જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iના આંશિક અનુવાદ મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ ના અંશ (૬)થી આગળ
આજે લોકોને ઔપચારિક
સંબંધ ઘણાં બધાં સાથે હોય છે. થોડાં લોકો સાથે થોડો કદાચ પરિચય પણ હોય છે, પણ થોડી પણ ઓળખાણ તો માંડ કોઈકની સાથે જ
હોય છે. આ પરિસ્થિતિનું એક પરિણામ એ આવે છે કે લગ્નલાયક ઉમરનાં યુવાન યુવતીઓને
પોતાને લાયક પાત્ર શોધવામાં ફાંફાં પડે છે, અને લગ્ન વિષયક જાહેરાતોનો આશ્રય લેવો
પડે છે.
+ + + +
ટ્રિબ્યુન, ૧૯૪૪
૨૬ મે, ૧૯૪૪
એક
દિવસ હું એક યુવાન અમેરિકન સૈનિક સાથે વાત કરી રહ્યો હતો. બીજાં બધાં પણ જેમ કહે
છે તેમ તેણે પણ મને કહ્યું કે લગભગ સામાન્ય રીતે
અમેરિકી સૈન્યમાં બ્રિટિશરો તરફ સંપૂર્ણપણે નાપસંદગીનું
વલણ જોવા મળે છે. તે તાજેતરમાં જ આ દેશમાં ઉતર્યો હતો, અને જ્યારે તે બોટમાંથી ઉતર્યો ત્યારે તેણે ડોક પરના મિલિટરી પોલીસમેનને
પૂછ્યું, 'ઈંગ્લેન્ડ કેવું છે?'
‘અહીંની છોકરીઓ નિગર સાથે
ફરે છે,’ મિલિટરી પોલીસમેને જવાબ આપ્યો. 'તેઓ તેમને અમેરિકન ઈન્ડિયન
કહે છે.'
એક મિલિટરી પોલીસમેનના
દૃષ્ટિકોણથી ઈંગ્લેન્ડ વિશેની તે મુખ્ય હકીકત હતી. તે જ સમયે મારા મિત્રએ મને
કહ્યું કે બ્રિટિશ વિરોધી લાગણી હિંસક નથી અને ફરિયાદનું કોઈ સ્પષ્ટ રીતે કોઈ ચોક્કસ નિશ્ચિત
કારણ પણ નથી. મોટા ભાગના લોકો પોતાના ઘરથી દૂર રહેવાથી જે અનુભવે છે તે
અસ્વસ્થતાનું તે કદાચ તર્કસંગતીકરણ છે. પરંતુ અમેરિકામાં બ્રિટિશ વિરોધી લાગણીના
સમગ્ર વિષયની વિગતે તપાસની જરૂર છે. યહૂદી વિરોધીવાદની જેમ, તેના માટે પણ શ્રેણીબદ્ધ સ્પષ્ટતાઓ કરવામાં આવે છે. વળી, યહૂદી-વિરોધીવાદની જેમ, કદાચ અન્ય કોઈ વસ્તુનો જ તે
મનોવૈજ્ઞાનિક વિકલ્પ છે. એ બીજી બાબત શું
તેની તપાસ કરવાની જરૂર છે.
દરમિયાન, એંગ્લો-અમેરિકન સંબંધોનો એક વિભાગ છે જે સારી રીતે ચાલી રહ્યો હોવાનું
જણાય છે. કેટલાક મહિનાઓ પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે કમસે કમ ૨૦,૦૦૦ અંગ્રેજી છોકરીઓએ અમેરિકન સૈનિકો અને ખલાસીઓ સાથે લગ્ન કરી લીધા છે
અને ત્યાર પછીથી આ સંખ્યામાં વધારો જ થયો હશે. આમાંની કેટલીક છોકરીઓને અમેરિકન રેડ
ક્રોસ દ્વારા ચલાવાતી ‘સ્કૂલ્સ ફોર બ્રાઇડ્સ ઑફ યુએસ
સર્વિસમેન’ દ્વારા નવા દેશમાં તેમણે જીવન કેમ વ્યતિત કરવું
તે માટે શિક્ષિત કરવામાં આવી રહી છે. અહીં તેઓને અમેરિકન રીતભાત, રિવાજો અને પરંપરાઓ વિશેની વ્યવહારુ વિગતો શીખવવામાં આવે છે — અને કદાચ, એમની એવી વ્યાપક ભ્રમણા પણ દૂર કરવામાં
આવે છે કે દરેક અમેરિકન પાસે એક મોટર કાર છે અને દરેક અમેરિકન ઘરમાં
બાથરૂમ, રેફ્રિજરેટર અને ઇલેક્ટ્રિક વૉશિંગ-મશીન છે.
મેટ્રિમોનિયલ પોસ્ટ અને
ફેશનેબલ મેરેજ એડવર્ટાઈઝરના મે મહિનાના અંકમાં ક્ન્યાઓ
માટે ૧૯૧ પુરૂષોની અને પતિઓ માટે ૨૦૦થી વધુ મહિલાઓ શોધ કરે છે એવી જાહેરાતો છે. આ
પ્રકારની જાહેરખબરો '૬૦ના દાયકાના અથવા તે પહેલાંના
સામયિકોની આખી શ્રેણીમાં ચાલી રહી છે, અને તે લગભગ હંમેશા
ઘણી સમાન હોય છે. દાખલા તરીકે:
કુંવારો, ઉંમર ૨૫, ઉંચાઈ ૬ ફૂટ ૧ ઇંચ, પાતળો,
બાગાયત, પ્રાણીઓ, બાળકો,
સિનેમા વગેરેનો શોખીન, ફૂલો, પ્રકૃતિ, બાળકો પ્રત્યે પ્રેમ ધરાવતી સરેરાશથી વધારે
ઊંચાઈ ધરાવતી, મધ્યમ બાંધાની, ચર્ચ ઓફ ઈંગ્લેન્ડમાં
આસ્થા ધરાવતી, ૨૭ થી ૩૫ વર્ષની વયની સ્ત્રી, સાથે મુલાકાત કરવા
ઈચ્છે છે .
સામાન્યપણે બધી
જાહેરાતો આવી જ હોય. જોકે ક્યારેક ક્યારેક વધુ અસામાન્ય સુર પણ આવી પડતો હોય છે.
દાખલા તરીકે:
હું ૨૯નો, કુંવારો, ૫ ફૂટ ૧૦ ઇંચ, અંગ્રેજી,
પહોળું કદ, માયાળુ,
શાંત, વૈવિધ્યસભર બૌદ્ધિક રુચિઓ, મક્કમ નૈતિક પૃષ્ઠભૂમિ (સંપૂર્ણપણે CO તરીકે બિનશરતી
નોંધણી કરાવેલ), પ્રગતિશીલ, સર્જનાત્મક,
સાહિત્યિક ઝોક ધરાવું છું. દુર્લભ ટિકિટોનો
વેપારી,
આવકમાં વધઘટ પરંતુ તદ્દન પર્યાપ્ત. મજબૂત તરવૈયો, સાઇકલ ચલાવનાર, ક્યારેક ક્યારેક થોડી
થોડી તોતડાશ ખરી.
આ મુજબની અસ્માન્યતાની શોધમાં - મિલનસાર,
અનુકૂલનશીલ, શિક્ષિત છોકરી, આંખ અને કાનની કાચી ન હોય, ૩૦ વર્ષથી ઓછી વયની,
સેક્રેટરી અથવા તેના સમાન પ્રકારની, માનસિક
રીતે સાહસિક, લોલુપ અને સામાજિક આકર્ષણોની અસરમાં ન આવે એવી,
વાસ્તવિક રમૂજની તેજસ્વી ભાવના, વિશ્વસનીય
કાર્યકારી ભાગીદારની શોધમાં. મૂડી બિનમહત્વપૂર્ણ, ચારિત્ર્ય
મહત્વપૂર્ણ.
આ જાહેરાતોમાં જે એક બાબત
હંમેશા ખુંચતી રહે તેવી છે તે એ કે લગભગ તમામ અરજદારો નોંધપાત્ર રીતે લગ્નને લાયક
છે. માત્ર એટલું જ નહીં, તેમાંના મોટા ભાગના લોકો
સંકુચિત માનસના નથી, બુદ્ધિશાળી, કુટુંબ
વત્સલ, સંગીતપ્રેમી, વફાદાર, નિષ્ઠાવાન અને પ્રેમાળ, રમૂજની તીવ્ર ભાવના સાથેના
છે. સ્ત્રીઓના કિસ્સામાં, આ બધાં
ઉપરાંત સારી દેહયશ્ટિ પણ છે. મોટાભાગના કિસ્સાઓમાં તેઓ આર્થિક રીતે પણ ઠીકઠાક છે.
જ્યારે તમને એમ લાગતું હોય કે લગ્ન કરવું તો કેટલું સહેલું છે, ત્યારે તમે કલ્પના પણ નહીં કરો કે ૩૬ વર્ષના કુંવારા, 'શ્યામ વાળ, ગોરો રંગ, પાતળો
બાંધો, ૬ ફૂટની ઊંચાઈ, સારી રીતે
શિક્ષિત અને વિચારશીલ, આનંદી અને બુદ્ધિશાળી સ્વભાવ, વાર્ષિક આવક £1,000 અને મૂડી ધરાવતા 'યુવક'ને અખબારના કૉલમ દ્વારા પોતાને માટે કન્યા
શોધવાની જરૂર પડશે. અને એવું જ 'સાહસિક, ડાબેરી અભિપ્રાયો, આધુનિક દૃષ્ટિકોણ ધરાવતી' સાથે 'એકદમ સંપૂર્ણ પરંતુ સુડોળ દેહયષ્ટિ, મધ્યમ રંગના વાંકડિયા વાળ, રાખોડી-વાદળી આંખો,
ગોરી ત્વચા, કુદરતી રંગ, સ્વાસ્થ્ય અપવાદરૂપે સારું, સંગીત, કલામાં રસ, સાહિત્ય, સિનેમા,
થિયેટર, વૉકિંગ, સાઇકલિંગ,
ટેનિસ, સ્કેટિંગ અને રોઇંગનો શોખીન' 'યુવતી'ને માટે પણ છે. આવા સર્વોત્કૃષ્ટ લગ્નલાયક 'યુવાનો'એ જાહેરાત શા માટે કરવી પડે?
એ નોંધવું જોઈએ કે મેટ્રિમોનિયલ પોસ્ટ લગ્નનવિષયક
જાહેરાતોની બાબતમાં જરા પણ કચાશ છોડતું નથી. તે તેના જાહેરાતકર્તાઓ વિશે
કાળજીપૂર્વકની તપાસ પણ કરે છે.
આ બાબતો ખરેખર જે દર્શાવે છે
તે મોટા શહેરોમાં રહેતા લોકોની અસહ્ય એકલતા છે. લોકો કામ માટે મળે છે અને પછી બહુ
જ છુટાં છવાયેલાં ઘરોમાં વિખરાઈ જાય છે. તળ લંડનમાં ક્યાંય પણ બાજુમાં રહેતા
લોકોનાં નામ એકબીજાં પડોશૉઓ જાણતાં હોય એ કદાચ અપવાદરૂપ ગણાય છે.
વર્ષો પહેલા હું પોર્ટોબેલો
રોડ પર થોડા સમય માટે રહેતો હતો. એ કોઈ ખાસ
ફેશનેબલ રહેણાક વિસ્તાર કહી શકાય એમ નહોતું, પરંતુ મકાનમાલિક નામાંકિત મહિલાની એક સમયની નોકરાણી હતી અને તે પોતાના
વિશે ઊંચો
અભિપ્રાય ધરાવતી હતી. એક દિવસ મુખ્ય દરવાજામાં કંઈક ગડબડ થઈ અને મારી મકાનમાલિક, તેના પતિ અને હું બધાં ઘરની
બહાર 'પુરાઈ' ગયાં. એટલું તો સ્પષ્ટ હતું કે અમારે ઉપરની
બારીમાંથી અંદર જવું જોઈએ, બાજુમાં જ છૂટક કામો કરતો બિલ્ડર
રહેતો હોવાથી મેં તેની પાસેથી સીડી ઉધાર લેવાનું સૂચન કર્યું. મારી મકાનમાલિક એ
સૂચન બાબતે થોડી અસ્વસ્થ દેખાતી હતી.
‘મને એમ કરવું
પસંદ નથી," તેણે છેવટે કહ્યું. 'જુઓ,
આપણે તેને ઓળખતાં નથી.
અમે અહીં ચૌદ વર્ષથી આવ્યા છીએ, અને અમારી
આજુબાજુના લોકોની સાથે ઓળખાણ ન રાખવાનું અમે હંમેશા ધ્યાન રાખ્યું છે.
અહીંના જેવા પડોશમાં એમ કરવું ઠીક નથી. જો તમે એકવાર તેમની સાથે વાત કરવાનું શરૂ
કરો તો તેઓ લાગુ પડી જાય છે, તમે સમજ્યા !’
પરિણામે અમારે તેના પતિના
સંબંધી પાસેથી સીડી ઉછીની લેવી પડી, અને ખૂબ જ
મહેનત અને અગવડતા સાથે તેને લગભગ એક માઈલ જેટલી
ઉપાડીને લઈ જવી પડી.
+ + + +
Orwell in Tribune, As I Please and
Other Writings 1943-1947" – Paul Anderson - The Orwell Society
જાણીતા પત્રકાર અને વ્યાખ્યાતા, પૉલ એન્ડર્સન, 'ટ્રિબ્યુન' સાથે તંત્રી સહિતની વિવિધ ભુમિકાઓમાં ૧૯૮૬થી ૨૦૧૪ સુધી સંકળાયેલ હતા.
૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ તેમણે ઑર્વેલ સોસાયટીના ઉપક્રમે આપેલ પ્રસ્તુત વ્યાખ્યાન તેમનાં પુસ્તક, Orwell
in Tribune, As I Please and Other Writings 1943-1947, ના સંદર્ભમાં છે.
+ + + +
જ્યોર્જ
ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ,
As I Please (1943 – 1944) : Part Iનો આંશિક અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો