જ્યારથી અંગ્રેજો ભારતમાં
આવ્યા છે ત્યારથી હિંદુ ધર્મને સમરૂપ શબ્દોનો ઉપયોગ કરીને સમજાવવાની તાતી જરૂરિયાત
ઊભી થઈ છે. ઉદાહરણ તરીકે કૃષ્ણને લો. વિદ્વાનો તેમને એક જ અસ્તિત્વ તરીકે જોવા
માંગે છે જેની કથા જેમ બાઇબલમાં નવા કરારમાં ઈસુની કે હદીસમાં મુહમ્મદ પયગંબરની
કથાઓ કહેવાઈ છે તેમ કૃષ્ણની ભાગવત પુરાણમાં સ્પષ્ટ રીતે
કહેવામાં આવી છે.પરંતુ કૃષ્ણની શાબ્દિક સમજ હંમેશા અધૂરી રહેશે. કૃષ્ણની અનુભૂતિ
મંદિર સંસ્કૃતિના ભાગ એવી પુજારીઓ, મંદિરના સેવકો અને પેઢી દર
પેઢીભક્તો દ્વારા જેની વિગતો મૌખિક રીતે પ્રસારિત ધાર્મિક વિધિઓ અને તહેવારોમાં પણ
વણાયેલી છે. પરિણામે આસામમાં, કે ઓડિશામાં, કેરળમાં,
કે રાજસ્થાનમાં, અથવા ગંગાના મેદાનોમાં કહો કે
કૃષ્ણના મંદિરમાં જે અનુભવાય છે તેનો ગ્રંથો જે કહે છે તેનાથી તદ્દન મેળ ખાતો નથી.
હકીકત એ છે કે હિન્દુ માટે, હંમેશા 'અનુભૂતિ'
(અનુભવ) શાસ્ત્ર (લેખિત વિવરણો) શું કહે છે તે નહીં પણ જે છે તે જ
રહેશે.
રાજસ્થાનમાં ઉદયપુર
નજીકના નાથદ્વારા ખાતે શ્રીનાથજીના ઘરની મુલાકાત લેતી વખતે આ દૃષ્ટિકોણને ધ્યાનમાં
રાખવો જરૂરી છે. નોંધનીય છે કે મેં ઘર શબ્દનો ઉપયોગ કર્યો છે, મંદિર
નહીં. કારણ કે દેવતા 'મંદિર'માં નહીં
પણ 'હવેલી'માં બિરાજમાન છે. હિંદુ
મંદિરની લાક્ષણિકતા દર્શાવતા દેવતાનાં શિર પર પર કળશ સાથે અહીં કોઈ શિખર નથી. શા
માટે? આ બાબતનો સંબંધ મંદિરના ઇતિહાસ સાથે જોડાયેલ છે.
કૃષ્ણના બાળપણની વાર્તાઓ સાથે સંકળાયેલી પવિત્ર ભૂમિ વ્રજભૂમિમાં મથુરા નજીક ગોવર્ધન ટેકરી પર સૌપ્રથમ કૃષ્ણની એક છબીની પૂજા કરવામાં આવી હતી. સોળમી સદીમાં, મહાન વેદાંત વિદ્વાન, કૃષ્ણ-દેવ-રાયના દરબારમાંથી આવેલા વલ્લભાચાર્ય અહીં તીર્થયાત્રા પર આવ્યા અને માત્ર ઊંચા કરાયેલા હાથ જેટલી જ પ્રતિમા દેખાતી હતી, તે પહેલાં તો માત્ર એક સર્પ દેવતા જ માનવામાં આવતા હતા. વલ્લાભાચાર્યે તે 'નાગ'નું અર્થઘટન ઉંચા કરાયેલા હાથ તરીકે કર્યુ. તેમણે પ્રતિમાની આસપાસનો કાદવ દૂર કર્યો અને સંપૂર્ણ આકૃતિ પોતે જ પ્રગટ થઈ. એ આકૃતિમાં દેવતાની આંખો હોડી આકારની હતી, તેના ઉપરના હાથે, ગોકુલના રહેવાસીઓને આકાશ અને વરસાદના વૈદિક દેવ ઇન્દ્ર દ્વારા વરસાવાયેલ મુશળધાર વરસાદથી રક્ષણ આપતા ગોવર્ધન પર્વતને પકડી રાખ્યો હતો.
ભક્તો માટે, સાત
વર્ષના કૃષ્ણની છબી સ્વયંભુ (સ્વ-નિર્મિત) અને સ્વરૂપ (પોતાનું આગવું રૂપ) છે.
વલ્લભાચાર્યએ આ તસવીરનું નામ ગોપાલ રાખ્યું છે. વલ્લભાચાર્યના પુત્ર, વિઠ્ઠલનાથજી, જેમને ગુસાઈંજી તરીકે પણ ઓળખવામાં આવે
છે, તેમણે તેનું નામ બદલીને શ્રીનાથજી રાખ્યું, અને રાગ (સંગીત), ભોગ (ભોજન), વસ્ત્ર
(પોષાક) અને શૃંગાર (સૌદર્ય શણગાર) પર આધારિત વિસ્તૃત પૂજા પદ્ધતિની સ્થાપના કરી.
આનાથી દેવતા વિશ્વ-સ્વીકૃતિ પામનારા ભગવાનમાં પરિવર્તિત થયા. આ પુષ્ટિમાર્ગનો સાર
છે, જે સંસારના સુખોને ભગવાનની કૃપાના સ્વરૂપ તરીકે જુએ છે
અને ભગવાનની સાથે તેનો આનંદ માણે છે.
સત્તરમી સદી સુધી
ગંગાના વિસ્તારમાં આ મૂર્તિની પૂજા કરવામાં આવતી હતી, અને
પછી તેને મુગલ સમ્રાટ, ઔરંગઝેબનાં મૂર્તિ તોડો અભિયાનથી
બચાવવા માટે બળદગાડા પર રાજસ્થાન વિસ્તારમાં ખસેડવામાં આવી હતી. આર. એમ. ઈટનના
સાહિત્યની જેમ, આધુનિક ઐતિહાસિક વિદ્વતા ભારતના મુસ્લિમ રાજાઓના મૂર્તિભંગ આક્રમણને ઓછું મહત્ત્વ આપવાનો પ્રયાસ
કરે છે, અને દાવો કરે છે કે તે માત્ર 'રાજકીય'
અને 'વૈચારિક' નથી પરંતુ
ભારતની લોકકથાઓ અને ઘણી મંદિરોની માન્યતાઓમાં, તે આબેહૂબ યાદ
બની રહી છે. દેવતાને લઈ જતી ગાડી તે જગ્યાએ નરમ કાદવમાં ફસાઈ ગઈ હતી જેને આપણે હવે
નાથદ્વારા, ભગવાનનું પ્રવેશદ્વાર, તરીકે
ઓળખીએ છીએ.
કોઈનું ધ્યાન
આકર્ષિત ન થાય એટલે કોઈ મંદિર બનાવવામાં આવ્યું ન હતું. તેના બદલે દેવતાને એક
ઘરમાં સમાવી લેવાયા હતા. કોઈ પણ અન્ય ઘરની જેમ તેમની હવેલીમાં વિવિધ ઓરડાઓ છે જેમ
કે બેઠક (ડ્રોઇંગ રૂમ), રસોઇ-ઘર (રસોઇ), ફૂલ-ઘર
(ફૂલો માટે કોઠાર), દૂધ-ઘર (દૂધ માટે કોઠાર). ), મિશ્રી-ઘર (મીઠાઈ માટે કોઠાર), પાન-ઘર (પાન સોપારી
માટે કોઠાર), ગહના-ઘર (દાગીના માટે કોઠાર), ખરચા-ભંડાર (તિજોરી), ઘોડાઓ માટે તબેલા, અને ગળે ઘંટડી બાંધેલ સેંકડો ગાયો માટે ગમાણ, જેમનો
ભક્તો મન ભરીને ખવડાવી શકે છે અને કૃષ્ણના બાળપણને ઘડનાર ગ્રામીણ જીવનના આનંદનો
અનુભવ કરી શકે છે.
આ મંદિરને મેવાડના
રાજપૂતો દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું હતું અને ગુજરાતી વૈષ્ણવો દ્વારા આશ્રય
આપવામાં આવ્યો હતો, જેમાંના ઘણા વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓ હતા. શ્રીનાથજી દિવસમાં થોડી વાર પોતાના ભક્તો
સમક્ષ પોતાની જાતને રજૂ કરે છે. આ દર્શનોને ઝાંકી અથવા દૈવી જીવનની ઝલક કહેવામાં
આવે છે. જ્યારે પડદો ખૂલે થાય છે, ત્યારે દિવસમાં આઠ વખત
આપણે દેવતાને શણગારેલા જોઈએ છીએ. કપડાંનું પુનરાવર્તન થતું નથી, અને તે પહેરે છે તે કપડાંની એક સંપૂર્ણ શ્રેણી છે. જેમાં એક (મુઘલ
ઉમરાવોનો પોશાક) મુગલવેશ પણ છે, અને (સ્ત્રીને શોભાવે એવો
પોશાક)સ્ત્રી-વેશ પણ છે. પોષાક હંમેશા ચોક્કસ પૃષ્ઠભૂમિ સાથે રજૂ કરવામાં આવે છે,
જેમ કે મંચની પૃષ્ઠભૂમિ, પીછવાઈ કળા તરીકે
ઓળખાય છે, જેમાં વૃંદાવન અને મધુવનના વિસ્તૃત ચિત્રો,
મોર અને ગાય અને હરણ અને વરસાદી વાદળો અને કમળના ફૂલોની કળાત્મક
આકૃતિઓ હોય છે.
હવેલી સુધી લઈ જતી
સાંકડી ગલીઓમાં ચાના ગલ્લા છે જ્યાં આપણે લોકો એકબીજાને હવેલીની વાર્તાઓ કહી શકીએ
છીએ અને આ મુલાકાત દરમિયાન, દેવતાએ પહેરેલા પોષાકોમાંથી કેટલાંનાં
દર્શન કર્યાં છે તેની વાતો કહેતા જોઈ શકીએ છીએ. ગુજરાતી ઉદ્યોગપતિઓ ભારત અને
વિશ્વના દરેક ખૂણામાં સ્થિત છે તે ધ્યાનમાં લેતા, આપણે જેમને
મળીએ તેમની આંતરરાષ્ટ્રીય પસંદ - નાપસંદને અનુભવી શકાય છે. શ્રીનાથજી એ બધાને
પોતાની સંસ્કૃતિ સાથે જોડે છે. માનવાચક ભાવમાં, તેમને ફક્ત
ઠાકુરજી તરીકે ઓળખવામાં આવે છે, જે ઘરના અધિષ્ઠાતા છે.
હું એવા સમયે
પહોંચ્યો જ્યારે દર્શન કરવું શક્ય નહોતું. પરંતુ લાંબા અંતરની મુસાફરી કર્યા પછી, અને
ગોશાળામાં ગાયોને ખવડાવવાનો અનુભવ પછી, કમસે કમ હવેલી જોવાની
મેં ગાંઠ વાળી હતી. પણ, મારા આશ્ચર્ય વચ્ચે, મને કહેવામાં આવ્યું કે, ભગવાન હોળીના તહેવારોના
ભાગરૂપે આગલી રાત્રે મોડી રાત સુધી જાગ્યા હતા એટલે તે મોડેથી ઊંઘમાંથી જાગ્યા હતા
અને તેથી મોડેથી આવનારાઓને પણ દર્શન આપી રહ્યા હતા. મને આનંદ થયો. મંદિરની ધાર્મિક
વિધિઓ જ પાર્ટીમાં મોડે સુધી જાગે , અને બાળકની જેમ મોડેથી
સુધી ઉઠે એવાં જીવંત પ્રાણીમાં ભગવાનનું રૂપાંતર કરી શકે. માત્ર અમૂર્ત જ્ઞાન જ
નહીં, પરંતુ જો તમે પ્રદર્શન કલામાં ભાગ લેવા તૈયાર હો તો,
ભગવાન પુસ્તકોમાંથી કૂદી આવીને સંવેદનાત્મક અને ભાવનાત્મક અનુભવ બની
જાય છે.
- મુબઈ મિરરમાં ૨૯ મે, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Nathdwara God in the Haveli નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
·
અનુવાદકઃ
અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૨૦ નવેમ્બર ૨૦૨૪