બુધવાર, 1 ઑક્ટોબર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : સંબંધોનું પૂર્ણ પોષણ - રામકૃષ્ણ પરંપરામાંથી કેટલાક બોધપાઠ

 

પ્રો. સુમિત રોય[1]

 ભગવાન શ્રી રામકૃષ્ણએ મા શારદાદેવીને જે અનેક આધ્યાત્મિકને જીવન કૌશલ્યનાં સૂચનો ચીંધ્યાં છે તેમાં જુદા જુદા સંદર્ભો અનુસાર લોકો સાથે વહેવાર કરવો એ મુખ્ય છે. આજના સમયમાં આપણે આ સૂચનોને માનવ વ્યવાહારોનાં, સામાજિક વ્યવહારોનાં, સંબંધોના વ્યવહારોનાં, વ્યક્તિઓ વચ્ચેના પારસ્પારિક વ્યવહારો વગેરેનાં કૌશલ્યો તરીકે ઓળખીએ છીએ.

મૅનેજમૅન્ટ શિક્ષણનાં ઉચ્ચ વિદ્યાલયોમાં આજે સંબંધોનાં સંચાલનને એક વિષય તરીકે ખાસ મહત્વ અપાઈ રહ્યું છે. પરંતુ, માત્ર સૈદ્ધાંતિક જ્ઞાનને વ્યવહારમાં સરળતાથી અમલ મુકી શકાશે એવી કોઈ ખાતરી નથી મળતી.

રામકૃષ્ણ પરંપરામાં એવાં અનેક મૉડેલ્સ મળી રહે છે જે સંબંધોનાં સંવર્ધનમાં અને સંબંધોને વધારે અસરકારક બનાવવામાં મદદરૂપ બની શકે છે.

સંબંધોને સજ્જ કરવા માટેનાં કેટલાંક મૂલ્યો અને કૌશલ્યો

અસરકારક સંવાદ - સક્રીય અને રસપૂર્વક સાંભળવું અને અર્થપૂર્ણ મૌન અને વિરામ, જે વિશ્વાસપાત્ર અને સાચાં બોલવામાં પરિણમે.

સમાનુભૂતિ, નિસ્વાર્થપણું, અહંકાર પર નિયંત્રણ, હાવી થયા વિના વાટાઘાટો, લાગણીઓનો સૂઝબૂઝપૂર્વકનો ઉપયોગ

ધૈર્ય, હૂંફ, મમતા, સ્વીકૃતિ, અનુકૂલનશીલતા, ભરોસાપાત્રતા ... વગેરે

કૌટુંબીક સંબંધો

જ્યોર્જ બર્નાડ શૉ કહેતા કે કોઈનું ચારિત્ર્ય માપવું હોય તો તેના કુટુંબના આપસી વહેવારો ધ્યાનથી જોવા. બિનઔપચારિક વાતાવરણમાં લોકો બહુ જ સ્વાભાવિક હોય છે. તેઓ ઉગ્રતાથી, કોઈ જાતની પરવા કર્યા વિના અને અસભ્યપણે વર્તતાથી જોવા મળી રહી શકતા હોય છે. પરંતુ કુટુંબ બાકી બધા સંબંધોનું મૂળ છે.

મા શારદાદેવી જ્યારે પરણીને એક બાલિકાની ઉમરે ઘરમાં આવ્યાં હતાં ત્યારે  તેમણે સંયુક્ત પરિવારમાં રહેવું પદ્યું હતું. ત્યારે ભગવાન રામકૃષ્ણએ તેમને બધા સંજોગોમાં કેમ રહેવું તે શીખવાડીને બતાવ્યું હતું કે સશકત સંબંધો દરેક સંજોગમાં જીવનને ઉત્કૃષ્ટ કેમ બનાવી શકે છે.

તેમના પિતાના પરિવારમાં બાલિકા શારદાદેવીએ તેમનાં કુમળી વયનાં ભાંડરડાંઓને ઉઢેરવાથી લઈને તેમના માને ઘરકામમાં મદદ કરી હતી, દાદાએ દુકાળ વખતે પણ બાળપૌત્રી શારદા માટે ચોખા અલગ રાખવા સુદ્ધાંની લાગણીથી તેમને ભીંજવ્યાં હતાં. શારદાદેવીનાં મા પોતે પ્રેમ, સારસંભાળ, સેવા અને સ્વાર્થના ત્યાગની મૂર્તિ હતાં  ( આ માએ શારદામાં નાનપણમાં જ દૈવી સ્વરૂપ નિહાળ્યું હતું). જીવનના આ તબક્કે શારદાદેવી જે પાઠ કુટુંબમાંથી શીખ્યાં તે તેમને જીવનપર્યંત કામ આવ્યા.

બાલિકાવહુનાં ઘરેણાં ઉતરાવી લેવાવાં, કાકા દ્વારા ગુસ્સામાં તેમને સાસરેથી લઈ જવાં જેવા કેટલાય કડવા પ્રસંગોમાંથી તેઓ એ ઉમરે તવાયાં પણ.  તેની સામે તેમનાં સાઉ એ શારદાને હૈયાધારણ આપી હતી કે તેનો પતિ તેને એ ઘરેણાં જરૂર પાછાં અપાવશે. પોતે સંન્યાસ લીધો હોવા છતાં ભગવાન રામકૃષ્ણએ એ વચન પાળી પણ બતાવવ્યું હતું. આમ શારદાદેવીને નાની વયે જ શીખવા મળ્યું કે જીવનમાં બનતા પ્રસંગો વખતે નિરશા કે ખોટા ગર્વમાં સરી પડવાને બદલે એ પ્રસંગોનું આશા અને ખુશીથી નિરાકરણ શી રીતે કરવું. મા શારદાદેવી આ અનુભવોને કારણે  તેમના ભાઈઓની અવિરત માગણીઓ, મંદબુદ્ધિ ભાભી અને રામકૃષ્ણ દેવનાં અવસાન પછી જેમણે શારદાદેવીને ખુબ ટેકો કર્યો એવાં એ સમયે તેમનાં સાથે બહુ ખરાબ વર્તન કરતાં રાધુ જેવાં કુટુંબીઓની સાથે પણ બહુ સારા સંબંધો જાળવી શક્યાં.

શ્રી રામકૃષ્ણ પરમહંસ સાધના કરતા હોય ત્યારે તેમની સેવા કરનારા તેમના ભત્રીજા અક્ષય સાથેના તેમના સંબંધો બહુ અટપટા હતા. ભગવાનશ્રી મા શારદાદેવીનું અપમાન પણ કરી લેતા, પણ મા તેમનાથી જરા પણ દુભાતાં નહીં કેમકે તેઓ જોતાં કે અક્ષય ભગવાનની કેટલી સેવા કરે છે. પોતાના દુષ્કૃત્યોને કારણે જ્યારે અક્ષઅને મઠ છોડવાવારો આવ્યા ત્યારે પણ ભગવાન અને માને બહુ દુઃખ થયેલું. આમ જોઈ શકાય છે કે ભગવાન અને મા શારદાદેવીમાં ક્ષમાભાવના કેટળી ઉચ્ચ હતી,

લગ્ન સંબંધમાં એકરાગ

આજના સમયમાં કુટુંબમાંના સંબંધોમાં લગ્ન સંબંધ કદાચ જેટલો વિવાદાસ્પદ છે એટલો જ સકારાત્મક અને પરિવર્તનશીલ છે.

આ સંદર્ભમાં ભગવાન રામકૃષ્ણ પરમહંસ અને મા શારદાદેવીના આદર્શ લગ્ન સંબંધમાં અનેક ઉદાહરણો જોવા મળે છે.સામાન્યપણે લગ્ન સંબંધમા જ્યારે પુરુષ બહુ મહાન ક્ક્ષાએ પહોંચે ત્યારે સ્ત્રીનું મહત્વ ન રહેતું હોય એવું બનતું હોય છે. પરંતુ ભગવાન અને માનો સંબંધ આપણા પ્રાચીન કાળના 'સહધર્મચારિણી'નાં મૉડેલનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. રામકૃષ્ણ પરમહંસે આધ્યાત્મિક સ્તરે જે કંઈ સિદ્ધ કર્યું હતું તે તેમણે શારદાદેવીના ચરણે ધરી દીધેલું, કેમકે તેઓ તેમનાં પત્નીમાં સમગ્ર વિશ્વનાં માતાને જોતા હતા. 

શારદાદેવી પણ ભગવાનની ઈચ્છાઓ અને આદેશોને અનુલ્લંઘની ગણતાં, પણ સમય આવ્યે તેમના નિર્ણયો વિશે સવાલ પણ કરતાં. એમ કરવામાં તેઓ એ જરૂર જોતાં કે અંગતમાં કે જાહેરમાં ભગવાનનાં સ્થાનને જરા પણ ઓછું ન આવવું જોઈએ. ભગવાન પણ કહેતા કે મા શારદાદેવી સંમતિ ન આપે એવું તે ક્યારે પણ નહીં કરે. 

શ્રી રામકૃષ્ણએ તેમના છેલ્લા દિવસોમાં પોતાનું આધ્યાત્મિક કાર્ય મા શારદાદેવીને સંપેલું. એ કામ માએ તેમના જીવનપર્યંત નિભાવ્યું. રૂઢિચુસ્ત પરંપરામાં ઉછર્યાં હોવાથી મા પરદા પછળ જ રહેતાં. પરંતો ભગવાન પરમહંસના દરેક શિષ્ય અને ભક્તની તેમણે પોતાનાં સંતાનની જેમ સંભાળ રાખી. શારદાદેવી જાણતાં હતાં કે ભગવાન રામકૃષ્ણએ તેમને પરમેશ્વરનાં માતૃત્વના પવિત્ર સંબંધને સ્થાપિત કરવાનું  સોંપેલ છે એટલે પછી તો તેઓએ રામકૃષ્ણ પંથના દરેક અનુયાયીઓના માની ભૂમિકા નિભાવ. તેમના સંબંધના આધ્યાત્મિક એકરાગનું અહીં બહુ ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળે છે.

કુટુંબ સમાજનું એક એવું સૂક્ષ્મ અંગ છે જેમાં લગ્ન સંબંધનું જોડાણ તંદુરસ્ત સમાજના પાયારૂપ ભૂમિકા ભજવે છે.

મિત્રો, સાથીઓ અને સંબંધીઓ

વિશ્વખ્યાત કેશબ સેન અને દક્ષિણેશ્વરના સાવ અનામ, લગભગ નિરક્ષર પુજારીનો સંબંધ ઘનિષ્ઠતાનું અદ્ભૂત ઉદાહરણ છે. કેશબ સેનને શ્રી રામકૃષ્ણમાં એક અકલ્પનીય દૈવી પરિમાણની અનુભૂતિ થઈ. તેની સામે શ્રી ભગવાનને કેશબમાં અપવાદરૂપ પ્રતિભા અને આધ્યાત્મિક નિષ્ઠા જોવા મળી. બીજાની સારપની ક્દર કરી શકવી એ સંબંધની કેળવણી નું પહેલું કદમ છે.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સાથેની મુલાકાતનું શ્રી રામકૃષ્ણએ રામકૃષ્ણ ઉપદેશ[2] (The Gospel Of Sri Ramakrishna)માં કરેલું વર્ણન કોઈ અજાણી વ્યક્તિને મિત્ર કેમ બનાવાય તેનું બહુ જ જીવંત વિવરણ છે. તે જ રીતે મા શારદાદેવી માછીમાર સ્ત્રીઓ સાથે પણ તન્મયતાથી, તેમનાં સમોવડીયાં બનીને, તેમનાં આનંદ અને કરૂણાનાં ગીતો સાંભળતાં

સ્વામી વિવેકાનંદનાં પાશ્ચાત્ય શિષ્યાઓ મા શારદાદેવીને મળવા જતાં ત્યારે સ્વામીજીને થોડી ચિંતા રહેતા. પણ માને માટે સંસ્કૃતિ, જાતિ કે ભાષા જેવા કોઈ અંતરાયો ઘનિષ્ઠ સંબંધોનાં ઘડતરમાં નડતા નહીં ભગીની નિવેદિતા તેમના માટે 'ખુકી' (કુકી) હતાં. ભગિની બધી જ અસામાન્ય પ્રતિભાઓ મા પાસે એક દીકરીની જેમ ઉભરી રહેતી.

જ્યારે સ્વામી વિવેકાનંદે 'બહેનો અને ભાઈઓ' સંધોધનથી તેમનાં શિકાગો ધર્મ સંસદનાં વ્યક્તવ્યની શરૂઊઆત કરી ત્યારે એક જ કદમમાં સાંસ્કૃતિક વાડાઓનેતોડી નાખેલા. સ્વામીજી પ્રત્યે તેમના દરેક શિષ્યોની એક્સમાન નિષ્ઠા અને ભાવનાનાં પરિણામે બેલુર મઠ અને માયાવતી આશ્રમ જેવી પરંપરાગત રીતે હિંદુ ધર્મ અનુસાર ચાલતી સંસ્થાઓની સ્થાપનામાં તેમના પાશ્ચાત્ય શિષ્યોનો ફાળો ઘણો મોટો રહ્યો. 

આધ્યાત્મિક સમૂહ મંડળ

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનમાં સમગ્ર વિશ્વમાંથી અનેક સાધુઓ છે તેમજ ગૃહસ્થ આસ્થાળુઓ પણ છે. તેનું સંચાલન એક બહુ જ સુગઠિત વ્યાવસાયિક સંસ્થા તરીકે થાય છે. એટલે જ ઘણી વાર હળવા સુરમાં મઠના અધ્યક્ષને સી ઈ ઓ (મુખ્ય સંચાલક) કહેવામાં આવે છે.

તેની શરૂઆત ભગવાનશ્રી રામકૃષ્ણ દ્વારા તેમના અંતરંગ વર્તુળમાં નરેન, યોગિન, બાબુરામ જેવા સન્નિષ્ઠ અને વિશુદ્ધ શ્રદ્ધાવાન શિષ્યોને આવકરવાથી થઈ. આ દરેકનો ભગવાનશ્રી સાથે જેટલો શાશ્વત આધ્યાત્મિક સંબંધ હતો એટલો જ દરેકનો ભગવાનશ્રી સાથેનો તેમજ આપસ આપસનો વ્યવહાર અલગ અને નવીન હતો.ક્યારેક તે ગુરુ-શિષ્યની તરાહ પર ચાલે તો ક્યારેક માતાપિતા અને સંતાનની ભાવનાને અનુસરે તો ક્યારેક સાવ બાળસહજ સહસંગાથી જેમ હસીમજાકથી ખીલખીલાતો જોવા મળે. આપસી વ્યવહારના આ દરેક પ્રકાર બતાવે છે કે પ્રેમ, સમાનુભૂતિ, હૂંફ અને સમભાજનની ભાવના સંબંધોને આધ્યાત્મિક સ્વરૂપ આપી શકે છે અને દરેકના બહુમુખી, આંતરિક વિકાસમાં પરિણમે છે. 

જોકે સંબંધના પાયામાં આધ્યાત્મિક માર્ગદર્શન હોવા છતાં તેમાં પણ સીમારેખાઓ ખેંચવી જરૂરી છે. જે માગવામાં આવે તે બીનજરૂરી કે યોગ્ય સમયનું ન હોય તો ગેરવાજબી થયા વિના એ માગણીને (ભારપૂર્વક) ના પણ કહેવી પડે. એક વાર નરેનને સમાધિમાં લીન થવું હતું. ભગવાન રામકૃષ્ણએ ઠપકો આપીણે કહ્યું કે પહેલાં જિવને શિવ તરીકે પ્રેમ કરો અને તેની સેવા કરો. સમયસર કહેવાયેલી ઠપકો લાગતી આ એક માર્ગદર્શિકાએ નરેનને સ્વામી વિવેકાનંદમાં રૂપાંતરણ થવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી.

ભગિની નિવેદિતા બાળાઓ માટેની પોતાની શાળા માટે અમેરિકા જઈને નાણાભંડોળ એકઠું કરવા માગતા હતાં. તેમણે સ્વામીજીને વિનંતિ કરી કે સ્વામીજી તેમના મિત્રોને પોતાની ઓળખાણ કરાવે. સ્વામીજીએ તેમને પોતાના પગ પર ઊભા રહીને પોતાની ઓળખાણો અને સંબંધો વિક્સાવવા જણાવ્યું જેથી ભગિનીની સંસ્થા પોતાનાં કાર્યમાં આગળ જતાં પણ સ્વનિર્ભર બને. 

સંન્યાસ લીધેલા શિષ્યો એક વાર રામકૃષ્ણ મિશનમાં જોડાય એટલે તેમના સંબંધ વધારે ગાઢ બનતા અને પરિણામે સંઘભાવનાને સર્વોપરી પ્રાથમિકતા મળતી. સ્વામીજી દરેક વખતે નેતૃત્વની ભુમિકામાં ન રહેતા, પણ બીજાઓ એ અનુભવોમાંથી પસાર થાય એ જોતા. પરિણામે સ્વામી બ્રહ્માનંદ આધાત્મિક સિદ્ધિઓમાં શ્રેષ્ઠ ગણાતા. સ્વામી રામકૃષ્ણાનંદ પૂજાભક્તિમાં ઉત્તમ ગણાતા. સ્વામી અભેદાનંદને મા શારદાદેવી વરદાન આપેલું કે સ્વામીની જીભે સરસ્વતીનો વાસ થશે. એટલે તેમનાં ખુબ અભ્યસ્ત અને મનનીય વ્યક્ત્વયો દ્વારા તેમણે વેદાંત ચળવળનો મજબૂત પાયો નાખ્યો.સ્વામી શારદાનંદ ભગવાન રામકૃષ્ણની જીવનકથા લખવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ બન્યા. ભગવાન રામકૃષ્ણ જે પ્રેમની ભાવનાને મૂર્ત કરત હતા તેને સ્વામી પ્રેમાનંદે પ્રેમપૂર્વક મિશનની સંસ્કૃતિમાં વણી લીધી. આમ નેતૃત્વની ભૂમિકાની સહભાગિતાની આ બધા સંબંધો શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યા.

તેની સામે ભગવાનશ્રીના ગિરિશ, બલરામ,રામચંદ્ર, ગોપાલેર મા, ગૌરી મા અને એવાં અનેક ગૃહસ્થ જીવનનાં પાત્રો અને રાણી રાસમોની, માથુર બાબુ અને અન્ય એવા મંદિરના આશ્રયદાતાઓ સાથેના સંબંધોને જીણવટથી જોવા સમજવા એ પણ એક અલૌકિક અનુભવ છે.

સંબંધોને વિના પ્રયાસે જોડવાની આ ભાવનાને કારણે નવાં નવાં લોકો રામકૃષ્ણ પરંપરાને પોતાના જીવનના આદર્શ તરીકે અપનાવી લે છે તેથી  રામકૃષ્ણ પરંપરાની આધ્યાત્મિક ગાથા આજે ૧૨૫ વર્ષ પછી પણ વધારે ને વધારે સશક્ત અને વ્યાપક બનતી રહી છે. 

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Prof. Sumita Roy ના મૂળ અંગ્રેજી લેખ Nurturing Relationships: Lessons From Ramkrishna Traditions નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ


[1] પ્રો. સુમિત રો ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદના અંગ્રેજી વિભાગના પૂર્વવડા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો