બુધવાર, 21 જૂન, 2023

સંપૂર્ણ પુરુષ - દેવદત્ત પટ્ટનાઈક

કૃષ્ણનાં બે સ્વરૂપ છે. એક સ્વરૂપ છે ઉત્તર ભારતમાં, મથુરાની આસપાસના ગંગાના તટીય મેદાનોમાં, અને તે પછી ઇ. સ. પૂર્વે ૩૧૧૨માં ગુજરાતના કિનારે દ્વારકાના દ્વિપમાં વસતા હતા. મહાભારત, દરિયાની અંદરના પુરાતત્વીય અવશેષો અને સિંધુ સંસ્કૃતિની મુદ્રાઓમાંથી મળેલી ખગોળશાસ્ત્રીય માહિતીના આધારે એવી માહિતી મળે છે જેમાં એક માણસને બે વૃક્ષોને ઉખેડી નાખતો દર્શાવતો હતો. જે કૃષ્ણ માટેની આસ્થા સાથે સંકળાયેલી ઘટના નું બીજું સ્વરૂપ છે. બીજા કૃષ્ણ છેલ્લા ૨,૦૦૦ વર્ષથી ભક્તોના હૃદય અને મનમાં વસે છે, અને મંદિરોમાં બિરાજમાન છે. તહેવારો, કવિતા અને કલા દ્વારા તેમના માટે આદર વ્યક્ત થતો રહે છે. આમ તો એ મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા વધારે ગણી શકાય છે, જેને તર્કસંગતતા અને પુરાવા સાથે ખાસ સંબંધ નથી. પહેલા એક ઐતિહાસિક વ્યક્તિ છે તો, બીજા એક પૌરાણિક માન્યતા છે. તર્કવાદીઓ માટે બંને કૃષ્ણ ખોટા છે. તો રાષ્ટ્રવાદીઓ માટે માત્ર ઐતિહાસિક કૃષ્ણ જ વાસ્તવિકતા છે.

તર્કવાદીઓ ૧૮મી સદીની,સાબિત થઈ શકે અને માપી શકાય તેમ હોવી જરૂરી એવી, સત્ય મનાતી "આધુનિક" ધારણાઓને અનુસરે છે. આ પ્રકારની હકીકતો ઇતિહાસલેખનના વૈજ્ઞાનિક નિયમો અંગેની એવી માહિતી પુરી પાડે છે, જેને અનુસરીને કોઈ પણ પ્રામાણિક ઈતિહાસકાર ઐતિહાસિક કૃષ્ણ અથવા તો પછી, યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામના ઐતિહાસિક અબ્રાહમ અથવા ગ્રીકના એચિલીસ અને ઓડીસિયસનું અસ્તિત્વ સાબિત કરી શકે. આમ થવાથી રાષ્ટ્રવાદીઓની ઉછળી ઉઠેલ આસ્થાને જ્યારે અવૈજ્ઞાનિક માનવામાં આવે છે ત્યારે અકળાઈને એ લોકો હિંસક પ્રતિક્રિયાઓ આપે છે.

વક્રદૃષ્ટિએ જોઇએ તો, તર્કવાદીઓ અને રાષ્ટ્રવાદીઓ, એ બંને, વૈદિક વિચારના પાયા સમાન મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા અથવા 'અર્થ'ને મહત્વ આપતા નથી. વેદોમાં સત્ય એ કોઇ વસ્તુ નથી, પરંતુ વસ્તુ વિશેનો વિચાર છે. આપણા જીવનને વસ્તુઓ સાથે સાંકળીને આપણે તેનો જે અર્થ આપીએ છીએ એ જ વાત મનુષ્યને અન્ય તમામ જીવંત જીવોથી અલગ પાડે છે. જીસસ, મુહમ્મદ, બુદ્ધ અને કૃષ્ણનું મૂલ્ય તેમના ભૌતિક અસ્તિત્વથી નહીં પરંતુ તેઓ લોકોના જીવનમાં જે અર્થ લાવે છે તેનાથી છે. બીજા શબ્દોમાં કહીએ તો, હિંદની વિચાર સંસ્કૃતિને સદીઓથી ઘડનાર કૃષ્ણનો વિચાર તેમનાં ભૌતિક અસ્તિત્વ કરતાં વધુ મહત્ત્વ ધરાવે છે.

ક્રષ્ણની કથા, રામની કથાની જેમ, વિષ્ણુ અને શિવની કથાઓની સાથે સાથે, બુદ્ધ પછીના સમય કાળમાં મઠના આદર્શોને પડકારવા માટે સંહિતાબદ્ધ કરીને લખવામાં આવી. કૃષ્ણની પુખ્તવયની કથાનું નિરૂપણ કરતું સૌથી જૂનું મહાભારત ઇ. સ. પૂર્વે ૩૦૦ થી ઇ. સ. ૩૦૦ના, મૌર્ય સામ્રાજ્યના પતન અને ગુપ્ત સામ્રાજ્યના ઉદય, અને સમાંતરે ગ્રીક -હિંદી રાજાઓ અને કુશાન વંશના ઉદયના, સમયકાળનું મનાય છે. આ મહાકાવ્યમાં એ ભગવદ ગીતા પણ છે, જેમાં કૃષ્ણ ધનુર્ધારી રાજકુમાર અર્જુનને વૈદિક તત્ત્વજ્ઞાનનો સાર સમજાવે છે. કૃષ્ણના બાળપણની કથાઓ આપણને ગુપ્તકાળથી, લગભગ ઇ.સ. ૪૦૦માં લખાયેલ મનાતા હરિવંશમાં, જોવા મળે છે. એ કથાઓમાં તેમના ગોવાળિયા તરીકેનાં મૂળનું આબેહૂબ વર્ણન છે. ઇ. સ. ૧૦૦૦ સુધીમાં, આપણે પાસે ભાગવત પુરાણ આવે છે જે ગોવાલણ ગોપીઓ સાથેનાં તેમનાં પ્રખ્યાત નૃત્ય, રાસલીલા,નું વિસ્તૃત વર્ણન કરે છે. જેની સાથે આજે પણ કૃષ્ણ અવિભાજ્ય છે તે રાધાનો સંપૂર્ણ મહિમા એક માત્ર કવિ જયદેવે ૧૨મી સદીના ગીત ગોવિંદમાં વર્ણવ્યો. જો કે, તે પહેલાં આપણને, ઇ. સ. ૫૦૦ના તમિલ સંગમ સાહિત્યમાં પિન્નાઇ નામનું રાધાનું પ્રતિબિંબ જોવા મળી ચુક્યું છે. આ તમામ શક્યતાઓમાં, મૌર્ય સામ્રાજ્ય પછીના સમયગાળામાં જ કૃષ્ણની વિભાવનાનો ઉદભવ, વૈદિક ધાર્મિક વિધિ-આધારિત પ્રાચીન હિંદુ ધર્મથી અલગ પડીને, પુરાણોની કથાઓ અને મંદિરાભિમુખી હિંદુ ધર્મનો ઉદય દર્શાવે છે.

રામની જેમ, કૃષ્ણ પણ ભૌતિક જીવન આધ્યાત્મિક જીવન જેટલું જ મહત્વનું છે એ વિચાર રજૂ કરે છે. એથી જ, મહાભારતમાં હસ્તિનાપુરનું સિંહાસન અને રામાયણમાં અયોધ્યાનું સિંહાસન એમ બન્નેમાં તત્વતઃ મિલકતનો વિવાદ છે. આપણે ફક્ત 'સ્વ' (સ્વ-ધર્મ, જીવ-આત્મા) પર જ નહીં પણ 'અન્ય' (પર-ધર્મ, પરમ-આત્મા) પર ધ્યાન કેન્દ્રિત કરીને જીવનકાર્ય કરવું જોઇએ એવા ધર્મના વિચારને તેઓ બન્ને રજૂ કરે છે અને વિસ્તારે છે. રામ સંપૂર્ણ રીતે નિયમોનું પાલન કરનારા (મર્યાદા-પુરુષોત્તમ) છે જ્યારે કૃષ્ણ ધર્મને જાળવી રાખવા નિયમોને તોડમરોડ કરનારા (લીલા-પુરુષોત્તમ) છે. તેમ છતાં, એકલા કૃષ્ણ જ છે જેમને સંપૂર્ણતઃ (પૂર્ણ-અવતાર) ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમને રામ કરતાં પણ મહાન માનવામાં આવે છે કેમ કે રામથી વિપરીત, તેઓ સૌંદર્યલક્ષી, સૌંદર્યપસંદ અને શૃંગારિક લાગણીઓને પણ અપનાવે છે.

આદિ શંકરાચાર્યના, અને તેમના પછી રામાનુજ અને માધવના, નેતૃત્વમાં હજાર વર્ષ પહેલાં વૈદાંતિક મઠ સંપ્રદાયના ઉદય થતાંની સાથે હિંદુ ધર્મ દ્વારા આવી વિષયાસક્ત ભાવનાઓથી દૂર રહેવા લાગ્યો હતો. તેઓએ બૌદ્ધ મઠના આદર્શોને ફરીથી ઘડ્યા, ગૃહસ્થ કરતાં સંન્યાસીને પ્રાધાન્ય અપાયું. તેથી, ગંગાના તટીય મેદાનોથી આગળ જતાં, મહારાષ્ટ્રમાં પંઢરપુર, કર્ણાટકમાં ઉડુપી અથવા કેરળમાં ગુરુવાયુર જેવાં મોટાભાગના કૃષ્ણમંદિરોમાં કૃષ્ણ રાધા વિના, એકલા, જોવા મળે છે. આ એવાં વલણનું દ્યોતક છે કે કૃષ્ણને પ્રેમી તરીકે નહીં પણ બાળક તરીકે, યોદ્ધા તરીકે, કે શિક્ષક તરીકે જ જોવા

સામ્રાજ્યવાદી સત્તાઓએ ભારતીયોને સ્વભાવે 'સ્ત્રૈણ' તરીકે જોવાનું વલણ અપનાવ્યું એટલે વિષયાસક્તિ અને નારી અભિમુખતાના અસ્વીકારે વિક્ટોરિયન સમયમાં પોતાને વિસ્તર્યો કારણ કે. સંસ્થાનવાદી શક્તિઓને ખોટી સાબિત કરવા માટેનો નિર્ધાર કરી ચૂકેલા ભારતીય સ્વતંત્રતા સેનાનીઓએ ભારત માતા માટેના પ્રેમની નિશાની તરીકે બ્રહ્મચર્ય અપનાવ્યું. આનું પરિણામ ઓડિશાના પુરી મંદિરમાં જોઈ શકાય છે, જ્યાં કૃષ્ણ તેમના ભાઈ-બહેનો સાથે બિરાજમાન છે. ૮૦૦ વર્ષથી વધુ જૂના આ મંદિરમાં ભોગ-મંડપ (આનંદ મંચ), નાટ્ય-મંડપ (નાટક ચેટકનો મંચ) અને આનંદ-બજાર (મોજમજાનું બજાર) જોવા મળે છે, જે ઈંદ્રિયાસક્ત સંવેદનાની આનંદકારક ખોજનાં સૂચક છે. જો કે, સમયની સાથે સાથે, સદીઓથી ગીત ગોવિંદના સુર ગાતી અને તેના નૃત્ય કરતી મહારીઓ (દેવદાસીઓ) ની સંસ્કૃતિ પણ વિલોપ થતી ગઈ કેમકે તેમને ગણિકાઓ તરીકે જોવામાં આવતી હતી. તેની સાથે સાથે પુરુષનાં વધતાં જતાં આધિપત્યની નિશાનીઓ સ્વરૂપે પોતાના ભ્રષ્ટાચારથી કુખ્યાત પંડાઓએ ઘણાં કૃષ્ણ મંદિરોમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે, તો પુરીના મઠોમાં મહંત સાધુઓ તેમની સત્તા વિસ્તારી રહ્યા છે.

જ્યારે મુસ્લિમોએ ભારતમાં પ્રવેશ કર્યો, ત્યારે કૃષ્ણની પૂજા ભવ્ય મંદિરોમાં નહીં રાજસ્થાન અને ગુજરાતના ઘરોમાં કે હવેલીઓમાં ગુપ્ત રીતે કરવામાં આવતી હતી. રાજપૂતો કૃષ્ણના વારસાને લૂંટારાઓથી બચાવી શકે એટલા સારું કરીને આ પ્રથા વલ્લભાચાર્ય દ્વારા શરૂ કરવામાં આવી હતી. . જોકે, તેની સામે ૧૭મી સદીના ઓડિશામાં મોગલ સુબેદારના પુત્ર સાલબેગ અથવા ૨૦મી સદીના હસરત મોહની જેવા ઘણા મુસ્લિમ કવિ-સંતોએ સદીઓથી કૃષ્ણની સ્તુતિમાં ગીતો રચ્યાં છે. આ વિરોધાભાસ હિંદુસ્તાનનાં હાર્દની ભાવનાને પકડે છે તો એ પણ નોંધ લેવી જ જોઈએ કે જમણેરીઓ ગુપ્ત રીતે થતી પૂજાવાળી સિક્કાની બાજુ જ જુએ છે તો ડાબેરીઓ મુસ્લિમ સંત કવિઓની સ્તુતિઓની સિક્કાની બીજી બાજુ જ જુએ છે. ઓડિશાના શિલ્પો અને નાથદ્વારામાં શ્રીનાથજીની મૂર્તિકલામાં જોવા મળતી કૃષ્ણની કેશભૂષામાં સ્ત્રીનાં કેશગૂંથનની સેર દ્વારા જોવા મળતા પૂર્ણ-પુરુષ (સંપૂર્ણ પુરૂષ)ની સહજ લિંગ પ્રવાહીતાની ભાવના બંનેમાંથી કોઈ પણ પક્ષને ગોઠતી નથી. પોતાની રાજકીય કાર્યસૂચિની શોધમાં, આપણામાંના ઘણા કૃષ્ણના વિચારબીજમાં સમાયેલ, માનવ જીવનની અસંખ્ય વિષયાસક્ત અને આધ્યાત્મિક જટિલતાઓને નકારવા અથવા નિયંત્રિત કરવાને બદલે તેની સાથે રહેલાં, સાંસારિક જીવનને સ્વીકારવાના આનંદનાં અસ્તિત્વની આધુનિકતાને જોઈ નથી શકતાં.

theweek.in.માં ૨૭ ડિસેમ્બર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.

·        દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The complete man નો અનુવાદહિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા ।

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૧ જૂન, ૨૦૨૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો