બુધવાર, 3 સપ્ટેમ્બર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : સંબંધોનાં દૈવીકરણ માટે પોતાની જાતનું દૈવીકરણ

 

ડૉ. સતીશ કે કપૂર[1]

દૈવત્વ આધ્યાત્મિક જીવન શૈલીની લય છે. દૈવત્વનાં મૂળમાં સત્ય - ઈશ્વરીય નિયમ - છે. ઈશ્વર સંપૂર્ણ સત્ય, અબાધિત વાસ્તવિકતા અને વિશ્વવ્યાપક ચેતના છે. ઈશ્વરા સાથેના સંવાદથી અનેકત્વની પાછળ રહેલી વૈશ્વિક એકતા - વૈવિધ્યમાં એકતા- અનુભવી શકાય છે.

સંબંધો જૈવિક, સામાજિઅક, આર્થિક, ધાર્મિક, રાજકીય કે આધ્યાત્મિક હોઈ શકે છે. સમય સમયે, બદલતા સંદર્ભ અનુસાર તેની વ્યાખ્યા બદલતી રહી શકે છે. સંબંધો માનવીય કે દૈવિક, ક્ષણિક  કે સ્થાયી, અભિપ્રેત કે સ્પષ્ટ હોઈ શકે છે. તે વ્યવહારિક, અતિન્દ્રિય  કે પછી બન્નેનું સંયોજન હોઈ શકે છે.

દુન્યવી સંબંધોને સાત્વિક (ઉચ્ચ આશયો પ્રેરિત), રાજસિક (આપસી ફાયદા પ્રેરિત) કે તામસિક (ગુપ્ત આશયોથી પ્રેરિત) હોઈ શકે છે. માનવીય પ્રવૃતિઓ આવેગ, જુસ્સો, પૂર્વગ્રહો  અને સ્વાર્થથી દોરવાતી હોવાથી વિશ્વાસના અભાવ, ઉદ્ધતા, નકારાત્મકતા, આડંબર કે ઝઘડાળુ સ્વભાવને કારણે બગડતા રહેતા હોય છે. તેની સામે દૈવી સંબંધો નૈતિક નિયમો પર આધારિત હોવાથી  આત્મીય અને ગહન હોય છે.

બધામાં દૈવત્વ અનુભવવું

જે વ્યક્તિ ઉચ્ચ ચેતનની અવસ્થામાં જીવે છે તે જીવન, સ્થળ, કાળ, દ્રવ્ય અને ઉર્જા સાથે તાદાત્મ્ય અનુભવી શકે છે. તે દરેક સજીવ કે નિર્જિવમાં  દૈવી પ્રકાશ, ભવ્યતા અને સૌંદર્ય નિરખી શકે છે. તે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને સ્થળ જેવાં પંચમહાભૂતમાં અલગ અલગ ઈશ્વર દેખાય છે. તેને જંગલ, પશુઓ, પહાડો, નદીઓ અને નક્ષત્રો સુદ્ધાંમાં દૈવત્વ દેખાય છે. ઋગ્વેદના મંત્ર (૮.૫૨.૨) 'વૈવિધ્યમાં એકતા'માં પણ સર્વેશ્વરવાદની સાક્ષી પૂરાવાઈ છે.

તન, મન અને આત્માનું દૈવીકરણ

માન્વ શરીરને દેવાલય સાથે સરખાવાયું છે. બ્રહ્માંડીય ઉર્જાના પ્રભાવશાલી સંગ્રાહક બની શકે એવા દિવ્ય દેહનાં ગઠન માટે સાત્વિક ખોરાક, યોગ્ય રીતે શ્વાસોચ્છશ્વાસ નિયમન (પ્રાણાયામ), યોગ્ય વ્યાયામ, ઈન્દ્રીયો પર નિયમન અને યોગાભ્યાસ દ્વારા સંતુલિત લાગણી પ્રવાહનું નિયમિત પાલન કરવું જોઈએ. મનુસ્મૃતિ (૬.૭૨) જણાવે છે કે રોગ જેવી શારીરીક ઉણપો પ્રાણાયમ દ્વારા, અનિચ્છનીય વિચારોને ધારણા (એકાગ્રતા), મોહમાયાથી વિરક્ર્તિ (પ્રત્યાહાર) દ્વારા અને લોભ, ક્રોધ જેવા બિનદૈવી લક્ષણોને ધ્યાન દ્વારા દૂર કરવા જોઈએ. 

અંતકરણની શુદ્ધિ દુનિયા સાથે એકરાગ રહેવાની ચાવી છે. અંતકરણ માનસ (મન), બુદ્દ્ધિ, ચિત્ત (યાદદાસ્ત( અને અહંકારથી બને છે. શંકરાચાર્ય કહે છે કે જેનું મન શુદ્ધ છે એ પવિત્ર છેં. મનની શુદ્ધિ સર્સંગ, સ્વ - શિસ્ત, નિઃસ્વાર્થ સેવા અને  પ્રાયશ્ચિત વડે શક્ય બને છે. તેને વધારે પ્રભાવશાળી આંતરસાધના, મૌનસાધના, સકારાત્મક વિચારો, સભાનતા અને ધ્યાન કરી શકાય છે. મનની ક્ષિપ્તાવસ્થા (ચંચળતા), મુગ્ધાવસ્થા (નબળાઈઓ) અને વિક્ષિપ્તાવસ્થા (વ્યગ્રતા) ને પ્રાણાયામ જેવા યોગાભ્યાસથી દૂર કરી શકાય છે. ધારણા વડે એકાગ્રાવસ્થા સિદ્ધ કરી શકાય છે અને નિયંત્રણમાં ના અવે ત્યાં સુધી ધ્યાન વડે તેને નિરૂદ્ધાવસ્થામાં લાવી શકાય છે.

જ્યારે મનમાંથી દરેક પ્રકારના દોષ નિર્મૂળ થાય છે અને તે દૈવી પ્રકાશ પરિવર્તિત કરી શકે છે ત્યારે તે પૂર્ણ શુદ્ધતાની અવસ્થામાં પહોંચે છે. 

ઈચ્છાઓ, લાગણીઓ અને પ્રવૃતિઓનું દૈવીકરણ

પ્રાચીન ભારતીય સાહિત્ય જીવનને આધ્યાત્મિક બનાવવાના, યજ્ઞ, દાન, તપ, ત્યાગ અને ઉપાસના એમ પાંચ મુખ્ય માર્ગ સૂચવે છે.

યજ્ઞ એ અગ્નિમાં આહુતિ આપવાની વિધિ નહીં પણ માનવ જાતને ઉપકારક એવાં બલિદાન આપવાને કહેવાયું છે. દાન એ સખાવત નહીં પણ બીજાંને જરૂરિયાતને સમયે આપોઆપ મદદરૂપ થવાની ભાવના છે. તપ શરીરને પીડા આપીને શુદ્ધ કરવાનું નહીં પણ  ઈન્દ્રીયોને કાબુમાં રાખવાનો અભ્યાસ છે. ત્યાગ એ સંસારથી વિરક્ત થવાને નહં પણ ભૌતિક ઈચ્છાઓને અતિક્રમવાની સ્થિતિ છે. ભક્તિ બાહ્ય પૂજાપાઠ  નહીં પણ મનથી સ્વને માટે પ્રેમાદરની ભાવના છે.

બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે જેવૂ તમારી ઈચ્છાઓ એવી તમારી સંકલ્પ શક્તિ. જેવી તમારી સંકલ્પ શક્તિ એવાં તમારાં કાર્યો. જેવાં તમારાં કાર્યો એવી તમારી નિયતિ.

ભગવદ્‍ ગીતામાં (૬.૫) શ્રીકૃષ્ણ કહે છે વ્યક્તિ પોતે જ પોતાની મિત્ર અને પોતાની શત્રુ છે. એટલે નકારાત્મક વિચારો, લાગણીઓ, વર્તણૂકો અને વાણીને નિર્મૂળ કરીને પોતાની જાતને પોતાનાં એ 'સ્વ' - પ્રકૃતિદત્ત અંત્તરાત્મા - વડે ઉચ્ચ કક્ષાની જીવન શૈલી સુધી ઉપર લઈ જવાની રહે છે.

જીવનને દૈવી બનાવવાના દસ માર્ગ

યજુર્વવેદ (૪૦.૧૨.૧૪) કહે છે કે જે લોકો માત્ર દુન્યવી જ્ઞાન જ મેળવતાં રહે છે તે અંધકારમય નિરાશાથી ઘેરાયેલાં રહે છે.  જે લોકો માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ મેળવે છે તેઓ તોએનાથી વધારે અંધકારમય હતાશામાં સરી પડી શકે  છે.  પરંતુ જે દુન્યવી અને આધ્યાત્મિક એમ બન્ને જ્ઞાનની ઉપાસના કરે છે તે દુન્યવી જ્ઞાનથી મૃત્યુને અતિક્રમે છે અને આધાત્મિક જ્ઞાનથી અમરત્વને પામે છે.

સામાન્યપણે, પોતાની જાતનાં દૈવીકરણ અને સામાજિક સંબંધોને સુમેળભર્યા રાખવા માટે આ દસ માર્ગ અપનાવવા જોઈએ – 

૧. પરમેશ્વરમાં ઊંડી શ્રદ્ધા રાખવી.

૨. દરેક પ્રકારનાં જીવનનાં આપસી જોડાણને સમજવાં. ઈશ્વરીય ચેતનાનું નામ સ્મરણ દ્વારા પાલન કરવું, પ્રભુનાં નામનું નામજપ વડે, ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસ દ્વારા સતત  સ્મરણ કરવું. 

૩. કુદરતના અને સમાજના અનેક નિયમોનો સાથે સુમેળ રાખીને ન્યાયપૂર્ણ વિચાર, વર્તન અને કર્મ દ્વારા રોજબરોજનાં જીવનને દૈવી બનાવવું અને 

૪. માનવ સહજ નબળાઈઓને અતિક્રમવા માટે જ્ઞાન યોગ વડે મનને, લાગણીઓને ભક્તિ યોગ વડે અને કર્મોને કર્મ યોગ વડે શુદ્ધ કરવાં. 

૫. ધૈર્ય, સમજ અને વર્તનનાં ઔચિત્ય દ્વારા સંબંધોમાં સંતૌલન કેળવવું.

૬. આસપાસનાં લોકો સાથે, સંદર્ભ અને સમયની માંગ અનુસાર માતૃભાવ, પિતૃભાવ, ભ્રાતૃભાવ, અને મૈત્રીભાવ રાખવો.

૭. સહઅસ્તિત્વ, અનુકંપા, સંતોષ, સહયોગ, સ્વાતંત્ર્ય, ક્ષમા, ઔદાર્ય, કૃતજ્ઞતા, પ્રમાણિકતા, વિનમ્રતા, પ્રેમ, નિષ્ઠા,અહિંસા, ચોરી ન કરવી, સન્માન, જવાબદારી, સેવા, સાદગી અને સત્યાચરણ જેવા ગુણોનું જીવનમાં પાલન કરવું.

૮. પોતાનાં સગાં સંબંધીઓ, સહકર્મચારીઓની નબળાઈઓ અને મર્યાદાઓને સહી લેવી અને તેમની સહજ શક્તિઓ અને સકારાત્મ્ક ગુણોનો આદર કરવો.

૯.જીવનની સ્વાભાવિક લયને સ્વીકારીએ સફળતા અને નિષ્ફળતાનો સહજતાથી સ્વીકાર કરવો; દરેક પ્રકારના સંજોગોમાં ખુશ અને પ્રફુલ્લિત રહેવું.

૧૦. સાંધ્યકાળે પ્રાર્થના અને ધ્યાન વડે વાતાવરણમાં સકારાત્મક વિચારોનો અને શાંતિમય આંદોલનોનો સંચાર કરીને વૈશ્વિક ઉર્જાનાં વહનમાં સાથ આપવો. 

કૌટુંબીક એકરાગ

સામાજિક વ્યવસ્થા વિશ્વાસ, દીર્ઘદૃષ્ટિ, કૌશલ્ય, બલિદાન અને નૈતિક કર્તવ્યથી ટકે છે. ઘરમાં અને સમાજમાં બાળકનાં બાળપણમાં સીંચાયેલા સંસ્કાર તેનામાં કુલીનાતો પાયો નાખે છે અને તેના પાશવીપણાને કાબૂમાં રાખવામાં મદદરૂપ થાય છે. તૈત્તિરીય ઉપનિષદ (૧.૧૧.૨) કહે છેઃ તમારાં માને તમારામાં સ્થિ દેવી ગણો, પિતાને દેવ ગણો. તમારા ગુરુને  અને તમારા મહેમાનન્ને તમારા ઈશ્વર ગણો... વગેરે.

જ્યારે કુંટુંબનું કોઈ સભ્ય સંબંધોની મર્યાદા લોપે છે અને સામાન્ય (પારિવારિક)  ધર્મથી વિચલિત થાય છે ત્યારે કંકાશ પેદા થાય છે. અથર્વવેદ (૩.૩૦.૨-૪) પ્રાર્થના કરે છે કે પુત્ર પિતાના પગલે ચાલો, તેની માતા સાથે એકમન થાઓ. પત્ની તેના પતિ સાથે મધ જેવા મીઠા બોલમાં વાત કરો અને પરિવારમાં શાંતિ લાવો. ભાઈ ભાઈ સાથે, ભાઈ બહેન સાથે, બહેન ભાઈ સાથે કે બહેન બહેન સાથે દ્વેષ ન રાખો. એકબીજાના આશય અને કાર્યસિદ્ધિમાં એકબીજાને અનુરૂપ બનો અને ઉચ્ચ વિચારો તેમના મનમાં અંકુરો. વડીલોના આશિર્વાદથી અને એકબીજા પ્રત્યે તિરસ્કાર વિના તમારૂં પરિવાર એક તાંતણે બંધાયેલું રહો અને સુખી અને પ્રેમાળ જીવનથી ક્યારે પણ વિખુટું ન પડો. 

લગ્નજીવનમાં નિષ્ઠા

લગ્ન સંસ્થાની ઈમારત પ્રેમ, શુદ્ધતા અને વિશ્વાસના સ્તંભો પર રચાયેલી છે. પોતાના જીવનસાથી સાથે નિષ્ઠાવાન બની રહેવું એટલે પોતાની જાત સાથે નિષ્ઠાવાન હોવું. હિંદુ સંસ્કૃતિમાં લગ્ન કોઈ એક સામાન્ય કરાર નથી પરંતુ સંસ્કાર છે; એવું પવિત્ર બંધન છે જે મૃત્યુ પછી પણ તુટતું નથી. લગ્નેતર સંબંધો એવું ઝેર છે મનને અશાંત કરી મૂકે છે. જે સંબંધમાં વિશ્વાસ તોડે છે તે પોતાની પ્રાણ શક્તિ સાથે પણ તાલ નથી મેળવી શકતું.

બધા જ મુખ્ય ધર્મોમાં વ્યભિચાર અધમ ગણાય છે. 

સામાજિક સુમેળ અને સાર્વલૌકિક સગપણ સંબંધો

વેદ કાળના ઋષિ મુનિઓએ વ્યક્તિના પ્રેમને માત્ર તેનાં લોહીનાં સગાંઓ કે અન્ય સગાંઓ સુધી જ મર્યાદિત રાખવાને બદલે અજઆઓ સહિત દરેક સમાજના લોકો માટે પ્રેમ રાખવાનું કહ્યું હતું.

અથર્વવેદ પણ આ જ લાગણીનો પડઘો પાડે છે (૭.૫૨.૧) - આપણાં લોકો સાથે સુમેળ રાખો અને જે અજાણ્યાં છે તેમની સાથે શાંતિ રાખો. આપણા અને અજાણ્યાં લોકો વચ્ચે મનની એકતા, પ્રેમનું સૌહાર્દ બની રહો.

આધ્યાત્મિક વિકાસની સફરમાં વ્યક્તિ નીચેથી ઉપરની ચેતના તરફ, બહારમાંથી અસ્તિત્વના કેન્દ્ર તરફ, અનુભવમાંથી હૈયાઉકલત તરફ, ભૌતિકતામાંથી આધ્યાત્મિકતા તરફ  અને આધ્યાત્મિક ખોજમાંથી પૂર્ણ આધ્યાત્મિ સિદ્ધિ તરફ આગળ વધે છે. વ્યાવહારિક દૃષ્ટિએ સ્વાર્થમાંથી નિસ્વાર્થ તરફ અને નિસ્વાર્થમાંથી  પરમાર્થના અંતિમે ધ્યેય તરફની સફર છે. સ્વામી વિવેકાનંદ આ વાત આ રીતે કહે છેઃ મનુષ્ય ઈશ્વર જેવો થઈ શકે છે અને સમગ્ર બ્રહ્માંડ પર અંકુશ મેળવી શકે છે જો તે પોતાની ચેતનાના કેન્દ્રને અનંત ગણું કરી શકે.

જીવનની સર્વગ્રાહી સમજ આપણને સમાજ, દેશ, જાતિ, આદર્શો અને માન્યતાઓ, ધર્મ અને સંસ્કૃતિના વાડાઑ અતિક્રમીને સીમાવિહિન વિશ્વ બનાવવામાં અને અંદર અંદરના વિખવાદોનો અંત મદદ કરી શકે છે.

સ્વામી વિવેકાનંદ કહેતા કે કુદરતમાં જ વૈવિધ્યમાંથી એકરાગની યોજના સમાયેલી છે. મેમ્ફિસમાં તેમનાં વ્યક્તવ્યમાં તેઓએ કહ્યું કે મતભેદ ખતમ કરશો તો વિચારોનો જ મ્ર્ત્યુઘંટ વાગી જશે. ગતિ તો હોવી જ જોઈએ. વિચાર મનની ગતિ છે, અને જેઓ તે જ થંભી જાય તો પછી મૃત્યુની શરૂઆત થવા લાગશે.

આ વૈદિક વિભાવનાને રામકૃષ્ણ મિશનના મુદ્રાલેખ -  આત્મનો મોક્ષાર્થમ જગદ્‍હિતાય ચ- માં વ્યાવહારિક સ્વરૂપ અપાયું છે.

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Dr. Satish K Kapoor ના મૂળ અંગ્રેજી લેખ Divinising Oneself to Divinise Relationships નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ



[1] ડૉ સતીશ કે કપૂર પ્રખ્યાત કેળવણીકાર, લેખક, ઇતિહાસકાર, રેડીયો અને ટીવીના પટકથા લેખક અને એન્સાઈક્લોપોપિડીયા ઑવ હિંદુઇઝમના સહવિષય સંપાદક છે. ડૉ. કપૂર પૂર્વ બ્રિટિશ કાઉન્સિલ સ્કૉલર, લ્લ્યાલપુર ખાલસા કૉલેજના આચાર્ય અને ડી એ વી યુનિવર્સિટી, જલંધર (પંજાબ)ના રજિસ્ટ્રાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો