બુધવાર, 22 મે, 2024

તમારો શિરચ્છેદ, મારો શિરચ્છેદ - દેવદત્ત પટ્ટનાઈક

 

તમારા પણ જોવામાં આવતું હશે કે વધારે ને વધારે રાજકારણીઓ અને ‘ધાર્મિક નેતાઓ’માં એકબીજાનું માથું ફાડી નાખવાનું ઝનૂન વધતું જતું દેખાય છે. શું તેઓ આપણા પુરાણોમાં જોવા મળતી માથું ધરી એવાની વાર્તાઓથી પ્રભાવિત હશે?

શરૂઆત શિવના ઉગ્ર સ્વરૂપ રુદ્રથી થાય છે, જે દેવીને જોઈને અપશબ્દો બોલતાં બ્રહ્માના પાંચમા માથાને કાપી નાખે છે. માથું, અથવા કપાળ, શિવની હથેળીમાં કાળા કોઢના ડામની જેમ ચોંટી જાય છે. પરિણામે શિવને કાપાલિકમાં પરિવર્તિત થઈને પૃથ્વી પર એક એવી જગ્યા શોધવા ભટકવું પડે છે જ્યાં તે પોતાની હથેળીમાં ચીપકી રહેલાં એ કપાળના ડાઘને કાઢી શકે. આખરે તો જ્યારે કાશીમાં હાથ ધોવે છે ત્યારે શિવ મુક્તિ પામે છે.

આ જ વિષયવસ્તુનું પુનરાવર્તન થાય છે જ્યારે શિવનું બીજું એક સ્વરૂપ વીરભદ્ર શિવનું અપમાન કરનાર દક્ષનો શિરચ્છેદ કરે છે. પરિણામે, દક્ષની પુત્રી, અને શિવની પત્ની, સતી આત્મહત્યા કરે છે. કળા સ્વરૂપોમાં, શિવના ભૈરવ સ્વરૂપને ઘણીવાર એક હાથે માનવ માથું પકડીને અથવા ખોપરીઓની માળા (મુંડ-માળા)થી સજ્જ એક દેવદૂત બાળ તરીકે દર્શાવવામાં આવે છે.

લોક પરંપરાઓમાં, ખુદ ભૈરવનો જ દેવી (જમ્મુના વૈષ્ણો દેવી મંદિર સાથે જોડાયેલી વાર્તાની જેમ) ભૈરવની સતત અસંસ્કારી વર્તણૂક માટે શિરચ્છેદ કરે છે. ભૈરવ માફી માંગે છે અને તેથી, દેવીની સૂચનાથી, ભૈરવ શિર્ષ પૂજાને પાત્ર બને છે.

કાલી સ્વરૂપમાં દેવી પોતે પોતાના શરીરની આસપાસ પુરૂષ ખોપડીઓનો મણકાઓનો હાર પહેરે છે. તમિલ સાહિત્યમાં તે, યુદ્ધભૂમિ સાથે સંકળાયેલી, દેવી કોતરવાઈ તરીકે શિવના યોદ્ધા પુત્ર કાર્તિકેયની સાથે જોવા મળતી રહે છે. પતાળ-ભૈરવી અને માલતી-માધવ જેવી ઘણી લોકકથાઓ છે જેમાં તાંત્રિકો કાલીને માનવ ભોગ ચડાવે છે. અદ્ભૂત રામાયણમાં, મહિરાવણ કાલિને રામનું માથું અર્પણ કરવાનો પ્રયાસ કરે છે.

કદાચ સ્વ-શિરચ્છેદની સૌથી શક્તિશાળી છબી ચિન્નમસ્તિકાની છે, જે કપાયેલા માથાની દેવી છે. તેણેએ પોતાનું માથું કાપી નાખ્યું અને એ કાપેલું માથું તેની પોતાની કપાયેલી ગરદનમાંથી નીકળતું લોહી પીવે છે. તે એક સંભોગરત દંપતી પર બેસીને તે આ કામ કરે છે. આમ તે પ્રકૃતિના હિંસા અને લૈંગિક સિદ્ધાંતોને મૂર્ત કરે છે.

તો વળી એવી પણ વાર્તાઓ છે જ્યાં નાયકો (વિર) પોતાની ભક્તિ દર્શાવવા અથવા તો ખ્યાતિ મેળવવા માટે ભગવાન અથવા દેવીને પોતાનું મસ્તષ્ક અર્પણ કરી દેતા હોય છે. તમિલ મહાભારતમાં, જો પાંડવોની જીત સુનિશ્ચિત થતી હોય તો આરવને પોતાનો શિરચ્છેદ અર્પણ કરી દેવાનો પ્રસ્તાવ મુક્યો હતો. રાજસ્થાન પ્રદેશમાં વર્ણવતાં મહાભારતમાં, ભીમનો પુત્ર,બાર્બરીક, પાંડવોને વિજય મળે એ માટે કૃષ્ણને પોતાનું માથું અર્પણ કરે છે. આ બંને વાર્તાઓમાં કથાનાયક વિનંતિ કરે છે કે તેનું ધડવિહિન માથું પર્વતની કે ઊંચા વ્રુક્ષની ટોચ જેવાં કોઇ વ્યુહાત્મક સ્થળ પર એવી રીતે ગોઠવવામાં આવે, જ્યાંથી તેઓ કુરુક્ષેત્રમાં થતું યુદ્ધ જોઈ શકે.

દુર્ગાને પોતાનું માથું અર્પણ કરતા વીરનો વિચાર કૅલેન્ડર આર્ટમાં લોકપ્રિય વિષય છે. વીસમી સદીની શરૂઆતમાં આનું રૂપાંતરણ દેશભક્તોમાં થયું, જે શાબ્દિક રીતે તાસક પર ભારત માતાને પોતાનું માથું અર્પણ કરે છે. આ યુરોપની થુજીસની કથાનો વ્યુત્ક્રમ છે. 

એક તરફ પાશ્ચાત્ય નવલકથાકારોએ હિંદુસ્તાનના ઠગ વ્યવસાયના લોકો દ્વારા અજાણ્યા પ્રવાસીઓના શિરચ્છેદ કરીને તેને કાલીને ભોગરૂપે અર્પણ કરવાની દંતકથાને લોકપ્રિય બનાવી છે, તો બીજી બાજુએ તેની સામે રાષ્ટ્રવાદી લેખકોએ માતૃભૂમિની સેવામાં શહીદ તરીકે પોતાનું માથું બલિદાન કરનારા દેશભક્તોની વાત કરીને એ પ્રચારનો વિરોધ કર્યો છે.

કદાચ જેમાં માનવ ખોપરી સામેલ છે એવી શિરચ્છેદની આ વાર્તાઓને ગૌરવ અથવા અહંકારના બલિદાન તરીકે પ્રતીકાત્મક રીતે લઈ શકાય છે.. એવા શિરોચ્છેદ ગુપ્ત તાંત્રિક વિધિઓના જોવા મળતાં દ્રશ્યોના સૂચક છે. જોકે ઘણા તેમને શાબ્દિક અર્થમાં લેવાનું પસંદ કરે છે. આમાં બોલિવૂડ/હોલીવુડના ફિલ્મ નિર્માતાઓનો પણ સમાવેશ થાય છે જેઓ ભારતની ભયાનક બાજુને મોહક સ્વરૂપે બતાવવાનું પસંદ કરે છે, તે જ રીતે ધાર્મિક કટ્ટરપંથીઓ કે પછી તેમના તેમના રાજકીય દોરીસંચાલકોએ રક્તપ્યાસને બહાદુરીમાં અને મોહિનીકારક સ્વરૂપમાં રજુ કરેલ છે, જેને કદાચ ધાર્મિક અને રાજ્ય પ્રાયોજિત આતંકવાદના વૈશ્વિક શબ્દભંડોળની નકલ કહી શકાય.

  • મિડ – ડે માં   એપ્રિલ , ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Beheading you, beheading me નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૨ મે ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો