બુધવાર, 24 સપ્ટેમ્બર, 2025

બે સનાતન ધર્મો? - દેવદત્ત પટ્ટનાઈક

"સનાતન ધર્મ" શબ્દના રાજનૈતિક અને તત્વજ્ઞાન સંબંધી એવા બે અર્થ છે. 

હિન્દુ ધર્મને બિનખ્રિસ્તી, અનેકેશ્વરવાદી અને મૂર્તિપૂજક તરીકે જોતા યુરોપિયન પ્રાચ્યવાદીઓના બે પ્રતિભાવોમાંથી એક તરીકે રાજકીય સનાતન ધર્મ ઉભરી આવ્યો. એક, સમાજ પ્રતિભાવ, પ્રચલિત હિન્દુ રિવાજો અને માન્યતાઓમાં સુધારા કરીને તેને સંસ્થાનવાદને સ્વીકૃત બનાવવાનો હતો. પરિણામે ઘણા સંગઠનો ઉભરી આવ્યા જેમણે છોડ, પ્રાણીઓ, ખડકો અને મૂર્તિઓની પૂજાને નકારી કાઢી અને ઈશ્વરને નિરાકાર એકેશ્વરવાદી દ્રષ્ટિએ જોયા. આ સુધારકોએ પ્રાર્થના અને પ્રાર્થના ખંડો પર ધ્યાન કેન્દ્રિત કરીને 'હિન્દુ ચર્ચ' જેવું કંઈક બનાવ્યું.

બીજો પ્રતિભાવ એવો હતો કે મિશનરી અને વસાહતી ઉત્સાહથી પ્રેરિત યુરોપિયન પ્રાચ્યવાદીઓએ જાણી જોઈને હિન્દુ ધર્મની બધી બાબતોને ખોટી રીતે સમજી હતી. તેઓએ દલીલ કરી હતી કે હિન્દુ ધર્મ વિશ્વનો સૌથી મોટો 'મૂળ' ધર્મ છે, જે ભારતમાંથી ઉભરી આવ્યો છે અને ઉમદા લોકો દ્વારા વિશ્વભરમાં ફેલાયો છે, જે સંસ્કૃતમાં આર્ય છે. તેમના વિશ્વ દૃષ્ટિકોણમાં, મૂળ સનાતન ધર્મમાં કોઈ વર્ગ, લિંગ અથવા જાતિ વંશવેલો નહોતો. કોઈ વિકૃત વિષયવાસના નહોતી. પરમાણુ મિસાઇલો, પ્લાસ્ટિક સર્જરી અને વિમાનો જેવી મહાન ટેકનોલોજી પણ હતી, જેની સ્મૃતિ વેદોમાં મળી શકે છે. આ એવા 'સનાતનીઓ' હતા, જેઓ પોતાને 'મૂળ' હિન્દુ ધર્મ સાથે જોડાયેલા માનતા હતા.

દાર્શનિક સનાતન ધર્મનો અર્થ 'કાલાતીત સિદ્ધાંતો' થાય છે. તે માનવ અસ્તિત્વનાં,સાંસ્કૃતિક માંગણીઓથી અકલંકિત, કુદરતી પાસાઓનો ઉલ્લેખ કરે છે. તે ભૌતિકશાસ્ત્ર (અજીવ), જીવવિજ્ઞાન (સજીવ) અને મનોવિજ્ઞાન (બ્રહ્મ) ની દુનિયાનો ઉલ્લેખ કરે છે. ભૌતિકશાસ્ત્રની દુનિયા અકાર્બનિક તત્વો (પંચ-ભૂતો) ની દુનિયા છે. જીવવિજ્ઞાનની દુનિયા ઇન્દ્રિયો (ઇન્દ્રિય), લાગણીઓ (ચિત્ત), વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર (ચર-અચર) ની દુનિયા છે. પછી મનોવિજ્ઞાનની દુનિયા આવે છે, જ્યાં વ્યક્તિએ કલ્પના (માનસ) સાથે વ્યવહાર કરવો પડે છે જે આપણી ભૂખ અને ભયને બળ આપે છે જે આપણા વ્યક્તિત્વ (અહમ) ને આકાર આપે છે. અહીં વ્યક્તિએ માનવ ક્ષમતા સાથે વ્યવહાર કરવો પડે છે જે બધી ભૂખ અને ભય (આત્મા) ને વટાવી ગઈ છે. આ વિચાર અસંદર્ભિત અને અઐતિહાસિક છે. તેનું ઇતિહાસ કે ભૂગોળમાં અસ્તિત્વ નથી. તે કોઈ લિંગ, જાતિ, વર્ગ કે ઉંમર સુધી મર્યાદિત નથી.  તે તમારી જાતિયતા, તમારા શિક્ષણ, તમારા બેંક બેલેન્સ કે તમારા પિતાના નામ પર આધારિત નથી. જો તમે તેને સાંભળવા અને તમારી આસપાસ જોવા માટે પૂરતા સંવેદનશીલ હોતે તો તે બધા માટે સુલભ છે. તેથી જ વૈદિક જ્ઞાનને શ્રુતિ (કર્ણોપકર્ણ) અને દર્શન (જે દેખાય છે) કહેવામાં આવતું હતું.

આજે આપણી પાસે એક વિકલ્પ છે: સુધારકોની જેમ ભૂતકાળથી સતત શરમ અનુભવવી અથવા સનાતનીઓની જેમ ભૂતકાળની પૂર્ણતા વિશે દલીલ કરવી. નહીં તો પછી, સમકાલીન અને ભવિષ્યની જરૂરિયાતો માટે હિન્દુ ધર્મને ફરીથી ગોઠવવાનો પ્રયાસ કરવો.

વીસમી સદીની શરૂઆતમાં, સ્વતંત્રતા ચળવળની જરૂરિયાતોને સંતોષવા માટે હિન્દુ ધર્મને 'બ્રહ્મચારી પુલ્લીંગી' શબ્દોમાં ફરીથી ગોઠવવામાં આવ્યો હતો. એકવીમી સદીમાં, આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતી આંતરરાષ્ટ્રીય પેઢીની જરૂરિયાતોને સંતોષવા માટે તેને એવી રીતે ફરીથી ગોઠવવાની જરૂર છે, જેનું સામર્થ્ય અનુભવવા માટે સ્ત્રી-દ્વેષ, જાતિવાદ, ખાનપાન અને જાતીયતા નિષેધ પર આધાર લેવાની જરૂર નથી. એક નવી દુનિયા ઉભરી રહી છે, જે રાજકીય સનાતન ધર્મ સાથે સુમેળમાં નથી. તેનાથી વિપરીત, દાર્શનિક સનાતન ધર્મ આજે પણ એટલો જ સુસંગત છે જેટલો તે તે સમયે હતો.

  • મિડ - ડેમાં  ૩૧   જુલાઈ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Two sanatan dharmas? નો અનુવાદ | પુરાણશાસ્ત્રોનો સિદ્ધાંત

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો