એક સમયે, એક બૌદ્ધ મઠમાં એક સાધુ રહેતો હતો જે બીજા સાધુઓનો સંપર્ક કરીને તેમને 'અપવિત્ર' (પાલી ભાષામાં 'દુષિત') કરતો હતો. તેનો અર્થ કદાચ સેક્સ હશે, કારણ કે બૌદ્ધ કથાઓમાં, જાતીય ઇચ્છાને ધમ્મના માર્ગથી દૂર કરીને દૂષિત કરનારી માનવામાં આવતી હતી. સાધુઓએ પેલા સાધુને ના પાડી અને તેથી તેણે મઠની આસપાસ રહેતા મહાવતોનો સંપર્ક કર્યો. મહાવતોએ સંમતિ આપી, પરંતુ આ કૃત્ય પછી મઠ અને તેના રહેવાસીઓ વિશે ણભણાટ થવા લાગ્યો અને તેમના વિશે ઘસાતું બોલવાનું શરૂ કર્યું. સાધુને પાંડક તરીકે ઓળખવામાં આવ્યો અને એવું ફરમાન કરવામાં આવ્યું કે પાંડકને તેની જાતીય ઇચ્છાઓને કાબૂમાં રાખવામાં અસમર્થતા હોવાને કારણે તેને સાધુ તરીકે નિયુક્ત ન કરવો જોઈએ. હકીકતમાં, કેટલાક તો ત્યાં સુધી કહેવા લાગ્યા કે પાંડક ક્યારેય જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી.
આ વાર્તા વિનય પિટકમાંથી લેવામાં આવી છે, જે બૌદ્ધ ધર્મના
પ્રારંભિક પુસ્તકોમાંનું એક છે, જેમાં સાધુઓ અને મઠો માટેના
નિયમોની યાદી છે અને તે રચવાનો સંદર્ભ ખુદ બુદ્ધ
સાથે સાંકળવામાં આવે છે. જોકે મૌખિક પ્રસાર અને ઘણા સંપાદકોને કારણે હવે તેમાં ઘણા સુધારા થયા છે.
પાંડક કોણ હતો? તેના અનેક જવાબો છેઃ નપુંસક, સમલૈંગિક, નિષ્ક્રિય સ્ત્રીલૈંગિક, જાતિપરિવર્તન પામેલા
પુરુષોથી લઈને આંતરલિંગીય અથવા તો લિંગવિહીન લોકો સુધી તેમાં આવરી લેવાય છે.
વધુમાં, બુદ્ધઘોષ, અસંગ અને યશોમિત્ર જેવા
બૌદ્ધ વિવેચકો વિવિધ પ્રકારના પાંડકોનો ઉલ્લેખ કરે છેઃ ચંદ્રની કળા મુજબ કામુકતા
અનુભવતો પાંડક (પખ્ખ-પાંડક); હિંસાને કરણે ખસીકરણ થવાથી
બનેલ પાંડક (ઓપક્કમિકા-પાંડક); મુખ મૈથુન કરનાર પાંડક (અસીટ્ટક-પાંડક); સ્પષ્ટ નર કે માદા
જનાનાંગો વિનાનો પાંડક (નપુંસક-પાંડક); બીજાનાં
જનનેન્દ્રિયો અને સંભોગ જોઈને લૈંગિક તૃપ્તિ મેળવનાર વ્યક્તિ-પાંડક
(ઉસ્સુયા-પાંડક).
તે ઉપરાંત, બૌદ્ધ સિદ્ધાંત દુનિયામાં સ્ત્રી અને પુરુષ એમ બે લિંગની
અવધારણા કરતો નથી. લિંગના રંગપટમાં પુરુષ જેવી સ્ત્રી (વેપુરિસિકા), લૈંગિક રીતે અસ્પષ્ટ (સંભિન્ના), ઉભયલિંગી (ઉભાતોવ્યંજનક) જેવા અનેક પ્રકારના જાતિપરિવર્તિત વ્યક્તિઓનો સંદર્ભ છે. આને
લીધે, કમસે કમ , સમલૈંગિકો, ખાસ કરીને જાતિપરિવર્તિત વ્યક્તિઓ, અને કદાચ
સ્ત્રીલિંગી સમલૈંગિકો અને પુરૂષ સમલૈંગિકો પ્રત્યે એ સમયમાં જાગૃતિ હતી તેમ જાણી
શકાય છે.
બૌદ્ધ ધર્મને તેમના અસ્તિત્વ સાથે કોઈ સમસ્યા નહોતી, પરંતુ એ ધર્મ એમ માને છે કે તેમની કામવાસના અને જાતીય સંયમનો અભાવ વિજાતીય
પુરુષો કરતાં વધુ છે (આજે પણ ઘણા લોકો એમ માને છે). સ્ત્રીઓ સંબંધિત બાબતોમાં પણ
આવી જ માન્યતા જોવા મળે છે. પ્રાચીન બૌદ્ધ લેખકો સ્ત્રીઓને પુરુષો કરતાં વધુ જાતીય
ઇચ્છાઓ ધરાવતી માનતા હતા (આજે મોટાભાગના લોકો જે માને છે તેનાથી તદ્દન વિપરીત).
પછીથી, સ્ત્રીઓને સંઘમાં સ્થાન તો મળ્યું, પરંતુ પદાનુક્રમમાં તેમને નીચે રાખવામાં આવી હતી અને પુરુષોથી અલગ રાખવામાં
આવી હતી. સમલૈંગિકોને ચુસ્તપણે બહાર રાખવામાં આવ્યા હતા.
આજે થાઇલેન્ડમાં, પંડક શબ્દનો અનુવાદ 'કથોઈ' તરીકે થાય છે અને તેનો ઉપયોગ બીજીજાતિનો પહેરવેશ પહેરતા
સમલૈંગિકો અને જાતિપરિવર્તિત લોકો માટે થાય છે. આ લોકો મુખ્ય પ્રવાહના સમાજનો ભાગ
જરૂર છે, હજુ મઠના સંપ્રદાયમાં એ લોકો ખાસ આવકાર્ય નથી. 'કથોઈ' શબ્દ 'કોઠી' શબ્દ સાથે ગાઢ રીતે સંબંધ છે. ભારતના સમલૈંગિકો અને જાતિપરવર્તિતો પોતાને ઓળખવા માટે બીજી જાતનો પહેરવેશ પહેરે છે તેના માટે 'કોઠી' શબ્દપ્રયોગ કરવામાં આવે છે. જ્યારે ભારત અને દક્ષિણપૂર્વ
એશિયા વચ્ચે દરિયાઈ વેપારનો વિકાસ થતો હતો ત્યારે કદાચ આ શબ્દ ભારતથી થાઇલેન્ડ
અથવા થાઇલેન્ડથી ભારતમાં એક હજાર વર્ષ પહેલાં ફેલાયો હશે.
પ્રાચીન ભારતમાં, સેક્સ ખરાબ નહોતું મનાતું.
તે એક આનંદદાયક પ્રવૃત્તિ (કામ) હતી જે ઘણીવાર લોકોને તેમની સામાજિક ફરજો (ધર્મ)
થી વિચલિત કરતી હતી, સેક્સ ગણિકાઓ માટે આવક
(અર્થ)નો સ્ત્રોત બની શકે છે, અને મુક્તિ (મોક્ષ) શોધતા
સાધુઓ માટે અવરોધક બની શકે છે. સેક્સ ફક્ત પુરુષ અને સ્ત્રી વચ્ચેનું કાર્ય
નહોતું. સંસ્કૃત અને પ્રાકૃત અને પ્રાદેશિક સાહિત્યમાં વિવિધ પ્રકારના શબ્દોની
હાજરી દ્વારા ત્રીજી જાતિની ખુલ્લી સ્વીકૃતિ જોવા મળે છે. ત્રીજી જાતિ એવા લોકો
વિશે વાત કરે છે જે સંપૂર્ણપણે પુરુષો નથી, સ્ત્રીઓ જે
સંપૂર્ણપણે સ્ત્રીઓ નથી, પરંતુ વિવિધ પ્રકારના લોકો
છે. આ લોકો સાથે કામક્રિડા વિજાતીય-આદર્શમૂલક ન હોઈ શકે. આમ વિવિધ લૈંગિક જાતિઓની
સાથે, વિવિધ પ્રકારની કામુક વૃતિઓની
સ્વીકૃતિ પણ છે.
સંસ્કૃત સાહિત્યમાં, સ્ત્રીઓના પુરુષોમાં
રૂપાંતરિત થવાની વાર્તાઓના સંદર્ભો જોવા મળે છે - મહાભારતમાં સૌથી પ્રખ્યાત ઉદાહરણ
શિખંડીનું છે. ભીષ્મ તેને પુરુષ તરીકે જોવાનો ઇનકાર કરે છે અને કૃષ્ણ આગ્રહ રાખે
છે કે તે પુરુષ છે, જોકે તે સ્ત્રીના શરીરમાં
જન્મ્યો હતો અને લગ્ન પછી જ, એક યક્ષના હસ્તક્ષેપને કારણે, પુરુષ જનનાંગ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો. પછી યુવાનાશ્વની વાત આવે છે, જે પોતાની પત્નીઓ માટે બનાવાયેલ જાદુઈ ઓસડીયું પી લેવાને કારણે ગર્ભવાન થાય છે, અને માંધાતા નામના બાળકને જન્મ આપે છે. એ બાળકને તે સ્તનપાન
કરાવી શકતો નથી કારણ કે તેને સ્તન નથી. ઇન્દ્ર પૃથ્વી પર આવે છે અને પોતાનો અગૂઠો
કાપીને શિશુ માંધાતાને પોતાનું લોહી પીવા દે છે (દેવતાઓનું લોહી દૂધથી બનેલું છે, એવું આપણને કહેવામાં આવેલ છે). આમ માંધાતાની માતા અને ધાત્રી બંને પુરુષો છે.
કલામાં દેવીને ઢેલ તરીકે નહીં પણ મોર તરીકે બતાવવું અસામાન્ય નથી (જેમ કે
ચેન્નાઈના કપાલેશ્વર મંદિરમાં). અને બે મોર પ્રેમીઓની જેમ નાચતા જોવા મળે છે અને આનંદમાં પોતાની કળા કરે છે.
બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ બંને ભારતીય માંસમાં માનસિક સ્થાન મેળવવા માટે
લડતા રહ્યા છે. બૌદ્ધ ધર્મના મઠોમાં જાતિપરિવર્તિત લોકો માટે અસ્વસ્થતા અનુભવતો
હતો પરંતુ મુખ્ય પ્રવાહના સમાજમાં તેમની સાથે કોઈ સમસ્યા નહોતી. હિન્દુ ધર્મમાં
મુખ્ય પ્રવાહના સમાજમાં તેમની સાથે સમસ્યાઓ હતી, પરંતુ તેમને મંદિરોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા, તેથી જ ભારતમાં ઘણી પરંપરાઓ છે જ્યાં જાતિપરિવર્તિતોને દેવતાઓ સાથે ગાઢ રીતે
જોડવામાં આવે છેઃ ભારતમાં બહુચરાજીની પૂજા કરનારા કિન્નરો અને મંગલ-મુખીઓ પણ છે, બેલગામ ક્ષેત્રના જોગટાઓ ચેલમ્માની પૂજા કરનારા છે અને તમિલનાડુના અરવાનીઓ જે
પોતાને નાગા રાજકુમારી દ્વારા અર્જુનના પુત્ર શિવના સ્વરૂપ અરાવનની કન્યા-વિધવા
માને છે. તેઓ સ્થાનિક જન્મ સંસ્કારનો ભાગ છે. ઉજ્જૈનના તાજેતરમાં પૂરા થયેલા
સિંહસ્થ કુંભ મેળામાં, એક કિન્નર અખાડાની સ્થાપના
કરવામાં આવી હતી, એક જાતિપરિવર્તિત
મહામંડલેશ્વરની પસંદગી કરવામાં આવી હતી, અને સેંકડો લોકો
તેમની પાસેથી બરકત (આશીર્વાદ) મેળવવા માટે ઉમટી પડ્યા હતા.
ઇસ્લામના આગમન સાથે, બૌદ્ધ ધર્મ મુખ્ય પ્રવાહના
ભારતીય સમાજમાંથી અદ્રશ્ય થઈ ગયો અને હિન્દુ મઠોની વ્યવસ્થામાં,પોતાને હિન્દુ ધર્મના રક્ષક તરીકે જોતા, અખાડાઓ ના ઉદય સાથેહિન્દુ સમાજ વધુ શુદ્ધતાવાદી બન્યો. બધી જાતીય બાબતોને વિકૃતિ તરીકે અથવા ધનિકોના અભદ્ર ભોગવિલાસ તરીકે જોવાનું
પ્રમાણ વધતું ગયું. પર્શિયા, મધ્ય એશિયા અને ચીનમાં
પ્રચલિત એવી નપુંસક પુરુષોને રોજગાર આપવાની સંસ્કૃતિ ભારતમાં અપનાવવામાં આવી. આનાથી હિજડા સમુદાયનો ઉદય થયો. તેઓએને હવે દુષ્ટ નજરથી બચવા માટે લગ્ન અને
બાળજન્મના ઉત્સવોમાં આમંત્રિત કરવામાં આવતા હતા, અને તેઓ હેરમમાં નોકરીએ રખાતા હતા .હજુ સુધી એ લોકો પર 'ગુનાખોર જાતિઓ'નો ઠપ્પો નહોતો લાગ્યો. નથી. હકીકતમાં, આજે ભારતમાં મોટાભાગના હિજડાઓ પાસેથી ઇસ્લામ સ્વીકારવાની અને મુસ્લિમ નામો
રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે. જોકે હિન્દુ અને ખ્રિસ્તી દેવતાઓ અને સંતોની
પૂજા કરવાની મંજૂરી છે. અંગ્રેજોના આગમન સાથે આ હિજડાઓનો દરજ્જો ઘટ્યો.
સ્પષ્ટપણે, ભારતીય સંસ્કૃતિ (બૌદ્ધ, જૈન, હિન્દુ અને ઇસ્લામિક જીવનશૈલી મિશ્રણ) જાતિપરિવર્તિતને કુદરતની વિવિધતાના ભાગ
તરીકે જોતી હતી. શું તમ્નને સમાજમાં ચલાવી લેવા હતા? આપણે આવા પ્રશ્નથી સાવચેત રહેવું જોઈએ, કારણ કે આપણે જે
ગ્રંથોનો ઉલ્લેખ કરીએ છીએ તે ધર્મસૂત્રો અને પૂર્વ-ઇસ્લામિક યુગના ધર્મશાસ્ત્રો, બાઇબલ અથવા કુરાનની જેમ સ્વીકૃત નથી. તેઓ સ્ત્રી-દ્વેષી અને જાતિવાદી હોય છે
તેથી આધુનિક નાગરિક સમાજ માટે ભાગ્યે જ માપદંડ બની શકે. આપણે અપેક્ષા ન રાખી શકીએ
કે આ ગ્રંથો સમલૈંગિક જાતિઓ અને જાતીયતા પ્રત્યે સાનુકૂળ હોય, કારણ કે તેમનો પ્રાથમિક હેતુ કઠોર વંશવેલો પદાનુક્રમ અભિમુખ સમાજના ગુણોને
ફરીથી પુષ્ટિ આપવાનો અને મજબૂત બનાવવાનો છે.
વધુમાં, પરંપરાગત ભારતીય શાસ્ત્રો સતત કહે છે કે કાયદાઓ પ્રવાહી છે
અને દેશ (સ્થળ), કાલ (સમય), અને પાત્ર (લોકો) એ ત્રણ
બાબતોને ધ્યાનમાં રાખીને બદલાતા રહેવું જોઈએ: ધર્મ મહત્વનો છે - ચાણક્ય સ્વીકારે છે કે ધર્મ મત્સ્ય ન્યાય (જંગલ કાયદો) ને
સમાજ પર કબજો કરતા અટકાવે છે. આને ધ્યાનમાં રાખીને, આપણા બધા પાસે એક વિકલ્પ છે, પછી ભલે અદાલતો ગમે તે
નિર્ણય લે: પ્રકૃતિમાં જાતિઓની વિવિધતાને આપણા મનથી સમાવીએ, અથવા મઠના શિસ્ત, અથવા ઈર્ષ્યા, અથવા અશુદ્ધ થવાના ડરથી, તમામ પ્રકારની જાતીય
અભિવ્યક્તિનો વિરોધ કરતા થોડા બ્રહ્મચારી સાધુઓ અને શુદ્ધિકરણવાદીઓના મંતવ્યોના
આધારે તેમને દબાવી દઈએ.
- આઉટલુકઈન્ડીઆ. કોમમાં ૨૨ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, They Held Many Shields નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૧૧
ફેબ્રુઆરી ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો