હિંદુ પુરાણોમાં વિષ્ણુના અર્ધ માનવ અને અર્ધ સિંહના શરીર વાળા એક અવતાર નરસિંહનું વર્ણન છે. 'વૉલ્વરીન' (Wolverine) એક 'મ્યુટન્ટ' (પરિવર્તિત જીવ) અને માનસિક સંઘર્ષોથી ઘેરાયેલો સુપરહીરો છે. તે અમેરિકન કોમિક સાહિત્ય 'માર્વેલ યુનિવર્સ'નો એક ભાગ છે. આજે હવે તે હોલીવુડની ફિલ્મોમાં ખૂબ જ લોકપ્રિય પાત્ર છે. આ બંને પાત્રો એકબીજાથી તદ્દન ભિન્ન છે. એટલે કે, 'અવતાર' એ 'મહાનાયક' નથી, અને 'સુપરહીરો' એ 'અવતાર' નથી.
આધુનિક વિડિયો ગેમ્સમાં, 'અવતાર' શબ્દનો ઉપયોગ એક વૈકલ્પિક ઓળખ તરીકે થાય છે—જાણે કે તમે ખરેખર કોણ છો તે છુપાવવા માટે પહેરેલો કોઈ મુખવટો હોય! પશ્ચિમી
જગત હિન્દુ ધર્મની આ પૌરાણિક વિભાવનાને સમજવાની આ રીત છે. ઘણા પશ્ચિમી લેખકો અન્ય
સંસ્કૃતિઓના ખ્યાલોને પોતાની પશ્ચિમી વિચારધારાના માળખામાં જબરદસ્તીથી બેસાડવાનો
પ્રયાસ કરતા હોય છે. આથી, તેમના માટે 'અવતાર' એટલે હિન્દુ સંસ્કૃતિનો 'સુપરહીરો'.
સુપરહીરો એ એક સામાન્ય મનુષ્ય છે જે અસાધારણ શક્તિઓ પ્રાપ્ત કરીને અસામાન્ય બની જાય છે. તે આ વિશેષ શક્તિઓનો ઉપયોગ માનવજાતની મદદ કરવા માટે કરે છે. સુપરહીરોનો ખ્યાલ ગ્રીક પૌરાણિક કથાઓના નાયક 'હર્ક્યુલિસ' પર આધારિત છે. તેના માતા-પિતામાંથી એક ઓલિમ્પસના દેવતા છે તેથી હર્ક્યુલિયસ સામાન્ય મનુષ્યોથી અલગ પડે છે. તે સાહસિક યાત્રાઓ પર નીકળી પડતો રહે છે, પોતાના ભાગ્યને ઓળખે છે અને આ પ્રક્રિયામાં માનવજાતને મદદ કરે છે.
'વૉલ્વરીન' આવો જ એક સુપરહીરો છે—એક એવો 'મ્યુટન્ટ' છે જેની પાસે પ્રાણીઓ જેવી તીવ્ર ઇન્દ્રિયો, અપાર શક્તિ અને હાથમાંથી પંજા બહાર કાઢવાની કે પાછા ખેંચવાની ક્ષમતા છે. આ ઉપરાંત, તેની પાસે અદ્ભુત પુનર્જીવન શક્તિ (super-regenerative powers) છે, જે તેને લગભગ અમર અને અજેય બનાવે છે. તે એક ક્રોધી, હતાશ અને એકલવાયી વ્યક્તિ છે, જેનું વ્યક્તિત્વ નિષ્ફળ ગયેલા 'સમૂરાઈ' (samurai) જેવું છે. તે સારા કાર્યો કરવા અને સારો માણસ બનવા મથે છે, પરંતુ તેમાં તે હંમેશા સફળ નથી થતો. એક ક્રોધી, હતાશ અને એકલવાયો વ્યક્તિ - જે નિષ્ફળ સમુરાઈ (જાપાની યોદ્ધા) જેવું પાત્ર છે - તે સારા કાર્યો કરવા અને સારો માણસ બનવા મથે છે, પરંતુ હંમેશા તેમાં સફળ થતો નથી. તે પોતાના વ્યક્તિત્વના અંધકારમય પાસા સાથે સંઘર્ષ કરતો રહે છે. આનાથી વિપરીત, 'અવતાર' એટલે સ્વયં ઈશ્વર, જે માનવજાતની સહાય માટે મનુષ્ય કે અન્ય જીવનું રૂપ ધારણ કરે છે.
નરસિંહ અવતાર અસુર હિરણ્યકશિપુનો વધ કરવા માટે લેવામાં આવ્યો હતો, જેને એવું વરદાન હતું કે તેનું મૃત્યુ કોઈ મનુષ્ય કે પ્રાણીના હાથે થઈ શકે નહીં. આનો અર્થ એ થયો કે તેનો વધ માત્ર એવા જ પાત્ર દ્વારા શક્ય હતો જે સંપૂર્ણપણે મનુષ્ય પણ ન હોય અને સંપૂર્ણપણે પ્રાણી પણ ન હોય. એટલે વિષ્ણુ ભગવાન અર્ધ માનવ અને અર્ધ સિંહના દેહનો અવતાર (નરસિંહ) ધારણ કરે છે.. સુપરહીરોથી વિપરીત, અવતાર કોઈ સાહસિક શોધ કે અભિયાન પર નીકળતા નથી. અવતારને ભવિષ્યનું અને પ્રતિસ્પર્ધીનું સંપૂર્ણ જ્ઞાન હોય છે; તેઓ વાસ્તવમાં એક ભૂમિકા ભજવી રહ્યા હોય છે, જેને 'લીલા' (ઈશ્વરનો ખેલ) કહેવામાં આવે છે.
આ 'લીલા' કે અભિનયથી લાભ કહેવાતા
ખલનાયકને થાય છે. જેમકે, નરસિંહની કથામાં, જે અસુરનો વધ થાય છે તેને એક શાપમાંથી મુક્તિ મળી રહી છે. આપણને જણાવવામાં
આવ્યું છે કે હિરણ્યકશિપુ નામનો આ અસુર પૂર્વ જન્મમાં ભગવાન વિષ્ણુના ધામનો
દ્વારપાલ હતો. ભગવાન વિષ્ણુ જ્યારે નિદ્રાવસ્થામાં હતા ત્યારે તેણે એક ઋષિને
પ્રવેશતા અટકાવ્યા હતા, જેના કારણે તેને એક જન્મ
માટે અસુર બનવાનો શાપ મળ્યો હતો. હિરણ્યકશિપુનો વધ કરીને, ભગવાન વિષ્ણુ તેને અસુર યોનિમાંથી મુક્ત કરે છે. આમ, અવતારની કથા કર્મ અને પુનર્જન્મમાં શ્રદ્ધાની અપેક્ષા રાખે છે. જ્યારે ગ્રીક
નાયક કે આધુનિક સુપરહીરોની કથાઓમાં આવી કોઈ માન્યતાની જરૂર હોતી નથી. વાસ્તવમાં, સુપરહીરોની કથાઓમાં એવી ધારણા હોય છે કે તેની પાસે પોતાની યોગ્યતા સાબિત કરવા
અને પોતાના ભૂતકાળના દોષોમાંથી મુક્ત થવા માટે માત્ર એક જ જીવન છે. જેમકે, 'વૉલ્વરિન'ને પોતાના ભયાનક ભૂતકાળમાંથી મુક્ત થવું છે.
આમ, સુપરહીરો એક સામાન્ય મનુષ્ય છે જે અસાધારણ બની જાય છે; એ યાત્રા નાનામાંથી મોટા તરફની છે. આનાથી વિપરીત, નરસિંહ જેવા અવતાર એ (વિષ્ણુનું) અનંત દિવ્ય સ્વરૂપ છે જે મર્યાદિત દિવ્ય
શક્તિઓ સાથેનું માનવી કે પશુનું સ્વરૂપ ધારણ કરે છે; અહીં યાત્રા મોટામાંથી નાના તરફની છે. બંને માનવજાતનું કલ્યાણ કરે છે.
સુપરહીરોના કિસ્સામાં, શું કામ કરવાં એ તેની
પસંદગીનો વિષય છે: તેની પાસે 'સુપર-વિલન' (મહાખલનાયક) બનવાનો વિકલ્પ પણ હોય છે. અવતારના કિસ્સામાં, માનવતાને લાભ આપવો એ જ માત્ર મુદ્દો હોય છે.
આપણે ઘણીવાર ભારતીય અને પશ્ચિમી વાર્તાઓ વચ્ચે સમાનતા શોધીએ છીએ. ખરેખર તો આપણે એ કથાઓ સાથે સંકળાયેલાં કારણ તપાસવાં જોઈએ. શું કથાઓનો અર્થ એવો છે કે
ભારતીયો પશ્ચિમી ધોરણો પર ખરા ઉતરે છે? ભારત વિશે હીનતા
ધરાવતા લોકોમાં આ માન્યતા જોવા મળે છે. શું આ ક્થાઓનો અર્થ એ છે કે આધુનિક પશ્ચિમ
ખરેખર ભારતના ભૂતકાળ દ્વારા નિર્દિષ્ટ કરાયેલા માર્ગનું અનુકરણ કરી રહ્યું છે? ભારતીય બાબતો વિશે શ્રેષ્ઠતાની માન્યતા ધરાવતા લોકોમાં આ પ્રકારનું મતવ્ય જોવા મળે છે. શું તેનો અર્થ એવો કરી શકાય ભારતીયો
અને પશ્ચિમી લોકો અલગ નથી? આવી માન્યતા એવા લોકોમાં
જોવા મળે છે જે સાંસ્કૃતિક તફાવતને ઓળખવાનો ઇનકાર કરતાં હોય છે.
સંસ્કૃતિઓમાં તફાવતનાં મૂળ સંસ્કૃતિ વિશેની વિવિધ ધારણાઓમાં રહેલ હોય છે.
ભારતીય સંસ્કૃતિ પુનર્જન્મમાં શ્રદ્ધાની આસ્થા ધરાવે છે જે તેને વિવિધતા, અનિશ્ચિતતા અને વ્યક્તિલક્ષીતા સાથે સાનુકૂળ બનાવે છે. ભૌતિક માનવ દુનિયા
પ્રવાહી છે અને અવતાર મર્યાદિત જ્ઞાનથી પેદા થતી માનવ અસુરક્ષા માટે ધીરજ રાખે છે. પશ્ચિમી સંસ્કૃતિ એક જન્મની શ્રદ્ધાની આસપાસ ઘડાયેલ છે, જે તેને સમાનતા, નિશ્ચિતતા અને હેતુલક્ષીતા
સાથે સાનુકૂળ બનાવે છે. પશ્ચિમ સમાજની દુનિયા સ્થિર છે અને ફક્ત ત્યારે જ બદલાઈ
શકે છે જ્યારે ક્રાંતિ થાય, કે જેને સુપરહીરો પરિવર્તન
માટે સગવડ કરી આપે. સમસ્યાઓ વિનાની દુનિયામાં, સુપરહીરોની જરૂર
નથી. જે દુનિયામાં જ્યાં દરેક વ્યક્તિ સમજુ હોય, ત્યાં અવતારની જરૂર નથી.
- dailyo.in માં ૧૪ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Can we say that Hinduism’s Narasimha is like Hollywood’s Wolverine? નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા,
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૧૮ નવેમ્બર ૨૦૨૬


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો