શુક્રવાર, 29 જૂન, 2012

“અણથંભવા”ની પ્રક્રિયા ચાલુ છે - રાજેશ સેટ્ટી

ના, આ જોડણીની ભૂલ નથી.તમે સાચું જ માની લીધું છે કે 'અણથંભવું' એ એક ઉપજાવેલ શબ્દ છે.'થંભી ગયેલ (સ્થગિત)' સ્થિતિથી તે વિરુધ્ધ સ્થિતિ છે.
ધારો કે તમે એવાં એક ગામમાં રહો છો જ્યાં કોઇએ કાર વિષે કંઇ જ સાંભળ્યું નથી. ત્યાં લોકો પાસે સાઇકલ તો છે, પણ કાર અંગે બિલકુલ જ કંઇ ખબર નથી. તમે કારની કલ્પના કરો છો અને કાર બનાવવાનું ચાલુ કરો છો.પરંતુ, આ કામ પહેલાં તો કોઇવાર થયું નથી તેથી 'કાર કેમ બનાવવી' તેવું કોઇ પુસ્તક પણ તમારી પાસે ક્યાંથી હોય! આથી તમે આગે આગે ગોરખ જાગેની નીતિ અપનાવી આગળ વધવાનું શરૂ કરો છો.
તે દરમ્યાન તમારી આસપાસના લોકો તમારી પ્રગતિ [કે તેનો અભાવ] જોતાં રહે છે.તેમાંના ગણા તમારા હિતેચ્છુઓ છે અને તમે નિષ્ફળ જાઓ તે તેઓને પસંદ ન પડે અને તેઓ તેનાથી હતાશ પણ જરૂર થાય.તેઓ તમને સમજાવે પણ ખરા કે આ ખરેખર આપણાં ગજાં બહારની વાત છે. તમે મર્માળું સ્મિત કરી ને તમારાં કામમાં ગુંથાઇ જાઓ છો.
વર્ષો વીતતાં જાય છે અને તમારા હિતેચ્છુઓમાંના ગણા ધીરજ ખોઇ ચૂક્યા છે. તેમાંના કેટલાક તો હવે એમ પણ માનવા લાગ્યા છે કે તમે પાગલ થઇ ગયા છો.
આપણે તમારા ટીકાકારો કે સદા નિરાશાવાદીઓનીતો આમાં ગણના કરી જ નથી.તેઓને તો તમારા આ વિચારમાં નહોતો વિશ્વાસ કે નહોતો એવો ભરોસો કે તમે આ કામ પાર પાડી શકશો, તો કેટલાક બન્ને શક્યતાઓમાં માનનારા પણ હતા.
એમાંથી એક દિવસ તમે અચાનક જ મહદ સફળતા મેળવો છો, અને, હવે પછી જૂઓ મજા... તમારી આસપાસ ઓચિંતું જ એક એવું જૂથ જોવા દેખાવા લાગે છે જેઓ કહેતા ફરે છે કે તેમને તો તમારી શક્તિમાં હંમેશાં પૂરો ભરોસો હતો જ.બસ વાત માત્ર થોડો સમય રાહ જોવાની હતી.
એવું તો શું બદલી ગયું?
પ્રકલ્પની કક્ષા "ક્યારે કામ કરતી થઇ જશે"ને બદલે "કાર્યાન્વિત" થઇ ગઇ.તમારી આસપાસના મોટાભાગના લોકો એ રીતે જ વર્તી રહ્યા હ્તા જેમ તેમની પાસેથી અપેક્ષિત હોઇ શકે.
પ્રકલ્પના સમગ્ર સમયકાળ દરમ્યાન (જે દિવસે તમારી કલ્પનાની કાર કામ કરતી થઇ ગઇ ત્યાંસુધી) તમે, આ પાર કે પેલે પાર, "થંભી" ગયેલા હતા.
અણથંભવાનું ચાલુ હતું
દરેક ચપળ અને મહત્વાકાંક્ષી વ્યક્તિએ આ "થંભી" જવાની અને "અણથંભી" જવાની પ્રક્રિયાની ઘટમાળમાંથી પસાર થવું જ પડતું હોય છે. આ કદીય પૂરો ન થતો ઘટનાક્રમ છે કારણકે જેવી ચપળ અને મહત્વાકાંક્ષી વ્યક્તિ એક સીમાચિહ્ન પાર કરે છે, તેવું જ એક નવું અને વધારે મહત્વનું સીમાચિહ્ન ક્ષિતિજ પર દેખાવાનું શરૂ થઇ જતું હોય છે - અને આમ શરૂ થઇ જતી હોય છે એક નવી "અણથંભવાની પ્રક્રિયા. 
"અણથંભવાની પ્રક્રિયાની લાક્ષણિકતાઓ:
પહેલાં કેટલીક  [કાલ્પનિક] નબળી લાક્ષણિકતાઓઃ
૧. "અણથંભવા"ની પ્રક્રિયા મુશ્કેલ છેઃ
આપણે જે પહેલાં કદી કર્યું ન હોય તે કરવું મુશ્કેલ તો પડવાનું જ.કારણકે આપણે તે પહેલાં કરેલ નથી, એટલે અનુભવનું ભાથું તો ન જ હોય.એટલે ફાંફાં મારવા, ગરબડ ગોટાળા પણ થવાના અને ખોટી શરૂઆતો પણ થવાની. તમારે આવી બધી અસફળતાઓ માટે માનસિક તૈયારી રાખવી જ રહી.ફરી ફરીને, ફરી ફરીને.
૨. "અણથંભવા"માં એકલતા છેઃ
તમારી આસપાસના લોકોને, વહેલા યા મોડા, પ્રગતિના 'આસાર' જોવાની ઇચ્છા જાગે જ છે,અને જો તેમ ન થાય તો તેમને તેમાં રસ નથી રહેતો. કેટલાક ને પ્રકલ્પમાં જ ભરોસો નથી રહેતો, કેટલાકને કંઇ પરવા જ નથી રહેતી ,કેટલાક ને તમારી તમા નથી રહેતી, તો કેટલાક તમારી નિષ્ફળતા ઇચ્છે છે. તો વળી કેટલાક તમે સફળ થાઓ તેમ ઇચ્છે તો છે, પરંતુ જો પ્રક્લ્પ સફળ ન થાય તો છેડો ફાડવા તૈયાર હોય છે અને બાકીના પૈકી કેટલાક અન્યતઃ વ્યસ્ત હોય છે કે બીજા કેટલાક મદદ કરવા તો માંગે છે પણ તેમની પાસે સમય કે નાણાં કે શક્તિ નથી હોતાં. એકંદરે, જેમ જેમ ધ્યેય મુશ્કેલ થતાં જાય છે તેમ તેમ આપણી સફર એકલવાઇ થતી જાય છે. આપણે આ માટે પણ સજ્જ થવું રહ્યું. 
૩. "અણથંભવા"ની પ્રક્રિયા અનિશ્ચિત હોય છેઃ
જો રસ્તો સાફ હોય,તો રસ્તા પર ભરચક્ક ટ્રાફિક રહેવાનો. રસ્તો જો અનિશ્ચિત હોય તો મંઝિલે પહોંચવાની કોઇ ખાત્રી ન હોય. વણખેડાયેલા માર્ગ પર સફર કરવાના આ તો સામાન્ય નિયમ છે.  
અને હવે, સબળ પાસાંઓઃ
૧. "અણથંભવા"ની પ્રક્રિયામાં મજા છેઃ
મજા તો દિમાગમાં જ રહેલ છે કારણકે તમારાં કામનાં વર્ગીકરણ તો તમારાં જ કરેલાં છે. "અણથંભવા"ની પ્રક્રિયાની ખરી મજા તો એ છે કે તમે પહેલાં કદી પણ કર્યાં ન હોય તેવાં કામ કરવાનાં રહે છે,જેની સફળતા વિશે તમારી પાસે કોઇ પૂર્વધારણા જ નથી.
૨. અણથંભવાની પ્રક્રિયાનાં ઇનામ અકરામ મળતાં હોય છેઃ
મંઝિલે પહોંચવું તે ખુદ જ એક ઇનામ છે. પરંતુ મંઝિલસુધીની સફર એ પણ ખુદ એક ઇનામ છે કારણ કે તે દરમ્યાન તમે તાણીતુસીને વિકસ્યા છો.
૩. "અણથંભવા"નો વિકલ્પ છે પીડાઃ
"અણથંભવા"નો વિકલ્પ શું હોઇ શકે?  "થંભેલા" જ રહેવું?  તેમાં તો કોઇ મજા જ નથી.તેમાં તો, હકીકતે, ત્યાં ને ત્યાં જ પીડા અને દુઃખ છે. ક્યાં તો તમે પીડા અને દુઃખ સહન કર્યે રાખો, કે પછી "અણથંભવા"ની રાહ પકડો.
તમારી પાસે પસંદગીમાટેનો નિશ્ચિત વિકલ્પ તો ચોખ્ખો નજરે દેખાય છે જ.

v  મૂળ લેખ Unstallation in progress…, લેખક રાજેશ સેટ્ટી ની વૅબસાઇટ પર જૂન ૧૦, ૨૦૧૨ના રોજ,                   આગવી પ્રતિભા/ Distinguish yourself ટૅગ હેઠળ, પ્રસિધ્ધ થયેલ.

Ø  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત// જૂન ૨૯,૨૦૧૨.

બુધવાર, 27 જૂન, 2012

પુનઃજન્મની નદી - દેવદત્ત પટ્ટનાઇક

સાગર નામે એક રાજા એક વાર યજ્ઞ કરી રહ્યા હતા.જો તેમાં તેમને સફળતા મળે તો તે સ્વર્ગના રાજા ,ઇન્દ્ર, થઇ જઇ શકે તેમ હતું,અને તેમ થાય તો તેને અમરત્વ સહિતનાં દુનિયાનાં બધાં જ સુખો મળી જઇ શકે.પરંતુ આકાશમાં એક ઇન્દ્ર તો પહેલેથી જ છે અને તેમને કોઇ હટાવી ને સ્થાનફેર કરી જાય એવું સ્વિકારી શકે તેમ નહોતા. એટલે ઇન્દ્રએ સાગરનો અશ્વ ચોરી લઇને કપિલ ઋષિના આશ્રમમાં છૂપાવી દીધો.સાગરના પૂત્રોએ અશ્વમાટે ચારેબાજૂ શોધખોળ કરી.તેઓએ તે માટે એટલું બધું ખોદી નાખ્યું કે તે ખાડામાં સમુદ્ર સમાઇ જાય. આખરે તેઓને કપિલ ઋષિના આશ્રમમાં અશ્વ મળી આવ્યો, એટલે તેમણે કપિલ ઋષિ પર ચોરીનો આક્ષેપ મૂક્યો. આ બધું થયું ત્યારે કપિલ આંખ બંધ કરીને ધ્યાનમાં બેઠા હતા.તેથી તેમને ઇન્દ્રની આડોડાઇની ખબર નહોતી. આ બધા ઘોંઘાટને કારણે ઋષિ ચીડાઇ ગયા અને તેમણે આંખો ખોલી. તેમની નજરમાં એટલો તાપ હતો કે તેમની સામે મોટેમોટેથી આક્ષેપબાજી કરી રહેલા સાગરના પૂત્રો તેની જ્વાળાં ભસ્મીભૂત થઇ ગયા. ઇન્દ્રએ સ્મિત કર્યું અને કપિલ ઋષિએ તેમની આંખો પાછી બંધ કરી લીધી.

હૃદયભગ્ન સાગરના મનમાં પ્રશ્ન ઘુમરાઇ રહ્યો,"મારા પૂત્રો યુવાનીમાં જ માર્યા ગયા.હું પણ ઘરડો થઇશ અને મૃત્યુ પામીશ.અમારામાંથી કોઇ ઇન્દ્રત્વ નહીં પામી શકે.યજ્ઞ પણ અધૂરો જ રહી ગયો.અમારામાંના કોઇ ને અમરત્વના રસ સમાન અમૃતનું એક ટીપું પણ નસીબ ન થયું. અમને કોઇને સાશ્વત સુખનો અનુભવ નહીં થાય.શું દરેક સજીવ પ્રાણી આમ અધુરાં જીવન જીવીને મરી જવા જ સર્જાયેલ છે?" સાગર આખી જીંદગી આનો જવાબ શોધતા રહ્યા.તેમ જ તેનો પુત્ર અંશુમાન, અને તે પછી તેનો પૂત્ર દિલિપ અને છેલ્લે તેનો પૂત્ર ભગીરથ આ જવાબ શોધતા રહ્યા.ઇન્દ્રને યુધ્ધમા હરાવનાર પ્રાણી ગરૂડને ભગીરથ જઇને મળ્યા.તેમણે કહ્યું,"જો તમારા વડવાઓનાં અસ્થિ ગંગામાં ધોવાય તો તેઓનો પુનઃજન્મ થઇ શકે.
મુશ્કેલ વાત તો એ હતી કે ગંગા તો આકાશમાં વહેતી હતી.ભગીરથે સમગ્ર બ્રહ્માંડના પિતા, બ્રહ્માને આરાધના કરી કે તેઓ ગંગાને પૃથ્વી પર અવતરણ કરવા સમજાવે. આજે, તે પછીથી ગંગા પૃથ્વી પર વહે છે.તેમને નદીમાં ખેલતી ડૉલ્ફીન તરીકે કલ્પવામાં આવે છે.દરેક વ્યક્તિ પોતાનાં કર્મોની પાટી સાફ કરવાના આશયથી તેમાં સ્નાન કરે છે.મૃત લોકોનાં અસ્થિ પણ ગંગામાં પધરાવવામાં આવે છે.
પુનઃજન્મની પરિકલ્પનાછે, અને ગંગાને છૂટાં પાડી શકાય તેમ નથી. જેને અમરત્વનું રસ એવું અમૃત પ્રાપ્ય છે,નદી તેવા ઇન્દ્રના પ્રદેશમાંથી આવે છે.વેદની ઋચાઓના નાયક, ઇન્દ્ર જેવું જીવન પૃથ્વી પરની દરેક વ્યક્તિ જીવવા ઇચ્છે છે.તે મજબૂત અને શક્તિશાળી તેમજ આકર્ષક અને અજેય છે.તેનો આખો દિવસ જીવનની બધી જ સારી વસ્તુઓ ઉપભોગવામાં વપરાય છે.  સાગર જેવા પૃથ્વી પરના રાજાઓ તેની ઇર્ષ્યા કરે છે.તેમને બધાને ઇન્દ્ર જેવી સંપૂર્ણ જીંદગી જીવવી છે.તે માટે તેઓ તેમનું આખું આયખું તેની શોધમાં વિતાવી દે છે.  જો કે આખરે તો તેમાં કોઇ સફળ નથી થતું - સાગરના પૂત્રોની જેમ કેટલાક યુવાનીમાં જ મૃત્યુ પામે છે તો કેટલાક ખુદ સાગરની જેમ વૃધ્ધ થઇને મૃત્યુ પામે છે.બધાને એક વાતનું આશ્ચર્ય હંમેશ રહે છે કે શું તેમને ઇન્દ્ર થવા માટે બીજી તક મળશે ખરી?

Ø  સનડૅ, મીડડૅની દેવલોક પૂર્તિમાં ઍપ્રિલ ૧૫,૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.
v  મૂળ અંગ્રેજી લેખ River of rebirth, લેખકની વૅબ સાઇટ Devdutt.com પર, મૅ ૧૯, ૨૦૧૨ના રોજ Indian Mythology ટૅગ હેઠળ વાંચી શકાશે.

સોમવાર, 25 જૂન, 2012

મોડા કરતાં વહેલા સારૂં - ટીમ મીલ્બર્ન


મૂવી જોવા વહેલું પહોંચવું.

મીટિંગનો અંત વહેલો લાવવો.

વહેલા ઉઠવું.

વાર્તાલાપ વહેલો પૂરો કરવો.

દેણું વહેલું ચૂકવવું.

હાથમાં લીધેલ કામ વહેલાં પૂરાં કરવાં.

આયોજિત મુલાકાત માટે વહેલા પહોંચવું.

જો તમે તૈયારીઓ કરી હોય તો વહેલું એ સહેલું છે.યાદ કરશો તો ખ્યાલ આવશે કે કેટલી વાર "મોડું" થવાનું કારણ [પૂરતી] તૈયારીઓનો અભાવ હતું. જો મોડાં કરતાં વહેલું ખરેખર વધારે સારૂં જ હોય, તો તેનું રહસ્ય [પૂરતી] તૈયારીઓ જ છે.

વહેલાંનો માર્ગ તૈયારીઓથી આચ્છાદીત છે.

1."વહેલું" એ બીજાંઓના સમયમાટેનું માનનું સુચક છે.

2. તૈયારીઓ બીજાંઓનાં ધ્યાનાકર્ષણ બદલ માનની નિશાની છે.

તમારૂં શું માનવું છે?

· · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · ·

v  મૂળ લેખ Early Is Better Than Late , લેખક - ટીમ મીલ્બર્ન - ની વૅબસાઇટ  પર   જૂન ૫, ૨૦૧૨ ના રોજ પ્રસિધ્ધ થયેલ.

v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ// જૂન ૯, ૨૦૧૨

· · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · · ·

ટીમ મીલ્બર્નનો વ્યક્તિગત ઉદ્દેશ્ય જીવનપર્યંત નેતૃત્વ વિકસાવવાનો છે. હાલમાં તેઓ નૉર્થવૅસ્ટ નઝરીન યુનિવર્સીટી,બૉઇસ, ઇદાહોમાં કૅમપ્સ જીવનના ડાયરૅક્ટર તરીકે પ્રવૃત છે અને તેમની શક્તિઓનું યુવા નેતાઓને પ્રોત્સાહિત અને સંપન્ન  કરવામાં રોકાણ કરી રહ્યા છે. તેમની મુખ્ય ભૂમિકા વિદ્યાર્થીઓ માટે નેતૃત્વની તક ઉભી કરવા અને તે જગ્યા લેનારાઓને માર્ગદર્શન પૂરૂં પાડવાની છે. તેઓ પોતાના વિદ્યાર્થીઓ તેમ જ વિદ્યાર્થી નેતાઓના વિકાસમાં પ્રવૃત લોકોમાટે તેમનાં રોજબરોજનાં જીવનમાંથી શીખેલા પાઠને તેમના લેખોમાં ઉતારે છે.

તેઓએ Leadership Starts With You, Tweedership, અને Core Leadership Training જેવાં પુસ્તકો લખ્યાં છે. Equip – The YouthWorkers Guide To Developing Student Leaders   એ તેમનું સહુથી છેલ્લે પ્રસિધ્ધ પુસ્તક છે. તેમની વેબસાઇટના RESOURCES ટૅબપર તેમનાં પુસ્તકો, વિવિધ પ્રકારનાં ડીજીટલ પુસ્તકો અને અન્ય ડાઉનલૉડ થઇ શકે તેવાં સાધનો જોઇ શકશો.

રવિવાર, 24 જૂન, 2012

મહેમાન ભગવાન - દેવદત્ત પટ્ટનાઇક

તામિલમાં 'પૂ'ના ફૂલ અર્થ પરથી કદાચ 'પૂજા' શબ્દ બન્યો હશે. એ એક સ્વિકૃત માન્યતા છે કે ૧૫૦૦ ઇ.સ.પૂર્વે,પોતાને આર્ય તરીકે ઓળખાવતી, ઉત્તર ભારતની પશુપાલન કરીને ભમતી,મોટા ભાગની પ્રજા  દેવોને આમંત્રવા શ્લોકોચ્ચાર કરતાં કરતાં યજ્ઞમાં ઘી હોમવાનું પસંદ કરતી. જ્યારે ભારતીય ઉપખંડની સ્થાયી કૃષિપ્રધાન પ્રજા, જે પરંપરાગત રીતે દ્રવિડ તરીકે જાણીતી છે,દેવો અને દેવીઓને ફૂલો,ફળો અને સુગંધી દ્રવ્યો આહુતિમાં આપવાનું પસંદ કરતી. શું વધારે જૂનું છે કે વધારે પ્રચલિત હતું તે વિષે બહુ માહિતિ નથી. પરંતુ  ઇ.સ. ૫૦૦ સુધીમાં, મુખ્યત્વે બૌધ્ધ ધર્મની અસર હેઠળ, યજ્ઞયાગની વિધિઓ મૃતપ્રાયઃ થઇ ચૂકેલ હતી,અને આગમ જેવા મંદિરના ધર્મગ્રંથોમાં સવિસ્તર વર્ણવાયેલ છે, તેવી પૂજા હિંદુ વિધિઓનો પાયો બની રહી.

કહેવાય છે કે, બુધ્ધ ભગવાનનાં મૃત્યુ પછીથી તેમનાં અસ્થિ માટીના ટેકરાઓમાં દાટવામાં આવ્યાં હતાં,આગળ જતાં જે સ્તૂપમાં ફેરવાયા.સામાન્ય લોકોએ તો, જેમ તેઓ યક્ષ અને ગાંધર્વ, કે જળ અને સ્થળનાં દૈવી તત્વોને ફૂલ, ફળ અને ધુપબત્તીથી પૂજતાં હતાં, તે જ રીતે બુધ્ધની પણ પૂજા કરવાનું ચાલુ રાખ્યું. તેઓ બુધ્ધમાટેની ભક્તિને છત્ર કે વસ્ત્રો કે લહેરિયાં ચમાર ધરાવીને વ્યક્ત કરતાં હતાં. કાળક્રમે સ્તૂપની આસપાસ મંડપ, ચૈત્ય,બંધાયા, જેની આસપાસ સાધુઓનાં રહેઠાણ સ્વરૂપે વિહાર પણ બંધાયા.  અંતે આ પધ્ધતિઓ અને બાંધકામનાં સ્વરૂપોમાંથી મંદિરોનાં કર્મકાંડ અને સ્થાપત્યનો વિકાસ થયો. આમ જો યજ્ઞ એ ઉચ્ચ સમાજ અને પૂજારીઓ સાથે સંકળાયેલ છે, તો પૂજાનાં મૂળ આમ, ધરતી સાથે જોડાયેલ, જનતાની ધાર્મિક વિધિઓમાં છે.

ઘરમાંનું પૂજાઘર કે ઘરની બહાર મંદિર,એ કૅથોલિકનાં ચર્ચ જેવું કે યહુદીનાં સીનાગૉગ જેવું કે મુસ્લિમની મસ્જીદ જેવું કોઇપણ બાંધકામ હોઇ શકે, પરંતુ તેનો ઉદ્દેશ જૂદો જ હોય છે. તે પ્રાર્થના સ્થળ કે કે ધ્યાન ધરવામાટેની જ્ગ્યા કે શ્રધ્ધાળુઓ માટેનાં સભા ગૃહ તરીકે નહીં, પણ ભગવાનનું નિવાસસ્થાન મનાય છે.  ભગવાન અસ્થાયી રીતે માટીની મૂર્તિ કે સ્થાયી રૂપે પથ્થરની મૂર્તિમાં વાસ કરે છે. પૂજા તરીકે ઓળખાતી પ્રણાલિના ધ્યાનપૂર્વકના અભ્યાસથી આને સમજી શકાય છે.ઉત્તર ભારતમાં સામાન્યતઃ મંદિરની ઓળખ રાજ્ય સભા, દરબાર,ની ગણાય છે. જ્યારે દક્ષિણમાં તે દેવનાં નિવાસસ્થાન તરીકે ઓળખાય છે. 

વસ્તુતઃ પૂજા , મહેમાનને આવકારવાનો અને તેના જવાનો સમય ન થાય ત્યાં સુધી તેને આરામથી રાખવામાટેનો, લયબધ્ધ શિષ્ટાચાર છે.આવા જ કર્મકાંડ લગ્નોમાં પણ જોવા મળે છે, જ્યાં વરરાજાનું સ્થાન દૈવી મહેમાન જેવું હોય છે. તબક્કાની સંખ્યા છ થી ચોસઠની હોય છે,ઘરોમાં ઓછાં અને મંદિરોમાં વધારે અને સહુથી વધારે ઉત્સવોમાં જોવા મળે, એ રીતે સરેરાશ તબક્કા સોળ ગણી શકાય.

પહેલો તબક્કો આવાહન, અભ્યર્થના,છે જેમાં દેવતાને આવવાનું અને તેમને પૂજાઘરમાં ધાતુ કે પથ્થરની મૂર્તિનાં સ્વરૂપે રહેવાનું આમંત્રણ અપાય છે.બંગાળમાં દૂર્ગા પૂજા સમયે કે મહારાષ્ટ્રમાં ગણેશ પૂજન સમયે તો માટીની સાચી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ સમયે મૂર્તિની આંખને ક્યાં તો રંગવામાં આવે છે અથવા તો ખુલ્લી રાખવામાં આવે છે, જેથી કરીને અન્યથા નિર્જીવ મૂર્તિ સદેહે દેવ દેખાય છે.

તે પછીનો તબક્કો છે દેવને સ્થાન આપવાનો. બેઠક સામાન્યરીતે સિંહાસનનાં સ્વરૂપમાં હોય છે , તેથી તેને માટે  ખાસ વ્યવસ્થા કરાતી હોય છે.મહેમાનનાં મસ્તકપર, તડકાસામે રક્ષણમાટે અને મોભાની નિશાની રૂપ, છત્ર પર રખાતું હોય છે. માખીઓને ઉડાડવા અને મહેમાનને ઠંડક અને આરામ પહોંચાડવામાટે યાકની પૂંછ્ડીના વાળમાંથી બનાવેલ ચમર હલાવાતી રખાય છે.

ત્રીજો તબક્કો છે પ્રક્ષાલનનોઃ દૂધ,પાણી, ઘી વિગેરેથી ચરણ, હાથ, પગ અને ગણે ભાગે પૂર્ણ સ્નાન - અભિષેક. મોઢું ઘોવામાં તથા પીવામાટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.આમ મહેમાનને, તેમના શરીર અને વાળપર ઉડેલી ધૂળ સાફ કરી, પૂરી રીતે તરોતાજા કરવામાં આવે છે.

મહેમાનને રેશમ કે સુતરનાં વસ્ત્ર અને ઘરેણાં પણ પહેરાવવામાં આવે છે.પગનાં આંગળાં, ચરણ, ઘૂંટી,હાથની આંગળીઓ, હાથ, બાહુ, ડોક,કમર,છાતી, કાન, નાક ,લલાટનાં ઘરેણાંઓ અને છેલ્લે મુગટથી તેમને શણગારવામાં આવે છે. ગર્દન કે છાતીને વીંટાળવા માટે યજ્ઞોપવિત પણ આપવામાં આવે છે.શરીર પર ચંદન કે એવા સુગંધીત પદાર્થનો લેપ પણ કરવામાં આવે છે. ગળે કે કોઇ વાર, બન્ને છેડા છૂટા હોય તે રીતે, ખભાપર ફૂલોનો હાર પણ ચડાવવામાં આવે છે.

ધૂપ અગરબત્તી કરવામાં આવે છે. તે પછીથી મહેમાનને આહાર, નૈવેદ્ય,ધરાવવામાં આવે છે, જેમાં ફળો, માખણ, સાકર, મધ, રાંધેલો ભાત વિગેરે હોય છે. છેલ્લે પાચનમાં મદદરૂપ થાય તે માટે સોપારી અને નાગરવેલનું પાન પણ ધરાવવામાં આવે છે.શિવજી એકાંતવાસી સંન્યાસી છે એટલે તેમને આવું બધું નથી ધરાતું. 

છેલ્લે દીપમાળાને ગોળ ગોળ ફેરવીને આરતી કરવામાં આવે છે. આ સમયે મહેમાનનો ચહેરો પ્રકાશમાં આવે છે.બધાં દેવને વંદન કરે છે.મહેમાનનાં આગમન અને કર્મોની સ્તુતિનાં પદો, આરતી-ભજન, ગાવામાં આવે છે.સાથે સાથે દેવનું ધ્યાન આકર્ષવા ધંટારવ અને નોબતનગારાં પણ વગાડવામાં આવે છે.

તે પછી શરૂ થાય નૈવેદ્ય ધરાવવાનું, બસ એ જ રીતે જેમ રાજાને ફળો, ફૂલો અને ધૂપની ભેટસોગાદોનાં નજરાણાં સાથે અરજીઓ આપવામાં આવે. ભક્તિને વ્યક્ત કરવાનું માધ્યમ નૈવેદ્ય છે, જેવા દેવ તેવું નૈવેદ્ય.દા.ત. શિવજીને તાજું દૂધ,બિલિપત્ર,ધતુરો અને ભાંગનું નૈવેદ્ય ધરાવાય છે.તે જ રીતે વિષ્ણુજીને માખણ,મધ, ગોળ અને તુલસીનાં પાન ધરાવાય છે.દેવીઓને લીમડો, લીંબુ અને આમલી ધરાવાય છે.એક ભાગ દેવીદેવતા માટે રાખીને બાકીનો ભાગ ભક્તને પરત જાય છે.

જે ફૂલો અને અન્ન દેવને અડી ચૂક્યું તેમાં દૈવીશક્તિનો વાસ થઇ ચૂક્યો છે તેમ મનાય છેઃ આ સ્પર્શના ચમત્કાર તરીકે પણ ઓળખાય છે.જેને જેને દેવ અડકે તેમાં દૈવી શક્તિનો વાસ થઇ જાય. કોઇવાર ભક્તો દેવની ભસ્મ કે ચંદનનો લેપ પણ ઇચ્છતાં હોય છે. આ દૈવી શક્તિની કૃપાદ્રષ્ટિનું ભૌતિક પ્રમાણ છે.

દેવને  ધરાવેલ એક ભક્તનું નૈવેદ્ય બીજાને ન જતું રહેવું જોઇએ. જે મેં ધરાવ્યું, તે જ મને પાછું મળવું જોઇએ.જે મને પાછું મળે તેમાં મારા પરની કૃપાનો અંશ હોય. બીજા કોઇએ જો નૈવેદ્ય ધરાવેલ હોય, તો કૃપા પણ તેની થાય. તેથી જ,જ્યારે લોકો મંદિરમાં જાય છે, ત્યારે પોતાનાં ગજવામાંથી જ નૈવેદ્યનો ખર્ચ કરે છે.જો કોઇ પાસેથી ઉધાર લીધેલ પણ હોય, તો તે તરત જ ચૂકવી દેવાતું હોય છે. સિધ્ધાંત એ છે કે પોતાનું કરજ પોતા સુધી સીમિત રાખો અને બીજાં ને તમારાં  કરજદાર કે લેણદાર ન બનાવો.

સામાન્ય રીતે જે પૂજારી ભક્તને આરતી કે નૈવેદ્ય પાછું લાવી આપે તેને નાનીમોટી દક્ષિણા આપવામાં આવે છે. આમ વચેટીયાને તેની મહેનતનું વળતર ચૂકવી દેવાથી કૃપાનું આદાનપ્રદાન, સીધું, દેવ અને ભક્ત વચ્ચે જ રહે છે.

પુરીમાં,મંદિરનાં રસોડામાં રાંધેલો ખોરાક ગર્ભ ગૃહમાંથી પસાર કરવામાં આવે છે. ભગવાનની હાજરી અને તેમની કૃપા દ્રષ્ટિ માત્રથી અન્ન, ભોગ - ભગવાનની કૃપાદ્રષ્ટિસભર વધેલું અન્ન -નું માનભર્યું સ્થાન પામે છે. તે પછીથી તે ભોગ મંદિરનાં બજાર, આનંદ બજારમાં,શ્રધ્ધાળુ ભક્તોને વેંચવામાં આવે છે.

ભગવાનનાં દર્શન અને નૈવેદ્ય કે ભોગ ધરાવવા ઉપરાંત, ભગવાનની કૃપાને પાત્ર થવા માટે ભક્તો મંદિરને પ્રદક્ષિણા પણ કરે છે. મંદિરમાં થોડી વાર બેસવું એ સર્વસામાન્ય પ્રથા છે.એનાથી એવું પ્રતિપાદીત કરવામાં આવે છે કે ભક્તિમાં કોઇ ઉતાવળ નથી,પરંતુ ભગવાનસાથે ખરાં મનથી તાદાત્મ્ય સાધવું છે.

શિવનાં મંદિરોને સામાન્યતઃ દરવાજા નથી હોતા, જેથી ભગવાન હંમેશ દર્શન આપતા રહે છે. જ્યારે વિષ્ણુનાં મંદિરોમાં તેમનાં દર્શન માટે એક નિશ્ચિત સમયપત્રક હોય છે.શિવનાં એકાંતપ્રિય હોવાના અને વિષ્ણુના ભવ્યતાના સ્વભાવ સાથે આ વાત સંબંધિત છે. જો કે જેમ મોટાં મંદિરો બંધાતાં ગયાં  અને નવા પૂજારીઓની નિમણૂંકો થતી ગઇ, તેમ તેમ શિવનાં મંદિરોની વિધિઓ પણ ક્લિષ્ટ થતી ગઇ અને શિવ પણ ભક્તોમાટે થોડા દુર્લભ બની ગયા.

આશીર્વાદ આપીને ભગવાનને પણ શ્રમ પડતો હોય છે, તેથી મંદિરનાં દ્વાર વારંવાર બંધ કરીને તેમને આરામ આપવાનો, તેમ જ તેમની શક્તિઓ પુનઃએકત્રિત કરવાનો સમય આપવો પડે છે. તે આરામમાંથી ઉઠે ત્યારે, ભક્તોને દર્શન આપતાં,ભેટ/નૈવેદ્ય સ્વિકારતાં અને આશીર્વાદ આપતાં  પહેલાં, ફરીથી નવડાવવા, નવાં વસ્ત્રો પહેરાવવાં, ભોજન અર્ચન કરવાં પડે છે.

અને સહુથી છેલ્લી વિધિ છે દેવને વિદાય આપવાની, જે ઉદવાસન તરીકે ઓળખાય છે.તે સમયે ક્યાંતો દેવ બંધ દરવાજા પાછળ પોઢી જાય છે, કે પછીથી જો માટીની મૂર્તિઓ હોય તો, તેને પાણીમાં તરાવી દેવામાં આવે છે , જે વિસર્જન કહેવાય છે કે  પછીથી તેને ડૂબાડી દેવાં આવે છે. આમ કોઇ વસ્તુ શાશ્વત નથી તે આપણને યાદ કરાવવામાં આવે છે.દરેક વસ્તુનો અંત છે જ.અને જેનો આજે અંત થયો છે તે આવતી કાલે કે વર્ષે, નવા અવતારમાં ફરી પાછું પણ આવશે.

v  'ફર્સ્ટ સિટિ'માં ઍપ્રિલ, ૨૦૧૨માં પ્રથમ વાર પ્રસિધ્ધ થયેલ..

Ø  મૂળ લેખ God  as  Guest , લેખકની વૅબસાઇટ Devdutt.com  પર મૅ ૧૪, ૨૦૧૨ ના રોજ Indian Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

Ø  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ; જૂન ૨૪,૨૦૧૨