બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

સમાજવાદીઓ વિનોદમાં કેમ નથી માનતા, ૧૯૪૩ - જ્યોર્જ ઑર્વેલ [૨]

 જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Why Socialists Don't Believe In Fun, 1943ના આંશિક અનુવાદ, સમાજવાદીઓ વિનોદમાં કેમ નથી માનતા, ૧૯૪૩ - જ્યોર્જ ઑર્વેલ [૧] થી આગળ


એ તો બહુ જાણીતી વાત છે કે 'ખ્રિસ્તી સ્વર્ગ'ને જે રીતે સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે, તે કોઈને આકર્ષિત કરશે નહીં. સ્વર્ગ સાથે સંકળાયેલા લગભગ બધા ખ્રિસ્તી લેખકો ક્યાં તો સ્પષ્ટપણે કહે છે કે તે અવર્ણનીય છે અથવા તો પછી તે સોના, કિંમતી પથ્થરો અને સ્તોત્રોના અનંત ગાનનું આભાસી ચિત્ર રજૂ કરે છે. એ પણ સાચું છે કે, તેના કારણે વિશ્વની કેટલીક શ્રેષ્ઠ કવિતાઓ માટે પ્રેરણા મળી છે:

 
તમારી દિવાલો ચેલ્સેડોની (રત્નો)ની છે,
તમારી આડશો ચોરસ હીરાની છે,
તમારા દરવાજા ઓરિએન્ટલ મોતીના છે

અતિશય સમૃદ્ધ અને દુર્લભ !



પરંતુ સામાન્ય માનવી જેમાં સક્રિય રીતે રહેવા માગે એવી સ્થિતિનું વર્ણન નથી થયું. ઘણા પુનરુત્થાનવાદી મંત્રી, ઘણા જેસુઈટ પાદરી (ઉદાહરણ તરીકે, જેમ્સ જોયસના 'પોટ્રેટ ઑવ ધ આર્ટિસ્ટ[1]' માંનો જબરદસ્ત ઉપદેશ જુઓ) એ નરકના તેમના શબ્દ-ચિત્રોથી તેમના ઉપાસકમંડળને લગભગ તેમની રગ રગ સુધી ડરાવી દીધેલ છે. પરંતુ સ્વર્ગની વાત આવે કે તરત જ 'ભાવ સમાધિ' અને 'આનંદ' જેવા શબ્દો શું સમાવે છે તે કહેવાનો બહુ ઓછો પ્રયાસ થતો હોવા છતાં એ શબ્દો પર તરત જ પાછા ફરવાનું શરૂ થાય છે. કદાચ આ વિષય પર લખાયેલો સૌથી મહત્વપૂર્ણ ભાગ એ પ્રખ્યાત ફકરો છે જેમાં ટર્ટુલિયન સમજાવે છે કે સ્વર્ગનો એક મુખ્ય આનંદ શાપિત લોકોની યાતનાઓ જોવામાં છે.

સ્વર્ગના મૂર્તિપૂજક સંસ્કરણો, કદાચ, ઓછા સારાં છે. એવું લાગ્યા કરે કે એલિસિયન ક્ષેત્રોમાં હંમેશા સંધ્યાકાળ હોય છે. જ્યાં દેવતાઓ રહેતા હતા, ઍ ઓલિમ્પસ તેમના અમૃત અને દેવાના અન્ન સાથે, અને તેમની અપ્સરાઓ અને મધુબાલાઓ સાથે, ડી. એચ. લોરેન્સ જેને 'અમર ચારિત્ર્યહીન સુંદરીઓ'[2] કહે છે, 'ખ્રિસ્તી સ્વર્ગ' કરતાં થોડું વધુ ઘર જેવું હોઈ શકે છે, પરંતુ તમે ત્યાં લાંબો સમય વિતાવવાનું પસંદ નહીં કરો. મુસ્લિમ સ્વર્ગની વાત કરીએ તો, જ્યાં દરેક માણસ માટેની તેની ૭૭ હૂરો, કદાચ એક જ ક્ષણે ધ્યાન આકર્ષિત કરવા બૂમ પાડી રહી છે, તે ફક્ત એક દુઃસ્વપ્ન છે. 'બધું જ પ્રકાશમય અને સુંદર છે' એવી સતત ખાતરી આપતા રહેવા છતાં અધ્યાત્મવાદીઓ પણ, કોઈ પણ ભાવિ વિશ્વની એવી પ્રવૃત્તિનું વર્ણન કરી શકતા નથી જે વિચારશીલ વ્યક્તિને, આકર્ષક લાગવાની વાત તો દૂર રહી, સહ્ય પણ લાગે.

સંપૂર્ણ સુખના વર્ણનો માટે કરાતા પ્રયાસો બાબતે પણ એવું જ છે. એ વર્ણનો નથી તો યુટોપિયન કે નથી તો પરલોકનાં, પરંતુ ફક્ત વિષયાસક્ત છે. એ વર્ણનો હંમેશા ખાલીપણા કે અશ્લીલતા, કે પછી બંનેની છાપ ધરાવતાં હોય છે. La Pucelle Voltaire[3] ની શરૂઆતમાં વોલ્ટેર ચાર્લ્સ નવમાની રખાત, એગ્નેસ સોરેલ સાથેના જીવનનું વર્ણન છે. એમાં કહેવાયું છે કે તેઓ 'હંમેશા ખુશખુશાલ ' હતા. તેમની ખુશીમાં શું સમાયેલું હતું? મિજબાનીઓ, દારૂ પીવા, શિકાર કરવા અને દેહસુખ માણવાના અનંત ચક્રો. થોડા અઠવાડિયા પછી આવાં એકધારાં અસ્તિત્વથી કોણ કંટાળી ન જાય? રાબેલાઈસ એવા ભાગ્યશાળી આત્માઓનું વર્ણન કરે છે જેમનો પરલોકમાં હવે પછી સમય સારી રીતે પસાર થશે એમ માનીને આજના લોકની પીડાઓ સહન કરવાની સાંત્વના મળે છે. તેઓ એક ગીત ગાય છે જેનો કાચો પાકો અનુવાદ એવો થાય : 'કૂદવું, નૃત્ય કરવું, યુક્તિઓ રમવી, સફેદ અને લાલ બંને શરાબ પીવા, અને સોનામહોરો ગણવા સિવાય આખો દિવસ કંઈ ન કરવું'. પણ તે કેટલું કંટાળાજનક લાગે. અને છેલ્લે ! આ 'સારા સમયન'ની આખી કલ્પનાના ખાલીપણાને બ્રુઘેલના "ધ લેન્ડ ઓફ ધ સ્લગાર્ડ" માં જાડાપાડા એદીઓ, એકબીજાને ચપોચપ અડ્ને સુતા છે, અને બાફેલા ઈંડા અને શેકેલા ડુક્કરના પગનાં માંસ સામે ચાલીને ખાવા માટે આવતાં હોય એવાં ચિત્રથી કરે છે.


એવું લાગે છે કે મનુષ્ય વિરોધાભાસ સિવાય સુખનું વર્ણન તો નથી કરી શકતો, કદાચ કલ્પના પણ કરી શકતો નથી. તેથી જ સ્વર્ગ અથવા યુટોપિયાની કલ્પના યુગ પ્રમાણે બદલાય છે. ઔદ્યોગિક સમાજ પહેલાંના સમયમાં સ્વર્ગને, સોનાંથી જડેલ, અનંત આરામનું સ્થળ વર્ણવવામાં આવતું હતું, કારણ કે સરેરાશ માનવીનો રોજબરોજનો અનુભવ વધુ પડતાં કામ અને ગરીબીનો હતો. મુસ્લિમ સ્વર્ગની હૂરો બહુપત્નીત્વ ધરાવતા સમાજને પ્રતિબિંબિત કરતી હતી જ્યાં મોટાભાગની સ્ત્રીઓ ધનિકોના હેરમમાં ગળક થઈ જતી હતી. પરંતુ 'શાશ્વત આનંદ' ના આ ચિત્રો હંમેશા નિષ્ફળ રહ્યાં કેમકે જેમ જેમ આનંદ શાશ્વત બનતો ગયો (શાશ્વતતાને અનંત સમય તરીકે માનવામાં આવે છે), તેમ તેમ વિરોધાભાસ ખતમ થતો ગયો. આપણા સાહિત્યમાં આવરી લેવાયેલા કેટલાક સંપ્રદાયો પહેલાં એવી ભૌતિક પરિસ્થિતિઓમાંથી ઉદ્‍ભવ્યા હતા જે હવે અસ્તિત્વમાં નથી. વસંતનો સંપ્રદાય આવું એક ઉદાહરણ છે. મધ્ય યુગમાં વસંતનો અર્થ મુખ્યત્વે અબાબીલ પક્ષીઓ અને જંગલી ફૂલો નહોતો થતો. તેનો અર્થ ઘણા મહિનાઓ સુધી ધુમાડીયાં વિનાની ઝૂંપડીઓમાં ડુક્કરનું મીઠું ચડાવેલ માંસ ખાધા પછી મળતાં લીલાં શાકભાજી, દૂધ અને તાજું માંસ થતો. વસંતના ગીતોમાં એવો આનંદપ્રમોદ રહેતો કે બસ ખાઓ, ખુશ થાઓ, અને માંસ સસ્તું હોય અને સ્ત્રીઓ મોંધેરી હોય, અને અલમસ્ત છોકરાંઓ, ખૂબ આનંદથી, અને હંમેશા પ્રેમ વચ્ચે ખૂબ આનંદથી અહીં અને ત્યાં ફરતાં હોય એવાં આનંદસભર વર્ષ માટે સ્વર્ગનો આભાર માનો, કારણ કે એવું કંઈક છે ખૂબ જ આનંદદાયક છે !. શિયાળો પૂરો થયો હતો, તે જ મોટી વાત હતી. ખ્રિસ્તી ધર્મ પહેલાંથી ઉજવાતી નાતાલનો તહેવાર કદાચ એટલા માટે શરૂ થયો હતો અસહ્ય ઉત્તરીય શિયાળામાંથી થોડો વિરામ લેવા માટે, અતિશય ખાવા અને પીવાની ક્યારેક તક મળતી હતી.

+                              +                             +                              +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Why Socialists Don't Believe In Fun, 1943નો અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

[2] "Immortal tarts" (અમર વેશ્યાઓ) શબ્દપ્રયોગ ડી. એચ. લોરેન્સના ૧૯૨૯ના વ્યંગાત્મક કાવ્ય "Give us Gods" (જે તેમના 'Pansies' સંગ્રહમાં સામેલ છે) માંથી ઉતરી આવ્યો છે; તેમાં આ શબ્દપ્રયોગનો ઉપયોગ જોવ (Jove) ના પૌરાણિક રોમેન્ટિક સાહસોની મજાક ઉડાવવા માટે કરવામાં આવ્યો છે.

[3] The Maid of Orleans Or la Pucelle of Voltaire 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો