હા, યોગ
હિન્દુ છે. વધુ યોગ્ય રીતે કહીએ તો, તે ભારતીય છે, કારણ કે આ વિચાર સદીઓથી બૌદ્ધો, જૈનો અને ભારતના
ઉપખંડમાં રહેતા ઘણા લોકો દ્વારા વિકસાવવામાં આવ્યો ચે.
પ્રાચીન પર્શિયનો આ ભૂમિના લોકોને હિન્દુ કહેતા હતા, અને પ્રાચીન ગ્રીકો ભારતીયો કહેતા હતા,
કારણ કે તેઓ સિંધુ નદીની પેલે પારની ભૂમિમાં રહેતા હતા જેને
પર્શિયામાં હિંદ અને ગ્રીસમાં ભારત કહેવામાં આવે છે. અંગ્રેજો આ ઉપખંડને ભારતીય
ઉપખંડ કહેતા હતા, અને અમેરિકનો તેને દક્ષિણ એશિયા કહેતા હતા.
પુરાણોમાં, આ ભૂમિને જાંબુદ્વીપ કહેવામાં આવે છે, જે જાંબુલ (ભારતીય બ્લેકબેરી) અથવા જાંબુ (ગુલાબ સફરજન) વૃક્ષની ભૂમિ છે.
આજે, આ ભૂમિમાં ભારત, પાકિસ્તાન,
નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશના
રાષ્ટ્ર-રાજ્યોનો સમાવેશ થાય છે.
ભારત એક રાજકીય શબ્દ બની ગયો છે, જ્યારે ઈન્ડિક એક સાંસ્કૃતિક શબ્દ છે.
હિન્દુ, જે એક સમયે ભૌગોલિક શબ્દ હતો, તે
હવે ધાર્મિક શબ્દ બની ગયો છે. તમે કેટલા સારા વકીલ છો તેના આધારે, તમે દલીલ કરી શકો છો કે હિન્દુ ધર્મ એ ૧૯મી સદીમાં બ્રિટીશરો દ્વારા
બનાવવામાં આવેલ ધર્મ છે, કે ૫,૦૦૦ વર્ષ
પહેલાં ઉભરી આવેલા વિશ્વને જોવાની એક રીત છે.
અમેરિકામાં, યોગ હિન્દુ છે કે નહીં તે પ્રશ્ન રાજકારણ અને અર્થશાસ્ત્રને કારણે
ઉઠાવવામાં આવ્યો છે. કેટલાક હિન્દુઓ દલીલ કરે છે કે આ શબ્દ અમેરિકનોએ હસ્તગત કરી
લીધો છે, અને તેનું વ્યાપારીકરણ કરી દેવાયું છે, તેથી મલિન બની ગયો છે, તેના આધ્યાત્મિક મહત્વને
છીનવી લેવામાં આવ્યું છે. અન્ય કેટલાંક દલીલ કરે છે કે યોગ ક્યારેય હિન્દુઓનો
નહોતો અને તેથી પચાવી પાડવાનો પ્રશ્ન ઊભો થતો નથી. મૂળભૂત રીતે, જે તે "તમારું" છે કે
તે "મારું" છે ની માનસિક ગાંઠોને યોગ ઉકેલવા માટે હતું તે હવે એક પ્રાદેશિક લડાઈ બની ગઈ છે.
પરંતુ એ બાબતે કોઈ શંકા નથી કે આ વિચારસરણી વિશ્વના આ
ભાગમાં ઉદ્ભવેલ છે, સેંકડો
વર્ષોથી ઘણા લોકો દ્વારા પોષવામાં આવેલ છે. આજે આપણે તેને જે સ્વરૂપમાં જાણીએ છીએ
તે વીસમી સદીની શરૂઆતમાં ભારતમાં હિન્દુઓ દ્વારા યોગનાં કરેલા પુનઃપેકેજિંગનું
પરિણામ છે.
સિંધુ ખીણની મહોરોમાં પર એક માણસ એવી મુદ્રામાં બેઠેલો
દેખાય છે જેને યોગ ભદ્રાસન અથવા સિંહાસન તરીકે ઓળખાવામાં છે. શું આ યોગ હતો? આપણે બંને રીતે અનુમાન લગાવી શકીએ છીએ.
૪,૦૦૦ વર્ષ
જૂની વૈદિક પરંપરાઓમાં યોગ શબ્દનો અર્થ બળદને ગાડી સાથે જોડવા અથવા જોતરવાનો થાય
છે. આજે પણ, યોગ, અથવા તેનું બોલચાલનું
સ્વરૂપ "જોગ" જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહઓની શક્તિઓનાં એક સાથે થવાને વપરાય
છે તેમ વિવિધ પરિબળોના એક સાથે થવાને દર્શાવવા માટે વપરાય છે. કોઈ એવી દલીલ કરી
શકે છે કે "જુગાડ" શબ્દ "જોગી" - જ્યાં પહેલાં કોઈ અસ્તિત્વમાં
નહોતું ત્યાં 'જોગ' બનાવી શકે એવો
સાધનસંપન્ન માણસ - પરથી આવ્યો છે. તેથી આ શબ્દ વૈદિક મૂળ ધરાવે છે.
૩૦૦૦ વર્ષ જૂની શ્રમણ પરંપરાઓએ ઘણી વિચારધારાઓને બહાર લાવી, જેને આખરે યોગ તરીકે જોવામાં આવે છે. જેમ
કે મનોવૈજ્ઞાનિક શિસ્ત – ધ્યાન કેન્દ્રિત કરવું અને જાગૃતિ કે દ્રષ્ટિકોણ કેળવવો
(ધારણા), અથવા મન અને શરીર નિષ્ક્રિય થવું (પ્રત્યાહાર),
અને એક પગ પર ઊભા રહેવું, અથવા હાથ ઉપર રાખવા
જેવી, તપસ્વીઓ દ્વારા વધારે કરાતી જોવા મળતી,
શારીરિક અંગભંગિઓ (આસન) ને નિયંત્રિત કરવા માટે શ્વાસ લેવાની કસરતો
(પ્રાણાયામ). તપસ્વીઓ તરીકે ઓળખાતા સંન્યાસીઓ દ્વારા આ યોગ વ્યાયામો પસંદ કરવામાં
આવે છે. એ લોકો તપ તરીકે ઓળખાતા આધ્યાત્મિક અગ્નિનું મંથન કરે છે, અને તેના દ્વારા મનુષ્યોને અલૌકિક શારીરિક અને માનસિક શક્તિઓ (સિદ્ધિ) આપે
છે. આ સિદ્ધિઓ તેમને પ્રકૃતિને નિયંત્રિત કરવા સક્ષમ બનાવે છે. તેથી આજે યોગ સાથે
સંકળાયેલી પ્રથાઓ શ્રમણ પરંપરામાં મૂળ ધરાવે છે. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ શ્રમણ
પરંપરાઓ છે.
પૌરાણિક યુગમાં, એટલે કે ૨૦૦૦ વર્ષ પહેલાં, વૈદિક ધાર્મિક વિધિઓ અને છેવટે
શ્રમણ પરંપરાઓ પણ, શિવ, વિષ્ણુ અને
દેવી તરીકે પ્રગટ થતી ભગવાનની કથાઓ દ્વારા ઢંકાયેલી હતી. શિવ એવા ભગવાન બન્યા
જેમણે યોગને તેમના શિષ્ય પતંજલિ, એક સર્પ, ને સમજાવ્યો, જેણે પછીથી યોગનો વિશ્વમાં પ્રસાર
કર્યો. વિષ્ણુ પણ તેને અર્જુન અને કૃષ્ણ અને રામ અને હનુમાન દ્વારા સમજાવે છે.
અહીં, આપણે એક વિભાજન જોવાનું શરૂ કરીએ છીએ. કેટલાક લોકો
માનસિક પાસાં પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે
વ્યક્તિગત આત્મા (જીવ-આત્મા) નું બ્રહ્માંડિક આત્મા (પરમ-આત્મા, પરમેશ્વર) સાથે જોડાણ, જેને સમાધિ તરીકે ઓળખવામાં
આવે છે. અન્ય કેટલાંક લોકો બ્રહ્મચર્ય સાથે સંબંધિત રહસ્યમય શક્તિઓ જેવાં
ભૌતિક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ખાસ કરીને જેને સિદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે.
સમાધિનું ધ્યાન વૈદિક તરીકે અને સિદ્ધિનું ધ્યાન તાંત્રિક
તરીકે જોવામાં આવે છે, જોકે આવા ભાગલા
મનથી માની લીધેલાં છે. વિવિધ ગ્રંથોમાં ધ્યાનનું કેન્દ્ર બદલાય છે. ઉદાહરણ તરીકે,
મહાભારતના ભાગ, ભગવદ ગીતામાં, યોગના મનોવૈજ્ઞાનિક પાસાં અને પ્રાણાયામનો ઉલ્લેખ છે, પરંતુ આસનોનો નથી, જ્યારે પતંજલિના યોગસૂત્રમાં,
આસનોનો ઉલ્લેખ ઓછામાં ઓછો છે, તે યોગની,
મનની વાંકીચુંકી ગાંઠો દૂર કરનાર તરીકે સ્પષ્ટ વ્યાખ્યા આપે છે ,
અને ખપથી વધારે આસ્તિક બનવાની કોઈ ફરજ પાડતો નથી.
૧,૦૦૦ વર્ષ
પહેલાં વધુને વધુ લોકપ્રિય બનવા લાગેલી નાથ પરંપરાઓમાં, વિવિધ
યોગિક મુદ્રાઓ અને શ્વાસ લેવાની કસરતો જેવાં યોગના ભૌતિક પાસાંનો સ્પષ્ટ ઉલ્લેખ
છે. આનો ઉપયોગ રાખ ચોળેલા ભિક્ષુકો દ્વારા કરવામાં આવે
છે જેઓ મત્સ્યેન્દ્ર-નાથ અને ગોરખ-નાથનો આદર કરે છે. આ વિચારધારાના વધુ કટ્ટરપંથી
સભ્યો નગ્ન સાધુઓ છે જે પશ્ચિમને આકર્ષિત કરે છે, અને કંઈ
સાવ જ નવાં માટેની તેમની તરસને સંતોષે છે.
૧૯મી સદીથી, બ્રિટિશ શાસન દરમિયાન, યુરોપિયન વ્યાખ્યાનો સામનો
કરવા માટે, અને યુરોપિયન શૈલીના જિમ્નેસ્ટિક્સના સંપર્કમાં
આવ્યા પછી, મૈસુરના વોડેયાર રાજાઓના આશ્રય હેઠળ, કૃષ્ણમાચાર્ય જેવા પરંપરાગત ભૌતિક સંસ્કૃતિના સ્થાનિક ગુરુઓએ આજે આપણે જે
યોગ જાણીએ છીએ, તે આયંગર અને શિવાનંદ જેવા ગુરુઓ દ્વારા ભારત
અને સમગ્ર વિશ્વમાં ફેલાયો. પતંજલિના યોગસૂત્ર જેવા પ્રાચીન અને મધ્યયુગીન યોગ
ગ્રંથોના અનુવાદો અને ટિપ્પણીઓ વિવેકાનંદ સહિત વિદ્વાનો અને શિક્ષણવિદો દ્વારા
કરવામાં આવી છે.
આજે, યોગની
વિચારસરણી અને પ્રથા સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ફેલાઈ છે, જે
એક તરફ આને ગુપ્ત હિન્દુ મિશનરી પ્રવૃત્તિ તરીકે જોતા ખ્રિસ્તી અને મુસ્લિમ
અલગતાવાદીઓ અને સર્વોપરિતાવાદીઓ અને પોતાનો વિશ્વાસ
અને સંસ્કૃતિ ખોઈ બેસવાથી ડરી રહેલા હિન્દુ અલગતાવાદીઓ અને સર્વોપરિતાવાદીઓને
ચિંતા પ્રેરે છે. આ બધા ઉપરાંત નાસ્તિકો અને ધર્મનિરપેક્ષતાવાદીઓ પણ
છે, જેઓ સર્વોપરિતા શોધે છે, જેઓ
પરંપરા અથવા ધર્મ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેમાં કંઈને કંઈ જોખમ જૂએ છે.
બધી સંસ્કૃતિઓમાં બહારના ગણી શકાય એવા જમણેરી અને ડાબેરી
વિચારકો દ્વારા રજૂ કરાયેલા દલીલોથી આપણે સાવચેત રહેવું જોઈએ. કેમકે એ લોકો ચર્ચા
પર પ્રભુત્વ મેળવવા અને યોગની બારીકીઓ છીનવી લેવાનું વલણ ધરાવે છે. જમણેરી પાંખ, ખાસ કરીને તેમનામાં હિન્દુ સર્વોપરિતાવાદીઓ,
એવું માને છે કે યોગ હિન્દુ ધર્મમાં તેના સંપૂર્ણ મૂળ સ્વરૂપમાં
ક્યાંક દૂરના ભૂતકાળમાં, સિંધુ ખીણ સંસ્કૃતિ પહેલાં પણ ઉભરી
આવ્યો હતો. ડાબેરી પક્ષ પ્રાચીન, ધાર્મિક કે પરંપરાગત દરેક
વસ્તુ પ્રત્યે તિરસ્કાર ધરાવે છે. ઇતિહાસ સરળ કે રેખીય નથી તે સમજવાને બદલે આ બંને
પક્ષો એકબીજાના વિચારો સામે દલીલ કરીને એકબીજાને કાપે છે.
યોગનો ભારત સાથે, હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સાથે કોઈ ખાસ
સંબંધ નથી તેમ કહેવું એ કહેવા જેવું છે કે અમેરિકાને મૂળ અમેરિકનોની લાશો પર
પોતાની સમૃદ્ધિ ચણવા સિવાય તેમની સાથે કોઈ લેવાદેવા નથી. તે સાથે, પશ્ચિમ પર યોગ ચોરી કરવાનો આરોપ મૂકવો અન્યાયપૂર્ણ છે. સાંસ્કૃતિક
આદાનપ્રદાન પછી વિચારો જરૂર બદલાય છે. "પવિત્રતા" ને વળગી રહેતા ઘણા
ધાર્મિક અને શૈક્ષણિક લોકો ખતરનાક છે કારણ કે એલોકો જ આખરે "અસ્પૃશ્યતા"
સ્થાપિત કરે છે.
- Dailyyo.in માં ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Is yoga Hindu? નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૧૭ જૂન ૨૦૨૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો