૫૦ પછી 'પર્યાપ્ત હોવું'નો અર્થ નાણાકીય લક્ષ્ય નહીં પણ મનની શાંતિનો આધાર બની રહે છે.

મોટા ભાગનાં લોકોને ધનની
ખેંચ નથી પડતી હોતી. એમને શાંતિની ઝંખના રહ્યા કરે છે. (Image source: Canva)
આપણા જીવનના મોટા ભાગના વ્યાવસાયિક ગૃહસ્થાશ્રમનાં વર્ષો
દરમ્યાન કમાઓ, બચાવો, રોકાણ કરો અને રોકાણોને સુરક્ષિત
જાળવો એટલી વાતમાં નાણા સાથેનો આપણો સંબંધ આવી જાય છે. આપણે પગારવધારા, બોનસ, સોદાઓ અને બઢતી (પ્રમોશન) પાછળ દોડતા રહીએ
છીએ. બચત અને રોકાણો દ્વારા જમા થયેલી મૂડીના ચડાવ ઉતાર જોતાં રહીએ છીએ.
૫૦ કે ૫૫ વર્ષની ઉંમરે પહોંચીએ ત્યારે, ઘણી
વાર, સ્વીકારવા તૈયાર હોઈએ તેના કરતાં પણ વધુ લાગણીશીલ થઈને,
આપણે થોડા થંભીને વિચારીએ છીએ: "બધું બરાબર ગોઠવાયું છે,
અત્યાર સુધી ધાર્યું પાર પાડી શકાયું છે. હજુ પણ હું સંભાળી લઈ શકીશ."
અને બરાબર આ જ ઘણા લોકોની પોતાની સૌથી મોટી ભૂલ નીવડે છે.
કેમકે ૫૦ પછી નાણાં હિસાબ કિતાબના આંકડા નહીં પણ જીવનનો
અર્થ બની રહે છે.
‘પૂરતું’ હોવાનો ભ્રમ
૫૦ - ૫૫ ની વયજૂથની કોઈપણ વ્યક્તિને પૂછો કે ‘પૂરતું’
એટલે શું, તો તમને એક આંકડો મળશે - પાંચ કરોડ,
આઠ કરોડ, દસ કરોડ. પરંતુ હકીકત એ છે કે,
‘પૂરતું’ એ કોઈ આંકડો નથી. તે એક લાગણી છે.
અને લાગણીઓનો હિસાબ ખાતાવહીના જમાઉધારની ગણતરીઓ મુજબ નથી થતો.
મારે એવા કેટલાય લોકોને મળવાનું થાય છે જેમણે આર્થિક રીતે
ખૂબ સારી પ્રગતિ કરી છે, છતાં ઊંડે ઊંડે એ લોકો અસલામતી અનુભવતા
દેખાતા હોય છે. તેની સામે એવા લોકો પણ છે જેમની પાસે રૂપિયા પૈસા ઓછા ગણાય એટલા
હોય તો પણ તેઓ શાંતિથી સૂઈ શકે છે.
આવો વિરોધાભાસ કેમ હશે?
એક મહત્વનું કારણ એ ૫૦ વર્ષની ઉંમર પછી નાણાકીય ચિંતાનો
સંબંધ સામાન્ય રીતે તમારા ખીસ્સામાં કેટલા પૈસા છે તેની સાથે
નહીં, પણ અનિશ્ચિતતાઓ સાથે હોય છેઃ
ધાર્યા કરતાં વધુ લાંબુ જીવી ગયાં તો?
સ્વાસ્થ્ય પાછળનો ખર્ચ અચાનક જ વધી ગયો તો?
સંતાનોને આર્થિક મદદની જરૂર પડે તો?
જો કરેલાં રોકાણનો પોર્ટફોલિયો અપેક્ષિત ગણતરી મુજબ ન વધ્યો
તો?
જો નિવૃત્તિ પછીની બીજી ઇનિંગનાં જીવનમાં નિયમિત આવકનું કોઈ
સાધન ન ઊભું થયું તો?
આ પ્રશ્નોના જવાબ કેટલી મૂડી તમારે જમા ખાતે બોલે છે તેના
પરથી નથી મળતા, પરંતુ તે મૂડીની વ્યવસ્થાનું તમારૂં માળખું તમે કેવું
ગોઠવ્યું છે તેના પરથી મળે છે.
જીવનના આ નવા તબક્કે, નાણાંની વૃદ્ધિ બહુ ઝડપથી થાય તે જરૂરી નથી;
પરંતુ મુડી નિશ્ચિત અને ધારણા મુજબ કામ કરે તે મહત્વનું છે. તમારી
નાણાકીય વ્યવસ્થા કોઈ કાલ્પનિક લક્ષ્યને બદલે તમારા જીવનની વાસ્તવિકતાઓને અનુરૂપ
હોવી જોઈએ. તમારા ડરને પોષવાને બદલે, એ વ્યવસ્થા તમારા
જીવનના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવામાં મદદરૂપ થવી જોઈએ.
નિવૃત્તિ પછીનાં
દીર્ઘાયુષ્ય તરફ
પોતાની વિચારસરણીમાં લોકોએ જે સૌથી મોટો બદલાવ લાવવાની જરૂર
છે તે આ છે:
નિવૃત્તિ માટેનું આયોજન કરવાનું બંધ કરો.
દીર્ઘાયુષ્ય માટેનું આયોજન કરવાનું શરૂ કરો.
દીર્ધાયુષ્ય આયોજન એટલે "મારી જરૂરિયાતો કેટલી છે? તે
મુજબની વ્યવસ્થા નહીં.
તે "આગામી ૩૦ -૪૦ વર્ષ માટે હું સ્થિરતા, ગૌરવ,
સ્વતંત્રતા અને પરિસ્થિતિઓને પહોંચી વળવાના અસરાકારક વિકલ્પો કેવી
રીતે બનાવી રાખી શકું?" વિશે છે.
વિચાર કરવાની આ દિશા બધું બદલી નાખે છે. પરિણામે
ધ્યાન સંચય કરવાને બદલે સંચિત નાણાની ફાળવણી તરફ ફેરવાય છે. રોકાણ
પરનાં વળતરની ગણતરીઓ કરતાં રહેવાને બદલે રોકાણનાં સંભવિત નબળાં પાસાઑને મજબુત કરી
લેવા તરફ ધ્યાન વળે છે.. "વધુ" ને બદલે હવે "પૂરતું, પરંતુ ભરોસાપાત્ર" પ્રાથમિકતા લેવા
લાગે છે..
ખરી મૂડી એ ચિંતા વગરની શાંતિ છે
હું જોઉં છું કે બીજી ગેરસમજ એ છે કે પૈસા એ સુરક્ષાનો
એકમાત્ર આધારસ્તંભ છે. એવું નથી. જો તમારું સ્વાસ્થ્ય બગડે, તો
પૈસા મદદ કરે, પરંતુ સંપૂર્ણપણે નહીં. જો તમારા સંબંધો નબળા
પડે, તો પૈસા અપ્રસ્તુત બની જાય છે. જો તમારું મન હેતુવિહીન
બની જાય, તો પૈસા નડતર પરવડી શકે છે.
પૈસા સ્થિરતા આપી શકે, તારણહાર ન બની શકે.
૫૦ - ૬૦ વર્ષની ઉંમરે, તમે પૈસા વડે સૌથી અસરકારક વ્યવસ્થા કરીને
તમારા જીવનમાંથી અસ્થિરતા દૂર કરી શકો.
તમારા પોર્ટફોલિયોને સરળ બનાવો. તરલતા (લિક્વિડિટી) ઊભી
કરો. સુરક્ષા કવચ (બફર્સ) તૈયાર રાખો. ત્રિમાસિક ગણતરીઓ કરવાને બદલે લાંબા ગાળાના
પરિપ્રેક્ષ્યમાં વિચારો. અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, એવા
નિર્ણયો લો જેનાથી તમને રાત્રે નિરાંતની ઊંઘ આવે.
અહીં જ ખરો વિરોધાભાસ છે:
મોટાભાગના લોકો પાસે પૈસા ખૂટી નથી જતા.
તેમની માનસિક શાંતિ ખૂટી જાય છે.
અને જીવનની બીજી ઈનિંગમાં, માનસિક શાંતિ જ સાચી
મૂડી છે.
પૈસા મહત્ત્વના છે, એ વિશે બેમત નથી. હંમેશા રહેશે પણ. પરંતુ
એક ચોક્કસ સ્તર પછી, વધુ ધનવાન બનવાને બદલે ચિતા - તાણ મુકત બનવું એ ધ્યેય હોવું જોઈએ. અને આ ચિંતામુક્તિ — એવો શાંત આત્મવિશ્વાસ કે જીવન તમારા નિયંત્રણમાં છે — કદાચ તમારા રોકાણ પરનું સૌથી શ્રેષ્ઠ વળતર સાબિત થઈ શકે છે.
v ફાયનાન્સિયલ એક્ષપ્રેસમાં પ્રકાશિત થતી સંજય મેહતાની શ્રેણી “Live
to 100” ના લેખ Money after 50: Why ‘enough’ is no longer a number પરથી તૈયાર કરેલ સંકલિત ભાવાનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો