બુધવાર, 31 માર્ચ, 2021

ન્યાયમાં આપણો વિશ્વાસ - દેવદત્ત પટ્ટનાઈક

 

આપણા દેશ પરનાં અંગ્રેજ શાસન દરમ્યાન બનેલી મોટા ભાગની અદાલતોમાં આંખે પાટા બાંધી, હાથમાં ન્યાયનું ત્રાજવું લઈને ઊભેલી એક સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર જરૂર જોવા મળશે. ન્યાયમૂર્તિની દેવીની આ કલ્પના હેસીઓડની ગ્રીક દેવોની વંશાવલી, થીઓગોની,માં ઝીઅસની દિકરી ડાઈક પર આધારીત છે. ડાઈક માનવ ન્યાય સાથે સંકળાયેલ છે, જ્યારે તેમની માતા થેમિસ દૈવી ન્યાય સાથે સંકળાયેલ છે. તેનાં કલાત્મક નિરૂપણોમાં તે હાથમાં ત્રાજવું પકડીને ઊભેલાં બતાવાય છે. તેમનાં રોમન સ્વરૂપ, જસ્ટિસિઆને આંખે પટ્ટી બાંધેલ બતાવવામાં આવે છે. તેમને ભલાં ભોળાં દેખાતાં, કુરૂપ એડીકીઆ (અન્યાય)ને ગળું દબાવી દેતાં અને લાકડીથી ફટકારતાં કે પોતાની તલવારથી મારી નાખતાં દેખાડાય છે. પૌરાણિક કથાનકો અનુસાર, જ્યારે કોઈ લડાઈઓ જ નહોતી એવા સુવર્ણ અને રૌપ્ય યુગમાં તેઓ માનવી સાથે રહેતાં હતા. પણ માણસ પર ધીમે ધીમે લોભ હાવી થતો ગયો, એટલે ન્યાય ભુલાતો ગયો. પરિણામે ડાઈક ત્યાંથી નાસી જઈને પોતાના પિતા પાસે, માઉન્ટ ઓલિમ્પસનાં ઊંચાં શિખરો પર, માનવ સમાજના ભ્રષ્ટાચારથી  દૂર, રહેવા ચાલ્યાં ગયાં.

જોકે ન્યાયને ત્રાજવાં સાથે સરખાવવાનો વિચાર તો બહુ જૂનો છે. તેનું મૂળ ઈજિપ્તનાં ન્યાયનાં દેવી માત અને પછીથી આઈસીસ સાથે જોડાય છે. માતના પિતા મૃત વ્યક્તિનાં હૃદયનું વજન કરીને નક્કી કરતા કે તે વ્યક્તિ ઑસાઈરિસમાં દાખલ થવા પાત્ર છે, કે પછી તેને મૃત્યુ પામ્યા પછીનાં જીવનનો લાભ ન મળવો જોઈએ અને સીધો દૈત્યોને ભક્ષ્ય તરીકે આપી દેવો જોઈએ. ન્યાય તોળવાનો આ વિચાર ઈજિપ્શીયન પુરાણોમાંથી ગ્રીક પુરાણોમાં આવ્યો અને ત્યાંથી પછી ખ્રિસ્તી પુરાણોમાં આવ્યો. એટલે ખ્રિસ્તી પુરાણોમાં  મહાદેવદૂત માઈકેલ ત્રાજવું પકડીને ઊભેલા જોવા મળે છે. પાપ મનનો ભાર વધારે છે, જેને પરિણામે પાપીને નર્કમાં સડવાનું આવે છે. પુણ્યશાળી સ્વર્ગમાં જાય છે.

જોકે, ભારતમં હવે આપણે ધીરે ધીરે એવું સ્વીકારતાં જઈએ છીએ કે તવંગર, પામતાં પહોંચતાં કે બહુખ્યાત  લોકો, 'સમરથકો નહીં દોષ' ના ન્યાયે મોટા ભાગે નિરપરાધી ઠરાવાય છે, અને સ્વર્ગમાં જવાનો દરવાજો તેમના માટે કાયમ ખુલ્લો હોય છે. એવું પણ મનાય છે કે, પુરાવાઓના થોકડે થોકડાઓ એવી રીતે ખડકીને, કિસ્સાની વિગતો કે તપાસની પ્રક્રિયામાં કોઈક ખામી બતાવીને, કે છેલ્લે શંકાનો લાભ આપીને પણ, ન્યાયાધીશ પણ તેમને નિર્દોષ જ ઠેરવે છે. જેમની પાસે આવાં સાધનો નથી તેમને આમાંનો કોઈ જ લાભ નથી મળતો. નીચલી અદાલતોના ચુકાદાઓને ઉચ્ચ ન્યાયાલયોમાં જે રીતે મનાઈ હુકમો મળે છે કે ફેરવી કઢાય છે તે જોઈને નીચલી અદાલતોના નાયાધીશો બહુ  જ નિરાશ પણ થતા હશે. એક રીતે આ એક પ્રકારની ન્યાયિક સામંતશાહી છે. પરંતુ અદાલતોની નિંદા કરવી એ તો ઈશ્વરની નિંદા કરવા સમાન છે, કેમકે અદાલતો અને ન્યાયિક તંત્રવ્યવસ્થા અબ્રાહમી પુરાણકથાઓની એ ધારણા પર રચાઈ છે  કે ઈશ્વરના અગ્નિ અને નર્કનાં અગ્નિનાં ઈંધણ (ગંધક)ના ભયથી લોકો ખોટું કરતાં ડરે છે, અને ઈશ્વર (અને ન્યાયાધીશો પણ) કદાપિ ખોટા ન હોય.

ઘણા પૌરાણિક સમાજોમાં ન્યાય કરતાં પહેલાં પુરુષ અને સ્ત્રીનાં સ્થાનનાં મહત્ત્વને અચુક ધ્યાનમાં લેવાતું, અને તેમ કરીને કિસ્સાનાં વ્યાપક સંદર્ભોને પણ ધ્યાનમાં લેવાતા. ઘણા સમાજમાં તવંગર વ્યક્તિ ગરીબ માણસને મારી નાખે તો એ તવંગર  વ્યક્તિને ફરજ પડાતી કે તે ગરીબ વ્યક્તિને મસમોટો દંડ ભરે. આમ વેરઝેરને વ્યાવહારિકતાથી ઢાંકી દેવાતું. મનુસ્મૃતિમાં સજા  કેટલી આકરી કરવી તે એ વ્યક્તિની જાત પર આધારિત રહેતું ઘણા સમાજમાં ન્યાયની કક્ષા નક્કી કરવાં સારાં અને ખરાબ કામોને પણ તોળવામાં આવતાં. જો ખોટાં કામો કરતાં સારાં કામો વધારે હોય તો સજા ઓછી થતી. તે જ રીતે જો ખોટાં કામો વધારે હોય તો સજા આકરી થાય. આવા હિસાબી લેખાંજોખાંની ન્યાયપધ્ધતિ હિંદુસ્તાન સહિત ઘણા સમાજમાં છે. હિંદુ માન્યતા મુજબ, યમના લેખાં અધિકારી ચિત્રગુપ્ત પુણ્ય અને પાપના હિસાબનો ચોપડો રાખે છે. કદાચ આ જ કારણે આપણે ત્યાં ખોટું કરનારાં ઈશ્વર અને મંદિરો પ્રત્યે વધારે , જાહેરમાં તો ખાસ, આસ્થા ધરાવે છે, જેથી કદાચ ન્યાય તોળવાના દિવસે ન્યાય તોળનાર પ્રામાણિકપણે ન્યાય કરવાને બદલે પ્રેમભાવથી વધારે દોરવાતા દેવદૂત બનવાનું વધારે પસંદ કરે.  એ સમયે પોલીસ અને આરોપીએ તો મોં વકાસીને તંત્ર પર ભરોસો મુકવાને કારણે મુર્ખા બની રહેવાનું જ અનુભવવાનું રહે છે.

 

  • મિડ ડે માં ૧૭ મે, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, In justice we trust નો અનુવાદ : અબ્રાહમી

બુધવાર, 24 માર્ચ, 2021

હબસીઓ (ને ગણતરીમાં લીધા) સિવાય (૧૯૩૯) - [૨] - જ્યોર્જ ઑર્વેલ

 બ્રિટિશ પોલીસની નોકરીમાં બ્રહ્મદેશના રહેવાસ દરમ્યાન સામ્રાજ્યવાદ અને ફાસીવાદ, કે /અને સ્પેનના આંતર વિગ્રહ દરમ્યાન આપખુદ સરમુખત્યારશાહી શાસનોને બહુ નજદીકથી જોયા પછી દરેક માણસ માટે સમાનાધિકારની સમાજવાદી ભાવના જ્યોર્જ ઑર્વેલમાં વધારે પ્રબળ બનવા લાગેલી.

આ બાબતે તેમના વિચારોની પ્રસ્તાવના તેમણે પ્રસ્તુત લેખના પ્રથમ હિસ્સામાં કરી જે આપણે આંશિક અનુવાદ []માં  વાંચી ગયા. હવે આંશિક અનુવાદ [૨]માં,  આ વિષય પરની કેટલીક નક્કર વિચારસરણીઓ વિશે પ્રકાશિત સાહિત્ય પરના તેમના વિચારો  દ્વારા,  તેઓ લેખને અંતે જે તારણ પર તેઓ પહોંચશે તેનો આધાર બનાવી રહ્યા છે.

[૨]


આ સંદર્ભમાં શ્રીમાન ક્લૅરંસ એ સ્ટ્રૈટનાં બહુ ચર્ચિત પુસ્તક ‘યુનિયન નાઉ’ની વાત કરવી યોગ્ય બની રહેશે. ‘પીસ બ્લૉક’ના સમર્થકોની જેમ, શ્રી સ્ટ્રૈટ પણ લોકશાહીઓ સરમુખત્યારશાહી સામે એકઠી થાય એમ ઈચ્છે છે. જોકે તેમનું પુસ્તક આ સિવાય બીજી બે બાબતોની દૃષ્ટિએ ખાસ છે.પહેલી વાત તો એ કે તેઓ બીજા કરતાં ઘણા આગળ જાય છે અને એક એવી યોજના રજૂ કરે છે જે થોડી ચોંકાવનારી હોવા છતાં રચનાત્મક પણ છે. બીજી બાબત એ કે ૧૯૨૦ના દાયકાનાં અમેરિકન ભોળપણ જેવાં હોવા છતાં તે તેમના વિચારો ઠીક ઠીક સુગઠિત છે. યુદ્ધનો વિચાર તમને ખરેખર ઘૃણાસ્પદ જણાય છે. વળી તેઓ ધરાર એવા આડંબરનો આંચળો ઓઢીને એવું નથી માનતા કે બ્રિટનના પ્રભાવમા આવતાંવેંત કોઈ પણ દેશ લોકશાહીને સ્વીકારી લે. એમનું પુસ્તક એક પ્રકારે પરીક્ષણ માટેનો મુદ્દો રજૂ કરે છે, જેમાં તમને ઘેટાં અને બકરાંનો સિદ્ધાંત તેની ચરમસીમાએ જોવા મળશે. તમે જો તેને એ સ્વરૂપમાં નહી સ્વીકારી શકો તો ડાબેરીઓ જે સ્વરૂપમાં રજૂ કરી રહ્યા છે તે તો તમને કદાપિ સ્વીકાર્ય નહીં બને.

શ્રી સ્ટ્રૈટની રજૂઆતને સંક્ષિપ્તમાં આ રીતે કહી શકાય. તેઓએ જે પંદર દેશો ગણાવ્યા છે તેમણે સ્વૈચ્છિક રીતે એકઠા થઈને, કોઈ સંધ કે જોડાણ નહીં પણ, યુ એસ એ જેવું સમવાય એકજૂથ તંત્ર બનાવવું જોઈએ, જેની એક સર્વસામાન્ય સરકાર હોય, સર્વસામાન્ય ચલણ હોય, અને સંપૂર્ણપણે મુક્ત આંતરિક વેપાર હોય. તેઓ જે પહેલાં પંદર રાષ્ટ્રો ગણાવે છે તેમાં યુ એસ એ, ફ્રાંસ, ગ્રેટ બ્રિટન, બ્રિટીશ તાજનાં સ્વાયત્ત સંસ્થાનો અને યુરોપની નાની લોકશાહીઓ હોય, એમાં તેમણે ત્યારે હજૂ સ્વતંત્ર રાષ્ટ્ર હતું તે ચેકોસ્લોવાકીઆને બાકાત રાખેલ છે. પછી જેમ અન્ય રાષ્ટ્રો પોતાને આ વિચાર માટે યોગ્ય સાબિત કરતાં જાય તેમ તેમ તેમને પણ તેમાં પ્રવેશ આપી શકાય. આ આખા પ્રસ્તાવમાં એટલું અભિપ્રેત જ રહ્યા કરે છે કે સમવાય રાષ્ટમાં પ્રવર્તતાં શાંતિ અને સમૃદ્ધિ બીજાં રાષ્ટ્રોને પણ તેમાં જોડાવા પ્રેરણા આપશે.

આ તબક્કે એ વાતની નોંધ લેવી જોઈએ કે શ્રી સ્ટ્રૈટની યોજના દેખાય છે એટલી દીર્ધદૃષ્ટા નથી, તેઓ જે કહે છે તે આમ પણ થવાનું નથી કેમકે સદહેતુ ધરવાતા સાહિત્યકારો જે બાબતની હિમાયત કરે તે બહુધા થતું નથી હોતું. વળી, એ યોજનામાં એવી પણ કેટલીક મુશ્કેલીઓ છે જેની શ્રી સ્ટ્રૈટ ચર્ચા જ નથી કરતા, પણ એવી ઘટનાઓનું થવું તે બહુ સંભવિત છે. ભૌગોલિક સ્તરે, યુ એસ એ અને પશ્ચિમી યુરોપની લોકશાહીઓ ગ્રેટ બ્રિટન કરતાં એક એકમ તરીકે વધારે નજદીક છે. તેમનો મોટા ભાગનો વેપાર એકબીજાં સાથે છે, પોતાને જે કંઈ જોઈએ છે તે પોતાના જ પ્રદેશમાંથી જ તેઓ મેળવી લે છે, અને શ્રી સ્ટ્રૈટ જેમ સુચવે છે તેમ, કદાચ, તેમની સામુહિક તાકત એટલી બધી થશે કે, યુ એસ એસ આર અને જર્મની મળીને પણ વિચારે તો પણ તેના પર હુમલો કરવો એ આકાશકુસુમવત ખયાલ બની રહી શકે. તો પછી આ યોજનામાં મૂળભૂત કહી શકાય એવી ખામી કઈ કહી શકાય ? એમાં એવું કંઈ શુ રંધાતું હોઈ શકે જેની વાસ આવી શકે? અને વાસ આવે છે તે તો નિશ્ચિત જ છે.

તેમાંથી જે વાસ આવે છે તે, હંમેશની જેમ, મિથ્યાડંબર અને પોતે જ સારા અને સાચા છે તેવાં મિથ્યાભિમાનની છે. શ્રી. સ્ટ્રૈટ પોતે આડબર નથી ધરાવતા, પરંતુ તેમનું દીર્ઘદર્શન સીમિત છે. બકરાં અને ઘેટાંઓની તેમની યાદી પર જ નજર કરો. બકરાંની તેમની યાદી (જર્મની, ઈટલી, અને જાપાન) વિશે કોઈ વાંધો ઉઠાવી શકાય તેમ નથી. એ બધાં તો બેશક બકરાં જ છે, અને પાછા નર બકરા પણ છે જ. પણ તેમની ઘેટાંઓની યાદી! બહુ ધારી ધારીને ન જોઈએ તો યુ એસ એ તો તપાસમાં લગભગ તો પાર ઉતરી જાય. પણ ફ્રાંસનું શું? અને ઈંગ્લેંડ? તો પછી બેલ્જીયમ અને હૉલેંડનું શું? તેમની જ વિચારસરણીના અન્ય વિચારકોની જેમ સ્ટ્રૈટ પણ, ટાઢે કોઠે, મસમોટાં બ્રિટિશ અને ફ્રેંચ સામાજ્યોને પણ લોકશાહીઓના શીર્ષક હેઠળ ગોઠવી દે છે, જ્યારે વાસ્તવમાં તો એ ગોરેતર શાસિત પ્રજાનું સસ્તી મજૂરી માટે શોષણ કરવાના ઢાંચા માત્ર છે.

+     +      +     +

ગોરેતર પ્રજાનું સામ્રાજ્યશાહી દ્વાર થતું શોષણ એ જ્યોર્જ ઑર્વેલને ખરેખર ચુભતો મુદ્દો છે, જેના વિશે તેમના વિચારો આ લેખના ત્રીજા આંશિક અનુવાદમાં હવે પછી સમજીશું..

                                                               +     +      +     +

  • જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Not Counting Niggers નો આંશિક અનુવાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

બુધવાર, 17 માર્ચ, 2021

ગ્રાહકનાં શરીરનું સ્થાપત્ય - દેવદત્ત પટ્ટનાઈક

ભાત ભાતની વસ્તુઓ અને સેવાના રચીયિતાઓને  એ જાણવા કે સમજવામાં રસ હોય  છે કે માનવ શરીર જુદા જુદા પ્રકારનાં ઉત્તેજનાપ્રેરક પરિબળોને કેવો પ્રતિભાવ આપે છે. કોઈ જાહેરાત જોવા (કે કુદાવી જવા) તે કેમ પ્રેરાય છે, કે કોઈ પૉસ્ટ જોઈને તે 'લાઇક'નું બટન શા માટે દબાવે છે. તેમાં પણ એ કોઈ પણ વસ્તુને 'ખરીદવા'નો  નિર્ણય કેમ (લઈ) લે છે તે તો અનેક સંશોધનોનો વિષય રહેતો હોય છે, કારણ કે કોઈ પણ વસ્તુનો (સંભવીત) ખરીદનાર તો એક માનવી જ છે. કોઈને એક ચીજ ગમે છે અને બીજાંને તે જ ચીજ નથી ગમતી એનું કારણ જો સમજાય તો તેનું પરિણામ એક ટંકશાળ ખોલવામાં આવે.

ફેસબુકનાં 'લાઈક' બટનનો જ દાખલો લઈએ. 'અનલાઈક' બટન કેમ નહીં બનાવાયું હોય? યુ ટ્યુબમાં થમ્બ્સ અપ અને 'થમ્બસ ડાઊન' એમ બન્ને સ્પષ્ટ વિકલ્પ છે, તો ફેસબુકમાં 'લાઈક' જ કેમ હશે? જો કોઈએ કંઈ ન ગમતું લખવું હશે તો તેણે આખી 'કોમેન્ટ' લખવાની મહેનત કરવી પડશે. એટલે ફેસબુકના રચીયિતાઓએ એવી વ્યવસ્થા કરી કે ગમતો પ્રતિભાવ ઓછામાં ઓછી મહેનતથી આપી શકાય અને ન ગમતું લખવા માટે સારી એવી મહેનત કરવી પડે. આમ કરવાથી સકારાત્મક પ્રતિભાવો નોંધાવાની શક્યતા વધી જાય છે. આનું કારણ એ કે એ લોકોએ સંશોધનો વડે, કે પછી પોતાની સૂઝ વડે, એવું શોધી કાઢ્યું છે કે નેટ પર કંઈ પણ મુકનાર  પોતાનાં એ 'સર્જન' પોતાની પ્રતિકૃતિ માને છે. એટલે જેટલાં વધારે લોકોને તે ગમે, એટલો વધારે તેમને ભાવનાત્મક રીતે હકારાત્મક સધિયારો, ઉર્જા, મળે છે. ફેસબુક લોકોની એ જરૂરિયાત પુરી કરે છે. ફેસબુકની જબરદસ્ત લોકપ્રિયતાનું આ એક મહત્ત્વનું કારણ હોઈ શકે છે.

ભારતીય તત્ત્વજ્ઞાનનો સંબંધ માનવીનાં તન કરતાં મન સાથે વધારે છે. યુરોપનાં તવજ્ઞાનને જેમ વિશ્વનાં 'સત્ય' વિષે ઊંડો સંબંધ છે તેમ ભારતીય તત્ત્વજ્ઞાનને માનવી ને દુનિયાનો 'અનુભવ' કેવો છે તેની સાથે વધારે સંબંધ છે. એટલે માનવ તન અને મન કોઈ પણ ઉત્તેજનાપ્રેરક પરિબળને કેવો પ્રતિસાદ આપશે એ વિશે માનવ રચનાનાં સ્થાપત્ય વિશે અનેક ચર્ચાઓ થતી રહે છે. શરીરને મનનાં વિસ્તરણ તરીકે જોવામાં આવે છે. ઈન્દ્રિયોને વિશ્વમાં ફેલાયેલ ઉત્તેજનાઓનું ચરામણ તરીકે જોવામાં આવે છે. આપણે વિશ્વને જેના થકી અનુભવીએ છે તે માધ્યમ માટે આટલો બધો લગાવ  હોવો એ ભારતીય વિચારસરણીની ખાસિયત છે. વિભાગો કે વર્ગીકરણો કે પારિભાષિક સંજ્ઞાઓ જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મ કે હિંદુ ધર્મમાં અલગ અલગ હોઈ શકે છે, પરંતુ મૂળભૂત તત્વો બધાંમાં અચલ છે. વિચાર ધારાઓ પૂર્ણતઃ ભૌતિકવાદીથી લઈને આધ્યાત્મિક કે આસ્તિકતા સુધી લઈને ઉચ્ચ મનોવૈજ્ઞાનિક સ્તરની હોઈ શકે છે.

મૂળ તફાવત પોતાની આસપાસની દુનિયાને અનુભવી ન શકતી અજીવ વસ્તુઓ અને પોતાની આસપાસ વસતી વસ્તુઓને અનુભવી શકતી સજીવ હસ્તીઓનો છે. આ તફાવતનું કારણ અંદર રહેલાં જીવન સાથે સંબંધ ધરાવે છે. એ જીવન ભુખ લગાડે છે, ભય પેદા કરે છે, જેને પરિણામે સજીવ હસ્તીઓ સંવેદના અનુભવતી જ્ઞાન-ઈન્દ્રિયો વડે ખોરાક શોધે છે કે ભયનું નિવારણ કરવા ઉપાયો વિચારે છે તેમજ ભૂખ કે ભય ને દૂર કરવા કર્મ-ઈન્દ્રિયો વડે ક્રિયા કે પ્રતિક્રિયા કરે  છે. બધી જ સજીવ હસ્તીઓમાં ઓછા વધારે પ્રમાણમાં વિકસેલ આ ઈન્દ્રિયો હોય છે તેના વડે તે પોતાનું જીવન ટકાવી રહેવા પ્રયતનશીલ રહે છે. ઉચ્ચ કક્ષાનાં સજીવો અનુભવી (ચિત્ત) શકે છે અને બુદ્ધિપૂર્વક (બુદ્ધ) નિર્ણયો કરી શકે છે. માનવીને આ બધાં ઉપરાંત કલ્પના શક્તિ મળી છે, એટલે તે વિચાર (માનસ) પણ કરી શકે છે.

વનસ્પતિ ભયથી દૂર નથી ભાગી શકતી એટલે કે તે હલનચલન નથી કરી શકતી -અચર- સજીવ હસ્તીઓ છે, જ્યારે પ્રાણીઓ હલનચલન કરી શકે છે એટલે તે ચર સજીવો છે. માનવીની કલ્પનાશક્તિ તેનું એવું ખાસ પ્રાણી બનાવે છે જેને કારણે તે તેને ઈન્દ્રિયોથી થતી અનુભૂતિઓથી અલગ અવનવી વાસ્તવિકતાઓ ઘડી કાઢી શકે છે. વનસ્પતિ કે પ્રાણીનું જીવન તેમની આસપાસની પરિસ્થિતિઓનાં સચોટ મૂલ્યાંકન પર નિર્ભર છે. જ્યારે માનવી તેની આસપાસની વસ્તુઓને એક નવું જ, તે કુદરતી રીતે છે તેના કરતાં કંઈક અલગ જ,  મૂલ્ય પ્રદાન કરી શકે છે. જેમકે,  પથ્થરને દૈવી સ્વરૂપ પણ આપી શકે અને હથિયાર પણ બનાવી શકે. હથિયાર  તરીકે પથ્થરનો ઉપયોગ તેનું અમુક અંશે કુદરતી મૂલ્ય કહી શકાય પણ દૈવી સ્વરૂપ જેવું તો કુદરતમાં કઈ છે જ નહી. મનુષ્ય પોતપોતાની આસપાસની વસ્તુઓનો અર્થ ખોળીને પોતાને માટે અર્થ નિશ્ચિત કરે છે. તે જાણવા માગે છે કે તે શું છે અને શા માટે છે. તેને પોતની ઓળખની ખેવના છે. બીજાં પ્રાણીઓમાં આવી ખેવના નથી હોતી. એમને તો એટલું જાણવામં રસ હોય છે તેમની આસપાસ શિકારી છે કે પ્રતિસ્પર્ધી છે, કે સાથીદાર છે કે પછી ખોરાક છે. જો આમાનું કંઈ જ ન હોય તો પછી તેમને કોઈ વધારે રસ નથી રહેતો.  પરંતુ માણસને તો ફેસબુક પરની પોસ્ટથી લઈને તેની આસપાસનું બધું જ પોતાને ભાવનાત્મક રીતે પોષણ આપનારૂં (કે ન આપનારૂં) જ દેખાય છે.

કુદરતી વિશ્વની સરખામણીમાં ઉત્તેજનાપ્રેરક પરિબળો માટેના માનવ પ્રતિભાવો બહુ સંકુલ અને આગાહી ન કરી શકાય એવા હોય છે, જે રચીયિતાઓ માટે બહુ મોટા પડકાર બની રહે છે. આપણે માત્ર પીડામાંથી છૂટકારો કે આનંદ જ નથી ઈચ્છતાં, આપણને તો કંટાળામાંથી પણ મુક્તિ અને સતત ભાવનાત્મક પોષણ પણ જોઈએ છે. જે વેબસાઈટ્સ કે સામાજિક માધ્યમો આપણી આ અપેક્ષાઓ પૂરી નથી કરતાં, કે જે આપણને ઉપયોગી નથી જણાતાં કે આપણને આપણી જાત વિષે સારૂં સારૂં નથી લગાડતાં,  તેનાથી આપણે દૂર રહીએ છીએ.  શબ્દોનાં વિવિધ અર્થઘટનો કે રંગવર્ણ  વિશેની માન્યતાઓ વગેરે વિશેનાં આપણા સાંસ્કૃતિક સાંસ્કૃતિક પૂર્વાગ્રહો અને પૂર્વધારણાઓ આ જટીલતામાં ઉમેરો કરે છે. માનવીની આચારવિચાર સંહિતાઓ ભલે મર્યાદિત હશે, પણ સાંસ્કૃતિક  સંહિતાઓ તો પાર વગરની હોય છે. સરવાળે, આપણે એવાં જ ઉત્પાદનો, સેવાઓ કે વિચારો પસંદ કરીએ છીએ જે આપણને આપણી સગવડ અનુસાર સાર્થક જણાય.

  • ધ ઈકોનોમિક ટાઈમ્સ માં ૧૫ મે, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Architecture of the Customer’s Body નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

બુધવાર, 10 માર્ચ, 2021

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત : મૅક્લ્યોડનું સ્તરીકરણનું મૉડેલ

 સ્તરીકરણ – બધાં પ્રાણીઓ સરખા છે પણ થોડાં વધારે સરખાં છે – એ સભ્ય સમાજની એક જૂનામાં જૂની વ્ય્વસ્થા છે. વધારે સક્ષમ, અને / કે વધારે નસીબદાર લોકો ઉપલબ્ધ સંસાધનો પર વધારે અંકુશ ધરાવે છે. તેને પરિણામે જે લોકો પાસે ઓછાં સંસાધનો (તેમના અંકુશમાં) હોય  છે તેમના પર આ લોકોનો વધારે પ્રભાવ બની રહે છે. સમય જતાં આ પ્રભાવ સત્તાનું સ્વરૂપ લેતો જાય છે.

૨૦૦૪માં કાર્ટુનિસ્ટ હ્યુઘ મેક્લ્યોડે ‘કંપની સ્તરીકરણ’ નામનું એક સીધુંસાદું કાર્ટુન પ્રસ્તુત કર્યું.



પહેલી નજરે આ મૉડેલ ક્લિષ્ટ પારિભાષિક શબ્દોનો વપરાશ કરતી કોઈ એક નવી સૈધ્ધાંતિક શબ્દજાળ જેવું દેખાય છે. એટલે આ પારિભાષિક શબ્દોને સમજવા માટે આપણે બીજા એક લેખ[1] ની મદદ લઈએ -

કોર્પોરેટ મનોરોગી (નામ) – જેની વ્યાવસાયિક વર્તણૂકમાં નૈતિકતાનો અભાવ છે અને જે દોલત, સત્તા કે નામના કમાવા માટે જોડતોડ કે ખેલના આટાપાટાનાં આયોજનમાં કાર્યકુશળ છે  એવી વ્યક્તિ.

મનોરોગી એવા પ્રકારનો રમતવીર છે છે પોતાની રમતનું સ્તર સુધારવા ડ્ર્ગ્સ લેતાં ખચકાય નહીં, તેને કોઈપણ ભોગે જીતવું જ હોય છે – અને તે માટે તે ગમે તે કરવા તૈયાર હોય છે. મનોરોગી પણ જોડ-તોડ કે બીજાંનું નીચે દેખાડીને પોતાનું લક્ષ્ય પૂરૂં કરે છે. તે પોતાની લક્ષ્યસિધ્ધિ માટે હઠાગ્રહ કહી શકાય તેટલી મહેનત કરી / કરાવી શકે છે. એક તબક્કે તેનાં લક્ષ્ય - અને સંસ્થા સુધ્ધાં – કરતાંપણ પોતાનો અહં કે પોતાનો અંગત સ્વાર્થ તેના માટે વધારે મહત્ત્વનાં બની જાય છે.

કોર્પોરેટ હારખાઊ (નામ) – તે પોતાનાં કામમાં કાર્યક્ષમ તેમ જ વ્યાવસાયિક બાબતોમાં નીતિવાન છે અને જાણે છે કે કોપોરેટ નેતૃત્વ (મનોરોગીઓ) જરૂર પડ્યે નૈતિકતા બાજુએ મુકી શકે છે. કોર્પોરેટ હારખાઊ પોતાની સંસ્થાને વફાદાર નથી કેમકે તેને ખબર છે સંસ્થા તેના તરફ કેટલી વફાદાર છે. જોકે પોતેજ પેદા કરેલ ભય, કે આળસ કે સર્જનાત્મકતાના અભાવને કારણે અંતરાત્માના અવાજને કચડી નાખતી નોકરી તે છોડતો નથી.

આ વર્ગનાં લોકો પિરામિડનાં તળિયે તુટતાં રહે છે તેમાં કંઈ આશ્ચર્ય નથી. જોકે વાસ્તવિક જગત કાયમ આવું રહેતું નથી. તેની વાત અલગથી કરીશું.

કોર્પોરેટ સૂઝવિહોણું (નામ) – સસ્થાને વફાદાર, સંસ્થાની બેવફાઈથી બિલકુલ બેખબર. તે હંમેશાં તેના ઉપરીએ સુચવેલ દિશા જ અનુસરશે અને એ મનોરોગી નેતૃત્વ તેની નોંધ લે છે તે માટે ગર્વ અનુભવે છે. મનોરોગીઓ અને હારખાઉઓ વચ્ચે તે સંવાદનાં અવાહક સ્તરીકરણને વિસ્તારતું ક્ષેત્ર છે. જ્યારે કંઈ પણ ખોટું થાય ત્યારે મનોરોગીઓ તેને સહેલાઈથી બલિનો બકરો બનાવી શકે છે  

સૂઝબુઝવિહોણાઓ મનોરોગીઓના બે બાજુએથી હાથા બની શકે છે:

પહેલું, તેમની વફાદારી તેમને બલિના બકરા બનાવવા માટે સગવડરૂપ નીવડે છે. દોષનો ટોપલો પહેરી લેવાની તેમની કચાશને કારણે મનોરોગીઓ, પોતાની આબરૂને જોખમમાં મુક્યા સિવાય જોખમો ખેડી શકે છે.

બીજું, સુઝબુઝ વગરનાંઓ હારખાઉઓ અને મનોરોગીઓ વચ્ચે ઢાલ બની બેસે છે. બન્ને બાજુએથી જે કોઈ તીર છૂટે, તે આ લોકો પોતાના પર ઝીલી લે. મનોરોગીઓને તો તેને કારણે પાણી પાઈને તેલ કાઢવાની સગવડ મળીજાય છે. તો ,હારખાઉઓ આ ખેલને સમજે છે, એટલે આવું થાય ત્યારે રોષે પણ ભરાય છે. પણ એ લોકો જઈને વરાળ કાઢે સુઝબુઝવાળાંઓ પર. સુઝબુઝવાળાઓએ તો આંખે વફાદારીના ડાબલા બાંધી લીધા હોય, હારખાઉઓની લાગણી મનોરોગીઓને એ જ ભાવનાથી પહોંચાડે નહીં, હારખાઉઓ, વરાળ કાઢીને ઠંડા પડી જાય અને ‘એ લોકો તો છે જ એવા’ કહીને પોતાનો માર્ગ ખોળી લે.

મેકલ્યોડ મૉડેલનાં આવા નકારાત્મક જણાતાં વર્ગીકરણ શીર્ષકોને કારણે આ મૉડેલની ઉપયોગીતાને ઓછી આંકી બેસાશે એવું લાગતું હોય તો, વિકલ્પે, આપણે જેનાથી ટેવાયેલાં છીએ એવાં શીર્ષકો પણ આપી શકાય, જેમ કે, અનુક્રમે. ‘આત્મશ્રદ્ધાવાન અગ્રેસર’, ‘બેહિસાબ વફાદાર’ અને ‘નીતિવાન કમરતોડ મહેનતુ’.

કમનસીબે, પીટર સિદ્ધાંતની જેમ જ સ્તરીકરણનું મૅક્લ્યોડ મૉડેલ પણ નરી વાસ્તવિકતા છે.

આ કક્ષાઓની બહાર વિચારી શકવાને જે ક્ષમતા ધરાવી શકે છે તે ‘કોર્પોરેટ સજાગ’ની કક્ષાએ પહોંચે છે.

કોર્પોરેટ સજાગ (નામ)નેતૃત્ત્વ અને ચાતુર્ય બાબતે ક્ષમતાવાન, સંભાવિત નિષ્ફળતાઓને ગણતરીમાં લઈને જોખમ ખેડવાની આવડત અને તૈયારી ધરાવનાર, પોતાનાથી ઉપરનાં સમોવડીયાં કે નીચેનાં પ્રત્યે સમજણપૂર્વકની સહાનુભૂતિ ધરાવનાર વ્યક્તિ. વેપાર જગતની વાસ્તવિકતાઓ અને રાજકારણને સમજે અને જરૂર પડ્યે, નૈતિકતાની સીમામાં રહીને, સંસ્થાના ફાયદા માટે તેનો ઉપયોગ કરતાં તે ખચકાય નહી. અને સૌથી વધારે મહત્ત્વની બાબત એ કે તે સમજે છે કે પોતાને સંસ્થાની જેટલી જરૂર છે, તેનાથી વધારે જરૂર સંસ્થાને તેની છે.

ડેનીઅલ મિસલર[1]  મેકલ્યોડ દ્વારા પ્રયોજિત ત્રણ પારિભાષિક શબ્દપ્રયોગો માટે અનુક્રમે રાજાઓ, ઋષિઓ અને ગતિપ્રેરક ચક્રના દાતાઓ શબ્દપ્રયોગો સુચવે છે.

વ્યવહારિક જીવનમાં એમ પણ જોવા મળે છે કે જો તમારે આમાંના કોઈપણ ક્ષેત્રમાં ઉપરની કક્ષા તરફ જવું હશે કે આ ભવાટવિમાંથી બહાર નીકળવું હશે તો એવી ક્ષમતા વિકસાવવી પડાશે કે જે તમને વર્તમાન  ભ્રમણકક્ષામાંથી તમે જે ધારો છો તે ભ્રમણકક્ષામાં લઈ જઈ શકે તેટલો નિષ્ક્રમણ વેગ (escape velocity) પુરો પાડે. જો કંઇ જ કર્યા વગર જ્યાં છીએ ત્યાં જ પડી રહેવાની ‘અક્ષમતા’ દાખવીશું તો ગુરુત્વાક્ર્ષણનું બળ આપણને નીચેની કક્ષાએ જ ખેંચી જશે..

જે લોકો અત્યારે અગ્રણી તરીકેનાં સ્થાન પર છે, અથવા તો એ સ્થાન પર પહોંચવા માગે છે, તેમણે, બ્રિટનના બહુખ્યાત પ્રધાનમંત્રી બેંજામીન ડીઝરાયલી કહે છે તેમ, પોતાની ઉપરવાળાંઓ કે સહયોગીઓએ કે નીચેનાં માટે સારાં સંવેદનશીલ સહાનુભૂતિપૂર્વકની સમજણ ધરાવનાર બનવાની સાથે સાથે એક સારા કસાઈ પણ થવું જોઈશે.[2] 

બે ઘોડા પર સવારી કરવા જેટલું મુશ્કેલ છે આ કામ. એટલે જ કહેવાય છે ટોચનાં સ્થાન પર બહુ એકલતા હોય છે. અનુભવાતીત નેતૃત્વની કક્ષાએ પહોંચવું અને ત્યાં બની રહેવું નટબજાણીયાનો એવો ખેલ છે જેમાં તેને ધ્ગધગતાં દોરડાં પર ‘સંવેદનશીલતા’ અને ‘ભાવશૂન્ય લક્ષ્યાભિમુખ કસાઈપણાં’ વચ્ચે સંતુલન જાળવવાનું છે.

પીટર સિધ્ધાંતની જેમ કટાક્ષમય શૈલીમાં રજૂ કરાયેલ મેક્લ્યોડ સ્તરીકરણ મોડેલે પણ મૅનેજમૅન્ટ સાહિત્યમાં તેમજ જાણકારોમાં રમૂજ સાથે જ્ઞાન આપતી અનેક અર્થપૂર્ણ ચર્ચાઓને વહેતી કરી છે.

[2] Who are you, anyway? 

શુક્રવાર, 5 માર્ચ, 2021

૧૦૦ શબ્દોની વાત : અદૃશ્ય સાંકળો

 તન્મય વોરા

સર્કસમાં વર્ષોથી રિંગ માસ્ટરની નજર હેઠળ તાલીમ પામેલો સિંહ તેમના ઈશારે દહાડતાં દહાડતાં પોતાની અસલી ડણક ભુલી ચૂક્યો હતો. તે ઘરડો થયો એટલે તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો. અહીં તેનો સામનો સાચા સિંહો સાથે થયો. તેમને જોતાં જ તે ડરીને ભાગ્યો. રસ્તામાં એક કૂવો આવ્યો. તેમાંથી પાણી પીવા તેણે ડોકું નાખ્યું. પોતાનું જ પ્રતિબિંબ જોયું  ત્યારે તેને સમજાયું કે તે પણ સિંહ જ છે !

લોખંડની સાંકળો તો દેખાય, પણ ભૂતકાળના અનુભવો, આપણી માન્યતાઓ અને માની લીધેલ મર્યાદાઓની માનસિક સાંકળો દેખાતી નથી. નવું જાણવાની / અનુભવવાની જિજ્ઞાસા અને જીવનપર્યંત નવું શીખવાની ધગશ મનના કુવામાં ડોકીયું કરાવડાવીને જાત સાથે ઓળખાણ કરાવે છે.

– – – – – 

તન્મય વોરાના, QAspire.comપરના લેખ  ”In 100 Words: Invisible Chains"નો અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ


બુધવાર, 3 માર્ચ, 2021

લો, નારદજી પધાર્યા - દેવદત્ત પટ્ટનાઈક

 

દરેક માનવી (સંસ્કૃતમાં, નર)નાં બે પાસાં હોય છે : પોતે શું છે અને તેની પાસે શું છે. પોતે જે છે તે 'નારાયણ' કહેવાય છે અને તેની પાસે જે છે તે 'નારાયણી' કહેવાય છે. નારાયણ માનવીનું સત્ય છે, તો નારાયણી એ સત્ય (સાચવવા) માટેનું પાત્ર છે. આપણે શેનાથી આકર્ષાઈએ છીએ - પાત્રતા, (નારાયણ) થી કે પાત્ર (નારાયણી)થી? આપણે આપણાં સૌંદર્ય, બુદ્ધિ અને સંપત્તિથી કંઈક અધિક છીએ એવું જાણવા છતા, આપણે દરેક માનવીનું મૂલ્યાંકન આ ત્રણ વસ્તુઓથી જ કરીએ છીએ. માનવીની એ કરૂણતા છે કે નારાયણીની પાછળ ભમવામાં તે નારાયણને ભુલી બેઠો છે. માણસને આ મૂળભુત વાત યાદ કરાવવી એ ખટપટિયા મનાતા ઋષિ નારદનું જીવનકાર્ય છે. 

નારદના જન્મની પુરાણકથા અનુસાર જ્યારે તેમનું સર્જન બ્રહ્માની કલ્પનામાંથી થયું ત્યારે તેઓ બધાંને દુનિયાનો ત્યાગ કરીને સાધુ બની અને બધી દુન્યવી બાબતોથી મુક્તિ મેળવી લેવાનું કહેવા લાગ્યા. એટલે દક્ષ, કે અમુક લોકોનાં કહેવા અનુસાર બ્રહ્મા એ જ, તેમને શ્રાપ આપ્યો કે તેમને કદાપિ મુક્તિ નહીં મળે. તેઓ દેવો, અસુરો. માનવોની દુન્યવી બાબતોમાં જ ગુંચવાયેલા રહેશે  એટલે, હવે તેઓ નારાયણ નારાયણનું રટણ કરતાં કરતાં, નારાયણી માટે ઝઘડાઓ કરાવતા ચારે તરફ ભ્રમણ કરતા રહે છે.

પ્રશિષ્ટ પરંપરા મુજબ, નારદ સંગીતજ્ઞ તરીકે અને વિષ્ણુના ભકત તરીકે, ત્રણેય વિશ્વમાં  ભજન ગાતાં ગાતાં. ભક્તિ માર્ગનાં ગુણગાનનો પ્રસાર કરતા રહે છે. લોકગીતો અને પરંપરાગત નાટકોમાં નારદનો પ્રવેશ મુશ્કેલીઓનું આગમનની છડી પોકારે છે. બ્રહ્માના પુત્ર એવા ઋષિ નારદ માનવો , દેવો અને દાનવોનાં ત્રણેય ભુવનમાં ભમતા રહે અને અહીનું જોયેલુ ત્યાં કહેતા રહીને જાણ્યેઅજાણ્યે મુશ્કેલીઓનાં વડાં પીરસતા જતા રહે છે.

નારદને સમજવા માટે તેઓ જે ઝઘડાઓ કરાવતા રહે છે તે ઝઘડાઓને સમજવા જરૂરી છે. તેઓ જ્યારે એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે કરે છે તેમાંથી ઝઘડા પેદા થાય છે. તેઓ એક વેપારીને જઈને કહે કે પેલો વેપારી તો તમારા કરતાં વધારે સમૃધ્ધ છે, અને તેની પ્રશંસા પણ વધારે થાય છે.  એક નર્તકીને જઈને તેઓ કહે કે પેલી નર્તકી વધારે સુંદર છે અને વધારે સારૂ નૃત્ય પણ કરે છે. એક વિદ્વાનને જઈને કહે કે પેલો વિદ્વાન વધારે બુદ્ધિશાળી  છે, તેનાં વધારે સંશોધન પત્રો પ્રકાશિત થતાં રહે છે. વળી એ વિદ્યાર્થીઓમાં વધારે લોકપ્રિય પણ છે અને  પાછો સારૂં કમાય તો છે જ. આવી આવી સરખામણી થાય, તો પછી ઝઘડા જ થાય ને !

અધુરાંપણાં, અસલામતી અને ઇર્ષાની ભાવના પેદા કરતી વાતો દ્વારા નારદ લોકોનાં મનમાં અનેક જાતની કલ્પનાઓના ઘોડા છૂટા મુકી દે છે.  કયા માપદંડથી સરખામણી કરાઈ રહી છે તેના પર સરખામણીનો આધાર છે. એટલે જે માપી શકાય તે જ ઝઘડા માટેનું કારણ બની શકે છે. નારાયણી  સ્થૂળ,ભૌતિક છે અને તેથી માપી શકાય તેમ છે, એટલે કે તે અમુક ચોક્કસ સ્વરૂપ ધરાવતી, મૂર્ત, સગુણ વસ્તુ છે. નારાયણ આધ્યાત્મિક છે અને તેથી માપી શકાય તેમ નથી, એટલે કે તે કોઈ જ દેખીતા સ્વરૂપ વિનાની, અમૂર્ત, નિર્ગુણ વિભાવના છે.

આધુનિક મૅનેજમૅંટ અને જાહેર માધ્યમો  જેનાથી પોરસાય છે તેવી ભૌતિક અને માપી શકાય તેવી બાબતો પર આપણું ધ્યાન કેંદ્રીત થતું હોય છે, જેમાંથી પછી સરખામણી થવા લાગે છે છે, જે આગળ જતાં ઝઘડા પેદા કરે છે. નારાયણીની પકડમાંથી છૂટવા માટે આપણે નારાયણને આપણો સંદર્ભ બનાવવો જોઈએ, સરખામણી કરવાનું બંધ કરી દેવું જોઈએ અને આપણે જે, અને જેવાં, છીએ તેનો સ્વીકાર કરીને, તેને સૌથી વધુ સુખદ અનુભૂતિ કેમ બનાવી શકાય તેના પર ધ્યાન આપવું જોઈએ. નારદ આ  વાત જ કહેવા મથતા રહે છે, પણ તેમનું કોઇ સાંભળતું જ નથી.

જાણ્યેઅજાણ્યે ઊભા થયેલા વિખવાદ પછી તે તો પોતાના તંબુર પર ‘નારાયણ, નારાયણ’નો જાપ કરતા આગળ વધે છે. તેમના મોં પર માનવીની કલ્પી જ શાય તેવી મુર્ખામીઓ વિશે ચિંતિત હાસ્ય હોય છે. તેમના થકી ઊભાં થયેલ બખડજંતર વિશે તેમણે કદી (ક્રૂર) આનંદ નથી અનુભવ્યો કે નથી કદી તેનો ફાયદો ઉઠાવ્યો. તેમને હંમેશાં એ જ આશા રહેતી આવી છે આ બધા અનુભવોમાંથી માનવી આ જન્મે નહીં તો આવતા જન્મોમાં તો જરૂર કંઈ શીખશે.

  • મિડ ડેમાં ૧૦ મે, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Here comes Narada નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા