બુધવાર, 20 સપ્ટેમ્બર, 2017

ક્યારેક ઊંચું ક્યારેક નીચું- જેસ્સૅ લીન સ્ટૉનર
શુક્લ પક્ષમાં ચંદ્રની કળા ખીલે અને કૃષ્ણ પક્ષમાં કરમાય.
ખીલી ઊઠવું એ તો સારી વાત છે એમ આપણે સ્વીકારીએ છીએ, જેમકે 'આજે તો વક્તા તેનાં વક્તવ્યમાં ખીલી ઊઠ્યા હતા' કે 'ગાયક તેની ગાયકી દરમ્યાન ઊચા સૂરમાં વધારે ખીલતાં હતાં.'
પણ જો કોઈ વધારે પડતું ખીલી ઊઠતું હોય તો આપણે તેને સારૂં નથી ગણતાં.
જ્યાં સુધી એક સીમાની અંદર હોય ત્યાં સુધી જ ખીલતાં રહેવું સારું છે. કોઇ એક પડાવ એવો આવતો હોય છે જ્યારે આપણી સફળતાને ખીલવતું પરિબળ જ આપણી કમજોરી બની રહે અને પછી જે ચડાવતું હતું તે જ ઉતારવા લાગે. ઊંચકનીચકનું જે પલડું ઉપર રહેતું હતું તે હવે નીચે રહેવા લાગે.
જ્યારે ભારે પલડું નીચે તરફ ઢળવા લાગે ત્યારે આપણી સ્વાભાવિક પ્રક્રિયા પુનઃસંતુલન સ્થાપવાની રહેતી હોય છે. મોટા ભાગે (હરેક વખતે નહીં) આમ કરવું યોગ્ય પણ હોઈ શકે.
ચંદ્રની કળાની લય એ કુદરત દ્વારા કરાતું સંતુલનનું પુનરાવર્તન છે, આપણા શ્વાસોચ્છાશ્વાસની ધમણ એ પણ કુદરતની પુનરાવર્તિત સ્વયંસંચાલિત સંતુલન પ્રક્રિયા છે. કુદરતની મોટા ભાગની પુનરાવર્તિત સંતુલન પ્રક્રિયાઓને પરિણામે માનવીના બધા જ ઉધમાત છતાં પણ તેનું જીવન ટકી શક્યું છે.
પણ એવાં કેટલાંય ઊંચકનીચકો છે જેમાં પુનઃસંતુલન હંમેશાં આદર્શ ઉપાય નથી હોતો.
જેમકે આપણાં લક્ષ્યને પામવા માટેની તનતોડ મહેનત અને જરૂરી આરામ. જો માત્ર અને માત્ર મહેનત જ કરતાં રહીશું તો આપણી બધી શક્તિઓ ખલાસ થવા લાગશે અને આરામ જ આરામ કર્યા કરીશું તો હાડકાં હરામ થઈ જશે. કામ કરતાં કરતાં આયોજિત સમયે, આયોજિત રીતે આરામ કરી લેવાથી આપણી બેટરી પાછી પોતાની શક્તિ મેળવતી રહેશે, અને આપણે એટલાં જ, કે કદાચ વધારે જોશથી, આપણાં લક્ષ્યની સિધ્ધિમાં કાર્યરત બની શકીશું. ફરી પાછાં થાકીશું , એટલે ફરીથી આયોજિત આરામ. આ ચક્ર છે બહુ આકરૂં!
 કે પછી વિચાર કરો એક ટીમની જેમાં ટીમનાં અગ્રણી વધારે પડતું કે સાવ ઓછું ધ્યાન આપવાવાળાં ઊંચકનીચકનું સંચાલન કરવાની ભૂમિકા ભજવતાં હોય. ટીમના એક સભ્યને તેની જવાબદારી સોંપતા વેંત જ તેની પીઠ પર સૂચનાઓનો ભાર ખડકવા મંડે. તો ક્યારેક જવાબદારી સોંપ્યા પછી સાવેસાવ ગૂમ થઈ જતાં હોય. આવાં એક બાજૂ ઢળતાં ઊંચકનીચક પર બેઠેલ સહયોગી મુંજાઈ ન જાય અને એ મુંજવણનો માર્યો હતાશ ન થઈ જાય તો જ નવાઈ.
ઊંચકનીચક પર બેસવાની એક નિશ્ચિત સમસ્યા એ છે કે આપણે હંમેશાં અસંતુલનની સ્થિતિમાં રહેતાં હોઈએ છીએ અને સામે બીજે છેડે બેઠેલ વ્યક્તિને પણ અસંતુલિત કરી બેસતાં હોઈએ છીએ.
ઊંચકનીચકની સમસ્યાનો એક તો ઉપાય એ છે કે સાવ છેવાડે ન બેસવું, બને એટલું મધ્યમાં રહેવા પ્રયાસ કરવો. એમ કરવાથી ઊંચકનીચકની અસર કંઈક અંશે ઓછી કરી શકાય. આયોજિત આરામની ટેવ એક છેડે ખૂબ કામ અને બીજે છેડે  આરામ જ આરામનાં ઊંચકનીચકની મધ્ય રેખા  તરફ જવાનો પ્રયાસ કહી શકાય.
પણ ઊંચકનીચકની આ શાશ્વત સમસ્યાને બીજા દૃષ્ટિકોણથી પણ જોઈ શકાય. આ છેડાનો ભાર કે પેલા છેડાનો ભાર વધારે હળવો કર્યા કરવો એ જ એક માત્ર વિકલ્પ નથી.
ઊંચકનીચક પર બેસી રહેવું જ ફરજિયાત નથી, તેના પરથી ઉતરી પણ શકાય. અથવા તો એમ પણ કહી શકાય કે જીવનના હંમેશાં આવતા ઉતારચડાવની સામે આપણે પ્રતિક્રિયાશીલ સ્થિતિમાં જ રહેવું આવશ્યક નથી. સક્રિયાત્મક અભિગમ વડે પણ આપણે જીવનની દિશા નક્કી કરી શકીએ છીએ.
જેમ કે ખૂબ કામ વિરૂધ્ધ ખૂબ આરામનાં ઊંચકનીચકને બદલે આપણા ફાળે જે કામ આવે છે તે કામનો આનંદ માણવાનો અભિગમ કેળવીએ તો કામનો થાક બહુ ઓછો લાગશે અને એ કામ કરવાની મજામાંથી આરામ મળી રહેશે.
બહુ વધારે અને બહુ ઓછાં સૂચનો વડે સંચાલન કરવાને બદલે ટીમના અગ્રણી તરીકેની આપણી ભૂમિકાને જ નવી દૃષ્ટિથી જોઈ શકાય. ટીમના ઑવરસીયર બનવાને બદલે ટીમના મદદગારની ભૂમિકા પણ ભજવી શકાય. ટીમને જ્યાં જરૂર છે ત્યાં તેમનાં કૌશલ્યમાં પૂર્તિ કરવી, તેમને જરૂરી સંસાધનો મળી રહે, જરૂરી માહિતી તેમની પહોંચમાં રહે અને જ્યારે તેમને લાગે કે તેઓને તમારી મદદની જરૂર છે ત્યારે હંમેશ પડખે ઊભા રહેવું એવી ભૂમિકા ભજવવાથી નહીં તો તમે થાકો કે નહીં તો ટીમ કંટાળશે.
ઊંચકનીચક પરથી ઉતરી પડવા માટે ત્રણ સૂચિત પગથિયાં
# પગથિયું પહેલું: ઊંચકનીચક પર છો એ વાત સ્વીકારીએ
ઊંચકનીચક પરથી ઉતરવું મોટે ભાગે એટલા સારૂ મુશ્કેલ બને છે કે આપણે તેના પર સવાર છીએ એ પણ આપણને ખબર નથી રહેતી. કદાચ ખબર હોય તો પણ જીવનમાં તો આમ જ બનતું જ રહેવાનું છે અને તેનો કોઈ વિકલ્પ નથી એમ આપણે માની લઈએ છીએ. એટલે પહેલું પગથિયું તો એ છે કે પરિસ્થિતિને સમજીએ અને સ્વીકારીએ - આપણે ઊંચકનીચક પર છીએ અને તે આપણને કામ પણ નથી આવી રહ્યું.
# પગથિયું બીજું: જે કરી રહ્યાં છીએ તે તો બંધ જ કરી દઈએ; બીજું કંઈ જ કરવાની જરૂર નથી.
જ્યારે આપણે અસ્થિરતા અનુભવવાની શરૂ કરીએ છીએ ત્યારે આપણી પહેલી પ્રક્રિયા આપણે જે કરતાં હોઈએ તેનાથી ઊંધું જ કરવાની હોય છે. આ પ્રતિક્રિયા ભલે તર્કસંગત લાગે, પણ તેના કારણે આપણે ઊંચકનીચક પર જ અરહી પડીએ છીએ. બીજું કોઈ વૈકલ્પિક પગલું લીધા સિવાય આપણે જે કંઈ કરી રહ્યાં છીએ તે પણ બંધ કરી દેવામાં થોડું અસુખ તો અનુભવાશે. આ તાણ સ્વાભાવિક છે, અને મહત્ત્વની પણ છે. તેને રચનાત્મક તાણ તરીકે ઓળખવામાં આવે છે કેમકે એ એવી રચનાત્મક શક્તિ છે જે નવી દિશાઓ અને સંભાવનાઓ ખોલી આપે છે.
# પગથિયું ત્રીજું: દૃષ્ટિકોણ વધારે વિશાળ ફલક પર જોવાનો રાખો
થોડું મનન કરીએ. ઊંચકનીચક ઉપરાંત પણ બીજું નજરે ચડે એવાં વિશાળ ફલક પર નજર દોડાવીએ. આપણી જાતને પૂછીએ કે :

 • મારૂં કામ કરવાની ક્ષમતાને આ ઊંચકનીંચક શું અસર કરે છે?
 • વ્યક્તિગત રીતે તે મને શું અસર કરે છે?
 •  બીજાંને તે શું અસર કરે છે?
 •  ઊંચકનીંચકની ભૂમિકા શી છે?
 • તેનું મહત્ત્વ શું છે?
 • આ ઊંચકનીચક કંઈ વધારે વ્યાપક હેતુ સારે છે?
 • ઊંચકનીચકના બન્ને અંતિમોને એક સાથે સિધ્ધ કરવા શક્ય છે?
 • બેમાં કોઈ પણ એક અંતિમ કરતાં પણ વધારે મહત્ત્વનું કંઈ છે?

ફોટો સૌજન્ય: Bigstock/MicroOne | Wax On, Wax Off the Seesaw


 •  અનુવાદક: અશોક વૈષ્ણવ, અમદાવાદ

બુધવાર, 13 સપ્ટેમ્બર, 2017

હીરોગીરીમાં અટવાયો - દેવદત્ત પટ્ટનાઈક • ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૩ ઓગસ્ટ,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ

 • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ Entrapped by Hero-giri, નો અનુવાદ