બુધવાર, 21 ઑક્ટોબર, 2026

રસનું પાત્ર - દેવદત્ત પટ્ટનાઈક

 

સામાન્ય રીતે, ભારતમાં આપણે નાટ્યરચનામાં તે તે કૃતિમાંની તે તે વ્યક્તિના અભિનેતા તરીકેના સ્વાંગ અથવા પુસ્તકમાંની કથા કે વાત (નાટકાદિ)માં આવતી કોઈ પણ વ્યક્તિપાત્રને માટે 'પાત્ર' શબ્દ પ્રયોજીએ છીએ. 'પાત્ર' નો એક શાબ્દિક અર્થ ઠામ / વાસણ કે ધારણ કરનાર) થાય છે. પાત્રનો આવો સાહિત્યિક શબ્દપ્રયોગ શા માટે કરવામાં આવતો હહે તે સમજવા માટે, આપણે કદાચ વાર્તા કહેવાની, પાશ્ચાત્ય પદ્ધતિ અને ભારતીય પદ્ધતિ, એવી  બે ભિન્ન પદ્ધતિઓને સમજવી પડશે .

પ્લેટોના શિષ્ય અને સિકંદરના ગુરુ હતા, ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલને કથાનક કે વાર્તા કહેવાની પાશ્ચાત્ય દ્રષ્ટિના મૂળ સ્ત્રોત માનવામાં આવે છે. તેમના ગ્રંથ 'પોએટિક્સ' (Poetics)માં કથાનકને અત્યંત બૌદ્ધિક દ્રષ્ટિકોણથી દર્શાવાયેલ છે. તેમાં મુખ્યત્વે એક પાત્ર - નાયક - અને કોઈ નાટકીય ઘટના બાદ એ પાત્રમાં આવતા પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અહીં, વાર્તા કહેવાની પ્રક્રિયા એક વિચારથી શરૂ થાય છે, જે કથાનક (પ્લોટ) અને પાત્ર દ્વારા વ્યક્ત થાય છે. પ્રેક્ષકો તેને નિહાળે છે, પાત્ર સાથે તાદાત્મ્ય સાધે છે અને 'કેથાર્સિસ' (catharsis) - એટલે કે મનમાં દબાયેલી લાગણીઓના  મુક્તિ -નો અનુભવ કરે છે. આમ, અહીં કથાની યાત્રા મગજ (બુદ્ધિ) થી હૃદય (લાગણી) તરફની રહે છે.

ભરત મુનિએ, કદાચ એરિસ્ટોટલના સમયની આસપાસ જ, 'નાટ્યશાસ્ત્ર'ની રચના કરી હતી. તેમને પણ અભિવ્યક્તિનાં એક માધ્યમ તરીકે નાટ્યકલામાં રસ હતો. જોકે, એરિસ્ટોટલના 'પોએટિક્સ' અને ભરત મુનિના 'નાટ્યશાસ્ત્ર' વચ્ચે એક મૂળભૂત તફાવત છે. ભરત મુનિ કથાનક કરતાં પ્રેક્ષકોમાં જાગૃત થતી સંવેદનાઓ ('રસ') અને કલાકાર દ્વારા લાગણીઓ ('ભાવ')નાં પ્રદર્શન પર વધુ ભાર મૂકે છે. કલાકારના હાવભાવ, શારીરિક મુદ્રાઓ અને અંગચેષ્ટાઓ કોઈ ચોક્કસ 'ભાવ' પર આધારિત હોવી જોઈએ, જેથી પ્રેક્ષકોમાં એક સૌંદર્યલક્ષી સંવેદનાત્મક અનુભવ -  'રસ' - ઉત્પન્ન થઈ શકે. અહીં, કથાની યાત્રા હૃદય (લાગણી) થી મગજ (બુદ્ધિ) તરફની રહે છે.

આમ, વાર્તા કહેવાની પાશ્ચાત્ય પદ્ધતિ એક પાત્ર, એક કથાનક, એક પરિવર્તન અને એક પ્રબળ લાગણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જટિલ કથાનકોમાં, આવી અનેક રેખાઓમાં કહેવાતી વાર્તાધારાઓને એકસાથે વણીને એક વિશાળ તાણાવાણા સાથેનાં વસ્ત્ર જેવી રચના કરવામાં આવે છે. પાશ્ચાત્ય પદ્ધતિમાં 'વિચાર' મહત્વનો છે. એ વિચારના માધ્યમથી એક લાગણી ઉદ્ભવે છે અને વિકસે છે. આપણે શેક્સપિયરના નાટકોમાં, હેમ્લેટની દ્વિધા, રોમિયો અને જુલિયટનો રોમાંસ, અથવા ઓથેલોનો ઉતાવળિયો આવેગ જેવાં સ્વરૂપે આ જોઈ શકીએ છીએ. આ દરેક નાટકમાં એક સ્પષ્ટ વાર્તા અને એક વિશિષ્ટ લાગણી કે ભાવ રહેલો છે.

તેનાથી વિપરીત, વાર્તા કહેવાની ભારતીય પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેક્ષકોની વિવિધ પ્રકારની સંવેદનાઓ અને લાગણીઓને પોષવાનો છે. વાર્તાના અંતે, શ્રોતાએ (દર્શકે) આનંદ, ક્રોધ, આનંદ, નફરત, પ્રેમ, કરુણા, દુ:ખનો અનુભવ કર્યો છે? અહીં, વિચાર એટલો મહત્વપૂર્ણ નથી. જ્યારે આપણે રામ, કૃષ્ણ, કે શિવ વિશે વિચારીએ છીએ, ત્યારે એક લાગણી ઉદ્ભવે છે, અને તેમની ગાથાઓનો આખો હેતુ તે લાગણીને વધુ પ્રબળ બનાવવાનો છે. ભારતીય ભોજનની થાળીમાં જેમ સાથે વિવિધ સ્વાદ પીરસાયેલા હોય છે, તેમ રામ સાથે સંકળાયેલ રસ અલગ બને છે અને રામાયણના અન્ય પાત્રો જેમ કે લક્ષ્મણ, સીતા, હનુમાન અને રાવણ દ્વારા પ્રેરિત અન્ય રસોને કારણે રામયણનું કથાનક વધારે વિશાળ ફલક પર વિસ્તૃત થાય છે.

આશ્ચર્યજનક રીતે, હોલીવુડની ફિલ્મો મહાન પ્લોટ અને પાત્રો માટે પ્રખ્યાત છે. તેનાથી વિપરીત, બોલિવૂડની ફિલ્મોમાં કથાવસ્તુ અને પાત્રો પાછળના વિચારોને ગીતો, નૃત્ય, રંગ, તેમની ફિલ્માંકન શૈલી, તેમની નાટ્યાત્મકતા વધુ જાણીતી છે.હોલીવુડની ફિલ્મમાં ગતિ અને પરાકાષ્ઠા સુધીનાં નિર્માણનું મહત્વ છે. બોલિવૂડની ફિલ્મમાં સંવેદનાઓ અને લાગણીઓનો ધસારો મહત્વ ધરાવે છે, તેથી અસંબંધિત વાર્તાઓ અથવા અતાર્કિક કથાવસ્તુ પણ દર્શકને ખુંચતાં નથી. પશ્ચિમી વાર્તા કહેવાની ભાષામાં અભિનેતા એક વિચારનું 'પાત્ર' (વાસણ) છે. ભારતીય વાર્તાકથનમાં, અભિનેતા એક એવું પાત્ર (અભિવ્યક્તિ) છે જે પ્રેક્ષકોના રસને પોષે છે.

  • મિડ – ડે માં ૨ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The vessel of rasa નો અનુવાદ  | પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા,

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૨૧ ઓક્ટોબર ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો