બુધવાર, 8 જુલાઈ, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૬-૧૯૪૭) : ભાગ ૪ - જ્યો ર્જ ઑર્વેલ [૮ ]

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ

ટ્રિબ્યુન

[તારીખ નથી]


૧૯૪૦ ની એ રાત્રે જ્યારે લંડન પર પહેલી વાર મોટા મોટા ગોળીબાર કરવામાં આવી રહ્યા હતા. જ્યારે ગોળીઓ વરસવા લાગી હતી ત્યારે હું પિકાડિલી સર્કસમાં હતો. કાફે રોયલમાં હું આશ્રય લેવા માટે ભાગ્યો. ભીડની વચ્ચે, લગભગ પચીસ વર્ષનો એક સુંદર, સુઘડ યુવાન પીસ ન્યૂઝની એક નકલ લઈને, ઉપદ્રવ મચાવીને, તે આજુબાજુના ટેબલ પર બધાનું ધ્યાન ખેંચી રહ્યો હતો. મેં તેની સાથે વાતચીત શરૂ કરી, અને વાતચીત કંઈક આ રીતે થઈ:

યુવાન: ‘મારૂં કહેવું છે કે નાતાલ સુધીમાં બધું સમાપ્ત થઈ જશે. શાંતિ માટે સમાધાન થશે. હું સર સેમ્યુઅલ હૉર પર મને વિશ્વાસ છે. એમના પર વિશ્વાસ કરવો એ નીચાજોણું છે એ હું કબૂલ કરું છું, પરંતુ હજુ પણ હૉર આપણા પક્ષમાં છે. જ્યાં સુધી હૉર મેડ્રિડમાં છે, ત્યાં સુધી હંમેશા ભેદ ખૂલવાની આશા રહે છે.’

ઓર્વેલ: ‘બધે સંતાવા માટેના ખાડાઓ કરી રહ્યા છે, સ્થાનિક સંરક્ષણ સ્વયંસેવકો ઊભા કરી રહ્યા છે એવી બધી આક્રમણ સામે તેઓ જે તૈયારીઓ કરી રહ્યા છે, તેનું શું?’

યુવાન: ‘ઓહ, તેનો અર્થ એ છે કે જ્યારે જર્મનો અહીં આવે તે સમયે તેઓ મજૂર વર્ગને કચડી નાખવા માટે તૈયાર થઈ રહ્યા છે. મને લાગે છે કે તેમાંના કેટલાક પ્રતિકાર કરવાનો પ્રયાસ કરવા જેટલા મૂર્ખ હોઈ શકે છે, પરંતુ ચર્ચિલ અને જર્મનો આપસી સમાધાન કરવામાં લાંબો સમય લેશે નહીં. ચિંતા કરશો નહીં, તે ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે.’

ઓર્વેલ: ‘શું તમે ખરેખર તમારા બાળકોને નાઝીઓ તરીકે મોટા થતા જોવા માંગો છો?’

યુવાન: ‘બકવાસ ! તમને નથી લાગતું કે જર્મનો આ દેશમાં ફાશીવાદને પ્રોત્સાહન આપશે, ખરું ને? તેઓ તેમની સામે લડવા માટે યોદ્ધાઓની જાતિ ઉછેરવા માંગતા નથી. તેમનો ઉદ્દેશ્ય આપણને ગુલામ બનાવવાનો હશે. તેથી જ હું શાંતિવાદી છું. તેઓ મારા જેવા લોકોને પ્રોત્સાહિત કરશે.’

ઓર્વેલ: ‘અને મારા જેવા લોકોને ગોળી મારી દેશે?’

યુવાન: ‘ એવું થાય તો તે ખૂબ ખરાબ હશે.’

ઓર્વેલ : ‘પણ તમે જીવતા રહેવા માટે આટલા ઉત્સુક કેમ છો?’

યુવાન: ‘અલબત્ત, જેથી હું મારું કામ ચાલુ રાખી શકું,’

વાતચીતમાંથી એવું બહાર આવ્યું હતું કે તે યુવાન એક ચિત્રકાર હતો - ભલે તે સારો હોય કે ખરાબ, મને ખબર નથી; પરંતુ ગમે તે હોય, ચિત્રકામમાં નિષ્ઠાપૂર્વક રસ ધરાવતા અને તેના માટે ગરીબીનો સામનો કરવા માટે તૈયાર એક ચિત્રકાર તરીકે, તે કદાચ જર્મન કબજા હેઠળ લેખક કે પત્રકાર કરતાં કંઈક અંશે સારો હોત. પરંતુ તેમ છતાં, તેણે જે કહ્યું તેમાં એક ખૂબ જ ખતરનાક ભ્રમ હતો, જે હવે એવા દેશોમાં ખૂબ જ વ્યાપક છે જ્યાં સર્વાધિકારવાદ ખરેખર સ્થાપિત થયો નથી.

એવું માનવું કે સરમુખત્યારશાહી સરકાર હેઠળ તમે અંદરથી મુક્ત રહી શકો છો એ ભ્રમણા છે. ઘણા લોકો આ વિચારથી પોતાને સાંત્વના આપે છે, હવે વિશ્વના દરેક ભાગમાં એક યા બીજા સ્વરૂપમાં સર્વાધિકારવાદ સ્પષ્ટપણે ઉપર તરફ વધી રહ્યો છે. બહાર શેરીમાં લાઉડસ્પીકરો વાગે છે, છત પરથી ધ્વજ લહેરાતા હોય છે, પોલીસ તેમની ટોમી-ગન સાથે આમતેમ ફરતી હોય છે, ચાર ફૂટ પહોળા નેતાનો ચહેરો, દરેક હોર્ડિંગમાંથી ચમકતો હોય છે; પરંતુ ઉપરના માળે શાસનના ગુપ્ત દુશ્મનો તેમના વિચારો સંપૂર્ણ સ્વતંત્રતામાં રેકોર્ડ કરી શકે છે - આ વિચાર છે, ભલે ઓછો તો ઓછો. ઘણા લોકો એવું માને છે કે આ હવે જર્મની અને અન્ય સરમુખત્યારશાહી દેશોમાં ચાલી રહ્યું છે.

આ વિચાર કેમ ખોટો છે? હું એ હકીકતને અવગણી રહ્યો છું કે જૂના જમાનાના તાનાશાહીઓ જે છટકબારીઓ છોડતી હતી તે શિક્ષણની સર્વાધિકારવાદી પદ્ધતિઓને કારણે બૌદ્ધિક સ્વતંત્રતાની ઇચ્છાના સંભવિત નબળા પડવાના કારણે પણ, આધુનિક સરમુખત્યારશાહીઓ, હકીકતમાં, છોડતી નથી. સૌથી મોટી ભૂલ એ કલ્પના કરવી છે કે માનવી એક સ્વાયત્ત વ્યક્તિ છે. તાનાશાહી સરકાર હેઠળ તમે જે ગુપ્ત સ્વતંત્રતાનો આનંદ માણી શકો છો તે બકવાસ છે, કારણ કે તમારા વિચારો ક્યારેય સંપૂર્ણપણે તમારા પોતાના નથી હોતા. ફિલોસોફરો, લેખકો, કલાકારો, વૈજ્ઞાનિકોને પણ, ફક્ત પ્રોત્સાહન અને પ્રેક્ષકોની જરૂર નથી, તેમને અન્ય લોકો પાસેથી સતત ઉત્તેજનાની જરૂર છે. વાત કર્યા વિના વિચારવું લગભગ અશક્ય છે. જો ડેફો ખરેખર રણદ્વીપ પર રહેતા હોત, તો તે રોબિન્સન ક્રુસો લખી શક્યા ન હોત, અને લખવાની ઇચ્છા પણ ન કરી હોત. વાણી સ્વાતંત્ર્ય છીનવી લો, એટલે સર્જનાત્મક ક્ષમતાઓની સરવાણીઓ સુકાઈ જાય. જો જર્મનો ખરેખર ઇંગ્લેન્ડ પહોંચી ગયા હોત તો, ટૂંક સમયમાં જ, કાફે રોયલ ખાતેના મારા પરિચિત મિત્રનું ચિત્ર બગડતું જોવા મળ્યું હોત, પછી ભલેને ગેસ્ટાપોએ તેને એકલો છોડી દીધો હોત. જ્યારે યુરોપ પરથી ઢાંકણ હટાવવામાં આવશે, ત્યારે મને લાગે છે કે આપણને આશ્ચર્ય થશે કે સરમુખત્યારશાહી હેઠળ ગુપ્ત રીતે રચાયેલું કોઈપણ પ્રકારનું લેખન - ઉદાહરણ તરીકે, ડાયરી જેવી વસ્તુઓ પણ - કેટલું ઓછું મૂલ્યવાન હતું.

                                       +                     +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

As I Please (1944 – 45) : Part IV ના અનુવાદને ડાઉનલોડ કરવા માટે મારી દૃષ્ટિએ (૧૯૪૪) : ભાગ પર ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો