે, અને તેને નારિયેળ કે કેળ જેટલી વધુ મહેનતની જરૂર નથી. આ હંમેશા પૂજાની થાળીમાં રાખવામાં આવે છે. તે માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ તે અનંત સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ છે.

ક્યારેક ચોખાને શ્રીફળ પણ કહેવામાં આવે છે. પૂજા માટે કળશ, વાસણ નીચે, તમે ચોખા ફેલાવો છો, અને કળશના મુખ પર નારિયેળ મૂકવામાં આવે છે. આ લક્ષ્મીના સંકેતો છે. તે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, અને જ્યાં પણ હશે ત્યાં સમૃદ્ધિ હશે.

  • સ્ક્રોલ.ઈનમાં ૧૯   જુલાઈ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Food is truth: What the Hindu gods are given to eat and whyનો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૧૩ ઓગસ્ટ ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો