બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

જ્યારે સરસ્વતી સિંધુને મળી - દેવદત્ત પટ્ટનાઈક

 

ઋગ્વેદના સ્તોત્રો એવી સંસ્કૃતિની વાત કરે છે જેમાં ઘોડા, ગાય, રથ કે કમ સે કમ, ગાડાની ઉજવણી કરવામાં આવતી હતી, જેમાં વિચરતી જીવનશૈલીને અનુરૂપ યજ્ઞ નામની બધે સાથે ચાલી શકતી એક વિધિ હતી, જેમાં ખગોળશાસ્ત્ર પ્રત્યેનો જુસ્સો હતો, ઇન્દ્ર નામના યુદ્ધ-પ્રેમી દેવતા અને સમાજના ચાર ભાગે વિભાગ હતા. આ સ્તોત્રો સરસ્વતી નામની એક મહાન નદીની સ્મૃતિ જાળવી રાખે છે અને યુરોપિયન વિદ્વાનો એક સમયે માનતા હતા તેમ ભારતની બહારથી નહીં, પરંતુ પંજાબના મેદાનોથી ગંગાના મેદાનો તરફ સ્થળાંતરની ભાત દર્શાવે છે. ચાલો આ લોકોને સ્તુતિ ગાયકો કહીએ.

સિંધુ ખીણના શહેરોના અવશેષો (જેમાંના ઘણા સિંધુ નદીની ખીણથી દૂર રાજસ્થાન અને ગુજરાતમાં છે) ખૂબ જ વિકસેલી શહેરી સભ્યતા દર્શાવે છે જેમાં અનાજના ભંડાર, રસ્તાઓ, પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા અને ઘોડાઓ સિવાય બળદ, વાઘ અને હાથીઓ સાથે છોડ અને પ્રાણીઓની પૂજા દર્શાવવામાં એવી મુદ્રાઓ ધરવતાં સુવ્યવસ્થિત શહેરો છે. ક્યાંક છૂટી છવાયી અગ્નિ વેદીઓએ  અને સારી રીતે રચાયેલી વાવો જોવામળે છે, પરંતુ ઊંચનીચના પદાનુક્રમ કે વધારે પડતી ધાર્મિક છબીઓના કોઈ અંદેશા જોવા નથી મળતા.  બધું ખપ પુરતું અને ઓછામાં ઓછું લાગે છે. ચાલો, આ લોકોને આપણે શહેરીવાસીઓ કહીએ.

વિરોધાભાસ સ્પષ્ટ છે. સમકાલીન ભારતીય સમાજમાં આ સ્તુતિ ગાયકો અને શહેરીજનો એ બન્નેના પ્રભાવનો ખુલાસો થાય છે: ગાયની જેમ પીપળો પણ પવિત્ર રહે છે. શું ભારતને આ બે અલગ અલગ સમુદાયોએ ઘડેલ છે? કે પછી એ બન્ને એક જ હતા?

બે સંસ્કૃતિઓની ભાવનામાં સ્પષ્ટ તફાવત હોવા છતાં, એમ માનવા માટે એક ઇચ્છા જરૂર થાય કે સ્તુતિ ગાયકો પણ શહેરીજનો હતા. પુરાવા ખૂબ જ નબળા છે. અને એ સમજાતું નથી કે ભારતીયોએ "સારી" ગટર વ્યવસ્થા કેમ છોડી દીધી, પરંતુ આપણે "ખરાબ" ચાર-વર્ણીય સામાજિક વિભાજનને કેમ વળગી રહ્યા.

બધી સંભાવનાઓ મુજબ, તેઓ એક જ લોકો ન હતા. શું તેઓ એક જ ભૌગોલિક વિસ્તારમાં અલગ અલગ સમય કાળમાં રહેતા હતા? જો હા, તો પહેલા કોણ આવ્યું: સ્તુતિ ગાયકો કે શહેરીજનો? કદાચ વૈદિક સ્તુતિઓ પછીથી આવી. પરંતુ રાષ્ટ્રવાદીઓ માટે તે અસ્વીકાર્ય છે. કારણ કે આપણી શિક્ષણ પ્રણાલી આપણને એમ શીખવે છે કે જે પહેલા આવ્યું તે શ્રેષ્ઠ છે.  જે સિદ્ધાંતો ઇ. સ. પૂર્વે ૬૦૦૦ની ખગોળીય ઘટનાઓનો ઉલ્લેખ કરે છે તેના કરતાં મેસોપોટેમીયામાં મળેલા મિત્તાની શિલાલેખોના પુરાવાઓના આધારે, ઇ. સ. પૂર્વે ૧૫૦૦માં વૈદિક સ્તોત્રોનો ઉલ્લેખ કરતા સિદ્ધાંતો કરતાં વધુ પસંદ કરવામાં આવે છે. પરંતુ જો સ્તોત્ર ગાયકો પહેલા આવ્યા હોય, તો તેમણે શહેરોનાં ઉદય અને પતન જોયાં હોવો જોઈએ. પરંતુ કોઈ સ્તોત્ર આ વાત કહેતું નથી. અને ગંગાના મેદાનોમાં સ્થળાંતર થયા પછી ગટર વ્યવસ્થાવાળાં આયોજિત શહેરોની નવી લહેર આવી ન હતી.

કદાચ તેઓ એક જ સમય ક્ષેત્રમાં રહેતા હતા પરંતુ અલગ ભૌગોલિક ક્ષેત્રોમાં રહેતા હતા. સિંધુ શહેરો શોધનારા અને સંસ્કૃત ભાષાના ઇન્ડો-યુરોપિયન મૂળનું વિશ્લેષણ કરનારા પ્રથમ એવા યુરોપિયન પ્રાચ્યવાદીઓનો આગ્રહભરો મત છે કે તેઓ વિદેશી હતા. ખ્રિસ્તી હોવાને કારણે, તેઓએ એવો વિચાર રજૂ કર્યો કે જેમ વિચરતી યહૂદી જાતિઓએ જુડિયા રાજ્ય સ્થાપિત કરવા માટે કનાનના શહેર-વાસીઓ પર કાબુ મેળવ્યો હતો વૈદિક યુદ્ધખોરોએ બાઇબલના જૂના કરારના માળખાનો ઉપયોગ કરીને સિંધુ શહેરોનો નાશ કર્યો હતો. આ સિદ્ધાંત બ્રિટિશ શાસકો દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે તેનાથી તેઓ હિન્દુ રાષ્ટ્રવાદીઓ સાથે દલીલ કરી શક્યા હતા કે તેમના પૂર્વજો, યુરોપિયનો જેવા, અને તેમના પહેલાના મુસ્લિમો, આક્રમણકારો અને વસાહતીઓ હતા. તેઓ "મૂળ" નહોતા. ઘણા ભારતીયો માટે, ખાસ કરીને જેઓ શુદ્ધ આર્ય વર્ગના હોવાનો વિચાર માનતા હતા, આ સિદ્ધાંત વાજબી લાગતો હતો, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીવાદનો ઉદય થયો, જેના પછી આર્ય એક ખરાબ શબ્દ બની ગયો. કમનસીબે આ આક્રમણ માટે સિદ્ધાંતવાદીઓ પાસે, વૈદિક સ્તોત્રોમાં કે શહેરોના પુરાતત્વીય અવશેષોમાં કોઈ આક્રમણના કોઈ પુરાવા નથી. વૈજ્ઞાનિકો માને છે કે આક્રમણથી નહીં પણ આબોહવા પરિવર્તનથી સિંધુ શહેરોનો નાશ થયો; કદાચ તે જેને વેદ સરસ્વતી તરીકે ઓળખે છે એ નદીનું સુકાઈ જવું અથવા સ્થળાંતર હતું .

યુરોપિયન પ્રાચ્યવાદીઓએ પણ એવું અનુમાન લગાવ્યું હતું કે સંસ્કૃત, કે કમસેકમ, આદિ-સંસ્કૃત, એક વિદેશી ભાષા હતી જે પશ્ચિમના કોઈ સ્થળેથી ભારતમાં આવી હતી. એમાં કોઇ શંકા નથી કે વૈદિક ભાષા અને ઈરાન અને દૂરના યુરોપની ભાષાઓમાં ઘણી સમાનતા છે. પરંતુ તેમાં સ્થાનિક મુંડા જાતિઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ૩૦૦ શબ્દો પણ છે. શું ભાષા મધ્ય એશિયાથી આવી હતી, અને પછી ઈરાનમાં ભળી ગઈ હતી, જેથી એક જૂથ પશ્ચિમમાં યુરોપમાં ગયું અને બીજું જૂથ પૂર્વમાં ભારતમાં ગયું? અથવા શું ભાષા ભારતમાંથી ફેલાઈને પશ્ચિમ તરફ યુરોપ ગયેલી ભાષામાં અસુરો અને દેવોની યાદો જળવાઈ રહી, જેના કારણે અસુરો પ્રાચીન ઈરાનના દેવ આહુર અને દેવો પ્રાચીન ઈરાનના રાક્ષસો બની ગયા અને પૂર્વ તરફ ગંગાના મેદાનો તરફ ગઈ, જે વૈદિક સ્તોત્રોમાં વિકસી? સામાન્ય રીતે, અનુમાન મુજબ, વિદેશી વિદ્વાનો પશ્ચિમ કરતાં પૂર્વના સિદ્ધાંતને વધુ પસંદ કરે છે અને ભારતીય વિદ્વાનો - ફક્ત રાષ્ટ્રવાદીઓ જ નહીં - પૂર્વને બદલે પશ્ચિમ સિદ્ધાંતને વધુ પસંદ કરે છે.

પૂર્વથી પશ્ચિમ અથવા પશ્ચિમથી પૂર્વમાં થયેલાં સ્થળાંતર વિશેની આ બધી વાતચીતમાં, એક મોટી ધારણા છે: ભાષા અને જાતિ એક સમાન છે ! આ સાચું નથી. ભાષાના સ્થળાંતરને લોકોના સ્થળાંતર સાથે બહુ ઓછો સંબંધ છે. વૈદિક ભાષાના ઘણા શબ્દો મધ્ય એશિયામાંથી આવ્યા હશે, પરંતુ તેથી એ જરૂરી નથી કે લોકો પણ ત્યાંથી આવ્યાં હોય. ભાષા વેપારીઓ અને પ્રવાસીઓ સાથે આવી શકે છે, પરંતુ જરૂરી નથી કે સ્થળાંતર કરનારાઓ કે આક્રમણકારો સાથે આવ્યા હોય. લોકો જતા રહે પણ તેઓ ભાષા પાછળ છોડી જઈ શકે છે. જેમ આજે અંગ્રેજીમાં બોલનારા અને પુસ્તકો લખનારા લોકો મૂળતઃ ભારતીય હોઈ શકે છે; તેવી જ રીતે, વૈદિક સંસ્કૃતમાં (જેમાં ઈન્ડો-યુરોપિયન શબ્દોનો સમાવેશ થાય છે) ઋગ્વેદના મંત્રોની રચના કરનારા લોકો પણ સંભવતઃ મૂળ ભારતીય જ હતાકદાચ તેઓ શહેરો વસાવનારા લોકો નહોતા, પરંતુ હતા તો ભારતીય જ. ભલે કદાચ તેઓ વિદેશી હોય, તો પણ રાષ્ટ્રવાદીઓ સિવાય બીજા કોઈને તેનાથી શું ફરક પડે છે? આપણે ક્યારેય ચોક્કસપણે જાણી શકીશું નહીં. આપણે જે જાણીએ છીએ તે એ છે કે ઋષિઓ દ્વારા રચાયેલા, સંગ્રહિત અથવા વર્ગીકૃત કરાયેલા આ મંત્રોનો ઉદ્ભવ અને વિકાસ સ્પષ્ટપણે દક્ષિણ એશિયામાં (જેને રાષ્ટ્ર-રાજ્યોના ઉદય અને વિભાજન પહેલાં હિંદુ ઉપખંડ - હિંદ - તરીકે ઓળખવામાં આવતું હતું) થયો હતો, અન્ય કોઈ સ્થળે નહીં.

શું શહેરી નિવાસીઓ અને મંત્ર-ગાયકો એક જ ભૌગોલિક વિસ્તારમાં અને એક જ સમયગાળામાં, એકબીજા પર આક્રમણ કર્યા વિના કે પ્રભાવ પાડ્યા વિના સાથે રહી શક્યા ન હોત? આ વિચાર સ્વીકારવો આટલો મુશ્કેલ કેમ છે? બે પડોશીઓ વચ્ચે હંમેશા સંઘર્ષ જ કેમ હોવો જોઈએ? ભારતના જંગલોમાં એવી આદિવાસી જાતિઓ છે જેઓ સાથે રહે છે પરંતુ ક્યારેય એકબીજા સાથે વાત કરતી નથી; તેઓ એકબીજાની જીવનશૈલી કે રીત-રિવાજોનો આદર કરે છે. આપણને આવી શક્યતા સ્વીકારવા માટે કેમ પ્રોત્સાહન નથી અપાતું? આપણને શા માટે કહેવામાં આવે છે કે આવું શક્ય નથી? દુનિયાની દરેક બાબતને સંઘર્ષના દ્રષ્ટિકોણથી સમજવાનો આગ્રહ એ આધુનિક સમયની માનસિકતા છે.

કદાચ તેઓ બરાબર એક જ સમયકાળના ન પણ હોય. કદાચ મંત્રોની રચના ભારતીયો દ્વારા લાંબા સમયગાળા દરમિયાન સ્થાનિક અને વિદેશી શબ્દોના ઉપયોગથી કરવામાં આવી હોયઅને તેનો વ્યાપ એવા સમયે વધ્યો હોય જ્યારે ઘોડાઓનો ઉપયોગ મોટા પાયે શરૂ થયો હતો (ઘોડાઓ હંમેશા મધ્ય એશિયાના ખુલ્લા ઘાસના મેદાનોમાંથી ભારત અને ચીનમાં આયાત કરવા પડતા હતા). કદાચ મંત્ર-ગાયકો એક શક્તિશાળી સમુદાય તરીકે ત્યારે ઉભરી આવ્યા હોય જ્યારે શહેરી નિવાસીઓનો સુવર્ણકાળ વીતી ગયો હતો અને કેન્દ્રીય અથવા કાર્યક્ષમ વ્યવસ્થાપન પ્રણાલીના પતનને કારણે ગટર વ્યવસ્થા પણ પડી ભાંગી હતી. કદાચ સમય જતાં, વનસ્પતિ અને પ્રાણીઓની પૂજા તથા અમુક સંર્ચનાઓ કે ચિહ્નોના ઉપયોગ જેવા વિચારોજેને કેન્દ્રીય નિયંત્રણની જરૂર નહોતીટકી રહ્યા હોય. પરંતુ ના, આપણને આ સિદ્ધાંત નથી જોઈતો. તે ખૂબ જ જટિલ અને અસ્પષ્ટ છે.

હવે, ભારતને સ્વચ્છ બનાવવાની આપણી ધૂન અને ભારતીયો "આટલા ગંદા" કેમ છે તે સમજાવતા અનેક સિદ્ધાંતો વચ્ચે, મંત્ર-ગાયકો અને શહેરી નિવાસીઓ વચ્ચેના કાલ્પનિક સંઘર્ષનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એક એવો સિદ્ધાંત રજૂ કરવામાં આવી રહ્યો છે કે મંત્ર-ગાયક સમુદાયે જ જ્ઞાતિપ્રથા અને શુદ્ધિકરણની વિધિઓ દાખલ કરી હતી, જેના કારણે સ્વચ્છતા પ્રત્યે અણગમો પેદા થયો અને સમાનતાવાદી શહેરી નિવાસીઓ દ્વારા સ્થાપિત સ્વચ્છતા વ્યવસ્થાની તમામ યાદો ભૂંસાઈ ગઈ. જો યુરોપિયન પ્રાચ્યવિદોને એવું કહેવામાં આવે કે તેમના પ્રિય આર્યોએ ગટર વ્યવસ્થાનો અસ્વીકાર કર્યો હતો અને અનિચ્છાએ કે સ્વેચ્છાએ ખુલ્લામાં શૌચ કરવાની પ્રથાને પ્રોત્સાહન આપ્યું હતું, તો તેઓ ચોક્કસપણે સ્તબ્ધ થઈ જાય. ભારતના રાષ્ટ્રવાદીઓને આ વાત જરાય પસંદ નથી. જે કોઈ આ સિદ્ધાંતનો વિરોધ કરે છે, સંભવ છે કે તેમને 'સવર્ણ' વૈદિક વિચારધારાના એવા સમર્થક તરીકે ઓળખવામાં આવે, જે સમાનતાવાદ અને સ્વચ્છ શહેરોમાં માનતા નથી.  

આવા સિદ્ધાંતો - જે શહેરીજનોને સારા 'શૌચાલય-વપરાશકર્તા' લોકો તરીકે અને વૈદિક મંત્રોના ગાયકોને ખરાબ 'જાતિ વ્યવસ્થા-આધારિત' લોકો તરીકે રજૂ કરવા માંગે છે - નો સંબંધ ઇતિહાસ કરતાં વર્તમાન રાજકારણ સાથે વધુ છે. આપણે એ જ કામ કરવાનું ચાલુ રાખ્યું છે જેના માટે આપણે યુરોપિયન પ્રાચ્યવિદોની ટીકા કરતા હતા: એટલે કે, આપણા પોતાના હેતુઓની સિદ્ધિ માટે ઇતિહાસનો પ્રચારના સાધન તરીકે ઉપયોગ કરવો. ઘણા ઇતિહાસકારો રાજકીય દબાણ સામે ઝૂકી જાય છે. આપણે અગાઉની સરકારમાં પણ આવું જોયું હતું અને નવી સરકારમાં પણ જોઈ રહ્યા છીએ (જોકે ઘણા 'ઉદારવાદીઓ' દ્વારા માત્ર પછીની સરકારની જ ટીકા કરવામાં આવે છે). પરંતુ સદ્‍ભાગ્યે, એવા ઘણા ઇતિહાસકારો છે જેઓ ભૂતકાળનું કોઈ સરળ, અનુકૂળ કે સુવિધાજનક સંસ્કરણ રજૂ કરવાની ઇચ્છા રાખતા નથી. આપણો આ ભૂતકાળ જટિલ અને રહસ્યમય છે; કાલ્પનિક સાહિત્યના લેખકોના તમામ પ્રયાસો છતાં, તેને કોઈ ચોક્કસ વ્યવસ્થા કે સરળ સમજૂતીમાં બાંધી શકાતો નથી. ચાલો, આપણે તેને જેવો છે તેવો સ્વીકારતાં શીખીએ.

  • http://www.dailyo.in ૨૭ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ When Saraswati met Indus નો અનુવાદ  | હિંદ  પુરાણશાસ્ત્રવિદ્યા, વિશ્વ  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો