ટ્રિબ્યુન
૮ નવેમ્બર, ૧૯૪૬
કોઈએ મને હમણાં જ એક અમેરિકન ફેશન મેગેઝિનની નકલ મોકલી છે.
હું તેનું નામ જાહેર નહીં કરૂં. તેમાં ૩૨૫ મોટા ક્વાર્ટો (ચતુષ્પત્રી) પાના છે.
તેમાંથી ઓછામાં ઓછા ૧૫ પાના વિશ્વ રાજકારણ, સાહિત્ય
વગેરે પરના લેખો માટે ફાળવાયાં છે. બાકીના પાના સંપૂર્ણપણે એવા ચિત્રોથી સજાવેલાં
છે જેની કિનારીઓ પર એક નાનું લેટરપ્રેસ સરકતું દેખાય છે: બૉલ ડ્રેસ, મિંક કોટ્સ, સ્ટેપ-ઇન, પેન્ટી,
બ્રા, સિલ્ક સ્ટોકિંગ્સ, ચંપલ, પરફ્યુમ, લિપસ્ટિક,
નેઇલ વાર્નિશ - અને, અલબત્ત, એ બધી વસ્તુઓ પહેરતી કે ઉપયોગ કરતી હોય તેવી સુંદર સ્ત્રીઓની તસવીરો તો
ખરી જ. મને ખબર નથી કે આખા અંકમાં સ્ત્રીઓના કેટલાં ચિત્રો
અથવા ફોટોગ્રાફ્સ હશે, પરંતુ તેમાંથી પહેલા ૫૦ પાનામાં ૪૫ છે
જ, અને પાછા એ બધા ખુબ સુંદર છે,
એટલે કોઈ પણ કુલ સંખ્યાનો અંદાજ લગાવી શકે છે.
આ ચિત્રો જોતી વખતે એક આશ્ચર્યજનક બાબત લાગી છે કે એ બધી જ
તસવીરો સુંદરતાની અતિશય વધારે પડતી, ચવાઈ
ગયેલી, ક્લિષ્ટ, બધેજ જોવા મળતી તસવીરો
હતી. તસ્વીરોમાંની બધી સ્ત્રીઓ ખૂબ જ લાંબી હતી. પાતળા હાડકાવાળા, પ્રાચીન ઇજિપ્શિયન પ્રકારના ચહેરાનું વર્ચસ્વ જોવા મળતું હતું છે: સાંકડા
નિતંબ તો સાવ સામાન્ય જણાતા હતા. અને ગરોળી જેવા પાતળા,
પકડમાં પણ ન આવે એવા હાથ દરેક તસવીરમાં જોવા મળતા હતા.
દેખીતી રીતે, તો આ એક વાસ્તવિક શારીરિક પ્રકાર
હશે, કેમકે બધા ફોટોગ્રાફ્સમાં અને ચિત્રોમાં એ જ જોવા મળે
છે. બીજી એક આકર્ષક બાબત એ છે કે જાહેરાતોની ગદ્ય શૈલી, ટૂંકી
અને ક્યારેક ખૂબ જ અભિવ્યક્ત તકનીકી શબ્દભંડોળ સાથે શુદ્ધ રસદારતાનું અસાધારણ
મિશ્રણવાળી હતી. સુઘડ, કસ્ટમ-ફિનિશ્ડ, દેહ
વળાંકો અનુરૂપ, મિટ-બેક, ઈનર્સોલ,
બેકડિપ, ઉરસ્તલ, સ્વૂશ,
સ્વેશ, સુડોળ, પાતળી અને
લીસ્સી જેવા શબ્દો સ્પષ્ટ અપેક્ષા સાથે વાપરવામાં આવે છે કે વાચક તેમને એક નજરમાં
જ સમજી જશે. અહીં કેટલાંક એવાં વાક્યોના નમૂના મૂક્યા છે:
‘નવો ઝગમગતો ચમકતો રંગ જે તમારા હાથ અને તેના માથાને ચકરાવે ચડાવે છે.’
‘ખુલ્લાં અને સુંદર વક્ષસ્થળની ધારિણી.’
‘મીદડાના સ્પર્શની હુંફ આપતાં, પીંછાં જેટલાં હળવાં, મિલિકેન ઉન!’
‘અન્ય લોકો તમને સુંદરતાની આડમાંથી જુએ છે, અને આશ્ચર્ય વ્યક્ત કરે છે કે આવું સૌંદર્ય કેમ?’
‘સુવાળી લેસ્ટેક્સ પેન્ટી-કટિમેખલા વળાંકોને સૌમ્ય શિસ્તમાં રાખે.’
‘તેના મોટાભાગની
નાટકીયતા માટે પ્રવાહી જેવાં કાપડ પર આધારિત વસ્ત્ર પરિધાનનો આશ્ચર્યોદ્ગાર.
’‘અચાનક તમારી પ્રતિમા ઉન્નત થઈ જાય છે... ફાઉન્ડેટ પેન્ટી-કટિમેખલાની હળવાશમાં સુંદર’
'‘આ આદ્ય નારી ડફ ગાઉન તેની ટેફા ભરેલ બાંય અને ધ્યાનાકર્ષક ઉરસ્તલની સાથે દેખાવમાં સુંદર, પહેરવામાં વધુ સુંદર.’
‘લવચીક અને સાવ હળવાં છતાં અદ્ભૂત રીતે વળાંકોને પકડી રાખતાં.’
‘શરીરના આકારની ખુશામતનો ચમત્કાર!’
‘તમારાં વક્ષસ્થળને ગૌરવપૂર્ણ સ્ત્રીની આકૃતિમાં ઢાળે છે.’
‘શું એ જાણવું અદ્ભૂત નથી કે ધોઈને પહેરો તો પણ કોર્સીઝ તમને ઘટેલાં જ બતાવે છે... ભલે તેમનું વજન ફક્ત ચાર ઔંસ હોય!’
‘હંમેશા ઇચ્છનીય ... હંમેશા પ્રિય... હંમેશા માટે નીલમણી એવી નારીની શુદ્ધ
કમનીય જાદુગરી.’
વગેરે વગેરે.
ખૂબ જ મહેનતથી શોધ કરવાથી મેગેઝિનમાં સફેદ વાળ માટે બે ગુપ્ત સંકેત છતા થાય છે, પરંતુ જો ક્યાંય મેદસ્વીતા અથવા મધ્યમ વયનો સીધો ઉલ્લેખ હોય તો મને તે મળ્યો નથી. જન્મ અને મૃત્યુનો પણ ઉલ્લેખ નથી: કે નથી ઉલ્લેખ કામનો પણ,
સિવાય કે નાસ્તાની વાનગીઓ માટે કેટલીક વાનગીઓ આપવામાં આવી છે. પુરુષ જાતિ કદાચ વીસમાંથી એક જાહેરાતમાં સીધી કે આડકતરી રીતે દેખા દે છે,
અને કૂતરાં કે બિલાડીના બચ્ચાંના ફોટોગ્રાફ્સ અહીં ત્યાં દેખાય છે. લગભગ ત્રણસો ચિત્રોમાંથી ફક્ત બેમાં જ બાળકનું ચિત્રણ છે. મુખપૃષ્ઠ પર એક સામાન્ય ભવ્ય સ્ત્રીનો રંગીન ફોટોગ્રાફ છે જે ખુરશી પર ઉભી છે જ્યારે શર્ટ-સ્લીવ્સમાં એક ભૂખરા વાળવાળો, ચશ્માવાળો, કચડાયેલો દેખાતો પુરુષ તેના પગ પાસે ઘૂંટણિયે પડીને તેના સ્કર્ટની ધાર પર કંઈક કરી રહ્યો છે. જો કોઈ નજીકથી જુએ તો તે માપપટ્ટીથી માપ લેવા જઈ રહ્યો છે. પરંતુ સામાન્ય નજરે તો એવું લાગે છે કે તે કપડાની ધારને ચુંબન કરી રહ્યો છે - આ તસવીરને અમેરિકન સભ્યતાનું ખરાબ પ્રતીકાત્મક ચિત્ર, કે પછી કમસે કમ તેની એક મહત્વપૂર્ણ બાજુ, તો કહેવાય એમ નથી.
* * *
હકીકતોનો સામનો કરવાની આપણી અનિચ્છા અને અગાઉથી નકામી ગણાતી હરકતો કરવાની આપણી તૈયારીનું એક રસપ્રદ ઉદાહરણ, ' 'માર્ગ પરનાં મૃત્યુને દૂર રાખો'નું હાલનું અભિયાન છે.
અખબારોએ હમણાં જ જાહેરાત કરી છે કે સપ્ટેમ્બરમાં રસ્તાઓ પર થતાં મૃત્યુમાં પાછલા સપ્ટેમ્બરની તુલનામાં લગભગ ૮૦નો ઘટાડો થયો છે. આ ખૂબ જ સારી વાત છે, પરંતુ સુધારો કદાચ ટકશે નહીં - કોઈપણ રીતે, તે પ્રગતિશીલ તો રહેશે જ નહીં - અને તે દરમિયાન દરેક વ્યક્તિ જાણે છે કે જ્યાં સુધી આપણી ટ્રાફિક વ્યવસ્થા જેવી છે તેવી જ રહેશે ત્યાં સુધી તમે સમસ્યાનું નિરાકરણ લાવી શકશો નહીં. સાંકડા, અપૂરતા, અંધ ખૂણાઓથી ભરેલા અને રહેણાંક ઘરોથી ઘેરાયેલા રસ્તાઓ પર, વાહનો અને રાહદારીઓ ત્રણ માઇલ પ્રતિ કલાકથી લઈને સાઠ કે સિત્તેર માઇલ સુધીની ઝડપે બધી દિશાઓમાંથી આગળ વધી રહ્યા હોવાથી અકસ્માતો થાય છે. જો તમે ખરેખર રસ્તાઓ પરનાં મૃત્યુને દૂર રાખવા માંગતા હો, તો તમારે સમગ્ર માર્ગ વ્યવસ્થાને એવી રીતે ફરીથી ગોઠવવી પડશે કે અથડામણ અશક્ય બને. આનો અર્થ શું છે તે વિચારો (ઉદાહરણ તરીકે, સમગ્ર લંડનને તોડી પાડવું અને ફરીથી બનાવવું). તમે જોઈ શકો છો કે આ ક્ષણે તે કોઈપણ રાષ્ટ્રની તાકાતથી બહારની વાત છે. તમે ફક્ત ઉપશામક પગલાં જ લઈ શકવાથી વધારે કંઈ કરી શકો તેમ નથી, જેનો અર્થ એટલોજ થાય કે આખરે લોકોને વધુ સાવચેત બનાવવાં.
પરંતુ ખરેખર ફરક લાવી શકે એવું એકમાત્ર ઉપશામક પગલું તો ઝડપમાં
ધરખમ ઘટાડો જ છે. બધા બિલ્ટ-અપ વિસ્તારોમાં ગતિ મર્યાદા બાર માઇલ પ્રતિ કલાક સુધી
ઘટાડી દો, અને તમે
મોટાભાગના અકસ્માતો ઘટાડી શકાશે. પરંતુ, દરેક વ્યક્તિ તમને
ખાતરીપૂરવક કહેશે કે- આ 'અશક્ય'
છે. તે કેમ અશક્ય છે? - કેમકે તે અસહ્યપણે
ત્રાસજનક નીવડશે. તેનું સીધું કારણ એ કે માર્ગ પરની દરેક મુસાફરીમાં હાલમાં જેટલો
સમય લાગે છે તેના કરતા બે કે ત્રણ ગણો સમય લાગશે. ઉપરાંત, તમે
લોકોને આવી ગતિ મર્યાદાનું પાલન કરાવવા માટે ક્યારેય મનાવી શકવાના નથી. કયો
ડ્રાઇવર બાર માઇલ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવવાનું પસંદ કરશે જ્યારે તેને ખબર હોય
કે તેનું એન્જિન પચાસ માઈલે આરામથી ચાલી શકે છે? આધુનિક
કારને બાર માઇલ પ્રતિ કલાકની ઝડપે હાઇ ગિયરમાં રાખવી પણ સરળ નથી - વગેરે. અને તેથી
વધુ, આ બધું એ નિવેદનને સમર્થન આપે છે કે ધીમી મુસાફરી માનવ
સ્વભાવને જ હવે અસહ્ય છે.
બીજા શબ્દોમાં કહીએ તો, આપણે માનવ જીવન કરતાં ગતિને વધુ મહત્વ આપીએ છીએ. તો પછી શા
માટે એમ ન કહેવું કે, દર થોડા વર્ષે એક વખત આ પ્રકારની દંભી
ઝુંબેશ (હાલમાં તે 'માર્ગ પરનાં મૃત્યુને દૂર રાખો' છે અને- થોડા વર્ષો પહેલાં તે 'ફૂટપાથ પર ચાલીએ'
હતી) ચલાવવાને બદલે, ધરાર એવું કહેવામાં આવે
છે કે આપણા રસ્તાઓ જેમ છે તેમ રહેશે, અને હાલની ગતિ ચાલુ
રહેશે, એટલે અકસ્માતોથી થતી કતલ પણ ચાલુ જ રહેશે?
બ્રેડ રેશનિંગ પર એક આડ વાત. આ ઉનાળામાં સ્કોટલેન્ડમાં મારા
પાડોશી ખેત મજૂર ઘણા વર્ષોથી ત્યજી દેવાયેલા ખેતરને પાછું મેળવવાના પ્રચંડ
કાર્યમાં રોકાયેલ હતો. એક બહેન સિવાય તેને કોઈ મદદગાર નથી, તેની પાસે ફક્ત એક જ ઘોડો છે, અને તેની પાસે ફક્ત જૂની ઝપક મશીનરી છે, જેમાં પાછું
કાપણી કરનાર તો છે જ નહીં. આ ઉનાળા દરમિયાન તેણે અઠવાડિયાના છ દિવસ, દિવસમાં ચૌદ કલાકથી ઓછું કામ કર્યું ન હતું એ વાત નિર્વિવાદ છે. જ્યારે
બ્રેડ રેશનિંગ શરૂ થયું ત્યારે તેણે વધારાના રેશન માટે અરજી કરી. પરંતુ તેને જાણવા
મળ્યું કે, જોકે તે ખરેખર બેઠાડુ
કામદાર કરતાં વધુ બ્રેડ મેળવી શકતો હતો, પણ તે ખેત મજૂરના
પૂરાં રેશન માટે હકદાર નહોતો. કારણ? કાયદાના અર્થમાં તે ખેત
મજૂર નહોતો! કારણ કે તે ' પોતાનું ખેતર જાતે ખેડે' છે, એટલે તેને ખેડૂત ગણવામાં આવે છે, અને એવું માનવામાં આવે છે કે તે બીજા કોઈ માટે વેતન પર કામ કરતો હોત તો
તેના કરતાં ખેડૂત તરીકે તે ઓછો રોટલો ખાય છે !
+ + + +
જ્યોર્જ ઓર્વેલના
બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45)
: Part
IVનો આંશિક અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો