વધુ પ્રખ્યાત સ્ફિન્ક્સ અલબત્ત ઇજિપ્તીયન સ્ફિન્ક્સ છે જે
મહાન પિરામિડનું રક્ષણ કરે છે. ભારતીય પૌરાણિક કથાઓમાં દક્ષિણ ભારતીય મંદિર
પરંપરાઓ સિવાય કોઈ સ્ફિન્ક્સ નથી. અહીં, તે પુરુષ-મૃગ, અથવા માનવ-પશુ તરીકે જોવા મળે છે.
તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં શિવ અને વિષ્ણુના ઘણા મંદિરોની દિવાલો પર સિંહ,
વાઘ અથવા ક્યારેક હરણના પગવાળા પુરુષો અને સ્ત્રીઓની મૂર્તિઓ જોવા
મળે છે. પુરુષ-મૃગ એ વાહન તરીકે સેવા આપે છે અને ભવ્ય
શોભાયાત્રાઓમાં દેવી-દેવતાઓની ઉત્સવ મૂર્તિ ઊંચકીને લઈ જાય છે.
પુરુષ-મૃગની એક કથા મહાભારતના સ્થાનિક તમિલ સંસ્કરણમાંથી
આવે છે. યુધિષ્ઠિર એક યજ્ઞ કરી રહ્યા હતા. તેને સફળ બનાવવા માટે, તેમને એક પુરુષ-મૃગની હાજરીની જરૂર હતી.
આવા પ્રાણીને લાવવા માટે શક્તિશાળી ભીમને મોકલવામાં આવ્યો હતો. ભીમે તેને જંગલની
વચ્ચે શોધી કાઢ્યો. "જો તું મારાથી આગળ નીકળી શકે તો હું સાથે આવીશ,"
પ્રાણીએ કહ્યું, "તું પહેલાં દોડ પણ જો
હું તને હસ્તિનાપુર શહેરમાં પહોંચતા પહેલા પકડી લઉં, તો તું
મારો ગુલામ બનીશ. જો હું ન પકડી શકું તો તો જું જે કહીશ તે હું કરીશ."
ભીમે પડકાર સ્વીકાર્યો અને દોડવા લાગ્યો. પુરુષ-મૃગ પાછળ
ગયો. ભીમને સમજાયું કે પ્રાણી ખૂબ જ ઝડપી છે, તેથી તેને ઝડપથી દોડવા માટે તેની બધી શક્તિનો ઉપયોગ કરવો પડ્યો. સરહદ પર,
જ્યારે તેણે એક પગ જંગલની બહાર કાઢીને હસ્તિનાપુર શહેરમાં મુકીને
પ્રવેશ કર્યો, ત્યારે પુરુષ-મૃગે બીજો પગ પકડી લીધો અને
પોતાનો વિજય જાહેર કર્યો. "તું મારો ગુલામ છે," તેણે
કહ્યું. ભીમે અસંમતિ વ્યક્ત કરી. રાજા તરીકે, યુધિષ્ઠિરને
ન્યાય કરવાનું કહેવામાં આવ્યું.
યુધિષ્ઠિરે કહ્યું, "હું ભીમને બે ભાગમાં કાપી નાખીશ. તેં જે બાજુ પકડી છે તે તારી પાસે રાખજે
અને બીજી બાજુ હું મારી તરીકે લઈ લઈશ." "શું તમે તમારા ભાઈને મારો ગુલામ
થવા દેવા કરતાં તેને મારી નાખવા તૈયાર છો?" "તારો
અડધો ભાગ ગુલામ છે. મારો અડધો ભાગ નહીં. હું તમને અડધો ભાગ ગુલામ તરીકે આપી રહ્યો
છું." પુરુષ-મૃગને વિશ્વાસ નહોતો આવતો કે યુધિષ્ઠિર
ન્યાયી છે, હોંશિયાર છે, કે મૂર્ખ છે.
તેણે હસીને કહ્યું, "તમે મને ખુશ કર્યો છે, તેથી હું તમારા ભાઈને મુક્ત કરીશ અને તમારા યજ્ઞમાં હાજરી આપીશ." આમ
યજ્ઞ સફળ થયો અને પુરુષ-મૃગ ઘણી ભેટો સાથે જંગલમાં પાછો ફર્યો.
શિવ સાથે જોડાયેલી બીજી એક કથામાં, પુરુષ-મૃગનું એક નામ છે: વ્યાઘ્રપદ (વાઘના
પગવાળો). કેટલાક લોકો એવી દલીલ કરી શકે છે કે વ્યાઘ્રપદ ખરેખર પુરુષ-મૃગ નથી કારણ
કે તે જન્મથી જ વાઘના પગ માંગતો હતો. તે શિવને મધમાખીઓથી અસ્પૃશ્ય રહેલાં ફૂલો
ચઢાવવા માટે કૃતનિશ્ચય હતો. તેથી, તે જંગલમાં ફરતો રહેતો અને
શુદ્ધ ફૂલોની શોધમાં પર્વતો પર ચઢતો રહેતો. એમ કરતાં જ્યારે તેના પગના તળિયામાં
તીક્ષ્ણ પથ્થરો અને કાંટા ઘુસી જતા ત્યારે તેને ખૂબ જ પીડા થતી. શિવે તેને વરદાન
આપ્યું. વરદાનમાં તેણે વાઘના પગ માંગ્યા જેથી તે જંગલોમાં મુસાફરી કરી શકે અને
સરળતાથી પર્વતો પર ચઢી શકે. પ્રસન્ન થઈને, શિવે આ ઇચ્છા પૂરી
કરી અને જાહેર કર્યું કે તેની મૂર્તિ તેના મંદિરની પ્રતિમાનો ભાગ બનશે. આમ,
દક્ષિણ ભારતીય મંદિરની દિવાલો પર ભારતીય સ્ફિન્ક્સ જોવા મળે છે.
- મિડ-ડેમાં ૨૮ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The Indian sphinx નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૨૫ માર્ચ ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો