વેદ વિશ્વને અલગ રીતે જુએ છે. જેમ જેમ આપણે હિન્દુ ધર્મના
વૈદિક સમયથી પૌરાણિક સમયમાં પરિવર્તનનો અભ્યાસ કરીએ છીએ, તેમ તેમ આપણને આનન્ત્ય (અનંત), વિવિધતા (અનેક) અને અસ્થાયીતા (અનિત્ય) જેવા ખ્યાલો પ્રત્યે
એક પ્રકારનું વળગણ જોવા મળે છે.નિશ્ચિત "નિયમો/મૂલ્યો" ના સમૂહ દ્વારા
વિશ્વને "સ્થિર" કરવાનો પ્રયાસ કરનારા અબ્રાહમિક કે સેમિટિક વિચારધારાથી
અહી તદ્દન વિપરીત સ્થિતિ જોવા મળે છે..
વેદોમાં, સંસ્કૃતિથી
પહેલા,
મનુષ્યોથી પણ પહેલા પ્રકૃતિ આવી હતી. અને પ્રકૃતિ
"જંગલના કાયદા" મુજબ કાર્ય કરે છે જ્યાં તાકાત જ છેલ્લો શબ્દ હોય છે,
એ દૃષ્ટિએ જે સૌથી યોગ્ય લોકો જ ટકી રહે છે, અને તેના આધારે ભૂખ અને ભયથી પ્રેરિત પ્રાણીઓ ખોરાકની
સાંકળો,
વ્યવસ્થા તંત્ર અને પોતાના પ્રભાવ હેઠળના પ્રદેશો સ્થાપિત
કરે છે.
કલ્પના કરવાની માનવ ક્ષમતાને કારણે આપણે જંગલની આ રીત
અપનાવવાની જરૂર નથી રહેતી. આપણે લાચારોને મદદ કરી શકીએ છીએ. આપણે નબળાં લોકોને ટકી
રહેવામાં મદદ કરવા માટે સંસાધનો પૂરા પાડી શકીએ છીએ. આપણે ટોળા કે સમૂહો બનાવવાની
જરૂર નથી. આપણે પ્રભુત્વ મેળવવાની કે પ્રાદેશિક આધિપતી બનવાની જરૂર નથી. આપણે આપણી
કલ્પનાશક્તિનો ઉપયોગ આપણી ભૂખ અને ભયને અતિક્રમવા માટે કરી શકીએ છીએ, અને બીજાઓને તેમની ભૂખ અને ભયનો સામનો કરવામાં મદદ કરી શકીએ
છીએ. મનુષ્યોમાં બીજાઓ વિશે વિચારવાની ક્ષમતા (પર-આત્મા) હોય છે અને તેથી તે સ્વ
(જીવ-આત્મા) ની બહાર અનંત દિવ્ય (પરમ-આત્મા) સુધી પહોંચી શકે છે. જ્યારે આપણે આમ
કરીએ છીએ,
ત્યારે આપણે આપણી સાહજિક ક્ષમતા સાથે સુસંગત બનીએ છીએ. આ
ધર્મ છે. જ્યારે આપણે તે નથી કરતા, જ્યારે આપણે આપણી ક્ષમતા સાથે સુસંગત નથી રહેતા, ત્યારે આપણે અધર્મનું પાલન કરીએ છીએ.
વૈદિક વિશ્વ દૃષ્ટિકોણમાં, ધ્યાન નિયમો/મૂલ્યો, આજ્ઞાપાલન અને સજા પર નથી અપાતું. પરંતુ સભાનતાપૂર્વક અન્ય
લોકો સાથે જોડાવા અને આપણી ભૂખ અને ભય ઘટાડવા તરફ કામ કરવા પર છે. બહુ વધારે પડતી
ભૂખ અને ભય અહંકાર અથવા અહંમને પોષે છે, અને આપણને દિવ્યતા અથવા આત્માથી દૂર લઈ જાય છે. જ્યારે
મનુષ્ય સ્વ-વૃદ્ધિ માટે અન્ય લોકો પર પ્રભુત્વ અને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે કાર્યમાં અહંમ છે. જ્યારે આપણે લોકોને એકબીજા
સાથે સહાનુભૂતિ દર્શાવવા, અને
અન્યને હરાવવા અને નિયંત્રિત કરવાને બદલે આનંદિત કરવાનો પ્રયાસ કરવા સક્ષમ બનાવીએ
છીએ,
ત્યારે આત્મા કાર્માંરત બને છે. નિયમો/મૂલ્યો ફક્ત તેના
માટે એમ મહત્વનું સાધન છે.
અને તેથી રામાયણમાં, આપણી સામે નિયમ-પાલન કરનાર નાયક (રામ) અને નિયમ-ભંગ કરનાર
વિલન (રાવણ) છે, અને મહાભારતમાં આપણી
પાસે નિયમ-ભંગ કરનાર નાયક (કૃષ્ણ) અને નિયમ-પાલન કરનાર વિલન (દુર્યોધન) છે. આમ, સમસ્યા નિયમ/મૂલ્યની નથી. સમસ્યા આજ્ઞાપાલનની કે અવજ્ઞાની
નથી. સમસ્યા એ છે કે "તમે ક્યાંથી આવો છો",
"તમારો હેતુ શું છે". શું તમે ફક્ત
પોતાના માટે (જીવ-આત્મા) કામ કરો છો કે બીજા (પર-આત્મા) વિશે ચિંતિત છો? રામ અને કૃષ્ણ બીજા માટે કામ કરે છે, રાવણ અને દુર્યોધન પોતાના માટે કામ કરે છે. આપણે બધા વચ્ચે
છીએ,
આશા રાખીએ કે આપણે ધર્મ અને આત્મા (રામ/કૃષ્ણ) તરફ આગળ વધી
શકતાં રહીએ.
- ડેઇલીઓ.કોમમાં ૨૭ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, What are Vedic values, aka ‘Indian Ethos’ of the Hindus? નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૨૫
ફેબ્રુઆરી ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો