હિંદુ ઘરોમાં પુજાઘર અવશ્ય હોય જ. પરંપરાગત રીતે, અહીં એ ઘરનાં એકથી વધારે દેવીદેવતાઓનો નિવાસ જોવા મળશે. ઘરના ગૃહદેવતા, જાતિના કુળદેવતા, ગામના ગ્રામદેવતા, કુટુંબના દરેક સભ્યના પોતપોતાના ઈષ્ટદેવતાઓ, કદાચ કોઈ પૂર્વજોની તસવીરો કે કોઈ પૂર્વજને મદદ કરનાર યક્ષ જેવા દેવીદેવતાઓનાં ત્યાં સ્થાન હશે. આમાંના મોટા ભાગનાં તો, ઘાટઘૂટ વગરના, કોઈ પથ્થર કે ગોળ લંબગોળ, સમુદ્ર કિનારે મળી આવતા મોટા લખોટી જેવા કાંકરા જ હોય. પુજાના સમયે, દરરોજ દરેકને નવરાવાય ધોવરાવાય, ચંદન, અબીલગુલાલ સિંદુર વગેરેથી તિલકો કરાય, તેમની આગવી પસંદ પ્રમાણેના પ્રસાદ ધરાવાય, ધુપ,દીવા અગરબત્તીથી પુજાય. અમુક અમુક ચોક્કસ દિવસ અમુક દેવી દેવતાનો ખાસ દિવસ હોય, જ્યારે આ બધાં દેવી દેવતાઓમાંથી એ દેવીદેવતાનું ખાસ માનપાન કરાય. બાકીના અન્ય દિવસોએ બધાં દેવીદેવતાઓનું સમૂહમાં પુજન કરાય.
એક રીતે જોઈએ તો પુજા ઘર વિશાળ સંયુક્ત પરિવારની
અંદર અંદરના સંબંધો અને સ્થાનનાં પરિબળોનાં ગતિશાસ્ત્રનાં દ્યોતક કહી શકાય. દરેક
દેવીદેવતાનું આગવું અગત્ય, દરેકનું
પોતાનું આગવાપણું હોય. દરેકને પોતપોતાનું પ્રિય પુષ્પ , ફળ કે પ્રસાદ હોય અને એકએકનો જુદો ખાસ દિવસ હોય અને
અલગ અલગ પુજાવિધિ પણ હોય. મોટા ભાગના દિવસોએ તેમનાં પુજાપાઠ પણ એક સમુહમાં જ થાય, પણ દરેકના ખા દિવસે એ ચોક્કસ દેવીદેવતાને તેમની પસંદ
મુજબના ખાસ અલગ વ્યવહારનો લાભ મળે.
આમ પરિવારની દરેક દીકરી, જમાઈ ,
દીકરો કે પુત્રવધુને પરિવારમાં પોતપોતાનું સ્થાન ખબર હોય. સામાન્યપણે
કુટુંબમાં દરેકનું મહત્ત્વ ખરૂં, પણ
અમુક ખાસ દિવસે બીજાં કરતાં થોડું વધારે મહત્ત્વ અને માનપાન મળે. ઘરનાં મોભીનાં જે
દેવી કે દેવતા હોય તેમને થોડું વડું સ્થાન મળે. તેજ રીતે અન્ય દેવી દેવતાઓને પણ
મળેલ સ્થાન પરથી ઘરમાં દરેક લોકોનાં અધિક્રમિત સ્થાનનો સુક્ષ્મપણે પરિચય અહીં થઈ
રહે, જે
દેખીતી રીતે ક્યાંય પણ અમલ થતો કે
ખાનગીમાં સ્વીકારાતો જોવા નહીં મળે. નવી પુત્રવધુ તેના પોતાના ઈષ્ટ દેવને
સાથે લઈને આવે અને તેને પુજાઘરમાં એ મુજબ સ્થાન પણ મળે. દીકરીઓ પોતાનાં લગ્ન થાય
એટલે પોતાન દેવીદેવતાને પણ પોતાની સાથે જ લઈ જાય. તેમને ખાત્રી પણ હોય કે
સાસરાંનાં નવાં ઘરમાં તેનાં દેવીદેવતાને ત્યાંનાં પુજાઘરમાં યોગ્ય સ્થાન જરૂર મળી
જશે.
એ રીતે જૂઓ તો દરેક ઑફિસ પણ એક પુજાઘર છે અને
ત્યાંનાં દરેક કર્મચારી એ પુજાઘરમાંનો અલગ અલગ દેવી કે દેવતા છે.
તેને કારણે દરેક કર્મચારીને યાદ કરાવાતું રહે છે કે દરેકનું પોતાનું મહત્ત્વ છે, એ સંદર્ભોચિત સ્થિતિ મુજબ વધઘટ પણ થતું રહી શકે
છે. વેચાણ, કે ઉત્પાદન કે માલની હેરફેર કે માનવ સંસાધન વિભાગ કે
પછી નાણાં કે હિસાબ વિભાગ, દરેક
પોતપોતાની જગ્યાએ મહત્ત્વનાં હોય, પણ
સંજોગો મુજબ ક્યારેક કોઈનું મહત્ત્વ વધે. પુજાઘરનાં દેવીદેવતાઓની જેમ દરેક વિભાગે એકબીજાં
સાથે હળીમળીને રહેવાનું શીખવું રહે,
કે જેથી સમગ્ર ઑફિસને ફાયદામાં રહે.
ક્યારેક લોકો - ખાસ કરીને નવા જોડાયેલાં - ભુલી જાય
છે કે તેઓ કોઈ એક પહેલેથી અસ્તિત્વમાં હોય એવી પારિસ્થિતિ તંત્રવ્યવસ્થાનો જ હવે એક
ભાગ છે. એ લોકો તો એમ જ માનીને દાખલ થાય
છે તેઓ જ એક માત્ર 'ઈશ્વર' છે, બધાં
કરતાં કંઈ વિશેષ, કંઈક
મહાન, છે, જે તંત્રવ્યવસ્થાને બદલી નાખી શકે તેમ છે. પરંતુ
હકીકત એ છે, એ
લોકો ગમે તેટલી કોશીશ કરે, તો
પણ તેમ નથી થઈ શકવાનું,.એ
લોકો ત્યારે જ અસરકારક બની શકશે જ્યારે તેઓ સ્વીકારશે કે એ લોકો અનેકવિધ દેવો પૈકી એક છે
અને એક વ્યાપક સમુહનો એક ભાગ છે.
બધી ગુંચવણ દેવોને આવાહ્ન કરતી વખતે ગવાતી 'આરતી'ને
કારણે થાય છેT. મોટા
ભાગે બધી જ આરતીમાં દેવની વધારે પડતી પ્રશંસા જ કરાતી હોય છે - તેમને મહાનતમ, દુનિયાની બધી સમસ્યાઓનું નીરાકરણ કરી આપનાર, તેમના વગર દુનિયા ચાલી જ ન શકે એવું કંઈ કેટલું ય
કહેવાતું હોય છે. અમુક અંશે તે સાચું પણ છે, પણ અમુક સંદર્ભમાં જ. બીજા સંદર્ભમં દેવનું નામ
બદલીને એ જ સ્તુતિ બીજા દેવને પણ કરી શકાય. આ પરિસ્થિતિમાં દેવ એમ માની લે કે તે
કોઈ સમુહનો ભાગ નહીં પણ એક અને આગવા માત્ર છે તો તે સ્વાભાવિક કહી શકાય.
ઈન્ટરવ્યુ અને નવી ભરતીના સમયે, ઉમેદવારની પ્રતિભાને એટલું બધું મહત્ત્વ આપવામાં આવે
કે તે માનવ અલાગે છે કે કંપનીને તેની જરૂર એક તારણહાર તરીકેની છે. સ્વાભાવિક છે કે
તે બ્રહ્માસ્મિ છે એવી હવામાં જ તે સંસ્થામાં પગ મુકે છે. પણ અહીં તો પહેલેથી જ
અસ્તિત્વમાં જડ ઘાલી ગયેલી પારિસ્થિતિ વ્યવસ્થા અને વર્તમાન અધિક્રમિક માળખું
ભુખ્યાં ડાંસ વરૂઓની જેમ મોઢાં ફાડીને તેનું સ્વાગત કરે છે. પરિસ્થિતિ સમજાય ત્યાં
સુધીમાં તો એકબીજાંનાં હિતનાં ઘર્ષણની ગરમી વાતાવરણને ગરમ ગરમ કરવા લાગે છે.
પરિણામે હવે પેદા થતી તડજોડ તણાવ પણ પેદા કરે છે. આવી શ્રેણીબધ્ધ વૈચારીક, ક્યારેક શાબ્દિક, અને બહુધા તંગ વર્તણૂકો-બાબતો
પછી ક્યાંક નવું સંતુલન સ્થપાય છે. પોતાને 'ઈશ્વર'
સમજીને દાખલ થયેલા 'દેવ'ને સમગ્ર દેવમંડળમાં સ્થાન મળે છે. પરંતુ કેટલાંક
આવી પરિસ્થિતિમાં નથી ગોઠવાઈ શકતાં,
એટલે બધા દેવોની પુજા કરતા, પ્રસાદ
ધરાવતા યજમાનને થાય છે આ દેવને હવે વિદાય કરવા જ પડશે. એટલે માનભેર 'વિસર્જન'નું
આયોજન અને, પછી, અમલ થાય છે.
સંસ્થાના વડા અહીં યજમાનનું રૂપક સ્વરૂપ છે, જે વિવિધ દેવો (કર્મ્ચારીઓ)ને પોતાનાં પુજાઘર
(કાર્યસ્થલ)માં લાવે છે. દેવોનું અસ્તિત્વ યજમાનની ગૃહસ્થી (સંસ્થાના ઉદ્દેશ્ય)ના
શ્રેય માટે છે. દેવોની જરૂરીઆતો પર પહેલાં ધ્યાન આપીને યજમાન સુનિશ્ચિત કરે છે
દેવો તેની જરૂરીઆતો જુએ. તેમનો સંબંધ પરસ્પરોપજીવનનો છે. તે એમને પ્રસાદ વગેરે
ખવડાવે છે અને દેવો યજમાનને દાણોપાણી મળી રહે તે સુનિશ્ચિત કરે છે.એ તેમનું સન્માન
કરે છે, તેઓ
તેનું રક્ષણ કરે છે. એમની આ દુનિયામાં એકેશ્વરવાદ નથી કે અનેકેશ્વરવાદ પણ નથી, પણ છે એકૈકાધિદેવવાદ, જ્યા દરેક દેવ અમુક સંજોગોમાં, અમુક નિશ્ચિત સમયે, જરૂર મુજબ તત્પુરતો ઈશ્વર છે. દરેક યજમાન (સંસ્થાના
વડા)ને ખબર છે તેમજ સંસ્થામાં જોડાતાં દરેક અગ્રણી માટે એ આવશ્યક છે કે તેમણે પણ
ખરેખર સફળ થવું હશે તો આ અકૈકાધિદેવવાદને તે સમજે.
- ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૩ એપ્રિલ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Place in the Puja-roomનો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા