બુધવાર, 20 મે, 2026

ગુરુઓના ગુરૂ - દેવદત્ત પટ્ટનાઈક

 


                       મિનાક્ષી મંદિર, મદુરૈના પ્રવેશ પાસે દક્ષિણામૂર્તિનું શિલ્પ - સ્રોતઃ વિકિપિડીયા


દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાં, દક્ષિણ તરફ વડના ઝાડ નીચે બેઠેલા શિવની મૂર્તિ જોવા મળે છે. આ મૂર્તિને દક્ષિણામૂર્તિ કહેવામાં આવે છે. તે શિવને ગુરુઓના ગુરુ તરીકે રજૂ કરે છે. દક્ષિણામૂર્તિ કૈલાશ પર્વતની ટોચ પર, ઉત્તરમાં સ્થિત, સ્થિર, ધ્રુવ તારા નીચે બેસે છે. એ દર્શાવે છે કે તે ચક્કર લગાવતી દુનિયાનું કેન્દ્ર છે. તે વડના ઝાડની છાયામાં બેસે છે. વડના વૃક્ષો ભારતની સંન્યાસી પરંપરાઓ સાથે સંકળાયેલા છે, અને સંન્યાસીઓ ગૃહસ્થની ભૌતિક દુનિયામાં મનનું જ્ઞાન લાવે છે.

દક્ષિણ-કેન્દ્રિત

દક્ષિણમાંથી દક્ષિણાકાલી, અથવા દેવીનું સૌથી ઉગ્ર સ્વરૂપ આવે છે, કારણ કે દક્ષિણ એ મૃત્યુ અને પરિવર્તનની દિશા છે. જીવંતની ભૂમિને મૃતકોની ભૂમિથી અલગ કરતી વૈતરણી દક્ષિણમાં વહે છે. હિન્દુ ગામડાઓમાં  સ્મશાન સ્થળ દક્ષિણમાં રાખવાની સામાન્યપણે પ્રથા છે. મૃતદેહો પણ દક્ષિણ તરફ મુખ રહે એવી રીતે ગોઠવવામાં આવે છે.

શિવની મોટાભાગની મૂર્તિઓની જેમ, આ સ્વરૂપમાં તેમના ગળામાં એક સર્પ અને તેમના ગૂંથેલા વાળના ગૂંચળાઓ પર ચંદ્ર દર્શાવે છે. તેમની જમણી બાજુએ કાનની નર બુટ્ટીઓ અને ડાબી બાજુએ કાનની નારી બુટ્ટીઓ છે. આ ત્રણ કક્ષાએ તેમની સાનુકૂળતા દર્શાવે છે: પ્રથમ, પુરુષત્વ અને સ્ત્રીત્વ સાથે; બીજું, મન અને પદાર્થ સાથે; અને ત્રીજું, નામ અને સ્વરૂપોની દુનિયા, અને નામવિહીનતા અને નિરાકારત્વની દુનિયા સાથે. દક્ષિણામૂર્તિનો ડાબો હાથ વરદ-મુદ્રા દર્શાવે છે, જે આપવાની ચેષ્ટા છે. તેમનો જમણો હાથ જ્ઞાન-મુદ્રા દર્શાવે છે, અથવા વિવેકબુદ્ધિનો ચેષ્ટા, જેમાં તેમની તર્જની તેમના અંગૂઠાને સ્પર્શે છે. આ તેમને જે જાણે છે, અને જે જ્ઞાન આપે છે એવા શિક્ષક તરીકે સ્થાપિત કરે છે.  તેમના બે વધારાના હાથ છે. અહીં પ્રતીકો અલગ અલગ હોય છે, પરંતુ તે બધા વિવેકબુદ્ધિ દર્શાવે છે. અગ્નિ વિનાનું તપ (ધ્યાન પ્રથાઓનો) છે, જે જ્ઞાનનું પ્રતિબિંબિત કરે છે. તે મનને વિસ્તૃત થવામાં બાધારૂપ બધી ગાંઠોને બાળી નાખે છે. એક ફેણવાળો નાગ છે જે જ્યારે કોઈ વ્યક્તિ વિશ્વને જુએ છે, ત્યારે તેમાં વ્યસ્ત થઈ જવાને બદલે જન્મતાં જ્ઞાનના પ્રજ્વલનનું પ્રતિનિધિત્વ કરે છે જે  છે. ત્યાં માળાના મણકા છે, જેનો ઉપયોગ જપ અને સ્મરણ માટે થાય છે. સંગીતનાં સાધનો અને પુસ્તકો છે. તે પોતાનો જમણો પગ જમીન પર રાખીને બેસે છે, જે સામાન્ય રીતે અપસ્મર તરીકે ઓળખાતા, આપણા મનને બાંધી રાખતા અને મનને અનંત સુધી વિસ્તૃત થતાં અને તેને સમજવાં બાધક બનતા, વિકૃત યાદોના રાક્ષસ કચડી નાખે છે.

શિવ પોતાનો ડાબો પગ તેમના જમણા સાથળ પર મૂકે છે. પરંપરાગત રીતે, શરીરનો ડાબો ભાગ પ્રકૃતિ અથવા પદાર્થનું પ્રતિનિધિત્વ કરે છે, અને શરીરનો જમણો ભાગ પુરુષ અથવા મનનું પ્રતિનિધિત્વ કરે છે. નટરાજ પ્રતિમાની જેમ, શિવ જમણા પગને જમીન પર મજબૂત રીતે ખોડીને તેને પ્રાધાન્ય આપે છે ; ડાબો પગ હવામાં અથવા જમણા સાથળ પર છે, આ કિસ્સામાં. કૃષ્ણની છબીઓ સાથે આ મુદ્રાનીની તુલના કરીએ, કૃષ્ણ હંમેશા તેના ડાબા પગ પર આરામથી ઊભા રહે છે, અને જમણા પગને ડાબા પગ પર હળવી આંટીની મુદ્રામાં રાખે છે. કૃષ્ણ ભૌતિક જગતનો આનંદ માણવાની સાથે તેમાં મન્પરોવે છે. કૃષ્ણના બંને પગ જમીન પર છે, એટલે કે તેઓ દ્રવ્ય અને મન બંનેને મહત્વ આપે છે, ત્યારે શિવ દ્રવ્ય કરતાં મનને વધુ પસંદ કરે છે અને તેથી તેમનો ફક્ત એક પગ જમીન પર છે, જેના પરિણામે તેમને એકપદ પણ કહેવામાં આવે છે.

આમ, પ્રતીકાત્મક રીતે, સિવની મૂર્તિ  દુઃખનું કારણ બને છે તેવા ઉથલપુથલ થતા રહેતા ભૌતિકવાદના મોહને દૂર કરવા માટે મનને શાંત કરવાનાં જ્ઞાનનાં મહત્વને દર્શાવે છે. શિવના પગ પાસે ઘણા ઋષિઓ બેસે છે. તેમને શિવ વેદ અને તંત્રના રહસ્યો પ્રગટ કરે છે. ક્યારેક, આ પંથને આગમ  (પૌરાણિક મંદિર) પરંપરા કહેવામાં આવે છે. તે નિગમ (વૈદિક ધાર્મિક) પરંપરાને પૂરક છે. શિવના બોધને દક્ષિણામૂર્તિ ઉપનિષદ પણ કહેવામાં આવે છે. આ મૂર્તિ ઉત્તર કરતાં દક્ષિણ ભારતીય પરંપરામાં વધુ લોકપ્રિય છે. કથા એવી છે કે બધા ઋષિઓ શિવનો બોધ સાંભળવા ઉત્તર તરફ ગયા હતા અને તેથી પૃથ્વી ઝૂકી ગઈ. પૃથ્વીને સંતુલિત કરવા માટે, શિવે તેમના શિષ્ય, અગસ્ત્યને દક્ષિણ તરફ મુસાફરી કરવાનું કહ્યું, તેથી જ અગસ્ત્ય દક્ષિણના મહાન ઋષિ મનાય છે. આ પ્રવચન સાંભળનારા અન્ય ઋષિઓમાં વ્યાગ્રપદનો સમાવેશ થાય છે, જેમણે શિવજીન પાસે વાઘના પગનું વરદાન માગ્યું હતું, જેથી તેઓ તેમની પૂજા માટે સરળતાથી જંગલના ફૂલો એકત્રિત કરી શકે. તે ઉપરાંત પતંજલિ (નાગ), નંદી, બળદ, અને ભૃંગી - જેમને માંસ અને લોહી નથી, તેથી તેમને ત્રીજા પગની જરૂર છે જેથી તેઓ ત્રિપાઈની જેમ ટટ્ટાર ઊભા રહી શકે. એક અન્ય ઋષિ  હયગ્રીવ છે, જેમનું માથું ઘોડાનું છે. તેમને ક્યારેક વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. શુક ઋષિનું માથું પોપટનું છે, અને વ્યાસના પુત્ર છે અને વેદોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરે છે.

કાલ અને કાલિ આદિ

આદિ શંકરાચાર્યે દક્ષિણામૂર્તિ સ્તોત્રમની રચના કરી હતી. તેમાં તેઓ નોંધે છે કે કેવી રીતે આ યુવાન દેખાતા મૌન શિક્ષક પોતાનાથી મોટી ઉમરના ઋષિઓને પોતાના જ્ઞાનથી પ્રબુદ્ધ કરે છે આમ થવું સ્વાભાવિક છે કેમકે શિવ તો વિવેકપ્રજ્ઞાનું મૂર્તિમંત સ્વરૂપ છે. તેમને પ્રશ્નો ઋષિઓ દ્વારા નહીં, પરંતુ દેવી દ્વારા પૂછવામાં આવે છે. દેવી શિવ સાથે લગ્ન કરે છે અને ચિંતન દ્વારા એકત્રિત કરેલા તેમના જ્ઞાનને વહેંચવા માટે શિવને બોલવા માટે પ્રોત્સાહિત કરે છે. આ સંવાદ દ્વારા તંત્રો રજૂ કરવામાં આવેલ છે. જો શિવ કાલ છે, તો દેવી સમય પર વિજય મેળવેલ કાલિ છે. દેવી શવને શિવ, ભગવાન બનાવે છે.  દેવી દક્ષિણથી આવે છે, અને પદાર્થ અને પરિવર્તનનું મૂર્તિમંત સ્વરૂપ છે, જે જવાબો શોધવાની પ્રેરણા આપે છે. એ  જવાબો હંમેશા બોલાયેલા નથી હોતા; તે ગીત અને નૃત્ય દ્વારા પણ ભજવવામાં અને રજૂ કરવામાં આવે છે. તેથી જ ભારતીય શાસ્ત્રીય નૃત્યનો અર્થ ઘણો સમૃદ્ધ છે.

  • સ્પિકીંગ ટ્રી.ઈનમાં ૫ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખTeacher Of TEACHERS!નો અનુવાદ | હિંદુ  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૨૦ મે ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો