બુધવાર, 11 નવેમ્બર, 2026

ફાશીવાદ શું છે?, ૧૯૪૪ - જ્યોર્જ ઑર્વેલ

 

ટ્રીબ્યુન,૧૯૪૪

આપણા સમયના જે તમામ પ્રશ્નોના જવાબ નથી મળી શક્યા એ પ્રશ્નો પૈકી કદાચ સૌથી મહત્વનો પ્રશ્ન 'ફાશીવાદ[1] (Fascism) શું છે?' કહી શકાય.

અમેરિકાની એક સામાજિક સર્વેક્ષણ સંસ્થાએ તાજેતરમાં સો અલગ-અલગ વ્યક્તિઓને આ પ્રશ્ન પૂછ્યો હતો. એ સર્વેક્ષણમાં 'શુદ્ધ લોકશાહી'થી લઈને 'નરી શેતાનીયત' સુધીના વિવિધ જવાબો મળ્યા. આપણા દેશમાં, જો તમે કોઈ સામાન્ય વિચારશીલ વ્યક્તિને ફાશીવાદની વ્યાખ્યા આપવાનું કહો, તો તે સામાન્ય રીતે જર્મની અને ઇટાલીના શાસનો તરફ આંગળી ચીંધીને જવાબ આપશે. પરંતુ આ જવાબ સંતોષકારક નથી, કારણ કે મુખ્ય ફાશીવાદી રાજ્યો પણ પોતપોતાના માળખા અને વિચારધારાની દ્રષ્ટિએ એકબીજાથી ઘણા અલગ પડતાં હોય છે.

ઉદાહરણ તરીકે, જર્મની અને જાપાનને એક જ માળખામાં મૂકવા સહેલું નથી. ફાશીવાદી ગણી શકાય તેવા કેટલાક નાના રાજ્યોના કિસ્સામાં તો આ કામ વધારે મુશ્કેલ છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ફાશીવાદ મૂળભૂત રીતે યુદ્ધખોર માનસ ધરાવે છે; તે યુદ્ધના ઉન્માદપૂર્ણ વાતાવરણમાં ફૂલેફાલે છે અને યુદ્ધની તૈયારીઓ દ્વારા કે બીજા દેશો પર વિજય મેળવીને જ પોતાની આર્થિક સમસ્યાઓ ઉકેલી શકે છે. પરંતુ પોર્ટુગલ અથવા દક્ષિણ અમેરિકાના વિવિધ સરમુખત્યારશાહી શાસનોના સંદર્ભમાં આ વાત સાચી નથી. તેવી જ રીતે, યહૂદી-વિરોધ (antisemitism) પણ ફાશીવાદના મુખ્ય લક્ષણોમાંનું એક ગણાય છે; પરંતુ કેટલીક ફાશીવાદી ચળવળો યહૂદી-વિરોધી નથી. અમેરિકન સામયિકોમાં વર્ષો સુધી ગંભીરપણે ચાલેલી ચર્ચાઓ પણ એ નક્કી કરી શકી નથી કે ફાશીવાદ એ મૂડીવાદનું એક સ્વરૂપ છે કે નહીં. તેમ છતાં, જ્યારે આપણે જર્મની, જાપાન કે મુસોલિનીના ઇટાલી માટે 'ફાશીવાદ' શબ્દનો પ્રયોગ કરીએ છીએ, ત્યારે આપણે સામાન્ય રીતે આપણો ઈશારો શેની તરફ છે તે સમજી શકાય છે. જો અખબારો કે સામયિકો તપાસીશું, તો જણાશે કે છેલ્લા દસ વર્ષોમાં ભાગ્યે જ કોઈ એવો સમૂહ — કે કોઈ રાજકીય પક્ષ કે સંગઠિત જૂથ — હશે જેને 'ફાસીવાદી' તરીકે વખોડવામાં ન આવ્યો હોય. એટલા પુરતું, આંતરિક રાજકારણના સંદર્ભમાં આ શબ્દનો અર્થ લગભગ સંપૂર્ણપણે ભુંસાઈ ગયો છે. અહીં વાત 'ફાસીવાદી' શબ્દના માત્ર મૌખિક પ્રયોગ વિશે નથી; પરંતુ, જે લખાણોમાં જોવા મળે છે તેમાંથી તો એવું જ ફલિત થતું જણાય છે. મેં 'સહાનુભૂતિ પુરતા ફાશીવાદી', અથવા 'ફાસીવાદી વલણ ધરાવતા', કે પછી માત્ર  'ફાસીવાદી' શબ્દોને કેટલાંક લોકોના જૂથો માટે સંપૂર્ણ ગંભીરતાથી લાગુ પડાતા જોયા છે. એવાં જૂથોનાં ઉદાહરણો:

રૂઢિચુસ્તો:  તુષ્ટિકરણ કરતા હોય કે ન કરતા હોય, સાપેક્ષપણે, બધા રૂઢિચુસ્તોને ફાશીવાદી તરફી માનવામાં આવે છે. ભારત અને અને અન્ય બ્રિટિશ સંસ્થાનોમાં બ્રિટિશ શાસનને નાઝીવાદથી અલગ નથી માનવામાં આવતું. દેશપ્રેમી કે પરંપરાગત પ્રકારના સંગઠનો કહી શકાય એવાં સંગઠનો પર ક્રિપ્ટો-ફાસીવાદી, કે 'ફાસીવાદી-માનસિકતાવાળા' તરીકે છાપ મારી દેવામાં આવે છે. જેમકે બોય સ્કાઉટ્સ, મેટ્રોપોલિટન પોલીસ, M.I.5, બ્રિટીશ લીજન. 'જાહેર શાળાઓ ફાશીવાદના ઉછેર-ભૂમિ છે' જેવા વાક્યપ્રયોગોથી આ વર્ગને ઓળખવામાં આવે છે.

સમાજવાદીઓ: સર અર્નેસ્ટ બેન જેવા જૂની શૈલીના મૂડીવાદનૉ બચાવ કરનારાઓ માને છે કે સમાજવાદ અને ફાશીવાદ એક જ વસ્તુ છે. કેટલાક કેથોલિક પત્રકારો માને છે કે નાઝી-કબજા હેઠળના દેશોમાં સમાજવાદીઓ નાઝીઓના મુખ્ય સહયોગી રહ્યા છે.  અતિ-ડાબેરી તબક્કાઓ દરમિયાન સામ્યવાદી પક્ષ દ્વારા અલગ જ દૃષ્ટિકોણથી આ જ આરોપ લગાવવામાં આવ્યો છે. ૧૯૩૦-૩૫ના સમયગાળામાં ડેઇલી વર્કર લેબર પાર્ટીને લેબર ફાશીવાદીઓ તરીકે ઓળખાવમાં આવતો હતો. અરાજકતાવાદીઓ જેવા અન્ય ડાબેરી ઉગ્રવાદીઓ આ વાતનો પડઘો પાડતા જોવા મળે છે. કેટલાક ભારતીય રાષ્ટ્રવાદીઓ બ્રિટિશ મજૂર સંગઠનોને ફાશીવાદી સંગઠનો માને છે.

સામ્યવાદીઓ: રાઉશિંગ, પીટર ડ્રકર, જેમ્સ બર્નહામ, એફ. એ. વોઇગ્ટ જેવા એક નોંધપાત્ર વિચારધારા ધરવનારાઓ  નાઝી અને સોવિયેત શાસન વચ્ચેના તફાવતને નથી જોવા માગતા. એ વર્ગ માને છે કે બધા ફાશીવાદીઓ અને સામ્યવાદીઓ લગભગ એક જ વસ્તુ પર લક્ષ્ય રાખે છે અને અમુક અંશે સમાન લોકો પણ છે. ધ ટાઇમ્સમાં યુ.એસ.એસ.આર.નો (યુદ્ધ પહેલા) નેતાઓ 'ફાશીવાદી દેશ' તરીકે ઉલ્લેખ કરતા. હવે ફરીથી એક અલગ દ્રષ્ટિકોણથી અરાજકતાવાદીઓ અને ટ્રોસ્કીવાદીઓ દ્વારા આ વાતનો પડઘો પાડવામાં આવે છે.

ટ્રોસ્કીવાદીઓ: સામ્યવાદીઓ, ટ્રોસ્કીના પોતાના સંગઠન, ટ્રોસ્કીવાદીઓ પર, નાઝીઓના પગારમાં નભતા ક્રિપ્ટો-ફાશીવાદી સંગઠન હોવાનો આરોપ લગાવે છે. પોપ્યુલર ફ્રન્ટ સમયગાળા દરમિયાન ડાબેરીઓ માટે આ મુજબ વ્યાપકપણે માનવામાં આવતું હતું. તેમના અતિ-જમણેરી તબક્કાઓમાં, સામ્યવાદીઓ ડાબેરીઓના બધા જૂથો, જેમ કે કોમન વેલ્થ અથવા આઈ.એલ.પી., પર આવા જ આરોપ લગાવવાનું વલણ ધરાવે છે.

કેથોલિક: પોતાના સમુહની બહાર, કેથોલિક ચર્ચને લગભગ સાર્વત્રિક રીતે, નિરપેક્ષ અને સાપેક્ષ એમ બન્ને રીતે, ફાશીવાદી તરફી માનવામાં આવે છે.

યુદ્ધ વિરોધીઓ: શાંતિવાદીઓ અને યુદ્ધ વિરોધી અન્ય લોકો પર વારંવાર આરોપ મૂકવામાં આવે છે કે તેઓ માત્ર ધરી રાષ્ટ્રો માટે વસ્તુઓ સરળ બનાવતા નથી, પરંતુ ફાશીવાદી તરફી લાગણીથી પણ રંગાયેલા છે.

યુદ્ધના સમર્થકો: યુદ્ધ વિરોધીઓ સામાન્ય રીતે તેમના દાવા પર આધાર રાખે છે કે બ્રિટિશ સામ્રાજ્યવાદ નાઝીવાદ કરતાં પણ ખરાબ છે. એ લોકો લશ્કરી વિજયની ઇચ્છા રાખનારા કોઈપણને 'ફાશીવાદી' શબ્દ લાગુ કરવાનું વલણ ધરાવે છે. પીપલ્સ કન્વેન્શનના સમર્થકો તો ત્યાં સુધી દાવો કરવા લાગ્યા હતા કે નાઝી આક્રમણનો પ્રતિકાર કરવાની તૈયારી ફાશીવાદી સહાનુભૂતિની નિશાની હતી. હોમગાર્ડ દેખાય કે તરત જ તેને ફાશીવાદી સંગઠન તરીકે વખોડી કાઢવામાં આવે. વધુમાં, બધા જ પ્રકારના ડાબેરીઓ લશ્કરવાદને ફાશીવાદ સાથે સરખાવે છે. રાજકીય રીતે જાગૃત ખાનગી સૈનિકો તેમના અધિકારીઓને, લગભગ હંમેશાં, 'ફાશીવાદી માનસિકતા ધરાવતા' અથવા 'સ્વાભાવિક ફાશીવાદી' તરીકે ઓળખાવે છે. યુદ્ધ-શાળાઓ, થૂંકીને તેના પોલિશ કરવું, અધિકારીઓને સલામ કરવી એ બધું ફાશીવાદ માટે અનુકૂળ માનવામાં આવે છે. યુદ્ધ પહેલાં, ટેરિટોરિયલ્સમાં જોડાવું એ ફાશીવાદી વૃત્તિઓની નિશાની માનવામાં આવતું હતું.

ભરતી દ્વારા ઊભી કરાયેલી સેના અને વ્યાવસાયિક સૈન્ય - આ બન્નેને ફાશીવાદી ઘટનાઓ ગણાવીને વખોડવામાં આવે છે.

રાષ્ટ્રવાદીઓ: જે રાષ્ટ્રીય ચળવળો વક્તાને પસંદ ન હોય એવી બધી જ રાષ્ટ્રવાદી ચળવળોને મૂળભૂત રીતે સર્વત્ર ફાસીવાદી માનવામાં આવે છે. આરબ રાષ્ટ્રવાદ, પોલિશ રાષ્ટ્રવાદ, ફિનિશ રાષ્ટ્રવાદ, ભારતીય કોંગ્રેસ પક્ષ, મુસ્લિમ લીગ, ઝાયોનિઝમ (યહૂદી રાષ્ટ્રવાદ) અને આઈ.આર.એ. (I.R.A.) - આ બધાને અલગ અલગ લોકો અલગ સંદર્ભમાં ફાસીવાદી ગણાવવામાં આવે છે.

* * *

આમ જોઈએ તો, જે રીતે આ શબ્દનો ઉપયોગ થાય છે, તે જોતાં 'ફાશીવાદ' (Fascism) શબ્દપ્રયોગ લગભગ સંપૂર્ણપણે અર્થહીન બની ગયો છે. અલબત્ત, લેખિત સ્વરૂપ કરતાં વાતચીતમાં તો તેનો ઉપયોગ વધુ બેફામ રીતે કરવામાં આવે છે. મેં આ શબ્દનો પ્રયોગ ખેડૂતો, દુકાનદારો, 'સોશિયલ ક્રેડિટ', , શારીરિક પીડા થાય એવી સજા, શિયાળના શિકાર, આખલા- યુદ્ધ (bull-fighting), '૧૯૨૨ કમિટી', '૧૯૪૧ કમિટી', કિપલિંગ, ગાંધીજી, ચિયાંગ કાઈ-શેક, સમલૈંગિકતા, પ્રિસ્ટલીના પ્રસારણો, યુથ હોસ્ટેલ્સ, જ્યોતિષવિદ્યા, સ્ત્રીઓ, કૂતરાં અને ખબર નહીં બીજાં કેટલાંય માટે થતો સાંભળ્યો છે.

છતાં, આ તમામ ગૂંચવણની નીચે એક પ્રકારનો ગૂઢ અર્થ છુપાયેલો છે. સૌ પહેલું તો એ સ્પષ્ટ છે કે 'ફાશીવાદી' કહેવાતી શાસનવ્યવસ્થાઓ અને 'લોકશાહી' કહેવાતી શાસનવ્યવસ્થાઓ વચ્ચે ખૂબ મોટા તફાવતો છે—જેમાંના કેટલાક એવા છે જેને દર્શાવવા સરળ છે અને જેને નકારી કાઢવા કે સમજાવીને ટાળી દેવા મુશ્કેલ છે. બીજું, જો 'ફાશીવાદી'નો અર્થ 'હિટલર પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર' એવો કરવામાં આવે, તો ઉપર જે આરોપોની મેં યાદી આપી છે, તેમાંથી કેટલાક અન્ય આરોપોની સરખામણીમાં વધુ વ્યાજબી ઠરે છે. ત્રીજું, જે લોકો બેફામપણે ગમે ત્યાં 'ફાશીવાદી' શબ્દનો પ્રયોગ કરે છે, તેઓ પણ આ શબ્દ સાથે એક પ્રકારનો ભાવનાત્મક અર્થ જોડે છે. તેમના મત અનુસાર, 'ફાશીવાદ', સ્થૂળ રીતે કહીએ તો, કંઈક એવું છે જે ક્રૂર, અનૈતિક, અહંકારી, અંધશ્રદ્ધાળુ કે જ્ઞાનવિરોધી, ઉદારમતવાદ-વિરોધી અને કામદાર-વર્ગ-વિરોધી હોય. ફાશીવાદના સમર્થકોની પ્રમાણમાં નાની સંખ્યાને બાદ કરતાં, લગભગ કોઈપણ અંગ્રેજ વ્યક્તિ 'ફાશીવાદી'ના પર્યાય તરીકે 'દાદાગીરી કરનાર' (bully) શબ્દને સ્વીકારી લેશે. આટલો બધો દુરુપયોગ પામેલો આ શબ્દ, કોઈ વ્યાખ્યાની જેટલો નજીક પહોંચી શક્યો છે.

પરંતુ ફાશીવાદ એ એક રાજકીય અને આર્થિક વ્યવસ્થા પણ છે.

તો પછી, આપણી પાસે તેની કોઈ સ્પષ્ટ અને સર્વસ્વીકૃત વ્યાખ્યા કેમ નથી? અફસોસ! આપણને આવી કોઈ વ્યાખ્યા મળવાની નથી — ઓછામાં ઓછું અત્યારે તો નહીં જ. શા માટે એવું છે તે સમજાવવામાં ઘણો સમય લાગી જશે, પરંતુ મૂળભૂત કારણ એ છે કે ફાશીવાદને સંતોષકારક રીતે વ્યાખ્યાયિત કરવો ત્યારે જ શક્ય બને જ્યારે કેટલીક એવી બાબતો સ્વીકારવી પડે, જે સ્વીકારવા માટે ન તો ફાસીવાદીઓ પોતે, ન તો રૂઢિચુસ્તો (Conservatives), અને ન તો કોઈપણ વિચારધારાના સમાજવાદીઓ (Socialists) તૈયાર છે. હાલ પૂરતું તો એટલું જ કરી શકાય કે આ શબ્દનો ઉપયોગ કરતી વખતે થોડી સાવચેતી વર્તવી જોઈએ, અને સામાન્ય રીતે જે રીતે કરવામાં આવે છે તેમ, તેને કોઈ ગાળ કે અપશબ્દના સ્તરે ઉતારી ન દેવો જોઈએ.

+                              +                             +                              +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, What is Fascism? ,1944 નો અનુવાદ 

+                      +                      +                      +

What is Fascism? ,1944ના અનુવાદને ડાઉનલોડ કરવા માટે ફાશીવાદ શું છે? ૧૯૪૪ પર ક્લિક કરો


[1] શબ્દકોશની વ્યાખ્યા: એકાંતિક જમણેરી પક્ષ અને તેની નિરંકુશસત્તાવાદી રાજકીય માન્યતાઓ અને વહેવાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો