બુધવાર, 5 નવેમ્બર, 2025

ભસ્માસુર હવે નવાં નવાં રૂપે પાછો આવે છે - દેવદત્ત પટ્ટનાઈક

એક વાર એક અસુર કઠોર તપસ્યા દ્વારા શિવની કૃપા મેળવવામાં સફળ થયો. તેણે વરદાન માગ્યું કે. ‘હું જે કંઈ સ્પર્શ કરું છું તે બધું રાખ થઈ જાય,’ શિવે વરદાન આપ્યું. અસુર હવે દરેક વસ્તુને સ્પર્શ કરવા લાગ્યો: તેણે દરેક વૃક્ષ, દરેક પક્ષી, દરેક પ્રાણી, બધી જીવંત વસ્તુઓને રાખ કરી દીધી. પછી તેણે શિવ પર પોતાની શક્તિઓનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. શિવને સમજાઈ ગયું કે તેમણે શું કરી નાખ્યું છે, એટલે તેઓ ભાગ્યા. ભસ્માસુરે તેમનો પીછો કર્યો. અંતે, શિવે વિષ્ણુની મદદ માગી. વિષ્ણુએ રાક્ષસને છેતરીને પોતાના માથાને સ્પર્શ કરવા પ્રેર્યો. રાક્ષસે તેમની વાતમાં આવી જઈને પોતાના માથા પર હાથ રાખ્યો અને તે રાખનો ઢગલો બનીને વિનાશ પામ્યો.

કેટલાક લોકોનું માનવું કે વિષ્ણુના ઉપાસકો દ્વારા ચાલાક વિષ્ણુને ભોળા શિવથી જુદા બતાવવા માટે આ કથા રચવામાં આવી છે. કેટલાક લોકો માને છે કે આ વાર્તા 'સમભાવી લોકોનાં શાસન' અને 'પ્રતિભાવાન લોકોનાં તંત્ર' પ્રત્યેના વધતા જતા જુસ્સાને પડકારવા માટે હતી. શિવ દેવો અને અસુરો વચ્ચે ભેદ પાડતા નથી અને બધા લોકોને સમાન માને છે અને દરેકને જે કંઈ માંગે છે તે આપે છે. અસુરે, તેની લાયકાતના ધારે શિવની કૃપા મેળવવામાં સફળતા મેળવી હતી અને વરદાન મેળવવાનો અધિકાર મેળવ્યો હતો, અને તેથી તેણે તે વરદાન માંગ્યું હતું. અહીં સમભાવતા અને પ્રતિભાશાહીના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવ્યું હતું. પરંતુ પરિણામ ઉલટું આવ્યું, કારણ કે શિવે અસુરના હેતુઓ અથવા અસુરોની વૃત્તિઓ વિશે વિચાર્યું ન હતું. તેઓ આખરે પોતે જ એવા ખલનાયકના શિકાર બન્યા જેને તેમણે આટલા નિર્દોષ ભાવે પેદા કર્યો હતો. પરંતુ, જો શિવે અસુરની વૃત્તિ અથવા વ્યક્તિત્વના આધારે વરદાન રોકી રાખ્યું હોત, તો શું તેમના પર પૂર્વગ્રહયુક્ત પિતૃસત્તાક હોવાનો આરોપ ન મુકાયો હોત?

આજે રાજકારણમાં તો આપણે એવા કેટલાય ભસ્માસુરોનો એક સંપૂર્ણ સમૂહ જોઈ રહ્યા છીએ. આ ભસ્માસુરો શક્તિશાળી લોકો દ્વારા ક્યાં તો નિર્દોષપણે, અને ઘણીવાર તો દેખીતી નિર્દોષ રીતે ન કહી શકાય એ રીતે, ક્યાં તો પોતાને મદદ કરવા અથવા બીજાંઓને નુકસાન પહોંચાડવા માટે, પેદા કરવામાં હતા. પણ આ કિસ્સાઓમાં પણ એવું જ થયું કે તેમનાં જ સર્જનો પછીથી રાક્ષસ બનીને એ લોકો પર જ હુમલો કરવા ગાગ્યાં.

રશિયાનો સામનો કરવા માટે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આતંકવાદી જૂથો કેવી રીતે બનાવ્યા, કેવી રીતે ભંડોળ પૂરું પાડ્યું અને કેવી રીતે આડકતરો દેખાતો ટેકો આપ્યો તેની કહાણીઓ આપણે સાંભળીએ છીએ. આ જ જૂથોએ પછી અમેરિકા પર પોતાની બંદૂકોનાં નાળચાં તાક્યા. ભસ્માસુર!

વિવિધતા અને સમાનતાના પોતાના 'વિકસિત' મૂલ્યો દર્શાવવા માટે ઉત્સુક એવા યુરોપે વિવિધ જાતિઓનાં જૂથોને પોતાના સમાજનો ભાગ બનવા આમંત્રણ આપ્યું. આ પરદેશી વસાહતીઓને નવા સમાજમાં ભળી જવામાં મુશ્કેલી પડી. તેમણે યુરોપના ધર્મનિરપેક્ષ અને ઉદાર મૂલ્યોને સ્વીકારવાનો ઇન્કાર કર્યો. જૂના પરંપરાગત મૂલ્યો અને આધુનિકતા વચ્ચે અટવાઈ ગયેલા, આ વિદેશી વસાહતીઓ કટ્ટરપંથી ઇસ્લામના સૌથી હિંસક સ્વરૂપોનાં સંવર્ધન માટે ફળદ્રુપ ભૂમિ બની ગયા છે. ભસ્માસુર!

હિન્દુ કટ્ટરપંથી જૂથોએ મુસ્લિમ અને ખ્રિસ્તી જૂથો પર આધિપત્ય સ્થાપિત કરવા માટે ગાય પૂજાને લગતી અંગત માન્યતાઓને ગાયોની માંસ માટે કરાતી કત્લ એક હજાર વર્ષની હિન્દુ જીવનશૈલીને મૂળથી હાનિકારક છે એમ કહીને જાહેરમાં ગોમાંસ વિરોધી નીતિઓમાં ફેરવી દીધી. આજે, આ ગૌરક્ષાના ભયંકર સ્વરૂપમાં પરિવર્તિત થયું છે, જે સમાજના ગરીબ વર્ગોને અસર કરે છે, જે નિયંત્રણની બહાર ફરતું જાય છે, સરકારના વિકાસના કાર્યક્રમોને ઢાંકી દે છે. ભસ્માસુર!

ભારતીય ઉદ્યોગસાહસિકોએ પોતાનાં વર્તુળોમાં પોતાના દરજ્જાનો માભો પાડવા માટે, તેમના બાળકોને અમેરિકા અને યુરોપમાં અભ્યાસ માટે મોકલવાનું શરૂ કર્યું. પશ્ચિમમાં જીવનનો સ્વાદ ચાખી લીધા પછી, હવે બાળકોને ભારતમાં પાછા ફરવામાં અથવા કૌટુંબિક વ્યવસાય સંભાળવામાં રસ નથી. તેઓ તેમના પૂર્વજોની જેમ ભારતની અરાજકતાને સહન કરી શકતા નથી અને પશ્ચિમી સમાજોની શિસ્ત અને એકરૂપતાને પસંદ કરવા લાગ્યાં છે. સંબંધીઓ અને મિત્રો પર પ્રભુત્વ મેળવવા માટે જે કરવામાં આવતું હતું તેની હવે કૌટુંબિક વ્યવસાયના ભવિષ્ય પર વિપરિત અસર પડી રહી છે. ભસ્માસુર!

જે ફરતું રહે છે તે હંમેશા ફરતું ફરતું પાછું આવે છે. આપણે આને કર્મ કહી શકીએ છીએ, જે કુદરતના ચક્રનું અનિવાર્ય ફળ છે. તેને મૂછમાં મુસ્કરાતા ભગવાનના કાવ્ય ન્યાય સમા પ્રતિશોધ તરીકે પણ જોઈ શકાય.

  • મિડ - ડે માં  ૮ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખBhasmasur is back નો અનુવાદ | પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  પ નવેમ્બર ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો