મંગળવાર, 29 જાન્યુઆરી, 2013

મારે અસલ જોવું છે - દેવદત્ત પટ્ટનાઇક

કાગળ પર લખાયેલું, હકીકત-સ્વરૂપે હોવું....

મને યુવાન લોકો સતત કહેતાં હોય છે કે તેમને અસલ રામાયણ , અસલ મહાભારત અને અસલ પુરાણો વાંચવાં છે. મને એ વાતે બહુ જ આનંદ થાય છે કે, પંડિતો જેવી માને છે, નવી પેઢી તેવી નથી. શાસ્ત્રીય વર્તુળોમાં જેન ઉર્‍-પ્રત\ઉર્‍-ટેક્ષ્ટ (જર્મન ભાષામાં ઉર્‍ એટલે અસલ અને અંગ્રેજી ટૅક્ષ્ટ એટલે પ્રત, લખાણ) તરીકે ઓળખવામાં આવે છે, તેની તેમને શોધ છે. પણ ભારતના સંદર્ભે એમાંથી કંઇ જ ઉપલબ્ધ નથી.
આના માટે બે કારણો છેઃ માળખાકીય અને દાર્શનિક. માળખાંની દ્રષ્ટિએ જોઇએ તો હિંદુ કે જૈન કે  બૌધ્ધ ધર્મ, પુસ્તકો પર આધારિત નથી. વિશ્વના અન્ય ધર્મો, યહૂદી ધર્મ કે ખ્રીસ્તી ધર્મ કે ઇસ્લામ,માં આ પ્રમાણે નથી. યહૂદી ધર્મમાં તનખ* છે, ખ્રીસ્તી ધર્મમાં બાઈબલ છે, તો ઈસ્લામમાં કુર્રાન છે.

ઇસ્લામિક સમયમાં કુર્રાનને એટલું મહત્વ અપાતું હતું કે જ્યારે શીખ ધર્મને, લગભગ ૨૦૦ વર્ષની મહેનત વડે,  ઔપચારીક રૂપ અપાયું, તે સમયના જ્ઞાની લોકોનાં દૈવી વિચારોને શબદ્‍ કિર્તનનાં રૂપે, એક પુસ્તકનાં સ્વરૂપે, ગ્રંથસ્થ કરી લેવાયાં. આ પુસ્તક વાહે ગુરૂનાં મૂર્ત સ્વરૂપ સમા  ગુરૂ ગ્રંથ સાહિબ તરીકે ઓળખાયું, આમ તે શિખ સંપ્રદાયનો આદિ ગ્રંથ કે ઉર્‍-ટેક્ષ્ટ છે.
સંસ્થાનવાદના સમયમાં , ખ્રીસ્તી ધર્મનો સમગ્ર દુનિયા પર એટલો પ્રભાવ હતો કે જે ધર્મોનું પુસ્તક સ્વરૂપે દસ્તાવેજીકરણ નહોતું થયું તે બધા ધર્મોને ખોટા પાડી દેવાયા હતા.અને તેથી હિંદુઓમાં કોઇક એકાદ પણ ધાર્મિક ગ્રંથ શોધી કાઢવા માટે ભાગદોડ મચી ગઈ હતી. ગઇ સદીમાં ભગવદ્‍ગીતાની લોકપ્રિયતા આ શોધ તરફ અંગુલિનિર્દેશ કરે છે.તે  પહેલાંનો લોકપસંદ ગ્રંથ, ઋગવેદ, વધારે ગૂઢ હોવાથી (કદાચ) ઈશ્વર ,કે પુનઃજન્મ, જેવા પણ  વિચારોથી અંતર રાખતો જણાય છે. અને તેથી ભક્તિની વિચારધારાથી હટીને, વધારે અજ્ઞેયવાદી પણ જણાય છે.
તાત્વિક રીતે, ભારતની, હિંદુ ધર્મ કે જૈન ધર્મ કે બૌધ્ધ ધર્મ જેવી, વિચારધારાઓ સનાતન, કાલાતીત, જણાય છે. કાલાતીત વિચારધારાઓ કોઇ ચોક્કસ સમય કે સ્થળ સાથે  સંકળાયેલ નથી હોતી, તેથી તેને પુસ્તક કે લિપિમાં બાંધી લેવું શક્ય નથી બનતું. આથી અસલ રામાયણની શોધ વધારે પડતી સાહસિક ગણી શકાય, કારણ કે રામાયણ તો સદાય અસ્તિત્વમાં રહેલ છે.પણ તેમ છતાં મૂળ રામાયણ શોધવા માટે દબાણ ચાલુ જ છે, કે જેથી તેને ભવિષ્યની પેઢીઓની 'ભ્રષ્ટ' અને 'પ્રદુષણકારી' અસરોથી બચાવી શકાય.
હિંદુ ધર્મમાં, લગભગ દરેક ગ્રંથનાં ઘણાં સંસ્કરણો અને તેટલીજ વિભિન્નતાઓ જોવા મળે છે, તેથી ખરેખર અસલ શું છે તે નક્કી કરવું મુશ્કેલ બની જતું હોય છે. તો વળી કોઇ પણ ગ્રંથ ત્યારે જ અર્થપૂર્ણ બને છે, જ્યારે તેને અન્ય ગ્રંથોની સાથે વાંચવામાં આવે. ઘણી વાર મૌખિક પરંપરાઓને પણ ધ્યાનમાં લેવી જરૂરી બની રહે છે. જો કે એ એક અલગ જ ચર્ચાનો વિષય છે.
વિષ્ણુની કથા વર્ણવતાં વિષ્ણુપુરાણના અંશ, આજ્ઞાકારી રામની કથા કરતું રામયણ અને નિયમોનું ઉલ્લંઘન કરતા રહેતા કૃષ્ણની કથા કરતું મહાભારત, એકમેકનાં પૂરક છે. વિષ્ણુપુરાણ ગૃહસ્થ જીવનની વાત કરે છે, અને તે રીતે સંન્યાસીનાં જીવનની વાત કરતાં શિવપુરાણનાં પૂરક તરીકે પ્રસ્તુત થાય છે.અને બન્ને સંપૂર્ણપણે અર્થસભર બને છે બ્રહ્મપુરાણનાં બૃહદ છત્ર હેઠળ , જે ખુદ દેવીઓની કથા, દેવી પુરાણ,નું પૂરક છે. આ બધાં જ અગમ કે તાંત્રિકની શ્રેણીમાં પડે છે, જેમાં વિચારસરણીઓને પાત્રનાં સ્વરૂપે રજૂ કરીને સ-ગુણ' બનાવાય છે. અને તે વળી અમૂર્ત વિચારધારા વાળાં નિગમ ,વેદ,નાં પૂરક બનીને 'નિ-ર્ગુણ' પણ બની રહે છે.
વૈદિક ગ્રંથો ને આસ્તિક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેઓ તેમની રજૂઆત ઈશ્વરવાદી (આસ્તિક)શબ્દભંડોળ વડે કરે છે.જો કે અન્ય ઘણા (ગ્રંથો)એ આ પ્રકારની વિચારધારાને રજૂ કરવા ઈશ્વરવાદી શબ્દભંડોળ નો ઉપયોગ નથી પણ કર્યો. આ પ્રકારને નાસ્તિક (જૈન કે બૌધ્ધ ગ્રંથો)તરીકે ઓળખવામાં આવ્યા. આ સંપ્રદાયના અનુયાયીઓ, મહેનતકશ, શ્રમણ,તરીકે ઓળખાય છે. બ્રાહ્મણો, કે અન્ય ધર્મોપદેશકો, દ્વારા પ્રચલિત પરાપૂર્વથી ચાલી આવતી પરંપરાઓ અને પ્રાર્થનાઓને બદલે આત્મસંયમ, ધ્યાન, ચિંતન અને અનુભવમાં તેઓ વધારે આસ્થા રાખે છે. વૈદિક ગ્રંથોને વધારે સારી રીતે સમજવા મટે તેમના ગ્રંથોને વાંચવા જરૂરી બની રહે છે.
આમ, આ પ્રત્યેક (અસલ, આદિ)ગ્રંથ, સમગ્ર પ્રદેશની જેમ જ, ભારતને પણ એક એકબીજામાં ગુંથાયેલા પાસાઓ જેવા મહા કોયડાની ભાષામાં આપણને સમજાવે છે.
*        સનડે મિડડેની પૂર્તિ 'દેવલોક'માં ડિસેમ્બર ૨૩, ૨૦૧૨ના રોજ પ્રકાશીત થયેલ.

[*મોઝીઝનાં પાંચ પુસ્તકો\the Five Books of Moses તરીકે પ્રખ્યાત તૉરહ\ The Torah (અધ્યાપન\Teaching), નૅવી'ઈમ\Nevi'im (પયંગબરો \Prophets) અને કૅતુવિમ\Ketuvim ("લખાણો\ Writings”) નું સંક્ષિપ્ત સ્વરૂપ એટલે તનખ\ TaNaKh. હિબ્રુ-પ્રયોગ,તનખના પર્યાય સ્વરૂપે "મિક્રા \Miqra" (מקרא)”  - જે વાંચી શકાય તે-નો પ્રયોગ પણ થતો રહે છે.]

v અસલ અંગ્રેજી લેખ, Show me the original, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર  જાન્યુઆરી ૧૫, ૨૦૧૩ના  રોજ Articles, Indian Mythology  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

શનિવાર, 26 જાન્યુઆરી, 2013

દોરવણી પૂરી પાડી શકીએ તેથી નીડર - નેતાનું સર્જન ન કર્યું હોવાથી વિનમ્ર -- ડૉ. ઍન્નૅ પર્શૅલ


પ્રતિભાવાન જન્મ, પણ વિનોદ, વિનમ્રતા અને સદ્‍વર્તન સભર ઉછેર" - બીબીસી સ્પૉર્ટ્સ બ્લૉગ પર મૅટ્ટ રૉબર્ટ્સના માર્કૉ સિમૉન્સૅલ્લીની ઓળખ કરાવતા લેખનું એક વાક્ય.એક મૉટર સાઇકલ અકસ્માતમાં માર્કૉનું તાજેતરમાં જ અવસાન થયું છે.
 
“પ્રતિભાવાન જન્મ, પણ વિનોદ, વિનમ્રતા અને સદ્‍વર્તન સભર ઉછેર" - એ વાક્યખંડ, મારા કાનમાં સંગીત બનીને ગુંજે છે. આ સંગીતને, હું નેતા અને નેતૃત્વ સાથે સાંકળવા માગું છું.

અગ્રણી નેતાઓ,એક સાથે નમ્ર અને સાહસિક, એમ બન્ને ગુણ ધરાવતા હોય, એમ હું ઈચ્છું.


એમ કેમ બની શકે? 
 
નેતૃત્વનો માર્ગ
આપણે પ્રતિભાઓ સાથે જન્મીએ છીએ.

પણ તેના પર આપણી માલિકી નથી.

આપણે તો માત્ર તેની રજૂઆતનાં સાધન છીએ.

વિશ્વમાં કોઇ જગ્યાએ છૂપાઇ રહેલો, શોધાવામાટે તત્પર, એવો વિચાર,આપણા મગજમાં આવી ચડે છે.


આપણે તો જ્ઞાનમાટેનું વાહન છીએ, નહીં કે જ્ઞાન કે જ્ઞાની પોતે.

આપણા અવાજોનો મધુર સ્વર નાનાં સરખાં પક્ષીઓ પણ ગાઇ શકે છે.

એ પક્ષીની જેમ આપણે એ ગીતના રચયિતા નથી, કે નથી આપણે તે વિચારના અસ્તિત્વનાં સર્જક. 

ન તો હું, કે ન તો મારૂં, કે ન તો મારા વડે.

એ વિચારે આપણને પસંદ કર્યાં એટલે બનીએ નીડર, અને આપણે આપણી નીડરતા અને ઉત્કટ જોશને, એટલાં તો, ઋણી છીએ.

દોરવણી પૂરી પાડી શકીએ છીએ, એટલે નીડર બનીએ.

વિનમ્ર એટલે બનીએ કે વિચાર પર આપણી માલિકી નથી
.

વિનમ્ર એટલે બનીએ કે આપણી અંદરના નેતાનું સર્જન આપણે નથી કર્યું.


[સિમૉન્સૅલ્લી નો] આખરી પ્રયાસ તો જાણે શુધ્ધ ઍડ્રૅનલીનથી છલકતો દોડનો દોઢ લૅપનો છેલ્લો ટુકડો, જેમાં તેણે, તેની આગવી લાક્ષણીક શૈલીનાં જીવ સટોસટનાં બેનમૂન કૌશલ્ય-પ્રદર્શન વડે,પોતાની એક માત્ર જાણીતી ધારદાર અદામાં, પોતાની જ અંધાધૂંધ સાહસવૃતિ અને આકસ્મીક અદામાં રાચતાં,પોતાની અનોખી મસ્તીમાં, તેના પારંપારીક સ્પર્ધક ઍલ્વૅરૉ બૌટીસ્તાની પાસેથી મોખરાનું સ્થાન અદલાબદલી કર્યું.

v  અસલ અંગ્રેજી લેખ, Bold Because You Can Lead – Humble Because You Did Not Create the Leader, લેખીકા, ઍન્નૅ પર્શૅલની વૅબસાઇટ, જર્મૈન ઇન્સાઇટ્સ \Germane Insights Blog,પર  ઑકટૉબર ૨૬, ૨૦૧૧ના  રોજ Leadership  શ્રેણી હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

બુધવાર, 23 જાન્યુઆરી, 2013

શિક્ષકો શીખે અને વિદ્યાર્થીઓ શીખવાડે - દેવદત્ત પટ્ટનાઇક

ગુરૂ-શિષ્ય પરંપરા...
બૌધ્ધ ધર્મના વિકાસની સાથે સાથે, એક ઉદ્યાનમાં વૃક્ષ નીચે બેઠેલા સાધુનાં ધર્મપ્રવચનને સાંભળવા હજારો શિષ્યો અને ભાવિકો બેઠા હોય તેવી પ્રથા વિષે પણ આપણે સાંભળતા થયા છીએ. તે પહેલાં ઉપનિષદ ગ્રથોમાં ૠષિ અને રાજા કે પતિ અને પત્ની કે દેવો અને માનવીઓ વચ્ચે સંવાદો જોવા મળે છે. તો વળી બ્રાહ્મણસ અને અર્યણકસ  જેવા વૈદિક ગ્રંથોમાં આપણે લોકોને વિધિઓમાં કે પછી જંગલો માં એકલા એકલા ચેષ્ટાઓ અને આશ્ચર્યોદગાર અને બલિદાનોના અર્થઘટનપર ગહન વિચારોમાં વ્યસ્ત જોઇ શકીએ છીએ. તો હજૂ આગળ વધતાં, રામાયણ કે મહાભારત જેવાં મહાકાવ્યોમાં આપણને ગુરૂકુળો કે આશ્રમો વિષે સાંભળવા મળે છે, જ્યાં શિષ્યો ગુરૂ સાથે રહીને જીવન વિષે અને જીવનમા ઉપયોગી  નીવડે તેવાં કૌશલ્યોની શિક્ષા પામે છે. આધુનિક કલ્પનામાં, ગુરૂકુળમાં વિદ્યાર્થીઓ જાણે કે વૃક્ષ નીચે બેસીને ગુરૂનાં કે વિદ્યાર્થીઓ અભ્યાસખંડમાં બેસીને શિક્ષકોનાં પ્રવચનો સાંભળતા હોય તેમ જોઇ શકાય છે. આ કલ્પનાઓમાં જ ગુરૂ-શિષ્ય પરંપરા વિષેની સમજણમાં ખામી રહી ગઇ છે.
પરંપરા  એટલે એક પ્રથા, એક માર્ગ. આજના અભ્યાસ ખંડ અને ધર્મ-પ્રવચનો કે ગુરૂ-શિષ્ય પરંપરામાં મૂળભૂત તફાવત  હેતુલક્ષીતાના વિચારનો છે.જ્ઞાન હેતુલક્ષી છે કે વસ્તુલક્ષી? માહિતિ હેતુલક્ષી છે, પરંતુ જ્ઞાન વસ્તુલક્ષી છે. કંઇ પણ જાણવા માટે તેને સમજવું જરૂરી છે.અને સમજવા માટે બીજાં જે કંઇ કહેતાં હોય, તેનું અર્થઘટન કરવું, તેનું વિશ્લેષણ કરવું અને તેને આપણે જે જાણીએ છીએ કે સમજીએ છીએ તેના સંદર્ભમાં બંધબેસતું કરવું પડે છે.  શીખવું, અને તેમાં પણ જ્ઞાનગ્રહણ કરવું એ અત્યંત સંકુલ પ્રક્રિયા છે. અને આદિ ભારતીયો તેનાથી પરિચિત હતા.
ચીનના શિક્ષણ પ્રત્યેના અભિગમને તેની લડાયક કળાનાં પ્રશિક્ષણ વડે સમજી શકાય છે.અતિઆગ્રહી પ્રશિક્ષકની અવિરત નજર હેઠળ આકરાં શિસ્ત વડે કૌશલ્યની સીમાઓ વિકસાવવાની તેમની પ્રશિક્ષણ પધ્ધતિ ગુરૂ-શિષ્ય પરંપરાથી  અલગ છે.
યુરોપની શિક્ષણ પધ્ધતિઓનાં મુળ ગ્રીક અને રોમન ચર્ચાના ખયાલમાં રહેલ છે. તે સમયે, તત્વચિંતકોની ચર્ચા બાદ,કોઇ એક મતના સ્વિકાર, કે બધાંના સર્વાનુમત, વડે સત્ય પ્રસ્થાપિત કરવામાં આવતું. અને આ સત્ય પછીથી અભ્યાસખંડોમાં, મોટે ભાગે ગોખાવીને, વિદ્યાર્થીઓને વહેંચવામાં આવતું. તેઓ તેને પડકારતા તો હતા,પણ છેવટે તો તેનો સ્વીકાર કરવો જ પડતો હતો. આધુનિક શિક્ષણ વ્યવ્સ્થામાં પણ આ જ પ્રથા જોવા મળે છે, જેમ કે કસોટી કે પરિક્ષાઓથી કેટલું (જ્ઞાન) મેળવ્યું અને કેટલો વિકાસ થયો તે માપવું કે ડૉકટરૅટ મેળવવા માટે મહાનિબંધને રજૂ કર્યા પછી તેનો સફળતાપૂર્વક "બચાવ" કરવો. યહુદી, ખ્રિસ્તી કે ઇસ્લામિક પરંપરા મુજબ, જ્ઞાન આખરે તો ઇશ્વર પાસે જ છે, મનુષ્ય તો માત્ર તેનું અર્થઘટન કરી શકે.  આ ત્રણ ધાર્મિક પરંપરાઓનો 'ધર્મનિરપેક્ષ' કહેવાતી ગ્રીક-રોમન વિચારસરણીની સાથે, ઘણીવાર મેળ નથી ખાતો.
શિક્ષણની યુરોપિયન વ્યવસ્થા સાથેની સરખામણી, કે કંઇક અંશે, તેને પૂર્વની શિક્ષણ વ્યવસ્થા જોડે સાંકળવાના પ્રયાસોને કારણે ગુરૂ-શિષ્ય પરંપરા વિષેની  સમજ થોડી તરડાયેલી જોઇ શકાય છે.પહેલા પ્રકારની શિક્ષણ પ્રથા મિશનરી શાળા તેમ જ સંસ્થાનીકરણ અને બીજા પ્રકારની પ્રથા બ્રુસ લી, જૅકી ચાન કે કુંગ ફુના ફંડાને કારણે પ્રચલિત થઇ છે.
ગુરૂ-શિષ્ય પરંપરાને સમજવા માટે સહુથી સરળ ઉદાહરણ જોવાં હોય તો, આખાં ભારતમાં ફેલાયેલ, કોઇ પણ મીકેનીકની દુકાનમાં કે રસ્તાની બાજૂએ આવેલા ઢાબા પર, અનુભવી વ્યવસાયસાહસિકોની સાથે ઘડાતા લબરમૂછિયા કિશોરોના ઉસ્તાદ-ચેલાના સંબંધોપર  નજર કરવી જોઇએ. અહીં ચેલાઓ કામમાં પળોટાતાં જવાની સાથે, નવાં હુન્નર પણ શીખે છે. ઉસ્તાદ શીખવાડવા માટે કોઇ સભાન પ્રયત્નો કરતા નથી દેખાતા. પણ કામ કરતા જવાની સાથે થતી રહેતી તેમની વાતો, ટીપ્પણીઓ ચેલાનાં દિલ અને દિમાગ અસર જમાવતી રહે છે. તેમાંથી કેટલું વધારે ગ્રહણ કરવું તે ચેલાની શીખવાની ભૂખ પર આધાર રાખે છે. જ્યારે ચેલો પોતાના પગ પર ઊભો રહેવા જેટલો સક્ષમ થઇ જાય છે, ત્યારે સામાન્યતઃ એ પોતાની આગવી કેડી પકડી લે છે. આ બધું કોઇ નિશ્ચિત કાર્યક્રમની રૂપરેખા હેઠળ વ્યવસ્થિત મળખાં નથી થતું, એટલે તેને શું કહીશું: શીખવું કે નોકરી, કે શિક્ષણ કે શોષણ?
હા, શુધ્ધ બ્રાહ્મણ સંવેદનાને ગુરૂ-શિષ્ય પરંપરાની શેરીના ઉસ્તાદ-ચેલાની સાથે સરખામણીથી ઠેસ જરૂર પહોંચશે. પણ, શોષણ કરતી હોય તેવી ગુરૂ વર્તણૂકો પણ આપણને જોવા તો મળે જ છે.ધૌમ્ય ૠષિને ત્રણ શિષ્યો છે.પહેલો શિષ્ય , અરૂણિ, પોતાનાં શરીરનો પાળો બનાવીને, નહેરમાં પડેલ ભંગાણમાથી, ગુરૂનાં ખેતરોમા આવતાં પાણીને રોકે છે.બીજા શિષ્ય, ઉપમન્યુ,ને ગુરૂનાં ઢોરઢાંખરને ચરાવવાની જવાબદારી તો સોંપાઇ છે, પણ એ ગાયોનું દૂધ પિવાની તેને મનાઈ છે, એટલે તરસ છીપાવવા એવાં કોઇ ઝેરી પાંદડાં ચાવે છે કે જેનાથી તે થોડા સમય માટે આંખની દ્ર્ષ્ટિ ખોઇ બેસે છે. અને ત્રીજા શીષ્ય, વેદ,ને ગુરૂએ એટલા લાંબા સમયથી પોતાની પાસે રાખી મૂક્યો કે પોતે ધોળા વાળવાળો વૃધ્ધ ક્યારે થઇ ગયો, તે તેને જ  ખ્યાલ ન રહ્યો.
અઢારમી સદીમાં, રાજનર્તકી મુદ્દુપાલની દ્વારા લખાયેલ તેલુગુ હસ્તપ્રત, 'રાધિકા સંતવાનમુ'માં આપણે એક કુમારિકાને ખુશ કરવા પુરૂષે શું કરવું જોઇએ અને એક સ્ત્રીએ અનુભવી પ્રેમીને ખુશ કરવા શું કરવું જોઇએ તે વાંચીએ છીએ.  આને શું આપણે ગુરૂ -શિષ્ય પરંપરા કહીશું? પોતાની દીકરીને પાકશાસ્ત્ર અને ઘર ચલાવવાની કળા શીખવાડતી માને આપણે ગુરૂ ગણીશું?  એ પણ કૌશલ્યનું પ્રશિક્ષણ નથી?
ગુરૂ-શિષ્ય પરંપરાની મહત્વની કડી છે - શીખવતાં શીખવતાં શિક્ષક દ્વારા પણ શીખવું અને ભણતાં ભણતાં વિદ્યાર્થી દ્વારા શીખવવું. પોતાનાં વિદ્યાર્થીની વસ્તુલક્ષી વાસ્તવિકતા પોતાની વસ્તુલક્ષી વાસ્તવિકતાથી અલગ છે તે વાત ગુરૂ સ્વિકારે છે. આથી, દરેકે પોતાનાં આગવાં સ્થાન, આગવા સંજોગો અને શરતોથી પોતાનાં જ્ઞાનને પારખવું પડે છે. ગુરૂ, બહુ બહુ તો, આપણને શીખવા માટેની ઈચ્છા અને હૈયાઉકલતની ક્ષણોને પ્રદીપ્ત કરી શકે. પણ, આખરે તો, શીખવાની જવાબદારી શિષ્યની જ છે. ગુરૂ તો એવી નદી છે જ્યાં શિષ્ય પોતાની તરસ છીપાવવા આવે છે. શિક્ષકની શીખવવાની જેટલી જવાબદારી છે તેનાથી વધારે જવાબદારી શિષ્યની શીખવાની છે.
તાંત્રિક ગ્રંથોમાં,ગુરૂ-શિષ્યના સંબંધોને પતિ-પત્નીના સંબંધ સાથે સરખાવાયેલ છે.બ્રહ્માંડીય બાબતોમાં શિવ ગુરૂ અને તેમનાં પત્ની, શક્તિ, શિષ્યા સ્વરૂપે જોવામાં આવે છે. તેઓ કૈલાસમાં શક્તિને પ્રવચનો આપે અને શક્તિ તેમને કાશીમાં ભોજન પૂરૂં પાડે છે. બન્નેને એકબીજાંની જરૂર છે.
આમ, આપણે ગુરૂ અને શિષ્ય વચ્ચે હંમેશ હોય તેવું સત્તાનું સમીકરણ જોઇ શકીએ છીએ. ઘણીવાર શિષ્યરૂપી ખાલી પ્યાલાઓને ગુરૂ જ્ઞાનથી ભરતા જોવા મળે છે. તે સમુહની ગતિને નિયંત્રિત કરતી શરૂઆત બની રહે છે. અને તેથી જ, શિષ્યોને 'નમ્રતા' કે 'સમર્પણ'ની ભાવના અપનાવવાનું કહેવાતું હોય છે.
ગુરૂ જ્ઞાની જ હોય તેવું જરૂરી નથી; તે પોતાના પુત્રોને વધારે પસંદ કરતા હોય અને અણમાનીતા શીષ્યોમાટે ક્રૂરતા દાખવતા હોય, એવું પણ જોવા મળે છે. મહાભારતના દ્રોણ એવા એક ગુરૂઓમાંના છે, જે પોતાના પુત્ર, અશ્વથામાને એવી અને એટલી વિદ્યા શીખવાડવા માગે છે, જે શીખવું અશ્વથામાના બસનું નથી.  તો વળી માત્ર નાતજાતના ભેદભાવને કારણે,  તેઓ, કર્ણ અને એકલવ્યને, ધનુર્વિદ્યા શીખવાડવા માટે તૈયાર ન હતા. તેઓ રાજકુમારોને પણ માત્ર એટલા સારૂ શીખવાડતા હતા કે તેના થકી મળતી દક્ષિણાવડે, કેટલાંક વર્ષો પહેલાં દ્રુપદે કરેલાં અપમાનનો બદલો લઇ શકાય.
ભાગવતમાં ગુરૂઓમાં સહુથી પહેલા ગણાતા,આદિનાથ તરીકે પણ ઓળખાતા, નગ્ન ગુરૂ,દત્ત,ની વાત જોવા મળે છે. ઝાડપાન, કુદરત અને તેમને મળતાં રહેતાં લોકો તેમનાં ગુરૂ હતાં. મહાભારતમાં ઘર સંભાળતી સ્ત્રી અને કસાઈ પાસેથી શીખતા એક સાધુની પણ વાત જોવા મળે છે.વનમાં ભીમને એક વાનર પાસેથી, અર્જુનને એક આદીવાસી પાસેથી અને યુધિષ્ઠિરને એક બગલા પાસેથી વિદ્યા મળતી રહી હતી એવા પણ ઉલ્લેખ જોવા મળે છે. જ્ઞાનની દેવી, સરસ્વતી,ની અદ્ર્શ્ય હાજરી બધે જ અનુભવાતી રહે છે. તેને મેળવવા માટે આપણે તરસનો ઢોંગ કરીએ તે ન ચાલે, આપણે સાચા અર્થમાં તરસ્યા થવું પડે. ગુરૂ તો માત્ર માર્ગ બતાવે, તેના ઉપર ચાલવું  તો શિષ્ય એ જ પડે. અને ચાલતાં ચાલતાં એને એ પણ સમજ પડવી જોઇએ કે ક્યાં તેના ગુરૂ સાચા નહોતા કે તેનો માર્ગ ગુરૂના માર્ગથી બહુ જ જૂદો છે, જેમ કે વેદાંતના પ્રખર જ્ઞાની રામાનુજને ખ્યાલ આવી જાય છે કે કાંચિપુરમ મંદિરના સ્વિકૃત ગુરૂ, યાદવપ્રક્ષ, કરતાં તેમનો ચાકર વધારે જાણકાર છે. 
શીખવું એટલે "વિચારશક્તિ" (માનસ)નું માહિતિના નવા આધાર-સંગ્રહને આવકારવવા, અને તેને માહિતિમાં , અને માહિતિને જ્ઞાનમાં, ફેરવવામાટે જરૂરી વલણો પારખવામાટે તે સામગ્રીનું મંથન કરવા સારૂ "ઉઘડવું' (બ્રહ્‍). ગુરૂ તો માત્ર વિચારોનાં દસ્તાવેજીકરણ અને પ્રસારણ માટે 'સ્મૃતિ' આપે છે. શિષ્યને જ્ઞાની અને સમજદાર બનાવે છે શ્રુતિ - આંતરસૂઝનો અંતરાત્મા, જે ક્ષીરનીરની વિવેકબુધ્ધિ ચેતાવે છે. આજનો તાલીમ આધારીત આધુનિક ઢાંચો આવા અંતરાત્માનાં અસ્તિત્વને નથી સ્વીકારતો; એટલે, માહિતિનાં અંદર સુધી ઉતરી જવાની આશાને ફળીભૂત કરવા સારૂ માહિતિનાં સરળીકરણ અને પુનરાવર્તન પર વધારે પડતો ભાર જોઇ શકાય છે.
ગુરૂ જેમ જેમ પોતાને જે કંઈ આવડે છે તે શિષ્યને શીખવાડતાં જાય છે, તેમ તેમ તેમને સમજાતું જય છે કે દરેક વ્યક્તિ કેટલી નિરાળી અને આગવી છે. અને તે મુજબ તેમણે પોતાનાં પ્રત્યાયન કૌશલ્યને મઠારતાં રહેવું પડે છે.જ્યારે જ્યારે શિષ્ય પ્રતિસાદરૂપી હોંકારો ભણે છે, ત્યારે ત્યારે ગુરૂની શ્રધ્ધાનો ગુણાકાર થતો રહે છે. શિષ્યની પ્રતિસાદ આપવાની અશક્તિ કે અનિચ્છા ગુરુની સહનશક્તિને વધારે છે. આમ ગુરૂ શિષ્ય પાસેથી પણ શીખતાં રહે છે.
ગુરૂને દક્ષિણા (ફી) આપીને શિષ્ય ઉપકારના ભાર કે ઋણમાંથી મુકત થાય છે. તે હવે પોતાનાં જીવનના બીજા તબક્કામાં દાખલ થવા માટે અને હવે પછીની પેઢીને તે જ્ઞાન હસ્તાંતરણ કરવાનો સમય પાકે તે પહેલાં તેનો યથોચિત ઉપયોગ કરવા માટે મુક્ત છે.

*        'ફર્સ્ટ સિટી'માં નવેમ્બર, ૨૦૧૨માં પ્રકાશીત થયેલ.

v  અસલ અંગ્રેજી લેખ, When teachers learn and students teach , લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર  જાન્યુઆરી ૧૨, ૨૦૧૩ના  રોજ Articles, Leadership ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.