બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026

મોટું, હજુ મોટું, સૌથી મોટું - દેવદત્ત પટ્ટનાઈક

 

હિન્દુ પૌરાણિક કથાઓમાં માપણીનો વિચાર એક મુખ્ય વિષય છે. પુરાણોની વાર્તાઓ આપણને માપણીની જટિલતાનો પરિચય કરાવે છે. એક રાજા કહે છે કે તે ત્રણ ડગલામાં વામન જેટલી જમીન આવરી શકે તેટલો બધો જમીન આપશે. પછી વામન એક વિશાળકાય વ્યક્તિમાં પરિવર્તિત થાય છે, તેનું માથું તારાઓથી આગળ વધે છે, તેના પગ સમુદ્રના તળિયે પહોંચે છે, અને બે ડગલામાં સમગ્ર ભૌતિક વિશ્વને આવરી લે છે. "રાજન, ત્રીજું ડગલાં ભર્યા પછી હું મારો પગ ક્યાં મૂકું? મને એવી જગ્યા બતાવો જે હવે મારી નથી," વામનમાંથી મહાકાય વ્યક્તિ બનેલ આ માંગ કરે છે. રાજા તેમને નમન કરે છે અને પોતાનું શિર, પોતાના ઘમંડનું સ્થાન, પગ મુકવા માટે અર્પણ કરે છે. એ ઘમડ જે એ જોવામાં નિષ્ફળ ગયો હતો કે માણસના ત્રણ માપ ભગવાનના ત્રણ માપ નથી.

આ જ વિચાર મંદિરની કથાઓમાં જોવા મળે છે. પેરુમલ અથવા વિષ્ણુને સમર્પિત ઘણા તમિલ મંદિરોના પ્રવેશદ્વાર પર, દ્વારપાલ, જય અને વિજય હોય છે, જે ભક્તોને ગર્ભગૃહમાં, દરવાજા પર અને તેની બહાર શું દેખાય છે તેના પર ધ્યાન આપવા માટે તેમની તર્જની આંગળી ઉંચી કરીને ચેતવણી આપે છે.

બે દ્વારપાલોની છબીનું અવલોકન કરતાં, આપણે જોઈશું કે તેમના પગ એક ગદા પર મૂકવામાં આવ્યા છે અને એક સાપ આ ગદાની આસપાસ ગૂંથાયેલો છે. આ સાપના જડબામાં એક હાથી છે. અચાનક, આપણને ખ્યાલ આવે છે કે આ દ્વારપાલ કેટલા ઊંચા છે. ચિહ્નો નાના પ્રતિનિધિત્વ છે. આમ ભક્તને ખ્યાલ આવે છે કે પો નાનો, નાનો છે અને અનંતતાના મૂર્ત સ્વરૂપની હાજરીમાં છે. આ જ કારણ છે કે વિષ્ણુને અનંત વાસુદેવ તરીકે સંબોધવામાં આવે છે, જેનો અર્થ અનંત (અનંત) વિશ્વ (વસુ) ના ભગવાન (દેવ) થાય છે.

અને, છતાં, તમિલ ભક્તિ સ્તોત્ર દ્વારા આ વિચારને સાવ ઉલટાવી નખાયો છે. તેમાં કહેવાયું છે કે વિશ્વના સર્જક બ્રહ્માથી કોણ મોટું છે, ? આપણને કહેવામાં આવે છે, વિષ્ણુ, કારણ કે બ્રહ્મા વિષ્ણુની નાભિમાંથી નીકળતા કમળ પર રહે છે. અને, વિષ્ણુથી કોણ મોટું છે? શેષનાગ જેના ગૂંથળાં પર વિષ્ણુ સૂવે છે. અને, શેષનાગથી કોણ મોટું છે? દૂધનો સમુદ્ર જેના પર નાગ તરે છે. અને, દૂધના સમુદ્રથી કોણ મોટું છે? સાત મહાસાગરો અને સાત ખંડો ધરાવતું મહાન વિશ્વ અથવા ભૂ-મંડળ. અને, ભૂ-મંડળ કરતાં કોણ મોટું છે? તે મહાન નાગ જેની ફેણ પર ભૂ-મંડળ રહે છે. અને, તે મહાન નાગ કરતાં કોણ મોટું છે? દેવી, જે આ મહાન સર્પને પોતાની આંગળીમાં વીંટી તરીકે લપેટે છે. અને, દેવી કરતાં કોણ મોટું છે? તેના પતિ, શિવ, જેના ખોળામાં એવી બેસે છે. અને, શિવ કરતાં કોણ મોટું છે? શિવના ભક્ત, જેના હૃદયમાં શિવ રહે છે.

માપણી શા માટે આટલી મહત્વની છે? મનુષ્યો માપે છે અને સરખામણી કરે છે. અને, જે ઓળખની ભાવના અને આપણી શ્રેષ્ઠતા અને હીનતાની ભાવનામાં ફાળો આપે છે. માપણી દ્વારા આપણે જે વિશ્વ જોઈએ છીએ તેને "માયા" કહેવામાં આવે છે, જે મૂળ "મા" માંથી આવે છે જેનો અર્થ માપવું એવો થાય છે. જ્યાં સુધી આપણે પોતાને અન્ય લોકો સામે માપીને મૂલ્ય આંકીએ છીએ, ત્યાં સુધી આપણે માયાની દુનિયામાં ફસાઈ જઈશું, અને તે દુ:ખનું કારણ બનશે. તેથી, શાળાઓમાં જ્યાં રિપોર્ટ કાર્ડ બાળકોને એકબીજા સામે માપે છે ત્યાં દુઃખ છે. ઓફિસોમાં કર્મચારીઓને મૂલ્યાંકન પ્રણાલીનો ઉપયોગ કરીને માપવામાં આવે છે ત્યાં આપસમાં મનદઃખ થતું રહે છે. શ્રીમંત લોકો જ્યારે એવા લોકો વિશે  જાણે છે જે તેમન કરતાં વધુ ધનવાન છે ત્યારે પોતાને ગરીબ માને  છે. પાતળા લોકો જ્યારે બીજા પાતળા લોકોને જુએ છે ત્યારે પોતે જાડા લાગે છે. વેદોમાં, આપણા હૃદયમાં સ્થિત, ભગવાન એ કલ્પનાનો અનંત અંશ છે, બધાં માપ અને સરખામણીને ભૂંસી નાખે છે, અને આપણને શાંતિ આપે છે.

  • મિડ-ડે માં ૨૫ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખBig, bigger, biggest નો અનુવાદ  | હિંદુ  પુરાણશાસ્ત્રવિદ્યા, વિશ્વ  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૯ સપ્ટેમ્બર ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો