બુધવાર, 22 જુલાઈ, 2026

પૂર્વભૂમિકા - શતમ જીવ શરદ: - ખરૂં, પણ કેવાં જીવવાં જોઈએ?

पश्येम शरदः शतम् ।।

जीवेम शरदः शतम् ।।

बुध्येम शरदः शतम् ।।

रोहेम शरदः शतम् ।।

पूषेम शरदः शतम् ।।

भवेम शरदः शतम् ।।

भूयेम शरदः शतम् ।।

भूयसीः शरदः शतात् ।।

(अथर्ववेद, काण्ड १९, सूक्त ६७ दीर्घायुत्वम् )

અર્થાત આપણે સો શરદ (પાનખર) જીવીએ, સો વર્ષ સુધી આપણી દૃષ્ટિ તીવ્ર રહે; આપણે સો વર્ષ સુધી સાંભળી શકીએ, સો વર્ષ સુધી બોલવા સક્ષમ રહીએ; આપણે બીજા પર નિર્ભર ન રહેવું પડે એવું જીવન જીવીએ, આપણી બધી ઇન્દ્રિયો, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બંને - નબળી ન પડે; આપણે માત્ર સો વર્ષ જ નહીં પણ તેનાથી આગળ પણ સ્વસ્થ રહીએ.


જીવેમ શતઃ શરદમ્. આપણે સો વર્ષ જીવીએ એવી તો મનેચ્છા, અંદર ખાને, થોડે ઘણે અંશે, લગભગ બધાંને રહેતી હોય જ છે.

પરંતુ નરસિંહ મહેતા લખે છે તેમ ‘ઉંમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ, ગોળી તો ગંગા થઈ રે, અંગે ઉજળા થયા છે કેશ, ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું જોબન રહે સૌ કાળ.’ જેવી હાલત થઈ તો?

શ્રેણીબદ્ધ ઉદ્યોગસાહસિક સંજય મેહતાએ દીર્ઘાયુષ્ય અને જીવનના બીજા અંકના ઉદ્દેશ્ય અને પુનઃશોધના વિષયને કેન્દ્રમાં રાખીને એક શ્રેણી - “What If You Live To Be 100” - શરૂ કરી છે,જે ફાનાન્સિયલ એક્ષપ્રેસમાં Live to 100 ના સ્વરૂપે પ્રકાશિત થઈ રહી છે.

What If You Live To Be 100” ના પ્રવેશક મણકામાં સંજય મેહતા માત્ર ૧૦૦ વર્ષ સુધી જીવી જવાની વાત નથી કરવા માગતા. તેઓનો ઉદ્દેશ્ય આશ્રેણી દ્વારા સારી રીતે, સહેતુક, ઉર્જાવાન, જિજ્ઞાસામય અને કોઇને કોઈ સંબંધને સંદર્ભ સાથે જીવવાના માર્ગની દિશા ચીંધવાનો પણ છે. પરંતુ સાચી વાત તો એ છે કે, આપણામાંથી મોટાભાગના લોકોનો ઉછેર શાળાજીવન, કામ, કે કદાચ નિવૃત્તિ માટે યોજના બનાવવાની દૃષ્ટિથી જ થયો છે. પરંતુ આપણને કોઈએ શીખવ્યું નહીં કે જીવનના જીવંત, વિસ્તૃત એવા, ૩૦ વર્ષ, ૪૦ વર્ષ કે ૫૦ વર્ષ પછીના બીજા ભાગ માટે કેવી રીતે તૈયારી કરવી. અને હવે, આપણે જીવનના ૫૦ અને ૬૦ ના દાયકાના તબક્કે તો આવી પહોંચ્યા છીએ.... પરંતુ "આગળ શું" ની વાત આવે ત્યારે મૌનથી ઘેરાઈ જઈએ છીએ.

What If You Live To Be 100” શ્રેણી એ સવાલનો જવાબ શોધવાનો ઉપક્રમ છે. એવા લોકો માટે છે જેઓ આગામી પ્રકરણ પર પડદો પાડવાની નહીં, પણ જે સમય બાકી છે તેના માટેની પુનઃકલ્પના કરવા તૈયાર છે, એ સમયને ફરીથી ઉર્જા મેળવવા, ફરીથી શોધવા અને ફરીથી જિંદગી સાથે જોડાવા માટેના સમય તરીકે જોવા તૈયાર છે.

ફાઇનાન્સિયલ એક્ષપ્રેસના કોલમ, Live to 100 , માં સંજય મેહતા જિંદગીની બીજી ઇનિંગ્સમાં નાણાંના મહત્વને અલગ કહી શકાય એવા દૃષ્ટિકોણથી ચર્ચાને એરણે મૂકે છે.

સંજય મેહતાની ડિજિટલ ઉદ્યોગસાહસિક, રોકાણકાર, બોર્ડ સલાહકાર અને જાહેર વક્તા તરીકે વ્યાપક અને બહુપરિમાણીય કારકિર્દી રહી છે. બે દાયકાથી વધારેના તેમના ડિજિટલ માર્કેટીંગ અને સ્ટાર્ટ અપ પારિસ્થિતિકીતંત્રવ્યવસ્થા ક્ષેત્રના અનુભવને કારણે વ્યવસાય અને ટેકનોલોજીમાં જટિલ વલણોને વ્યવસાય તેમજ વ્યક્તિગત વિકાસ એમ બંને માટે વ્યવહારુ અને ઉપયોગી સૂઝમાં વહેંચી નાખવાની તેમની ક્ષમતા માટે તેમને વ્યાપકપણે માન આપવામાં આવે છે.

તેમના અનુભવ કાર્યક્ષેત્રો, તેમની વર્તમાન પ્રવૃત્તિઓ વિશેની વિગતવાર રૂપરેખા Sanjay Mehta અને Sanjay Mehta એમ અલગ જગ્યાએ વાંચી શકાય છે.

તેમની શ્રેણી “What If You Live To Be 100” માટે સંજય મેહતાએ અલગથી વેબસઈટ, https://whatifyoulivetobehundred.com/ , પણ તૈયાર કરી છે. આ વેબસાઈટ પર તેમના વિચારો બ્લૉગપૉસ્ટ, વિડીયો અને પોડકાસ્ટનાં રૂપમાં જોવા મળે છે. તે ઉપરાંત ઇન્સ્ટાગ્રામ, લિન્કડ ઈન અને ફેસબુક પર પણ તેમના વિચારો વાંચી શકાય છે.

આપણે “What If You Live To Be 100” અને Live to 100 એમ બન્નેના ભાવાનુવાદને વારાફરતી આપણા આ મંચ પર દર મહિનાના ત્રીજા બુધવારે રજૂ કરીશું.

What If You Live To Be Hundred | Pilot Episode | Hosted by Sanjay Mehta

  • સંજય મેહતાની શ્રેણીWhat If You Live To Be 100ના Pilot Episode   પરથી તૈયાર કરેલ સંકલિત ભાવાનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ૨૨ જુલાઈ  ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો