કેટલાક હિંદુઓ (દુર્ભાગ્યે) સંકુચિત નૈતિકતાવાદી હોય છે — જેઓ જાતીય બાબતોના ઉલ્લેખ માત્રથી પણ શરમ અનુભવે છે. તેઓ જાણે કે ' રાણી વિક્ટોરિયાના સંતાનો' હોય તેમ હજુ પણ ૧૯મી સદીમાં અટવાયેલા છે; તેઓ રાણી વિક્ટોરિયા સામે સાબિત કરવા મથે છે કે તેઓ સ્ત્રી - વિષયી, ભોગવિલાસના શોખીન કે કામુક હિંદુઓ નથી, પરંતુ 'મમ્મીના આજ્ઞાકારી દીકરા' છે જે સ્ત્રીઓને એવી દ્રષ્ટિથી જોતા નથી. તેમની માનસિકતા એવી રીતે ઘડાઈ છે કે તેઓ પોતાની વાસનાઓ માટે શરમ અનુભવે છે અને સ્ત્રીઓને સ્વતંત્ર જાતીય અસ્તિત્વ ધરાવતી વ્યક્તિ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે. તેથી, તેઓ હિંદુધર્મના એ તાંત્રિક પાસાને નકારે છે જેમાં દૈવી, સ્ત્રી-તત્વ, કેન્દ્રસ્થાને છે. તેના બદલે, તેઓ મધ્ય-અમેરિકન ખ્રિસ્તી કે મધ્ય-પૂર્વીય ઇસ્લામિક કટ્ટરપંથી જૂથોના દ્રષ્ટિકોણથી હિંદુધર્મને સમજાવવાનું પસંદ કરે છે; આવા જૂથોમાં જાતીયતાને પાપ (અને તેથી કામુકતાને અનિષ્ટ) માનવામાં આવે છે અને સ્ત્રીઓને શેતાનની દાસી ગણવામાં આવે છે (જેથી 'સ્વચ્છંદી' કે ' અનિયંત્રિત' બને તે પહેલાં તેમને કાબૂમાં રાખવી જરૂરી માનવામાં આવે છે).
બાકીના લોકો માટે, જેઓ દૈવી સ્ત્રી-તત્વને સહજપણે સ્વીકારે છે, તેમના માટે 'જોગણી' જ્ઞાનના તાંત્રિક અભિગમનું દ્વાર ખોલે છે. આ અભિગમ મીમાંસાની જેમ વિધિ-વિધાન દ્વારા, વેદાંતની જેમ બુદ્ધિ દ્વારા કે ભક્તિની જેમ હૃદય દ્વારા નહીં, પરંતુ શરીર દ્વારા — સંવેદનાઓના પ્રવાહ, આનંદ, પીડા અને તેનાથી જાગતી તીવ્ર અનુભૂતિઓ દ્વારા — પ્રાપ્ત થાય છે. જો મંત્રનો સંબંધ મન સાથે હોય, તો તંત્રનો સંબંધ શરીર (તન) સાથે છે. તેના ગૂઢ સ્વભાવને કારણે, તંત્ર હંમેશાં મુખ્ય પ્રવાહથી દૂર રહ્યું છે અને પોતાના વિચારો સંકેતોમાં રજૂ કર્યા છે. ગુરુ-શિષ્ય પરંપરામાં મૌખિક રીતે જ્ઞાનનું હસ્તાંતરણ વધુ પસંદ કરવામાં આવતું હતું (પ્રથમ તાંત્રિક ગ્રંથો લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યા હોવા છતાં, આ પરંપરા ઘણી જૂની છે).
પરંતુ પહેલા 'ડાકણ' (witch) શબ્દની વાત કરીએ.
'ડાકણ' અપમાનજનક શબ્દ છે. આ શબ્દ એવી એવી જાદુગરણી કે માયાવી સ્ત્રીનો ઉલ્લેખ કરે છે જે મંત્રો કે જાદુઈ પ્રયોગો દ્વારા ગર્ભપાત, બાળકોની માંદગી, રોગચાળો, વંધ્યત્વ, શરીરનું ક્ષીણ થવું અને નપુંસકતા જેવી વિવિધ સમસ્યાઓ સર્જે છે. (જોકે પુરુષ જાદુગરો પણ હોય છે).લોકો ડાકણના જ્ઞાનથી ડરતા હતા, પરંતુ સાથે સાથે દુશ્મનો સામે તેનો ઉપયોગ પણ કરતા હતા. 'વિચ' (witch) શબ્દનું મૂળ કદાચ પેગન (ખ્રિસ્તી ધર્મ પૂર્વેની) પરંપરાઓમાં હોઈ શકે છે; તે સંભવતઃ એવી સ્ત્રીઓ માટે વપરાતો હતો જેઓ ચિકિત્સા કરતી હતી અને સાજા કરવા કે નુકસાન પહોંચાડવા માટે જડીબુટ્ટીઓ અને ખનિજોનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતી હતી. તેઓ જંગલને દેવી મનાતી અને તેમના રહસ્યમય ચક્રોની સામે શરણાગતિ સ્વીકારતી. તેઓ મુખ્ય પ્રવાહના સમાજનો હિસ્સો બનવાનો ઇનકાર કરતી અને એકલા, પોતાના સમુદાયોમાં, રહેવાનું પસંદ કરતી; તેઓ લગ્ન સંસ્થા અને તેનાથી આવતા બંધનોને નકારી કાઢતી અને પુરુષોનો ઉપયોગ માત્ર પ્રેમી, મિત્ર કે સહાયક તરીકે કરતી. મુખ્ય પ્રવાહનો સમાજ આ જંગલવાસી સ્ત્રીઓથી ડરતો હતો, પરંતુ સાથે સાથે તેમનો આદર અને પૂજન પણ કરતો હતો.
'ડાકણ' શબ્દ કદાચ લોક-હિન્દુ અને તાંત્રિક બૌદ્ધ પરંપરામાં જોવા મળતા 'ડાકિની' કે 'દંકુની' જેવા શબ્દો પરથી આવ્યો છે. આ શબ્દો જંગલ સાથે સંકળાયેલી એવી જંગલી દેવીઓનો નિર્દેશ કરે છે જેઓ કામુક અને હિંસક હોય છે – જે શાંત, સંસ્કારી અને ઘરેલુ દેવીઓથી તદ્દન વિપરીત છે. આ સ્ત્રીઓ અને મુખ્ય પ્રવાહના સમાજ વચ્ચે હંમેશાં સ્પષ્ટ તણાવ રહેતો હતો. ખ્રિસ્તી ધર્મના ઉદય સાથે, આ સ્ત્રીઓનો વ્યવસ્થિત રીતે સંહાર કરવામાં આવ્યો.
આજે પણ, ભારતના ગ્રામીણ વિસ્તારોમાં, જાદુટોણાનો આરોપ મૂકીને સ્ત્રીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાની વાતો સાંભળવા મળે છે. ઇસ્લામિક સમુદાયોમાં, આ સ્ત્રીઓને ભયાનક 'જિન્ન' સાથે જોડવામાં આવતી હતી. વિક્ટોરિયન યુરોપમાં 'સક્ક્યુબી' (succubi) વિશેની વાર્તાઓ પ્રચલિત હતી, જે પુરુષોને લલચાવતી અને તેમની પુરુષશક્તિ છીનવી લેતી. કેરળમાં 'યક્ષિણી' વિશે પણ આવી જ વાર્તાઓ કહેવામાં આવે છે. શું યક્ષિણી એ જોગણીનું જ બીજું નામ હતું? આપણે માત્ર અનુમાન જ કરી શકીએ છીએ.
મને લાગે છે કે જોગણી એ યોગી કરતાં ઘણી અલગ હશે. યોગી પ્રકૃતિ અને સંસ્કૃતિ બંનેમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય છે. જોગણી પ્રકૃતિની ઉજવણી કરે છે. હું આ સત્ય બૌદ્ધ, હિન્દુ અને નાથ પરંપરાની કથાઓના આધારે કહું છું. બૌદ્ધ પરંપરાઓમાં વજ્ર-જોગણી જેવી દેવીઓનો ઉલ્લેખ જોવા મળે છે. તેઓ સ્પષ્ટપણે તાંત્રિક બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલાં છે. તેમને એક શક્તિશાળી, ઉગ્ર, સ્વચ્છંદ, કામુક અને હિંસક દેવી તરીકે કલ્પવામાં આવેલ છે; તેઓ મૃતદેહો પર નૃત્ય કરે છે. તેમના એક હાથમાં છરી તથા બીજા હાથમાં લોહીથી ભરેલ પાત્ર હોય છે; તે ઘણીવાર બોધિસત્વની ઉપર બિરાજમાન થઈ ને તેમની સાથે સંભોગ કરતી મુદ્રામાં દર્શાવવામાં આવે છે – તિબેટીયન બૌદ્ધ ધર્મમાં આ પ્રકારનાં ચિત્રો કે મૂર્તિઓને 'યબ-યુમ' (પિતા-માતા) તરીકે ઓળખવામાં આવે છે. શું આ દ્રશ્યોનો અર્થ શાબ્દિક રીતે લેવો જોઈએ? શું તે સ્ત્રીસહજ કરુણા અને પુરુષસહજ જ્ઞાનના આદિ મિલનનું પ્રતીક છે? કે પછી તે પુરુષોમાં કરોડરજ્જુમાંથી થઈને વીર્યના ઊર્ધ્વગમન માટેની ગુપ્ત તાંત્રિક ક્રિયાઓનું નિરૂપણ છે? આપણે માત્ર અનુમાન જ કરી શકીએ છીએ.
પરંતુ ઘણા તાંત્રિક સંપ્રદાયોમાં આ ક્રિયાઓ પ્રત્યે અખૂટ શ્રદ્ધા જોવા મળે છે. જો આ મૂર્તિઓ હિન્દુ ધર્મનાં દેવી કાલીની મૂર્તિની યાદ અપાવતી હોય, તો તેમાં નવાઈ નથી; કારણ કે તાંત્રિક બૌદ્ધ ધર્મ અને હિન્દુ શિવ-શક્તિ પરંપરાઓ વચ્ચે ઘણી સમાનતાઓ અને આદાનપ્રદાન રહેલું છે.
હિન્દુઓએ ૬૪ જોગણીઓના સમૂહ માટે ઓછામાં ઓછા ચાર મંદિરોનું નિર્માણ કર્યું હતું – બે ઓડિશામાં (હીરાપુર અને રાનીપુર-ઝરિયાલ ખાતે) અને બે મધ્ય પ્રદેશમાં (ખજુરાહો અને ભેડાઘાટ ખાતે). આ મંદિરોની વિશેષતા એ છે કે તે ગોળાકાર અને ખુલ્લા આકાશ નીચે (છત વિનાના) હોય છે, તથા પરિઘ પર સ્થાપિત ૬૪ જોગણીઓની મૂર્તિઓનું મુખ મંદિરના કેન્દ્ર તરફ હોય છે. હીરાપુરના મંદિરમાં તેમને વિવિધ વાહનો પર ઊભેલી અવસ્થામાં દર્શાવવામાં આવી છે.
રાનીપુર-ઝારિયાલમાં તેઓ નૃત્ય કરે છે; ભેડાઘાટમાં તેઓ બેસી રહે છે. તેમનાં નામો, પુરુષ દેવતાઓના સ્ત્રી-સ્વરૂપો (જેમ કે ઐન્દ્રી, વારાહી, વૈષ્ણવી) થી લઈને સ્વતંત્ર દેવીઓ (કાલી, છિન્નમસ્તા), કલ્યાણકારી દેવીઓ (લક્ષ્મી) અને અનિષ્ટકારી દેવીઓ (બિરુપા) સુધી, વિવિધ પ્રકારની સ્ત્રીઓનું નિરૂપણ કરે છે: તેમાં કેટલીક યુવાન છે તો કેટલીક વૃદ્ધ, કેટલીક મનોહર છે તો અન્ય ભયાનક. આમ, માત્ર સંસ્કૃતિની દૃષ્ટિએ 'યોગ્ય' ગણાતા સ્વરૂપો જ નહીં, પરંતુ સ્ત્રીત્વના સમગ્ર પરિમાણની અહીં ઉજવણી કરવામાં આવે છે. આજે આ પરંપરા બ્રહ્મચારી પુરુષ સાધુઓની ઉજવણી હેઠળ દબાઈ ગઈ છે, જેઓ સ્ત્રીત્વ સાથે જોડાયેલી તમામ બાબતોનો ત્યાગ કરવામાં આવેલ છે.
કેટલાક હિંદુઓ — ખાસ કરીને શહેરી વિસ્તારોના 'ઉચ્ચ' વર્ણના પુરુષો જેઓ ભારતમાં ડિગ્રી મેળવ્યા બાદ પશ્ચિમના દેશોમાં સ્થાયી થવાની મહત્વાકાંક્ષા રાખે છે — તેઓ આ કથાઓના અસ્તિત્વનો ઇનકાર કરે છે અથવા એવો દાવો કરે છે કે તે 'શુદ્ધ' હિંદુ ધર્મનો ભાગ નથી. જ્યારે મહિલા વિદ્વાનો (કદાચ મજાકમાં અથવા સાચા સંશોધનની ભાવનાથી) આ કથાઓ તરફ ધ્યાન દોરે છે અને પૈતૃક મનોદ્શાનાં તેમના કટ્ટરપંથી નૈતિકતાના ઊંચા આસન પરથી નીચે ઉતારે છે, ત્યારે તેઓ વિશેષ રોષ અનુભવે છે. આ એ જ પુરુષ-આક્રોશ છે જે આપણે ઇન્ટરનેટ પર સશક્ત અને સ્વતંત્ર નારીવાદીઓ (ફેમિનિસ્ટ્સ) વિરુદ્ધ જોઈએ છીએ.
જોગણી આપણને એ સમજાવે છે કે હિંદુ ધર્મ વિશાળ અને વિવિધતાપૂર્ણ છે; તે માત્ર પુરુષ કટ્ટરપંથી બ્રાહ્મણો અને સાધુઓનો જ ગઢ નથી. શું જોગણીને ભારત માતાના અન્ય એક સ્વરૂપ તરીકે જોવા માટે આપણે ટૂંકી દૃષ્ટિવાળી મનોદશા ધરાવતા આ પુરુષ વર્ગની પરવાનગીની જરૂર છે?
http://www.dailyo.in ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ- દેવદત્ત.કૉમ,પરના
અસલ અંગ્રેજી લેખ, Is
a yogini a female yogi, or a wild erotic witch? નો અનુવાદ | હિંદ પુરાણશાસ્ત્રવિદ્યા,

_1.jpg)


_-_Das_Schlaraffenland.jpg)