બુધવાર, 3 જુલાઈ, 2024

ભારતીય ન્યાયાલયો અને કર્મશીલો દેવતાઓને તેમની જાતિ અને લૈંગિક પ્રવૃત્તિઓથી વંચિત રાખી રહેલ છે? - દેવદત્ત પટ્ટનાઈક

શા માટે અમુક મંદિરોમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી?

સરળ અને મહેનત કર્યા વિના આપી શકાય એવો જવાબ છે: મંદિરોને પણ નિયંત્રિત કરે છે એવો હિન્દુ પુરુષોનો એક વર્ગ માસિક ધર્મમાં આવતી સ્ત્રીઓને ગંદી અને પ્રદૂષિત માને છે.

જટિલ જવાબ છે:  જેમની શક્તિ અથવા સિદ્ધિઓ સ્ત્રીની બધી વસ્તુઓથી દૂર રહેવાથી આવે છે એવા આ મંદિરોમાં સમાવિષ્ટ દેવતાઓને સ્થાનિક લોકવાયકાઓમાં બ્રહ્મચારી તરીકે જોવામાં આવે છે. સામાન્ય રીતે, હિન્દુ પૌરાણિક કથાઓમાં જેમને સર્વોચ્ચ સંન્યાસી માનવામાં આવે છે એવા શિવ સાથે સંકળાયેલાં આ બધાં સ્વરૂપોનાં આ મંદિરોમાં  (મહારાષ્ટ્રના શિંગણાપુરમાંનાં) શનિં, (સબરીમાલા, કેરળમાંનાં) અયપ્પા,  (હરિમપુર, હિમાચલમાંનાં) બાબા બાલકનાથ અને  (પેહોવા, હરિયાણામાંનાં ) કાર્તિકેય વગેરેનો સમાવેશ થાય છે.

શું આ જટિલ જવાબ ફક્ત લૈંગિક વિશેષાધિકારને ન્યાયી ઠેરવવા માટે એક વિસ્તૃત દલીલ છે? શું દરેક જાતિની વ્યક્તિ ભગવાન સુધી ન પહોંચી શકે?

લૈંગિક વિશેષાધિકાર અને સમાનતા જેવા શબ્દસમૂહો અને વિભાવનાઓ પરંપરાગત વિદ્યાઓને તોડમરોડ કરવા, તમામ આસ્થાવાનોને પિતૃસત્તાક દમનકારીઓમાં રૂપાંતરિત કરવા, દરેકને રક્ષણાત્મક સ્થિતિમાં મૂકવા અને કર્મશીલોને તારણહાર તરીકે ફેરવવા માટે શક્તિશાળી સાધન છે. પરંતુ આ તારણહાર કર્મશીલો અને ન્યાયાધીશો અનિવાર્યપણે ભગવાનની અબ્રાહમિક ધર્મ અનુસારની એકપક્ષી વ્યાખ્યામાં માને છે. બધી સમસ્યાઓનું મૂળ પણ અહીં જ  રહેલ છે.

અબ્રાહમિક ભગવાન

યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોની પૌરાણિક કથાઓમાં જોવા મળતા અબ્રાહમિક ભગવાન નિશ્ચિતપણે નર છે, તેથી જ તેમને પુરૂષવાચી સર્વનામોનો ઉપયોગ કરીને સંબોધવામાં આવે છે, ઇસ્લામ મુજબ તેના પ્રબોધકો તરીકે માત્ર પુરુષો છે, અને ખ્રિસ્તી ધર્મ મુજબ વિશ્વને બચાવવા માટે પુત્રીને નહીં, પણ પુત્ર મોકલવામાં આવેલ છે, તે સ્વર્ગના પિતા છે, જેનું બાળક કુંવારી માથી જન્મ્યું છે, કારણ કે તેઓ લૈંગિક પ્રવૃતિઓને નીચી કક્ષાની ગણે છે. તેમણે સડોમ અને ગોમોરાહની અતિશય જાતીય ભૂખ માટે પણ નાશ સુદ્ધાં કર્યો હતો. આ વૈશ્વિક દૃષ્ટિકોણમાં એક જાતિને બીજી જાતિ કરતાં વધારે પસંદ કરવામાં આવે છે, જેમાં ભગવાનની એક એવી જાતિ છે જે લૈંગિક વૃતિથી અંતર સેવે છે.

ખ્રિસ્તી ધર્મના મોર્મોન સંસ્કરણમાં, ભગવાનને ઘણી પત્નીઓ છે, ભગવાન લૈંગિક વ્યવહારોમાં બહુ મસ્ત પણ રહે છે અને તેમને બાળકો પણ છે. ચર્ચનો સત્તાવાર સિદ્ધાંત આમ તો એવું કહેતો નથી કે ઈસુ ખ્રિસ્ત પરિણીત હતા, પણ તેના "સભ્યો તેમની ઈચ્છા પ્રમાણે માનવા માટે સ્વતંત્ર છે" એવી છૂટ પણ આપે છે. ચર્ચ ઑફ જિસસ ક્રાઇસ્ટ ઑફ લેટર-ડે સેન્ટ્સ તરીકે પણ ઓળખાતા મોર્મોનવાદને  નકારી કાઢનારાઓ માટે, એવી નોંધ કરવી જોઈએ કે અમેરિકામાં ૧૮૩૦માં સ્થપાયેલું દેવળ દેશમાં સૌથી ઝડપથી વિકસતાં દેવળોમાંનું એક છે.

સર્વજ્ઞ ગણાતા ઝિયસથી પ્રભાવિત ગ્રીક માન્યતાઓ ઈશ્વર વિશેની પરંપરાગત અબ્રાહમિક સમજ વૈશ્વિક વિવરણોની જાણ કરે છે. વધુને વધુ, જેને અમૂર્ત દ્રષ્ટિએ વિચાર, અથવા ઊર્જા, અથવા બળ તરીકે જોવામાં આવે છે એવી ભગવાન વિશેની સમજમાંથી તમામ જાતિ અને લૈંગિકતાને વધારેમાં વધારે પ્રમાણમાં દૂર કરી  લેવામાં આવી રહી છે, . આધુનિક સૂફી ચળવળોમાં પણ, દેવ અને ભક્ત વચ્ચેનો સંબંધ પરંપરાગત રીતે પ્રેમી અને પ્રિયતમના શુદ્ધ સંબંધના સંદર્ભમાં જોવામાં આવે છે. જેનો અર્થ એ સંબંધ બિન-લૈંગિક છે એમ  માનવા માટેના બહુ ભારપૂર્વક આગ્રહ રાખવાની જરૂર જણાય છે. આ માન્યતામાં ગર્ભિત છે કે લૈંગિક વૃત્તિ રાખવી એ મનમાં  રહેલ ગંદકી છે, માસિક સ્ત્રાવના રક્તને પણ ગંદુ માનવામાં આવે છે, અને નગ્નતા વિશે ભારોભાર નાખૂશી રાખવામાં આવે છે. વાસ્તવમાં, લોકોને ખાતરી છે કે ફક્ત "આદિમ મૂર્તિપૂજક સંસ્કૃતિઓ" માં જ દેવોને નિર્ધારિત જાતિ અને લૈંગિક પ્રવૃત્તિઓ - હોય છે. કહેવાતી ઉચ્ચ સંસ્કૃતિઓમાં તો ફક્ત આધ્યાત્મિકતા જ હોય !.

હવે અનુમાન લગાવો કે હિંદુઓની ઉત્સુકતા આધુનિક હિંદુ ધર્મ આ ચર્ચામાં ક્યાં છે એમ માનવા તરફ હશે?

હિન્દુ ધર્મમાં ભગવાન

હિંદુ ધર્મમાં ભગવાન સ્વરૂપાતીત (નિર્ગુણ) અને સ-સ્વરૂપ (સગુણ) એમ બન્ને પ્રકારના માનવામાં આવે છે. જ્યારે તે સ-સ્વરૂપની વાત આવે છે, ત્યારે ભગવાન પુરુષ, સ્ત્રી અથવા ઉભયલિંગી  હોઈ શકે છે, જે અજાતીયતા અને વિલક્ષણ જાતિયતા સહિત દરેક પ્રકારની લૈંગિકતા દર્શાવે છે.

જ્યાં સુધી કાયદાથી નિષેધ ન કરાયો ત્યાં સ્ધી એક સમયે એવાં મંદિરો હતા જ્યાં દેવતાઓ સ્ત્રીઓ સાથે લગ્ન કરતા (તાંજોરની દેવદાસીઓ, પુરીની મહારીઓ); જ્યાં દેવીઓ માત્ર નપુંસકોને તેમના પુજારી તરીકે સ્વીકારતાં હતાં (બહુચરાજી, ગુજરાત), અને જ્યાં એક દેવ લિંગ પરિવર્તન કરીને પુરુષમાંથી સ્ત્રી બનેલના પતિ તરીકે સ્વેચ્છાએ સેવા આપતા હતા (કુવાગામ, તમિલનાડુ).

તો એવાં પણ એવા મંદિરો છે જ્યાં દેવી માસિક ધર્મ પાળે છે (કામાખ્યા, આસામ) અને દેવતાઓને સ્ત્રીઓના પોશાક પહેરીને લોકોસમક્ષ આવવું પડે છે (તિરુપતિ, આંધ્રપ્રદેશમાં બ્રહ્મોત્સવમ).

ભગવાનનું કયું વર્ણન સાચું વર્ણન ગણવું - અબ્રાહમિક, મોર્મોન, કે પછી હિન્દુ? જ્યાં આતંકવાદની વ્યાખ્યા પર સહમતિ થવામાં મુશ્કેલી છે એવા સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી ઈશ્વરની વૈશ્વિક સ્તરે માન્ય વ્યાખ્યા હોઈ શકે છે ?

શું ઈશ્વરની કોઈ તર્કસંગત વ્યાખ્યા હોઈ શકે?

ના.

તેની જ વ્યાખ્યાથી આસ્થા વૈજ્ઞાનિક અથવા તર્કસંગત  હોય એમ નથી માનવામાં આવતું. તે તેના પોતાના વ્યક્તિલક્ષી તર્ક, તેના પોતાનાં મંતવ્યોની, કુમારિકાઓ દ્વારા થતા બાળકના જન્મો, સ્વર્ગ અને નરક, પાપ, મુક્તિ અને આત્મા દ્વારા રચાતી બાંધણીને અનુસરે છે. આ બધી ચર્ચાઓ પર કદાચ હસતા હોય એવા બિનસાંપ્રદાયિક નાસ્તિકો નોંધ લે કે સમાનતા અને માનવ અધિકારો જેવા વિચારો પણ દેખાય આકર્ષક છે, એવાં સ્વપ્નાંઓ છે જે તથાકથિત આદિમ જાતિઓ પર કહેવાતા સંસ્કારી લોકશાહી સમાજ દ્વારા બળજબરીથી લાદવામાં આવે છે. હકીકતમાં, આજે વિજ્ઞાન, લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને રાષ્ટ્રવાદ વગેરે પણ વિશ્વ વિશેના વૈકલ્પિક દૃષ્ટિકોણને પાખંડ તરીકે જુએ છે.

બૌદ્ધ પૌરાણિક શાસ્ત્રોનું પ્રભાવ ક્ષેત્ર

ધાર્મિક પ્રથાઓની સમજવા માટે, આપણે એ ધર્મના પૌરાણિક માળખામાં કામ કરવું પડશે. હિંદુ પૌરાણિક કથાઓમાં જાતિ અને લૈંગિકતાના સ્થાનને સમજવાની એક રીત એ છે કે જ્યાં ભગવાન વિશેનો કોઈ ખ્યાલ નથી એવી બૌદ્ધ પૌરાણિક કથાઓમાં જાતિ અને લૈંગિકતાના સ્થાનને સમજવું.

બૌદ્ધ ધર્મના પ્રથમ તબક્કામાં, બુદ્ધને પ્રતીક (પદની છાપ, છત્ર, કમળ) તરીકે દર્શાવવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં, બુદ્ધને એક સુંદર પરંતુ અજાતીય માનવી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. ત્રીજા તબક્કામાં, બુદ્ધન, અથવા તેમના બદલે બોધિસત્વ, ઉભયલિંગી  અને નારી પણ બન્યા. ચોથા તબક્કામાં, બુદ્ધને એક દેવી, તારા, સાથે જોવાનું શરૂ થયું, અથવા તો તેમની સાથે,(યબ-યમ પ્રતિમાઓમાં કે ચિત્રોમાં) સંભોગ અવસ્થામાં બતાવાયા.  આ તબક્કઓ એક હજાર વર્ષોના ઘટનાક્રમમાં જોવા મળ્યા , જે રવાદી બૌદ્ધ ધર્મમાંથી મહાયાન બૌદ્ધવાદ અને પછી વજ્રયાન બૌદ્ધ ધર્મ સ્વરૂપે બૌદ્ધ વિચારસરણીમાં થયેલાં પરિવર્તનને પ્રતિબિંબિત છે.

વિનય પિટક જેવા પ્રારંભિક બૌદ્ધ ગ્રંથોમાં, સ્ત્રીઓને ધમ્મના માર્ગમાં સૌથી મોટા જોખમ તરીકે જોવામાં આવી હતી. પાછળથી, બુદ્ધને તારણહાર વ્યક્તિ તરીકે જોવામાં આવ્યા હતા, જે કરુણા જેવા નારીસહજ ગુણો દર્શાવે છે. અંતે, વીર્યની શક્તિમાં વિશ્વાસ ઉત્પન્ન થયો, એવી માન્યતા જે પાછળથી તંત્ર તરીકે ઓળખાયો. તંત્ર શાસ્ત્રોમાં જાળવી રાખવામાં આવેલ વીર્ય સિદ્ધિ તરીકે ઓળખાતી અલૌકિક શક્તિઓ પ્રદાન કરે છે એમ માનવામાં આવે છે. જેઓ તેને પ્રાપ્ત કરે છે તેઓને સિદ્ધ કહેવામાં આવે છે. પ્રારંભિક બૌદ્ધ ધર્મનું માનવું હતું કે આ શક્તિ સ્ત્રી શરીરના આકર્ષણથી દૂર પુરૂષ દેહ ધરાવતી કોઈ પણ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. પાછળથી બૌદ્ધ ધર્મ માનતો હતો કે આ પ્રક્રિયા સ્ત્રીઓ સાથે સંભોગથી થતી ઉત્તેજનાને કારણે થતા વીર્ય સ્ત્રાવ દ્વારા પણ ઝડપી થઈ શકે છે. એમ કહેવાય છે કે આમ કરવું એ "વીર્યની વિપરીત ગતિ" (ઉર્ધ્વ-રેત)નું કારણ બની રહી શકે છે.

પરંતુ જ્યારે આપણે આજે બૌદ્ધ ધર્મની વાત કરીએ છીએ, ત્યારે આપણે તે કાં તો આધ્યાત્મિક અથવા ક્રાંતિકારી હોવાની વાત કરીએ છીએ, પરંતુ લિંગ અને જાતિયતા અને વીર્ય-શક્તિમાંની માન્યતાઓ સંબંધિત તમામ વાતચીતોને ટાળીએ છીએ. શા માટે? તે ખ્રિસ્તી અપરાધભાવ, પ્રકૃતિગત શરમ, કે પછી માત્ર બિનસાંપ્રદાયિક શરમ છે?

તંત્ર પરંપરા બૌદ્ધ અને હિન્દુ ધર્મ, એમ બન્ને ધર્મોની એક સામાન્ય ઉપનદી છે. જાતિ, લૈંગિકતા અને વીર્યની ગતિ જેવી ઘણી બાબતોમાં  હિંદુ વિચારસરણીની વિવિધ શાખાઓમાં સમાન માન્યતાઓ અસ્તિત્વ ધરાવે છે. તંત્રએ વેદાંતના સંન્યાસ પ્રણાલિકાનાં પ્રતિરોધક બળ તરીકે કામ કર્યું. જો બ્રહ્મચર્ય વરેલા વેદાંત શિક્ષકોને કોઈ બીજા બ્રહ્મચારી અથવા સીતા અને રામની સેવા કરી શકે માટે લગ્ન કરવાઓ ઇનકાર કરતા હનુમાન જેવા અનુકરણ કરવા લાયક આદર્શ જોવા મળે છેતો તેની સામે તાંત્રિક પરંપરા રાધાના પાત્રને આદર્શ તરીકે રાખે છે, જેણે બીજા પુરુષ સાથે લગ્ન કર્યા હોવા છતાં, રાત્રે જંગલમાં કૃષ્ણ સાથે નૃત્યલીલા  કરે, કૃષ્ણ તેને સંતોષે એવી માગણી પણ મુકે. અને તેમ છતા, ગીત ગોવિંદમાં આપણને જોવા મળે છે તેમ એમનો સંબંધ એવો નથી જેમાં રાધા પુરૂષોવિત નજરનો ભોગ બને છે. રાધા એક જ્યાં તે શક્તિ છે, જેની માગણીઓ ભગવાનની દિવ્યતાને જીવંત કરે છે.

વિક્ટોરિયન દૃષ્ટિકોણ

પરંતુ ૧૯મી સદીમાં દેવી-દેવતાઓના જાતિ અને જાતિયતા સંબંધિત  આ તમામ વિચારોને દબાવી દેવામાં આવ્યા હતા કારણ કે હિંદુ સુધારકોએ હિંદુ ધર્મમાં સફાઈ કરીને તેને શુદ્ધ કરવાનો, અને તેમ કરીને  વિક્ટોરિયન કૃપાદૃષ્ટિની મહોર મેળવવાનો પ્રયાસ કર્યો. કોઈપણ જાતીય પ્રવૃતિ વિના, દેવીદેવતાઓ માતા-પિતા બન્યાં, જેથી, સંભવતઃ તેઓ પુરૂષ કે સ્ત્રી ભક્તોની ઇચ્છા ન કરે. દેવીઓની કામોત્તેજક દેહયષ્ટિ અને પૌરુષત્વભર્યા દેવતાઓની મંદિરમાંની મૂર્તિઓને ચંદનના લેપથી આવરી લેવામાં આવતી હતી. તેમના સુંદર શરીરનું વર્ણન કરતા સ્તોત્રો અને વીરતા અને પ્રજનન ક્ષમતાને ખાસ અવગણવામાં આવી. ખ્રિસ્તી મિશનરીઓના દાખલાની  જેમ, વીર્ય-શક્તિ મેળવવાની ધાર્મિક પ્રથાને બદલે બ્રહ્મચર્યને માનવતા માટેના વધુ શ્રેય માટે બલિદાન તરીકે રજુ કરવામાં આવ્યું. હકીકતમાં, જ્યારે અમેરિકન વિદ્વાનોએ તેમના પુસ્તકોમાં આવા કેટલાક તાંત્રિક વિચારો તરફ ધ્યાન દોર્યું, ત્યારે હિંદુ કર્મશીલો રોષે ભરાયા, એ લોકોને વિકૃત માનસના જાહેર કર્યા અબે તેમનાં પુસ્તકો પર પ્રતિબંધની માંગ કરી અને અમુક કિસ્સાઓમાં એવાં પુસ્તકોને બાળી સુદ્ધાં નાખ્યાં.

વિચિત્રતા એ છે કે દેવતાઓ અને દેવીઓના આ રીતે લૈંગિકતાવિહિન કરવા છતાં બ્રહ્મચારી દેવતાઓની હાજરીમાંથી સ્ત્રીઓને બાકાત રાખવાનું સમજાવવું મુશ્કેલ બન્યું. જો હિંદુ દેવતાઓ વિશે કંઈ કામુકતા નથી, તો પછી સ્ત્રીઓની સામે શું વાંધો છે? જે કંઈ સમજૂતીઓ અપાઈ તે બધી દયનીય બની ગઈજેમ કેમાસિકનું લોહી ગંદુ છે”. "વીર્ય શક્તિ" ની તરફેણમાં બોલવાની કોઈ હિંમત કરી શકતું નહોતું. એવું નથી કે હિંદુઓ આ વિચારોથી વાકેફ નથી - માત્ર તે એવો ચર્ચાસ્પદ વિષય છે જેને છેડવામાં જ હિત છે, લોકો શું કહેશે તેની આપણને વધુ ચિંતા છે. આપણે હજુ પણ બ્રહ્મચર્ય અને વીર્ય-શક્તિને મહત્ત્વ આપીએ છીએ, કેમકે આપણે બ્રહ્મચર્યને તેજસ (પવિત્ર તેજ) અને સિદ્ધિ (આધ્યાત્મિક શક્તિ) માટે ઈંધણ માનીએ છીએ. તે જ કારણ છે કે આપણા તાંત્રિકો સુનિશ્ચિત કરે છે કે તેમની બ્રહ્મચારી સ્થિતિ તેમના આગવી ઓળખનાં સ્થાપત્યનો એક અભિન્ન ભાગ છે. તાંત્રિક સાધ્વીઓ પણ ભારપૂર્વક કહેતી હોય છે તેમને ક્યારેય માસિક સ્રાવ થતો નથી અને કદિ થશે પણ નહીં.

લવાદ તરીકે અદાલતો

કદાચ આપણે એવી દલીલ કરી શકીએ કે બ્રહ્મચારી દેવતાઓના મંદિરમાં પ્રવેશની માગણી કરતી સ્ત્રીઓને એવાં દેવીઓનું પીઠબળ છે જે  ભગવાં વસ્ત્રોધારી, દાઢીવાળા, બ્રહ્મચારી પુરુષો હિંદુ ધર્મના સ્વ-નિર્મિત નેતાઓ તરીકે કેન્દ્ર સ્થાને આવી રહ્યા છે એવા સમયે પોતાનું મહત્ત્વ સ્વીકારવાની માંગણી કરી રહ્યાં છે. આપણે ઘોષણા કરી શકીએ છીએ કે આ એ હિંદુ ધર્મ છે જે ભૂતકાળમાં પણ જેમ અનેક વાર કરી ચુક્યો છે એમ તે જાતે જ પોતાને સુધારી લે છે..

પ્રશ્ન એ છે કે આપણે આ બધું ક્યાં સુધી ચલાવતાં રહીશું? શું હવે અદાલતો મહિલા અખાડાઓ અને જાતિપરિવર્તિતોના અખાડાઓને પુરૂષોના અખાડાઓની સાથે ખીલવા દેશે? શું આપણે એવા દિવસની કલ્પના કરી શકીએ કે જ્યારે કુંભ મેળામાં શાહી-સ્નાન માસિક સ્રાવવાળી સાધ્વીઓ પણ કરી શકશે, અને ભસ્મધારી, બ્રહ્મચારી, નાગા બાવાઓનો વિશેષાધિકાર નહીં રહે ? અથવા આ મુદ્દાઓ અદાલતોને માટે પણ બહુ જ્વલનશીલ છે?

પ્રણાલિકાઓનું ઉલ્લંઘન હંમેશા પરાક્રમભર્યું મનાય છે. જે દેવતાઓએ દંતકથાઓ અનુસાર, પરંપરાગત માન્યતા મુજબ સ્ત્રીઓને પોતાથી દૂર રાખી છે એમનાં મંદિરોમાં સ્ત્રોના પ્રવેશને એક વિજય તરીકે જોવામાં આવે છે, સ્ત્રીઓને અશુદ્ધ તરીકે જોવાની પિતૃસત્તાક પરંપરાના અંત તરીકે જોવામાં આવે છે. પરંતુ દેવતાના બ્રહ્મચર્ય પર આ કાર્યની શું અસર થશે? શું અગ્રણી દેવતાઓ મહિલાઓની હાજરીથી પ્રભાવિત થશે? શું ભક્તોને તેમના તરફ આકર્ષિત કરતી તેમની સિદ્ધિ સમય જતાં ક્ષીણ થશે? અથવા આપણે એમ માની લઈ શકીએ કે એકવીસમી સદીના બધા દેવતાઓ લિંગ-નિરપેક્ષ છે, કે બધી  જાતીયતા વિહોણા થઈ ગયા છે? શું આપણે હિંદુ ધર્મની તાંત્રિક ઉપનદીઓનો નાશ કરવા માંગીએ છીએ, કે પછી તેમની સામે આંખ આડા કાન કરીને તેમને નકારી કાઢીને સ્વચ્છતાવાળા નવા યુગના બૌદ્ધ આધ્યાત્મિકતાના માર્ગે ચાલવા માગીએ છીએ?

આપણા દેવતાઓ અને આપણા ધર્મના જાતિ અને લૈંગિકતા પરના આ પ્રશ્નોના જવાબ કોણ આપી શકશે? મારું માનવું છે કે, હિંદુ ધર્મના રહસ્યોને ઉઘાડવા માટે આપણે ભારતના માનનીય ન્યાયાધીશો અને પવિત્ર બંધારણ વિશેની તેમની સમજણ તરફ વળવું પડશે. એમના સિવાય બીજા કોઈને તો સ્વીકૃતિ પણ નથી.

  • સ્ક્રોલ.ઈનમાં ૧૮  એપ્રિલ , ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Are Indian courts and activists denying the gods their gender and sexuality?  નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા, વૈશ્વિક પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૩ જુલાઈ ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો